Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 55:1-15

નિર્દેશક માટે. સંગીતનાં વાજીંત્રો સાથે ગાવા માટેનું દાઉદનું માસ્કીલ.

હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો;
    મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ.
હે યહોવા, મને ધ્યાનથી સાંભળો; ને મને ઉત્તર આપો;
    હું શોકને કારણે અશાંત છું; અને વિલાપ કરું છું.
દુશ્મનો મારી સામે બૂમો પાડી રહ્યાં છે.
    તેઓએ મને ધમકી આપી ગુસ્સામાં અને ધિક્કારથી મારા પર હુમલો કર્યો.
    તેઓ મારા ઉપર તકલીફો લાવ્યા.
મારા હૃદયમાં ઘણી વેદના થાય છે,
    અને મૃત્યુની ધાકે મારા પર કબજો જમાવ્યો છે.
મારું શરીર ભયથી ધ્રુજે છે,
    હું ભયથી ઘેરાઇ ગયો છું.
મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું!
    કે હું દૂર ઊડી શકત અને વિશ્રામ કરત.
    હું રણમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત.

વિનાશકારી પવનનાં તોફાનથી
    હું ઉતાવળે નાસીને આશ્રયસ્થાને પહોંચત.
હે યહોવા, આ દુષ્ટજનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો,
    મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝગડા જોયાં છે.
10 આખા શહેરમાં રાત-દિવસ હિંસા અને ઉપાધિ છે,
    શહેરમાં ક્રૂરતા અને દુષ્ટતા પ્રવર્તી રહી છે.
11 નગરમાં કેવાં વિનાશકારી પરિબળો સક્રિય છે!
    જ્યાં જુઓ ત્યાં રસ્તામાં છેતરપિંડી તથા જુલમ છે.

12 મને મહેણાં મારનાર કે નિંદા કરનાર, મારા શત્રુ ન હતા;
    એ તો મારાથી સહન કરી શકાત;
મારી વિરુદ્ધ ઊઠનાર મારો વેરી ન હતો,
    નહિ તો હું સંતાઇને નાસી છૂટયો હોત.
13 પણ તે તો તમો છે મારા જેવા માણસ,
    મારા મિત્ર ને મારા સાથીદાર છો.
14 આપણે એકબીજાની સાથે સુખે વાતો કરતાં હતાં.
    અને જનસમુદાય સાથે દેવના મંદિરમાં જતા હતા.

15 એકાએક તેમના પર મોત આવો,
    તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો, કારણ, તેઓનાં ઘરોમાં પાપ થાય છે,
    તેઓનાં અંતરનાં ઊંડાણોમાં દુષ્ટતા છે.

અયૂબ 15

અલીફાઝ તેમાનીનો બીજો સંવાદ

15 પછી અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો:

“અયૂબ જો તું ખરેખર બુદ્ધિમાન હોત તો
    રડતા શબ્દોથી તું ઉત્તર ન આપત.
    શું કોઇ શાણો માણસ, પોલા શબ્દોથી દલીલ કરે?
તને એવું લાગે છે કે શાણો માણસ નકામા શબ્દો
    અને અર્થ વગરની વાતોથી દલીલ કરશે?
અયૂબ, જો તારી પાસે તારા પોતાના રસ્તા હોત તો
    કોઇએ પણ દેવને માન આપ્યું કે ઉપાસના કરી ન હોત.
તું જે વાતો કરે છે તે તારા પાપો બતાવે છે. અયૂબ,
    તું ચતુરાઇ ભરેલા શબ્દો વડે તારા પાપ છૂપાવવાનો પ્રયત્ન કરે છે.
હું નહિ, તારા શબ્દો જ તને દોષિત ઠરાવે છે,
    હા, તારી વાણી જ તારું પાપ પોકારે છે.

