Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. ઢાળ: “પરોઢનું હરણ.” દાઉદનું ગીત.
1 હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે?
મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો?
શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
2 હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું,
પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી.
હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.
3 દેવ, તમે પવિત્ર છો.
તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો.
4 અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો.
અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા.
5 જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યાં.
તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા.
6 હું માણસ નથી પણ માત્ર કીડો છુ.
સમગ્ર માનવ જાત મારો તિરસ્કાર કરે છે.
અને મને તુચ્છ ગણે છે.
7 જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે.
અને તેઓ મો મરડી-ડોકું ધુણાવી ને કડવી વાણી બોલે છે.
8 તેઓ મારી મશ્કરી કરતાં કહે છે,
“તે જરૂર તને ઉગારશે કારણ
તે તને ખૂબ પસંદ કરે છે.”
9 હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી.
તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા.
હું જ્યારે મારી માતાને ધાવતો હતો
ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો.
10 હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું.
મારા બાળપણથી જ તમે મારા દેવ છો.
11 તમે મારાથી જરાય આઘા ખસશો નહિ કારણ મારા માથે સંકટ આવ્યુ છે.
અને મને સહાય કરે તેવું મારી સાથે કોઇ નથી.
12 ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે.
બાશાનના આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.
13 જેમ ફાડી ખાનાર તથા ગર્જના કરતો સિંહ પોતાના શિકાર પર આક્રમણ કરે છે,
તેમ તેઓ પોતાના મોં ખુલ્લા રાખીને મારી તરફ ધસી આવે છે.
14 જેમ પાણી વહી જાય તેમ,
મારી શકિત પણ ચાલી ગઇ છે.
જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે,
તેમ મારું હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.
15 મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડાં જેવુ સુકું થઇ ગયું છે;
મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે;
અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.
સોફાર નાઅમાથીનો પ્રત્યુતર
20 પછી નાઅમાથી સોફારે પ્રત્યુત્તર આપ્યો:
2 “હવે હું અકળામણ અનુભવું છું
અને જવાબ આપવાને અધીરો બની ગયો છું.
3 તમે તમારા જવાબોથી અમારું અપમાન કર્યું! પણ હું ચાલાક છું
અને તને કેવી રીતે જવાબ આપવો તે જાણું છું.
4 “શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી
5 દુષ્ટ લોકોની કીર્તિ ક્ષણભંગુર છે,
તથા નાસ્તિકનો આનંદ ક્ષણિક છે?
6 એનું ઘમંડ ભલેને આકાશ જેટલું ઉંચુ થાય,
એનું મસ્તક ભલેને વાદળોને આંબી જાય;
7 પણ એ પોતાના જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે.
જેમણે એને જોયો છે તેઓ પૂછે છે; ‘તે ક્યાં છે?’
8 સ્વપ્નની જેમ તે અદ્રશ્ય થઇ જશે.
રાત્રિના સંદર્શનની જેમ તે અદ્રશ્ય થઇ જશે.
9 જેણે તેને જોયો હતો, તે તેને ફરી કદી જોઇ શકશે નહિ.
તેનું કુટુંબ તેની સામે ક્યારેય નહિ જોવે.
10 દુષ્ટ માણસનાં સંતાનો એ ગરીબ પાસેથી જે
લીધું હતું તે પાછું આપશે.
11 તે જ્યારે જુવાન હતો, તેના હાડકા મજબૂત હતા.
પણ તેના બાકીના શરીરની જેમ, તેઓ ધૂળમાં મળી જશે.
12 “તેણે પોતાની દુષ્ટતાના સ્વાદમાં આનંદ માણ્યો છે.
દુષ્ટતાને તેણે પોતાના મુખમાં ધીમે ધીમે ઓગળવા દીધી છે.
13 દુષ્ટ માણસ અનિષ્ટ ને માણે છે.
તે તેનાથી છૂટવા માગતો નથી.
તે તેના મોઢામાં સાકરના ટૂકડા જેવું છે.
14 પરંતુ તેનાં પેટમાં એ અનિષ્ટ ઝેરમાં બદલાઇ જશે.
તે તેની અંદર કડવા ઝેર જેવું થઇ જશે, સાપના ઝેર સમાન.
15 એણે જે ધનસંપતિ ગળી ગયો છે તે એણે ઓકી નાખવી પડે છે.
દેવ એનાં પેટમાંથી એ કઢાવે છે.
16 એણે જે શોષી લીધું હતું તે સાપનું ઝેર હતું.
સાપનો એ ડંખ એને મારી નાંખે છે.
17 તેણે હડપ કરી લીધેલી વસ્તુઓ તેને આનંદ આપશે નહિ,
તેને દૂધ અને મધની નદીઓનો આનંદ મળશે નહિ.
