Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. ઢાળ: “પરોઢનું હરણ.” દાઉદનું ગીત.
1 હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે?
મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો?
શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
2 હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું,
પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી.
હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.
3 દેવ, તમે પવિત્ર છો.
તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો.
4 અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો.
અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા.
5 જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યાં.
તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા.
6 હું માણસ નથી પણ માત્ર કીડો છુ.
સમગ્ર માનવ જાત મારો તિરસ્કાર કરે છે.
અને મને તુચ્છ ગણે છે.
7 જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે.
અને તેઓ મો મરડી-ડોકું ધુણાવી ને કડવી વાણી બોલે છે.
8 તેઓ મારી મશ્કરી કરતાં કહે છે,
“તે જરૂર તને ઉગારશે કારણ
તે તને ખૂબ પસંદ કરે છે.”
9 હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી.
તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા.
હું જ્યારે મારી માતાને ધાવતો હતો
ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો.
10 હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું.
મારા બાળપણથી જ તમે મારા દેવ છો.
11 તમે મારાથી જરાય આઘા ખસશો નહિ કારણ મારા માથે સંકટ આવ્યુ છે.
અને મને સહાય કરે તેવું મારી સાથે કોઇ નથી.
12 ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે.
બાશાનના આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.
13 જેમ ફાડી ખાનાર તથા ગર્જના કરતો સિંહ પોતાના શિકાર પર આક્રમણ કરે છે,
તેમ તેઓ પોતાના મોં ખુલ્લા રાખીને મારી તરફ ધસી આવે છે.
14 જેમ પાણી વહી જાય તેમ,
મારી શકિત પણ ચાલી ગઇ છે.
જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે,
તેમ મારું હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.
15 મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડાં જેવુ સુકું થઇ ગયું છે;
મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે;
અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.
બિલ્દાદ શૂહીનો જવાબ
18 એટલે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો કે,
2 “અયૂબ, તું ક્યાં સુધી આમ શબ્દોને પકડવા જાળ ફેલાવ્યા કરીશ?
સમજદાર થા, પછી અમે તારી સાથે વાત કરીએ.
3 તમે અમને શા માટે ઢોર જેવા ગણો છો?
અને શા માટે અમને મૂર્ખ માનો છો?
4 અયૂબ, તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે.
શું તારા માટે લોકોએ પૃથ્વી છોડીને જવું?
શું તમે વિચારો છો કે માત્ર તમારા સંતોષ માટે દેવ પર્વતોને હલાવશે?
5 “હા, દુષ્ટ લોકોનું તેજ બહાર ચાલ્યું જશે.
તેનો અગ્નિ બળતો બંધ થઇ જશે.
6 તેના પ્રકાશિત ઘરમાઁ અંધારૂ થશે.
તેની પાસેનો દીવો હોલવાઇ જશે.
7 તેનાં મજબૂત પગલાં નબળાં પડી જશે.
તેની અનિષ્ટ ઇચ્છાઓ તેને નીચે પાડશે.
8 તે ફાસલામાં ચાલે છે;
તેના પગ એમાં ફસાઇ જાય છે.
9 ફાસલો તેના પગની પાની પકડી લે છે,
એના પાશમાં તે જકડાઇ જાય છે.
10 જમીન પર જાળ સંતાઇને પડી હશે,
તેનાં માર્ગમાં એ પાથરેલી હશે.
11 એની ચારેકોર ભય તેની પર ત્રાટકવા ટાંપી રહ્યાં છે.
દરેક પગલું તેની પાછળ તે ભરે છે.
12 ભૂખથી તેનું બળ ક્ષીણ થઇ જશે.
વિનાશ તેને નીચો પાડવાં રાહ જોઇને ઊભા હોય છે.
13 ભયંકર બિમારીઓ તેની ચામડીને કોરી ખાશે.
એના હાથ, પગ કોહવાઇ જશે.
14 એ જે ઘરમાં નિરાંતે જીવે છે એમાંથી એને બહાર ખેંચી કાઢવામાં આવે છે
અને એને ભયના રાજાની હાજરીમાં લાવવામાં આવશે.
15 જેઓ તેનાં નથી તેઓ તેના ઘરમાં વસશે;
એના ઘર પર ગંધક છાંટવામાં આવે શે.
16 તેની નીચેથી મૂળીયાં સડી જાય છે,
તેની ઉપરની ડાળીઓ સુકાઇ જાય છે. તેથી તે મૃત્યુ પામશે.