“તું જ પહેલવહેલો જન્મ્યો છે એમ તું માને છે?
    શું પર્વતો ઉત્પન્ન થયા તે પહેલાં તું જન્મ્યો હતો?
દેવની ગુપ્ત યોજનાઓ વિષે તમે સાંભળ્યું છે ખરું?
    શું તને એમ છે તું એક જ બુદ્ધિશાળી વ્યકિત છે?
અમારી પાસે ન હોય એવું ક્યું જ્ઞાન તારી પાસે છે?
    અમારાં કરતાં તારામાં કઇ વિશેષ સમજદારી છે?
10 જેઓ તારા પિતા કરતાં પણ મોટી ઉમરનાં છે
    તે વૃદ્ધ અને અનુભવવાળાં માણસો અમારા પક્ષે છે!
11 દેવ તને આશ્વાસન આપવાની કોશિષ કરે છે, પણ એ તારા માટે પૂરતું નથી.
    અમે તને દેવનો સંદેશો નમ્રતા પૂર્વક કહ્યો.
12 તું શા માટે ઉશ્કેરાઇ જાય છે?
    તારી આંખો કેમ મિચાય છે?
13 તું તારો ગુસ્સો દેવની ઉપર કેમ ઠાલવો છો?
    તમે શા માટે આમ બોલો છો?

14 “શું માણસ પવિત્ર હોઇ શકે?
    સ્ત્રીજન્ય માનવી કદી નિર્દોષ હોઇ શકે?
15 જો, તે પોતાનાં સંત પુરુષોનો પણ ભરોસો કરતો નથી.
    તેમની દ્રષ્ટિએ તો આકાશો પણ સ્વચ્છ અને શુદ્ધ નથી!
16 મનુષ્ય તો અધમમાં અધમ છે.
    મનુષ્ય મલિન અને અપ્રામાણિક છે.
    પછી માણસનું શું તે જે પાપોને પાણીની જેમ પી જાય છે.

17 “હું કહું તે સાંભળો; અને હું તો મેં જે જોયું છે,
    જાણ્યું છે તે જ કહેવાનો છું.
18 આવા જ અનુભવો જ્ઞાની માણસોને થયેલા છે.
    તેઓ તેઓનાં પિતૃઓ પાસેથી જે શીખ્યા હતા તે કાંઇ
    પણ તેઓએ છૂપાવ્યું નથી.
19 એકલા આપણા પિતૃઓનેજ તેઓની પોતાની ભૂમિ આપવામાં આવી હતી.
    કોઇ વિદેશીઓ તેઓની ભૂમિમાથી પસાર થતા નહિ.
તેઓ જે તેમના પિતાઓ પાસે શીખ્યા તેમાંથી કાઇ પણ છૂપાવ્યું નથી.
    તેઓએ જ આ ડહાપણ ભરેલી શિખામણ આપેલી છે.
20 એક દુષ્ટ માણસ તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે.
    દુષ્ટ લોકોના દહાડા બહુ ટૂંકા હોય છે.
21 દરેક અવાજ તેને ડરાવે છે. જે સમયે તે વિચારે છે કે તે સુરક્ષિત છે
    ત્યારે તેના દુશ્મનો આવી અને તેના પર હૂમલો કરશે.
22 અંધકારમાંથી છટકવાની એને કોઇ આશા નથી.
    કોઇક જગ્યાએ ત્યાં એક તરવાર તેને મારવાની રાહ જોઇ રહી છે.
23 તે ખોરાક માટે ભટકે છે પરંતુ તે ક્યાં મેળવે છે?
    તે જાણે છે કે મૃત્યુના દિવસો નજીક છે.
24 સંકટ તથા વેદના તેને ભયભીત કરે છે;
    યુદ્ધને માટે સજ્જ થયેલા રાજાની જેમ તેઓ તેના પર વિજય મેળવે છે.
25 તેણે દેવની સામે પોતાની મુઠ્ઠી ઉગામી છે
    અને સર્વસમર્થ દેવની સામે લડે છે.
26 તે દુષ્ટ વ્યકિત બહુ દુરાગ્રહી છે.
    મજબૂત ઢાલથી સજ્જ થઇને તે દેવને પડકાર કરે છે.
27 એ દુષ્ટ માણસ છકી ગયેલો, પુષ્ટ અને ધનવાન છે.
    તે માણસ કદાચ ચરબી યુકત અને ધનવાન હશે.
28 પરંતુ તેના નગરો ખંડેર બની જશે,
    તેના ઘરનો નાશ થઇ જશે
    અને તેનું ઘર ઉજ્જડ થઇ જશે.
29 તે ધનવાન નહિ રહે એની સમૃદ્ધિ ટકશે નહિ.
    તે તેની સંપતિ ટકશે નહિ.
30 દુષ્ટ માણસ અંધકારમાંથી બચશે નહિ,
    તે એક વૃક્ષ જેવો થશે જેની કુમળી ડાળીઓ
    જવાળાઓથી બળી જાય છે અને પવનમાં ફૂંકાઇ જાય છે.
31 દુષ્ટ માણસે નિરર્થક બાબતોમાં વિશ્વાસ કરીને પોતાને મૂર્ખ બનાવવો જોઇએ નહિ.
    કારણકે તેને કાંઇ મળશે નહિ.
32 દુષ્ટ માણસ તેના જીવનનો અંત આવે
    તે પહેલા વૃદ્ધ થશે અને કરમાઇ જશે, તે સૂકી શાખા જેવો થશે.
33 તે જેની કાચી દ્રાક્ષ ખરી પડે એવા દ્રાક્ષના વેલા જેવો,
    જેનું અપકવ ફળ ખરી પડે એવા જૈતૂનના વૃક્ષ જેવો છે,
34 કારણકે દેવ વિનાના લોકો પાસે કાઇ હોતું નથી.
    જેઓ પૈસાને પ્રેમ કરે છે, તેઓના ઘરો અગ્નિથી નાશ પામી જશે.
35 દુષ્ટ લોકો હમેશા હેરાન કરવા માટે દુષ્ટ યોજનાઓ બનાવે છે.
    તેઓ હંમેશા લોકોને છેતરવાની યોજનાઓ બનાવતા હોય છે.”

