Revised Common Lectionary (Semicontinuous)
અયૂબનો જવાબ
23 ત્યારે અયૂબે જવાબ આપ્યો કે,
2 “આજે પણ મારી વાણીમાં ફરિયાદ અને કડવાશ છે.
કારણકે હું હજી પણ પીડા સહન કરું છું.
3 હું ઇચ્છું છું, હું જાણતો હોત, હું દેવને ક્યાં શોધી શકીશ.
હું તેના સ્થાને આવી શકત!
4 હું મારી દલીલો દેવને સમજાવીશ.
મારી નિર્દોષતા બતાવવા મારું મોઢું દલીલોથી ભરેલું હશે.
5 મારે જાણવું છે, દેવ મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે.
મારે દેવના જવાબો સમજવા છે.
6 શું દેવ તેની શકિતનો મારી સામે ઊપયોગ કરશે?
ના, હું જે કઇં કહું તે જરૂર સાંભળશે.
7 હું એક પ્રામાણિક માણસ છું. દેવ મને મારી દલીલો કહેવા દેશે.
પછી મારો ન્યાયાધીશ મને મુકત કરશે.
8 “પણ હું પૂર્વમાં આગળ વધું છું અને એ ક્યાંય જડતાં નથી.
હું પશ્ચિમમાં જોઉં છું અને એ ક્યાંય નજરે પડતા નથી.
9 જ્યારે દેવ ઉત્તરમાં કામ કરે છે તે ત્યાં દેખાતા નથી.
જ્યારે દેવ દક્ષિણ તરફ ફરે છે તે ત્યાં પણ દેખાતા નથી.
16 દેવે મારું મન નબળું પાડી દીધું છે.
એમાં સર્વસમર્થ દેવે ડર પેસાડી દીધો છે.
17 મારી સાથે બનેલા દુષ્ટ બનાવો મારું મુખ ઢાંકતા કાળા વાદળ જેવા છે.
પણ તે અંધકાર મને ચૂપ રહેવા દેશે નહિ.
નિર્દેશક માટે. ઢાળ: “પરોઢનું હરણ.” દાઉદનું ગીત.
1 હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે?
મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો?
શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
2 હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું,
પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી.
હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.
3 દેવ, તમે પવિત્ર છો.
તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો.
4 અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો.
અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા.
5 જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યાં.
તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા.
6 હું માણસ નથી પણ માત્ર કીડો છુ.
સમગ્ર માનવ જાત મારો તિરસ્કાર કરે છે.
અને મને તુચ્છ ગણે છે.
7 જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે.
અને તેઓ મો મરડી-ડોકું ધુણાવી ને કડવી વાણી બોલે છે.
8 તેઓ મારી મશ્કરી કરતાં કહે છે,
“તે જરૂર તને ઉગારશે કારણ
તે તને ખૂબ પસંદ કરે છે.”
9 હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી.
તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા.
હું જ્યારે મારી માતાને ધાવતો હતો
ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો.
10 હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું.
મારા બાળપણથી જ તમે મારા દેવ છો.
11 તમે મારાથી જરાય આઘા ખસશો નહિ કારણ મારા માથે સંકટ આવ્યુ છે.
અને મને સહાય કરે તેવું મારી સાથે કોઇ નથી.
12 ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે.
બાશાનના આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.
13 જેમ ફાડી ખાનાર તથા ગર્જના કરતો સિંહ પોતાના શિકાર પર આક્રમણ કરે છે,
તેમ તેઓ પોતાના મોં ખુલ્લા રાખીને મારી તરફ ધસી આવે છે.
14 જેમ પાણી વહી જાય તેમ,
મારી શકિત પણ ચાલી ગઇ છે.
જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે,
તેમ મારું હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.
15 મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડાં જેવુ સુકું થઇ ગયું છે;
મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે;
અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.
12 કેમ કે દેવનો શબ્દ જીવંત છે અને ક્રિયાશીલ છે. બેધારી તરવાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્માને જુદા પાડે છે. સાંધા અને મજ્જાના બે ભાગ કરે છે. અને આપણાં હ્રદયના ઊંડા વિચારોનો ન્યાય કરે છે અને હ્રદયના વિચારો અને ભાવનાઓને પારખનાર છે. 13 આ દુનિયામાં દેવથી કશું જ છુપાવી શકાતું નથી. તે સઘળું સ્પષ્ટ જોઈ શકે છે. તેની સમક્ષ બધુંજ ઉઘાડું છે. અને તેથી આપણે આપણાં બધા જ કૃત્યોનો હિસાબ તેની સમક્ષ આપવો પડશે.
ઈસુ આપણને દેવની સમક્ષ જવામાં મદદ કરે છે
14 દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રમુખ યાજક છે. જે આપણને મદદ કરવા અર્થે તે આકાશમાં ગયેલો છે. તેમનો વિશ્વાસ કરવામાં આપણે જે વિશ્વાસનો પૂરેપૂરો સ્વીકાર કરીએ છીએ તેને દઢ પણે ચાલુ રાખવો જોઈએ. આપણે કદી પાછા ન પડીએ. 15 ઈસુ, પ્રમુખ યાજક આપણી નિર્બળતાઓ સંપૂર્ણ રીતે સમજે છે, કારણ કે તે પૃથ્વી પર જીવ્યો છે, અને આપણા પર આવે છે તેવા સર્વ પરીક્ષણોમાંથી પસાર થયો છે, તેણે કદી પાપ કર્યુ નથી. 16 તેથી હિંમતપૂર્વક આપણે દેવના કૃપાસન સુધી પહોંચીએ જ્યાં કૃપા પ્રાપ્ત થઈ શકે તેમ છે. ત્યાં આપણને દયા અને કૃપાની જ્યારે જરુંર હોય છે ત્યારે મદદમાં મળે છે.