18 એણે મહેનતથી જે મેળવ્યું છે તે ભોગવ્યાં વિનાજ એને પાછું આપવું પડશે.
જે ધનસંપતિ એ કમાયો છે તે એ માણી શકશે નહિ.
19 કારણકે એણે ગરીબોને રંજાડ્યાં છે ને તરછોડ્યાં છે,
બીજાના બાંધેલા ઘર પચાવી પાડ્યાં છે.
20 “તે કદી ધરાયો નથી.
તેની ધનસંપતિ તેને બચાવી શકશે નહિ.
21 તે જ્યારે ખાય છે, કાંઇ બાકી રહેતું નથી.
તેની સફળતા સતત રહેતી નથી.
22 એ સિદ્ધિના શિખરે હશે ત્યારે જ આફતો તેને હંફાવશે.
તેની આફતો સંપૂર્ણ શકિત પૂર્વક તેના ઉપર ઊતરી પડશે.
23 જ્યારે તેનું પેટ તેને જે જોઇએ છે તેનાથી ભરાયું હશે,
દેવ તેની સામે ભભૂકતા ક્રોધનો વરસાદ વરસાવશે.
દેવ તેના પર સજાનો વડસાદ વરસાવશે.
24 જો એ લોઢાની તરવારમાંથી છટકી જશે તો
કાંસાનું બાણ એને વીંધી નાખશે.
25 તેના પેટમાંથી બાણ આરપાર નીકળી જશે,
અને પીઠમાંથી ભોંકાઇને બહાર આવશે.
તેની ચળકતી ધાર તેના પિત્તાશયને વીંધી નાખશે.
તે ભયથી આઘાત પામશે.
26 તેનો ખજાનો અંધકારના ઊંડાણમાં ખોવાઇ જશે.
પ્રચંડ અગ્નિ કે જેનો કોઇ માનવે આરંભ કર્યો નથી.
તેના માલ સામાનનો નાશ કરશે અને તેનું જે કાંઇ બાકી છે તે સર્વ ભસ્મીભૂત થઇ જશે.
27 આકાશ તેનો ગુનો ઉઘાડો પાડશે;
પૃથ્વી એની વિરુદ્ધ સાક્ષી પૂરશે.
28 જે દિવસે દેવનો પ્રકોપ ફાટી નીકળશે તે દિવસે ધસમસતાં
પૂરમાં એનાં ઘરબાર તણાઇ જશે.
29 દેવ દુષ્ટ લોકોને આ પ્રમાણે કરશે અને આ એજ છે
જે તે તેમને આપવાની યોજના કરે છે.”
દેવની આજ્ઞા અને મનુષ્યએ બનાવેલ નિયમો
(માર્ક 7:1-23)
15 પછી કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ યરૂશાલેમથી ઈસુની પાસે આવ્યા અને તેઓએ પૂછયું. 2 “તારા શિષ્યો આપણા પૂર્વજોએ નક્કી કરેલા રીતરિવાજોનું પાલન કેમ નથી કરતાં? તેઓ ખાતા પહેલા તેમના હાથ કેમ ધોતા નથી!”
3 ઈસુએ કહ્યું, “તમારા રીતરિવાજોનું પાલન કરવા માટે તમે દેવની આજ્ઞાનું પાલન કરવાની શા માટે ના પાડો છો? 4 દેવે તો કહ્યું હતું કે, ‘તું તારા પિતા તથા તારી માનું સન્માન કર.’(A) અને દેવે એમ પણ કહ્યું હતું કે ‘જે પોતાના પિતા તથા માનું અપમાન કરે છે તેને અવશ્ય મારી નાખવો જોઈએ.’(B) 5 પણ તમે એમ કહો છો કે કોઈ વ્યક્તિ તેના પિતા કે માને એમ કહી શકે; ‘તમને મદદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું જે કાંઈ મારી પાસે છે, તે દેવને અર્પણ કરવામાં આવ્યું છે. તેથી તમારી મદદ નહિ કરી શકું.’ 6 આમ તમે પોતાના બાપનું કે માતાનું સન્માન નહિ કરવાનું શીખવો છો. એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે. આ રીતે તમે બતાવો છો કે પૂર્વજોએ બનાવેલા રીતરિવાજોનું પાલન કરવું વધારે મહત્વનું છે. 7 તમે દંભી છો! તમારા વિષે યશાયાએ જે ભવિષ્યવાણી કરી છે, તે સાચી છે:
8 ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે,
પરંતુ તેઓનાં હૃદય મારાથી ઘણાં દૂર છે.
9 તેઓની મારા તરફની ભક્તિ નકામી છે.
તેઓ દેવની આજ્ઞાઓને બદલે માણસોએ બનાવેલા નિયમોનો ઉપદેશ આપે છે.’”(C)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International