માથ્થી 5:27-36

ઈસુ વ્યભિચારના પાપ વિષે શિક્ષણ આપે છે

27 “તમે સાંભળ્યું છે કે એમ કહેવામાં આવ્યું હતું: ‘વ્યભિચારનું પાપ કરવું નહિ.’(A) 28 પરંતુ હું તમને જણાવું છું કે જો તમે કોઈ સ્ત્રીને પામવાની ઈચ્છાથી તેના તરફ નજર કરો તો તમે તમારા મનથી તેની સાથે વ્યભિચાર કર્યો છે. 29 જો તમારી જમણી આંખ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે વધુ હિતાવહ છે. 30 જો તમારો જમણો હાથ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દો. આખુ શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે તમારા માટે વધુ હિતાવહ છે.

ઈસુ છૂટા છેડા વિષે શિક્ષણ આપે છે

(માથ. 19:9; માર્ક 10:11-12; લૂ. 16:18)

31 “એમ પણ કહેવામાં આવ્યું હતું, ‘જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે તેણે તેને છૂટા છેડાનું લેખિત નિવેદન આપવું જોઈએ.’ 32 પરંતુ હું તમને કહું છું કે જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે છે તે તેને વ્યભિચારનું પાપ કરવા પ્રેરે છે. પુરુંષને માટે તેની પત્નીને છૂટા છેડા આપવા માટેનું એક માત્ર કારણ એ છે કે તેને બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કર્યો હોય. અને એવી છૂટા છેડા વાળી સ્ત્રીને પરણનાર કોઈપણ માણસ વ્યભિચારનું પાપ કરે છે.

ઈસુ સમ વિષે શિક્ષણ આપે છે

33 “તમે સાંભળ્યું કે આપણા પૂર્વજોને એ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે પ્રભુના નામે લીધેલા સમનો ભંગ કરશો નહિ.[a] પ્રભુને જે વચન આપ્યું છે તે હમેશા અવશ્ય પાળો.’ 34 પણ હું તમને કહું છું કે, કદી સમ ન ખાઓ, કદી આકાશના નામે સમ ના ખાઓ કારણ કે આકાશ તો દેવનું રાજ્યાસન છે. 35 પૃથ્વીના નામે કદી સમ ખાઓ નહિ કારણ કે પૃથ્વી દેવનું પાયાસન છે. અને યરૂશાલેમના નામે પણ સમ ન ખાઓ કારણ એ મહાન રાજાનું શહેર છે. 36 તમારા માથાના પણ સમ ન ખાઓ. તમે માથાના એક પણ વાળને સફેદ કે કાળો કરી શકશો નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International