એક ધનવાનની ઈસુને અનુસરવાની ના
(માથ. 19:16-30; લૂ. 18:18-30)
17 ઈસુએ વિદાય થવાની શરુંઆત કરી. પરંતુ એક માણસ દોડતો આવ્યો અને ઈસુની આગળ તેના ઘૂંટણે પડ્યો, તે માણસે પૂછયું, “ઉત્તમ ઉપદેશક, અનંતજીવન મેળવવા મારે શું કરવું જોઈએ?”
18 ઈસુએ ઉત્તર આપ્યો, “તું મને ઉત્તમ શા માટે કહે છે? કોઈ વ્યક્તિ ઉત્તમ નથી. ફક્ત દેવ જ ઉત્તમ છે. 19 પણ હું તારા પ્રશ્નનો ઉત્તર આપીશ. તું આજ્ઞાઓ જાણે છે: ‘તારે કોઈનું ખૂન કરવું જોઈએ નહિ, તારે વ્યભિચારનું પાપ કરવું જોઈએ નહિ, તારે ચોરી કરવી જોઈએ નહિ, તારે તારા માબાપને માન આપવું જોઈએ.’(A)”
20 તે માણસે કહ્યું, “ઉપદેશક, હું બાળક હતો ત્યારથી આ બધી આજ્ઞાઓનું પાલન કરું છું.”
21 ઈસુએ તે માણસ સામે જોયું. ઈસુને તેના પર હેત આવ્યું. ઈસુએ કહ્યું, “તું એક વાત સબંધી અધૂરો છે. જા અને તારી પાસે જે બધું છે તે વેચી નાખ. પૈસા ગરીબ લોકોને આપ. તને આકાશમાં તેનો બદલો મળશે. પછી આવ અને મને અનુસર.”
22 ઈસુને આમ કહેતા સાંભળીને તે માણસનો ચહેરો ફીક્કો પડી ગયો. અને તે વિદાય થયો. તે માણસ દુ:ખી હતો કારણ કે તે ઘણો પૈસાદાર હતો અને તેના પૈસા રાખવા ઈચ્છતો હતો.
23 પછી ઈસુએ તેના શિષ્યો તરફ જોયું અને તેઓને કહ્યું, “ધનવાન વ્યક્તિઓ માટે દેવના રાજ્યમાં પ્રવેશવું ઘણું મુશ્કેલ હશે!”
24 ઈસુએ જે કહ્યું તેથી શિષ્યો આશ્ચર્યચકિત થયા. પણ ઈસુએ ફરીથી કહ્યું, “મારાં બાળકો, દેવના રાજ્યમાં પ્રવેશવું તે ઘણું કઠિન છે! 25 અને પૈસાદાર માણસો માટે દેવના રાજ્યમાં પ્રવેશવું તે ઘણું મુશ્કેલ બનશે. સોયના નાકામાંથી પસાર થવું ઊંટના માટે સહેલું બનશે!”
26 તે શિષ્યો વધારે નવાઇ પામ્યા હતા અને એકબીજાને કહ્યું, “તો કોણ તારણ પામી શકે?”
27 ઈસુએ શિષ્યો તરફ જોયું અને કહ્યું, “આ કઈક એવું છે જે લોકો તેમની જાતે કરી શકે નહિ, તે દેવ પાસેથી આવવું જોઈએ. દેવ બધી વસ્તુઓ કરી શકે છે.”
28 પિતરે ઈસુને કહ્યું, “અમે તને અનુસરવા બધુંજ છોડી દીધું!”
29 ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, પ્રત્યેક વ્યક્તિ જેણે તેનું ઘર, ભાઈઓ, બહેનો, મા, પિતા, બાળકો અથવા ખેતરોને મારી સુવાર્તા માટે છોડ્યા છે, 30 તેઓએ જેટલું છોડ્યું છે તેના કરતાં સોગણું વધારે મેળવશે. અહીં આ દુનિયામાં તે વ્યક્તિ વધારે ઘરો, ભાઈઓ, બહેનો, મા, પિતા, બાળકો અથવા ખેતરો મેળવશે અને તે વસ્તુઓ સાથે તે વ્યક્તિની સતાવણી થશે. પણ આવનાર દુનિયામાં તેને બદલો મળશે. તે બદલો અનંતજીવન છે. 31 ઘણા લોકો જેની પાસે હાલમાં ઊંચામાં ઊંચી જગ્યા છે, તેમની પાસે ભવિષ્યમાં નીચામાં નીચી જગ્યા હશે. અને જે લોકો પાસે હાલમાં નીચામાં નીચી જગ્યા છે તેઓ ભવિષ્યમાં ઊંચામાં ઊંચી જગ્યા મેળવશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International