Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 1:1

અયૂબની કસોટી

ઉસ નામના દેશમાં અયૂબ નામે એક માણસ રહેતો હતો. તે ભલો, પ્રામાણિક અને દેવથી ડરનાર અને દુષ્ટ વસ્તુ કરવાની મનાઇ કરતો હતો.

અયૂબ 2:1-10

શેતાન દ્વારા ફરી અયૂબને દુ:ખ આપવું

ફરી એક વખત દેવદૂતો યહોવાની સમક્ષ હાજર થયા, ત્યારે તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાની આગળ હાજર થયો. યહોવાએ શેતાનને પૂછયું, “તું ક્યાં જઇ આવ્યો?”

શેતાને યહોવાને કહ્યું, “હું પૃથ્વી પર ચારે તરફ ભટકતો હતો.”

યહોવાએ શેતાનને પૂછ્યું કે, “શું તેઁ મારા સેવક અયૂબને ધ્યાનથી જોયો છે? પૃથ્વી પર તેના જેવો કોઇ નથી. તે ભલો, પ્રામાણિક, દેવથી ડરનાર, અનિષ્ટ કર્મો કરવાનો ઇન્કાર કરનાર છે. એને હેરાન કરવાને તેઁ મને પડકાર ફેક્યો અને તે પણ કોઇ કારણ વગર, અને તે છતાં પણ તે તેની પ્રામાણિકતાને દ્રઢતાથી વળગી રહ્યો છે.”

શેતાને યહોવાને જવાબ આપ્યો, “માણસ કોઇપણ ભોગે પોતાનું જીવન બચાવતો હોય છે. તે ચામડીને બદલે ચામડી પણ આપે છે. તમે તેના શરીરને સ્પર્શ કરો અને માંદગી આપો. પછી જુઓ, તે તમારી સામો થશે અને તમારા પર શાપ વરસાવશે.”

પછી યહોવાએ શેતાનને કહ્યું કે, “જા, હું એને તારા હાથમાં સોંપુ છું. તારે એનું જે કરવું હોય તે કરજે; ફકત તેનો જીવ બચાવજે.”

પછી યહોવા પાસેથી શેતાન ચાલ્યો ગયો, તેણે અયૂબને તેના પગના તળિયાથી તે તેના માથા સુધી દુ:ખદાયક ગૂંમડાથી ભરી દીધો. તેથી અયૂબ ધૂળમાં બેઠો, અને તેની ખંજવાળ મટાડવા તેના ઘા ને ખજવાળવા તેણે માટીના એક તૂટેલા ટૂકડાનો ઊપયોગ કર્યો. તેની પત્નીએ તેને કહ્યું, “તમે હજુ પણ દેવને વળગી રહ્યાં છો? તમે દેવ પર શાપ વરસાવો અને જીવનનો ત્યાગ કરો!”

10 પરંતુ અયૂબે ઉત્તર આપ્યો, “તું તો એક મૂર્ખ સ્ત્રીની જેમ બોલે છે, શું આપણે દેવના હાથથી માત્ર સુખ જ સ્વીકારવાનું, દુ:ખ નહિ?” આવા દુ:ખમાં પણ અયૂબે કદી દેવની વિરૂદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ.

ગીતશાસ્ત્ર 26

દાઉદનું ગીત.

હે યહોવા, મારો ન્યાય કરો, હું સદા પ્રામાણિકપણે વત્ર્યો છું.
મારો યહોવા પરનો વિશ્વાસ કદાપિ ડગ્યો નથી.
    મારી વિરુદ્ધના લોકોની સામે મને સર્વ આક્ષેપોમાંથી નિર્દોષ જાહેર કરો.
હે યહોવા, પૂરી તપાસ કરીને મારી પરીક્ષા કરો;
    મારા અંત:કરણની ઇચ્છાઓને પણ કસોટીની એરણે ચઢાવી પરીક્ષા કરો.
કારણ, હું તમારી કૃપા મારી સગી આંખે નિહાળું છું.
    અને હું હંમેશા સત્યો દ્વારા જીવી રહ્યો છું.
મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી.
    હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી.
હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું ને
    દુષ્ટોની મંડળીમાં કદાપિ બેસીશ નહિ.

