Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. સંગીતનાં વાજીંત્રો સાથે ગાવા માટેનું દાઉદનું માસ્કીલ.
1 હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો;
મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ.
2 હે યહોવા, મને ધ્યાનથી સાંભળો; ને મને ઉત્તર આપો;
હું શોકને કારણે અશાંત છું; અને વિલાપ કરું છું.
3 દુશ્મનો મારી સામે બૂમો પાડી રહ્યાં છે.
તેઓએ મને ધમકી આપી ગુસ્સામાં અને ધિક્કારથી મારા પર હુમલો કર્યો.
તેઓ મારા ઉપર તકલીફો લાવ્યા.
4 મારા હૃદયમાં ઘણી વેદના થાય છે,
અને મૃત્યુની ધાકે મારા પર કબજો જમાવ્યો છે.
5 મારું શરીર ભયથી ધ્રુજે છે,
હું ભયથી ઘેરાઇ ગયો છું.
6 મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું!
કે હું દૂર ઊડી શકત અને વિશ્રામ કરત.
7 હું રણમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત.
8 વિનાશકારી પવનનાં તોફાનથી
હું ઉતાવળે નાસીને આશ્રયસ્થાને પહોંચત.
9 હે યહોવા, આ દુષ્ટજનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો,
મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝગડા જોયાં છે.
10 આખા શહેરમાં રાત-દિવસ હિંસા અને ઉપાધિ છે,
શહેરમાં ક્રૂરતા અને દુષ્ટતા પ્રવર્તી રહી છે.
11 નગરમાં કેવાં વિનાશકારી પરિબળો સક્રિય છે!
જ્યાં જુઓ ત્યાં રસ્તામાં છેતરપિંડી તથા જુલમ છે.
12 મને મહેણાં મારનાર કે નિંદા કરનાર, મારા શત્રુ ન હતા;
એ તો મારાથી સહન કરી શકાત;
મારી વિરુદ્ધ ઊઠનાર મારો વેરી ન હતો,
નહિ તો હું સંતાઇને નાસી છૂટયો હોત.
13 પણ તે તો તમો છે મારા જેવા માણસ,
મારા મિત્ર ને મારા સાથીદાર છો.
14 આપણે એકબીજાની સાથે સુખે વાતો કરતાં હતાં.
અને જનસમુદાય સાથે દેવના મંદિરમાં જતા હતા.
15 એકાએક તેમના પર મોત આવો,
તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો, કારણ, તેઓનાં ઘરોમાં પાપ થાય છે,
તેઓનાં અંતરનાં ઊંડાણોમાં દુષ્ટતા છે.
બિલ્દાદ શૂહીનો અયૂબને જવાબ
8 ત્યારે બિલ્દાદ શૂહીએ અયૂબને જવાબ આપ્યો,
2 “તું ક્યાં સુધી આવી વાતો કર્યા કરીશ?
તારા તોફાની શબ્દો ક્યાં સુધી વંટોળિયાની જેમ તારા મુખમાંથી નીકળ્યા કરશે?
3 શું દેવ અન્યાય કરે છે? સર્વસમર્થ દેવ,
જે વાત સાચી છે તેને શું બદલે છે?
4 જો તારા સંતાનોએ તેમની વિરૂદ્ધ પાપ કર્યા હશે,
તો તેણે તેમને તે માટે સજા કરી છે.
5 જો તું ખંતથી દેવની શોધ કરશે
અને એમની કરુણા યાચશે,
6 અને તું જો પવિત્ર અને સારો હોઇશ તો
એ તને ઝડપથી મદદ કરવા આવશે
અને તને તારાં કાયદેસરના ઘરને, પાછા આપી દેશે.
7 પછી તારી પાસે પહેલા હતું
તેના કરતા ઘણું વધારે હશે.
8 “તું પહેલાની પેઢીઓને પૂછી જો!
જાણી લે આપણા પિતૃઓ શું શીખ્યા હતા?
9 આપણે તો આજકાલના છીએ,
અને કાંઇજ જાણતા નથી.
અહીં પૃથ્વી પરનું આપણું જીવન પડછાયા જેવું અલ્પ છે.
10 તેઓ કદાચ તને શીખવી શકશે.
કદાચ તેઓ તને તેઓ જે બાબત શીખ્યા હોય તે શીખવી શકે.
11 “શું કાદવ વિના કમળ ઊગે?
જળ વિના બરુ ઊગે?
12 ના, જો પાણી સૂકાઇ જાય તો
તેઓ પણ સૂકાઇ જશે.
13 લોકો જે ઈશ્વરને ભૂલી જાય છે તે પેલા બરુઓ જેવા છે.