17 આ દુનિયામાં તેનું નામનિશાન રહેશે નહિ.
એને કોઇ પણ યાદ કરશે નહિ.
18 પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે
અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે.
19 તેને કોઇ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ.
તેના કુટુંબમાંથી કોઇ જીવતું નહિ રહે.
20 પશ્ચિમના લોકો દિગમૂઢ થઇ જશે જ્યારે તેઓ સાંભળશે કે તે દુષ્ટ માણસને શું થયું.
અને પૂર્વના લોકો ભયને કારણે તેમના વાળ ખેચી નાખશે.
21 દુષ્ટ લોકોના ઘરને ખરેખર આમ થશે,
જેને દેવનું જ્ઞાન નથી તેની આવી જ દશા થશે.”
4 દેવે તૈયાર કરેલ વિશ્રાંતિનું વચન હજી મોજૂદ રહ્યું છતાં આપણામાંથી કોઈક ત્યાં પ્રવેશ મેળવવા નિષ્ફળ ન જાય માટે આપણે સાવચેત રહેવું જોઈએ. 2 કેમ કે દેવ આપણું તારણ કરવા ઇચ્છે છે, એ સુવાર્તા જેમ આપણને આપવામાં આવી છે, તેમ તે સમયના ઈસ્રાએલના લોકોને પણ આપવામાં આવી હતી તેમ છતાં તે સુવાર્તા તેમને કોઈ પણ રીતે લાભકર્તા નીવડી નહિ કારણ કે તેઓએ તે સુવાર્તા સાંભળ્યા છતાં વિશ્વાસથી તેનો સ્વીકાર કર્યો નહિ. 3 અમે જેઓએ તેનો સ્વીકાર કર્યો તે દેવના વિશ્રામમાં પ્રવેશ પામ્યા. દેવે જેમ કહ્યું છે,
“મેં મારા ક્રોધમાં સમ ખાધા કે:
‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.’” (A)
દેવે આ કહ્યું. પણ સંસારની ઉત્પત્તિ કર્યા બાદ દેવનું કામ પૂરું થઈ ગયું હતું. 4 શાસ્ત્રમાં કોઈક જગ્યાએ અઠવાડિયાના સાતમા દિવસ વિશે લખ્યું છે: “તેથી સાતમા(B) દિવસે દેવે બધા જ કામ છોડી આરામ કર્યો.” 5 ઉપર જણાવેલ સંબંધમાં પણ તેણે કહ્યું છે, “તેઓ કદી પણ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”
6 તે હજુ પણ સત્ય છે કે કેટલાએક દેવના વિશ્રામમાં પ્રવેશ પામશે. અને તેઓ કે જેઓને સુવાર્તા સાંભળવાની પ્રથમ તક મળી. પરંતુ તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહિ. 7 પરંતુ દેવે આ માટે બીજો દિવસ નક્કિ કર્યો. અને તે “આજનો દિવસ” કહેવાય છે. દેવે આ દિવસની આગાહી ઘણા વર્ષો બાદ દાઉદ રાજા મારફતે કરી હતી. તેવું પવિત્રશાસ્ત્રમાં બતાવ્યું છે જેનો અમે હમણાં ઉલ્લેખ કર્યો:
“આજે જો તમે દેવની વાણી સાંભળો,
તો જેમ ભૂતકાળમાં કર્યુ તેમ તમારું હ્રદય તેની વિરૂદ્ધ કઠણ કરશો નહિ.” (C)
8 આપણે જાણીએ છીએ કે યહોશુઆ લોકોને વિસામા તરફ દોરી ગયો હોત તો દેવે બીજા એક દિવસની વાત કરી ન હોત. 9 આ બતાવે છે કે જે દેવના લોકો માટેના વિશ્રામનો સાતમો દિવસ હજુય બાકી રહે છે. 10 દેવે પોતાનાં કામો કર્યા પછી વિશ્રાંતિ પ્રાપ્ત કરી. તે પ્રમાણે જો કોઈ દેવના વિશ્રામમાં પ્રવેશ મેળવે છે તે એનાં પોતાનાં કામો દ્ધારા વિશ્રામ મેળવી શકે છે. 11 તેથી આવો આપણે પણ એ વિશ્રામમાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કરીએ. આપણે સખત પ્રયત્ન કરવો જોઈએ. જેથી જે લોકો આજ્ઞા ભંગ કરી વિશ્રામમાં સ્થાન મેળવવા નિષ્ફળ ગયા તેમ આપણા માટે ન થાય, તેની કાળજી રાખીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International