હું મારી નિર્દોષતા સાબિત કરવા મારા હાથ ધોઇશ;
    હે યહોવા, એ પ્રમાણે જ હું વેદીની પ્રદક્ષિણા કરીશ.
હું આભારસ્તુતિનાં ગીત ત્યાં ગાઉં છું
    અને તમારા સર્વ ચમત્કારી કર્મ પ્રગટ કરું છું.
હે યહોવા, મને પ્રિય છે તમારુ મંદિર,
    અને તે જગા જ્યાં તમારુ ગૌરવ છે.

પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ.
    માણસોની સાથે મને મારી નાખશો નહિ.
10 તેઓ હમેશા ધૃણાજનક કૃત્યો કરે છે,
    અને તેમના જમણા હાથ લાંચરુસ્વતથી ભરેલાં છે.
11 હે યહોવા, હું તેઓના જેવો નથી,
    હું પ્રામાણિકપણાના માર્ગે ચાલું છું, મારા પર દયા કરી મારો બચાવ કરો.
12 યહોવાએ મને પડી જવા દીધો નથી,
    માટે હું યહોવાની સ્તુતિ જનસમૂહમાં ગાઇશ.

હિબ્રૂઓ 1:1-4

દેવનું પુત્ર દ્ધારા બોલવું

ભૂતકાળમાં દેવ આપણા પૂર્વજો સાથે પ્રબોધકો દ્ધારા અનેકવાર અનેક પ્રકારે બોલ્યો હતો. અને હવે આ છેલ્લા દિવસોમાં દેવ જે કઈ બોલ્યો તે તેના પુત્ર દ્ધારા આપણી સાથે બોલ્યો છે. દેવે આખી દુનિયા તેના પુત્ર દ્ધારા બનાવી અને તેમાંનું બધું જ દેવે પોતાના પુત્ર દ્ધારા ઉત્પન્ન કર્યું છે. અને પુત્રને સર્વસ્વમાં વારસ, અને માલિક ઠરાવ્યો છે. તે તેના ગૌરવનું તેજ તથા દેવની પ્રકૃતિના આબેહૂબ પ્રતિમા છે. તે પ્રત્યેક વસ્તુઓને પોતાના પરાક્રમી શબ્દો સાથે નિભાવી રાખે છે. પુત્રએ લોકોના પાપોનું શુદ્ધિકરણ કર્યું પછી તે મહાન દેવની જમણી બાજુએ આકાશમાં ઉચ્ચસ્થાને બિરાજમાન છે. તેને દૂતો કરતાં જેટલે દરજજે તે વધારે ચઢિયાતું નામ વારસામાં દેવ દ્ધારા મળ્યું છે, તેટલે દરજજે તે દૂતો કરતાં ચઢિયાતો બન્યો છે.

હિબ્રૂઓ 2:5-12

તેઓને તારવા ખ્રિસ્તે માનવદેહ ધારણ કર્યો

નવી દુનિયા જે આવી રહી હતી તેના ઉપર શાસન કરવા દેવે દૂતોને પસંદ કર્યા નહિ. આપણે જે ભવિષ્યની દુનિયાની વાત કરીએ છીએ તે આ દુનિયા છે. તેમાં કોઈક જગાએ શાસ્ત્રોમાં લખ્યું છે કે,

“હે દેવ તું માણસોની શા માટે દરકાર કરે છે?
મનુષ્ય પુત્રની પણ શા માટે દરકાર કરે છે?
    શું તે એટલો બધો અગત્યનો છે?
થોડા સમય માટે તેં તેને દૂતો કરતાં ઊતરતો ગણ્યો છે.
    તેં તેને ગૌરવ તથા માનનો મુગટ આપ્યો છે. અને તારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે.
સમગ્ર સૃષ્ટિ તેં તેના પગ તળે મૂકી છે.” (A)

તેં તેના પગ તળે સઘળું મૂક્યું છે. તો સઘળું તેને સ્વાધીન કરવાથી તેને સ્વાધીન ન કર્યું હોય તેવું તેણે કશુંય રહેવા દીધું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજુ સુધી આપણી દષ્ટિએ દેખાતું નથી. થોડા સમય માટે ઈસુને દૂતો કરતાં ઊતરતો બનાવ્યો હતો, પણ હવે આપણે તેને મહિમા અને માનનો મુગટ પહેરેલો જોઈએ છીએ કારણ કે તેણે મરણનું દુ:ખ સહન કર્યું અને દેવની દયાથી મરણનો અનુભવ સમગ્ર માનવજાત માટે કર્યો હતો.

