Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. સંગીતનાં વાજીંત્રો સાથે ગાવા માટેનું દાઉદનું માસ્કીલ.
1 હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો;
મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ.
2 હે યહોવા, મને ધ્યાનથી સાંભળો; ને મને ઉત્તર આપો;
હું શોકને કારણે અશાંત છું; અને વિલાપ કરું છું.
3 દુશ્મનો મારી સામે બૂમો પાડી રહ્યાં છે.
તેઓએ મને ધમકી આપી ગુસ્સામાં અને ધિક્કારથી મારા પર હુમલો કર્યો.
તેઓ મારા ઉપર તકલીફો લાવ્યા.
4 મારા હૃદયમાં ઘણી વેદના થાય છે,
અને મૃત્યુની ધાકે મારા પર કબજો જમાવ્યો છે.
5 મારું શરીર ભયથી ધ્રુજે છે,
હું ભયથી ઘેરાઇ ગયો છું.
6 મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું!
કે હું દૂર ઊડી શકત અને વિશ્રામ કરત.
7 હું રણમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત.
8 વિનાશકારી પવનનાં તોફાનથી
હું ઉતાવળે નાસીને આશ્રયસ્થાને પહોંચત.
9 હે યહોવા, આ દુષ્ટજનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો,
મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝગડા જોયાં છે.
10 આખા શહેરમાં રાત-દિવસ હિંસા અને ઉપાધિ છે,
શહેરમાં ક્રૂરતા અને દુષ્ટતા પ્રવર્તી રહી છે.
11 નગરમાં કેવાં વિનાશકારી પરિબળો સક્રિય છે!
જ્યાં જુઓ ત્યાં રસ્તામાં છેતરપિંડી તથા જુલમ છે.
12 મને મહેણાં મારનાર કે નિંદા કરનાર, મારા શત્રુ ન હતા;
એ તો મારાથી સહન કરી શકાત;
મારી વિરુદ્ધ ઊઠનાર મારો વેરી ન હતો,
નહિ તો હું સંતાઇને નાસી છૂટયો હોત.
13 પણ તે તો તમો છે મારા જેવા માણસ,
મારા મિત્ર ને મારા સાથીદાર છો.
14 આપણે એકબીજાની સાથે સુખે વાતો કરતાં હતાં.
અને જનસમુદાય સાથે દેવના મંદિરમાં જતા હતા.
15 એકાએક તેમના પર મોત આવો,
તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો, કારણ, તેઓનાં ઘરોમાં પાપ થાય છે,
તેઓનાં અંતરનાં ઊંડાણોમાં દુષ્ટતા છે.
સોફાર નાઅમાથીનો અયૂબને જવાબ
11 ત્યારે સોફાર નાઅમાથીએ અયૂબને ઉત્તર આપ્યો:
2 “આટલા બધા શબ્દો નિરૂત્તર રહેશે?
જો કોઇ માણસ બહુ બોલે તો તે તેને સાચો ઠરાવશે?
3 શું તું વિચારે છે કે વાતો કરીને તું બીજા માણસોને ચૂપ કરી દઇશ?
તું શું વિચારે છે કે તું દેવની મશ્કરી કરીશ અને તને કોઇ ઠપકો નહિ આપે?
4 કારણકે તું કહે છ કે,
‘હું જે કહું છું તે સાચું છે.
હું દેવની નજરમાં નિર્દોષ છું.’
5 હું ઇચ્છું છું કે, દેવ બોલશે
અને તને કહેશે કે પોતે શું વિચારે છે!
6 દેવ તને ડહાપણના રહસ્યો વિષે કહેશે.
તે તને કહેશે કે દરેક વાત ને બે બાજુ હોય છે.
અને તું ખાતરી રાખજે કે
તે તને તારા દોષોની પાત્રતાથી ઓછી સજા આપે છે.
7 “અયૂબ, શું તું ખરેખર માને છે કે તું દેવને સમજે છે?
તું સર્વસમથઁ દેવને સમજી શકતો નથી.
8 તું સ્વર્ગની બાબત કાંઇ કરી શકશે નહિ.
શેઓલ બાબતે તું કાંઇ જાણતો નથી.
9 તેનું માપ પૃથ્વી કરતાં પણ મહાન
અને સમુદ્ર કરતાં પણ વિશાળ છે.
10 “તે ધસી જઇને કોઇની પણ ધરપકડ કરે;
અને તેનો ન્યાય કરવા તેને ન્યાયાલયમાં ઊભો કરી દે તો તેમ કરતાં તેમને કોણ અટકાવી શકે?