જે વ્યકિત ઈશ્વરને ભૂલી જાય છે તેને આશા રહેશે નહિ.
14 તે માણસ પાસે અઢેલવા માટે કાઇ નથી.
તેની સુરક્ષા કરોળિયાના જાળ જેવી છે.
15 જો એક વ્યકિત કરોળિયાના જાળાને અઢેલી
ને ટેકો લે તો તે તૂટી જાય
તે કરોળીયાના જાળાનો આશ્રય લે છે
પણ તે તેને ટેકો આપશે નહિ.
16 તે માણસ વનસ્પતિના એક છોડ જેવો છે જેની પાસે પુષ્કળ પાણી અને સૂર્ય પ્રકાશ છે.
તેની ડાળીઓ આખા બગીચામાં ફેલાય છે.
17 પથ્થર પર ઉગવાની જગ્યા શોધતા
તે જથ્થાબંદ પથ્થરોને ઢાંકી દે છે.
18 પણ જો એને એકવાર ઊખેડવામાં આવે તો
પછી એ ઊગ્યાં હતાં કે નહિ એની ખબર પણ પડે નહિ.
19 આ તો તેના માર્ગનું સુખ છે,
અને જમીનમાંથી બીજા છોડ ઊગી નીકળે છે!
20 પરંતુ દેવ નિર્દોષ લોકોને કદી અસમર્થ કરશે નહિ,
અને અધમીર્ને કદી મદદ કરશે નહિ.
21 તેઓ તારા ચહેરાને હાસ્યથી
અને તારા હોઠોને આનંદના પોકારોથી ભરી દેશે.
22 તારો તિરસ્કાર કરનારા દુશ્મનો શરમથી છુપાઇ જશે
અને દુષ્ટોના ઘરબાર નાશ પામશે.”
લગ્ન વિષે
7 હવે તમે મને જે બાબતો અંગે લખેલું તેની હું ચર્ચા કરીશ. માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું. વ્યક્તિ લગ્ન ન કરે તે જ તે વ્યક્તિ માટે વધારે સારું છે. 2 પરંતુ વ્યભિચારનું પાપ ભયજનક છે. તેથી પ્રત્યેક વ્યક્તિને તેની પોતાની પત્ની હોવી જોઈએ. અને દરેક સ્ત્રીને તેનો પોતાનો પતિ હોવો જોઈએ. 3 પતિએ તેની પત્ની પ્રત્યેની પતિ તરીકેની ફરજોનું પાલન કરવું જોઈએ, અને પત્નીએ પોતાના પતિ તરફની પત્ની તરીકની ફરજોનું પાલન કરવું જોઈએ. 4 પત્નીને પોતાના શરીર પર કોઈ અધિકાર નથી. તેના પતિને તેના શરીર પર અધિકાર છે. અને પતિને તેના પોતાના શરીર પર કોઈ અધિકાર નથી. તેની પત્નીને તેના શરીર પર અધિકાર છે. 5 એકબીજાને તમારી કાયા સુપ્રત કરવામાં આનાકાની ન કરો. પરંતુ તમે બને અલ્પ સમય માટે શારીરિક નિકટતા ટાળવામાં સંમત થઈ શકો. તમે આમ કરી શકો જેથી કરીને તમે તમારો સમય પ્રાર્થના માટે ફાળવી શકો. પછી ફરીથી એક બનો. જેથી કરીને શેતાન તમારી નબળાઈમાં તમારું પરીક્ષણ ન કરી શકે. 6 થોડાક સમય માટે એકબીજાથી અલગ રહેવાથી અનુમતિ આપવા માટે હું આમ કહું છું. તે આજ્ઞા નથી. 7 હું ઈચ્છું છું કે બધાજ લોકો મારા જેવા હોય. પરંતુ દરેક વ્યક્તિને દેવ તરફથી કઈક વિશિષ્ટ કૃપાદાન પ્રાપ્ત થયેલું છે. એક વ્યક્તિ પાસે અમુક કૃપાદાન છે, તો બીજી વ્યક્તિ પાસે બીજું જ કોઈ કૃપાદાન છે.
8 હવે જે લોકો અવિવાહિત છે અને જે વિધવાઓ છે, તેઓને હું કહું છું: તેઓએ મારી માફક એકલા રહેવું જ વધારે સારું છે. 9 પરંતુ જો તેઓ પોતાના શરીરને નિયંત્રણમાં ન રાખી શકતા હોય, તો પછી તેઓએ લગ્ર કરવું જોઈએ. બળવા કરતાં પરણવું વધારે સારું છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International