10 દેવે સર્વસ્વ બનાવ્યું છે. અને તે પોતાના મહિમાને અર્થે બનાવ્યું છે. આ મહિમામાં ઘણા લોકો ભાગ લે તેવું દેવ ઇચ્છતો હતો. તેથી દેવને એક (ઈસુ) પરિપૂર્ણ તારનાર બનાવવો પડ્યો જે ઘણા લોકોને તેમના તારણ તરફ દોરી જાય છે. અને તે ઘણાને તે મુક્તિમાર્ગે દોરી ગયો. દેવે તે કર્યું.

11 જે એક (ઈસુ) લોકોને પવિત્ર બનાવે છે અને જે લોકો પવિત્ર બનાવાયા છે તે એક જ પરિવારના છે. એટલે તે (ઈસુ) તેઓને પોતાના ભાઈઓ અને બહેનો કહેતાં જરાપણ શરમ અનુભવતો નથી. 12 ઈસુ કહે છે,

“હે દેવ, હું મારા ભાઈઓ અને બહેનોને તારા વિષે કહીશ.
    તારા સર્વ લોકો આગળ હું તારાં સ્તોત્રો ગાઇશ.” (B)

માર્ક 10:2-16

કેટલાક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા. તેઓએ ઈસુ કઈક ખોટુ કહે તે માટે પ્રયત્નો કર્યા. તેઓએ ઈસુને પૂછયું, “પોતાની પત્નીને છૂટાછેડા આપવા તે માણસ માટે યોગ્ય છે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “મૂસાએ તમને શું કરવા હુકમ કર્યો હતો?”

તે ફરોશીઓએ કહ્યું, “મૂસાએ છૂટાછેડાનું પ્રમાણપત્ર લખ્યા પછી તેની પત્નીથી છૂટાછેડા લેવાની માણસને પરવાનગી આપી છે.”

ઈસુએ કહ્યું, “મૂસાએ તે આજ્ઞા તમારા માટે લખી છે કારણ કે તમે દેવના ઉપદેશને સ્વીકારવાની ના પાડી. પરંતુ જ્યારે દેવે દુનિયા બનાવી, ‘તેણે તેઓમાં નર અને નારીનું સર્જન કર્યું.’ ‘તેથી માણસ તેના માતાપિતાને છોડીને તેની પત્ની સાથે જોડાશે. અને બે જણ એક બનશે.’ તેથી તેઓ બે નથી પણ એક છે. દેવે તે બેને સાથે જોડ્યા છે. તેથી કોઈ વ્યક્તિએ તેઓને છૂટા નહિ પાડવા જોઈએ.”

10 પાછળથી તે શિષ્યો અને ઈસુ ઘરમાં હતા. તે શિષ્યોએ ફરીથી ઈસુને છૂટાછેડાના પ્રશ્ર વિષે પૂછયું. 11 ઈસુએ ઉત્તર આપ્યો, “કોઈ પણ વ્યક્તિ જે તેની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સ્ત્રીને પરણે છે. તે તેની પત્ની વિરૂદ્ધ પાપમાં દોષિત છે. તે વ્યભિચારના પાપ માટે ગુનેગાર છે. 12 અને જે સ્ત્રી પોતાના પતિને છૂટાછેડા આપે છે અને બીજા પુરુંષને પરણે છે ત્યારે તે પણ વ્યભિચાર માટે દોષિત છે.”

ઈસુનો બાળકોનો સ્વીકાર

(માથ. 19:13-15; લૂ. 18:15-17)

13 લોકો તેમનાં નાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં. તેથી તેઓને સ્પર્શી શકે. પરંતુ શિષ્યોએ લોકોને તેમના બાળકોને ઈસુ પાસે લાવતા અટકાવ્યા. 14 ઈસુએ શું બન્યું તે જોયું. તેના શિષ્યોએ બાળકોને નહિ આવવા માટેનું કહેવું તેને ગમ્યું નહિ. ઈસુએ તેઓને કહ્યું, “નાનાં બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ. કારણ કે દેવનું રાજ્ય એ લોકોનું છે જેઓ આ નાનાં બાળકો જેવાં છે. 15 હું તમને સાચું કહું છું, તમારે દેવના રાજ્યનો સ્વીકાર, એક નાનું બાળક વસ્તુઓ સ્વીકારે છે તેવી રીતે કરવો જોઈએ. નહિ તો તમે કદાપિ તેમાં પ્રવેશ કરશો જ નહિ.” 16 પછી ઈસુએ બાળકોને તેના બાથમાં લીધા. ઈસુએ તેઓના પર હાથ મૂકી તેઓને આશીર્વાદ દીધો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International