11 સાચે જ દેવ જાણે છે કોણ નિરર્થક છે.
જ્યારે દેવ અનિષ્ટ જુએ છે ત્યારે તે તેને યાદ રાખે છે.
12 પણ મૂર્ખ માણસને તે બુદ્ધિમાન કરે છે,
અને જંગલી ગધેડીના બચ્ચા જેવા માણસને તે સુધારે છે.
13 પણ તારે તારા હૃદયને માત્ર દેવની સેવા કરવા માટે જ તૈયાર કરવું જોઇએ
અને તેની પ્રાર્થના કરવા તારે તારા હાથ તેની ભણી ઉપર કરવા જોઇએ.
14 જો તારા હાથ પાપથી ભરેલા હોય તો તેને સ્વચ્છ કરી નાખ!
તારાં ઘરમાં અનિષ્ટ ને દાખલ થવા દેતો નહિ
15 પછી તું દેવ સામે શરમાયા વગર જોઇ શકશે
અને ભય વિના દેવ સમક્ષ ઊભો રહી શકશે.
16 વહી ગયેલા પાણીની જેમ તું તારું દુ:ખ ભૂલી જઇશ.
અને તારા દુ:ખો ભૂતકાળ બની જશે.
17 તારું જીવન મધ્યાનના સૂર્યથી પણ વધુ ઊજળું થશે.
અને અંધકાર પણ પ્રભાતના પ્રકાશ જેવો બની જશે.
18 પછી તું સુરક્ષા અનુભવીશ કારણકે ત્યાં આશા છે.
દેવ તારી સંભાળ લેશે અને તને વિસામો આપશે.
19 તું નિરાંતે સૂઇ શકશે અને તને કોઇ હેરાન કરશે નહિ.
અને ઘણા લોકો તારી પાસે મદદ માગવા આવશે.
20 દુષ્ટ લોકો કદાચ મદદ માગશે,
પરંતુ તેઓ તેમની મુશ્કેલીમાંથી છટકી શકશે નહિ.
તેમની આશાઓ તેમને મૃત્યુ સુધી દોરી જશે.”
10 હવે વિવાહિત લોકોને હું આ આજ્ઞા આપું છું (આ આજ્ઞા મારી નહિ પરંતુ પ્રભુ તરફથી છે.) પત્નીએ તેના પતિને છોડવો જોઈએ નહિ. 11 પરંતુ જો પત્ની તેના પતિને છોડે તો તેણે ફરીથી પરણવું નહિ. અથવા તેણે તેના પતિ પાસે પાછા જવું જોઈએ. પતિએ પણ તેની પત્નીને છૂટાછેડા આપવા નહિ.
12 બીજા બધાજ લોકો માટે હું આમ કહું છું. (પ્રભુ નહિ, હું આ બાબતો કહી રહ્યો છું.) ખ્રિસ્તમય બનેલા બંધુને એવી પત્ની હોઈ શકે કે જે વિશ્વાસુ ન હોય. જો તે તેની સાથે રહેવા સંમત હોય તો તેણે છૂટાછેડા આપવા ન જોઈએ. 13 અને એક સ્ત્રીને એવો પતિ હોય કે જે વિશ્વાસુ ન હોય પણ તેની પત્ની સાથે રહેવા સંમત હોય તો પછી તેણે તેને છૂટાછેડા ન આપવા જોઈએ. 14 પતિ જે વિશ્વાસુ નથી તેને તેની પત્ની દ્વારા પવિત્ર બનાવવામાં આવ્યો છે. અને પત્ની જે અવિશ્વાસુ છે તેને તેના પતિ દ્વારા પવિત્ર બનાવવામાં આવે છે. જો આ સાચું ન હોત, તો તમારાં બાળકો પવિત્ર ન હોત, પરંતુ હવે તમારાં બાળકો પવિત્ર છે.
15 પરંતુ એક વ્યક્તિ કે જે વિશ્વાસુ નથી તે જો છોડી જવા ઈચ્છતી હોય તો તેને જવા દો. આવું જ્યારે બને તો ખ્રિસ્તમય બનેલો ભાઈ કે બહેન મુક્ત છે. દેવે આપણને શાંતિમય જીવન માટે આહ્વાન આપ્યુ છે. 16 પત્નીઓ તરીકે તમે કદાચ તમારા પતિનો બચાવ કરી શકો; અને પતિઓ, તમે કદાચ તમારી પત્નીનો બચાવ કરી શકો. અત્યારે તો તમે જાણતા નથી કે પછી શું બનવાનું છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International