Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, દુષ્ટ માણસોથી મને મુકત કરો;
જુલમગારોથી તમે મારું સદા રક્ષણ કરો.
2 તેઓ પોતાના અંતરમાં દુષ્ટ યોજનાઓ ઘડે છે;
ને રોજ રોજ નવા ઝગડા ઊભા કર્યા કરે છે.
3 તેઓએ પોતાની જીભ સાપની જેવી તીક્ષ્ણ બનાવી છે;
અને તેઓની જીભની નીચે નાગનું વિષ છે.
4 હે યહોવા, દુષ્ટોના હાથોમાંથી મને બચાવો;
જેઓએ મને હાની પહોંચાડવાની યોજના કરી છે;
એવા હિંસક માણસોથી તમે મને બચાવો.
5 હે ગવિર્ષ્ઠ માણસોએ મને પકડવા છટકું ગોઠવ્યું છે;
આચકો મારીને મને ઊંચે ખેંચીને હવામાં લટકતા છોડવા માટે જાળ પાથરી છે;
તેઓ મારા ઉપર જાળ નાખવા જાડીમાં છુપાયા છે.
6 મેં યહોવાને કહ્યું, તમે મારા દેવ છો;
હે યહોવા, દયા માટેની મારી અરજ સાંભળો.
7 હે પ્રભુ યહોવા, મારા સમર્થ તારક;
યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
8 હે યહોવા, આ દુષ્ટો જે ઇચ્છે છે તે તેમની પાસે ન હોય.
તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ;
નહિ તો તેઓ ઊંચા ઊઠશે.
9 તેઓના કાવતરાંની જાળમાં તેઓ જ ફસાય તેવું થાઓ;
મારું ભૂંડુ થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે
તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ.
10 ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો;
અથવા તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે;
અથવા તો ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.
11 જૂઠું બોલનારાઓને આ દેશમાં રહેવા દેશો નહિ,
તે દુષ્ટ હિંસક માણસોનો શિકાર અને વિનાશ થવા દો!
12 મને જાણ છે કે, યહોવા નિર્ધન લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે,
અને ગરીબોનો હક જાળવશે.
13 યહોવાનો ભય રાખનારા ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે;
કારણકે, યથાર્થ મનુષ્યો તમારી સક્ષમતામાં જીવશે.
એસ્તેરની રાજાને અરજ
5 ત્રીજા દિવસે એસ્તેર રાણીનો પોષાક પહેરીને રાજાના ખંડની સામે મહેલની અંદરના પ્રવેશમાં જઇને ઊભી રહી. એ વખતે રાજા રાજમહેલના પ્રવેશદ્વાર આગળ સિંહાસન પર બિરાજેલ હતા. 2 તેમણે એસ્તેરને દરબારમાં ઊભેલી જોઇ અને તેને જોઇને ખુશ થયા, તેમણે સોનાનો રાજદંડ લંબાવ્યો. એટલે એસ્તેરે જઇને રાજદંડની અણીને સ્પર્શ કર્યો.
3 રાજાએ પૂછયું, “રાણી એસ્તેર, તારી શી ઇચ્છા છે? તારી શી માગણી છે? તું અડધું રાજ માગશે તો પણ તે તને આપવામાં આવશે.”
4 એસ્તેરે તેને કહ્યું કે, “આપ નામદાર જો મારા પર પ્રસન્ન હોય તો આજે મેં રાખેલી ઉજાણીમાં આપ હામાન સાથે પધારો.”
5 એટલે રાજાએ નોકરોને કહ્યું કે, હામાનને જલદી હાજર કરો કે જેથી આપણે એસ્તરના કહેવા મુજબ કરી શકીએ.
તેથી રાજા તથા હામાન એસ્તેરની ઉજાણીમાં આવ્યા. 6 દ્રાક્ષારસ પીતાં પીતાં રાજાએ એસ્તેરને કહ્યું, “એસ્તેર રાણી, તારી ખરેખર શી માગણી છે તે કહે, અડધા રાજ સુધી હું તે મંજૂર કરીશ.”
7 ત્યારે એસ્તેરે પ્રત્યુત્તર આપ્યો, “મારી અરજ તથા મારા અંતરની ઇચ્છા આ છે: 8 જો આપની મારા પર કૃપાદ્રષ્ટિ હોય, અને જો આપને મારી અરજ પ્રમાણે ઇનામ આપવાની તથા મારી વિનંતી પ્રમાણે આપ આપવા માગતા હોય તો આવતી કાલે પણ આપ તથા હામાન આજ રીતે ઉજાણીમાં પધારો. આવતી કાલે હું આપની આગળ મારી ઇચ્છા પ્રગટ કરીશ.”
મોર્દૃખાય પર ક્રોધિત હામાન
9 ત્યારે તે દિવસે ઉજાણીમાંથી વિદાય લેતી વખતે હામાન ખુશ-ખુશાલ દેખાતો હતો! પાછા જતાં તેણે મોર્દખાયને દરવાજામાં બેઠેલો જોયો, તેણે જોયું કે, તેને જોઇને તે ઊભો થયો નહિ કે બીકથી થથર્યો પણ નહિ, તેથી હામાન ખૂબજ ક્રોધે ભરાયો. 10 તેમ છતાં હામાને ગુસ્સા પર કાબૂ રાખ્યો અને ઘેર પાછો આવ્યો અને તેની પત્ની ઝેરેશ તથા તેના મિત્રોને ભેગા કર્યા. 11 તેઓની સમક્ષ પોતાની પુષ્કળ સમૃદ્ધિ, પોતાનાં સંતાનોની વિશાળ સંખ્યા, કેવી રીતે રાજાએ તેનું સન્માન કર્યું અને તેને બીજા બધા આગેવાનોથી ઉંચી પદવી આપી તેની બડાઇ હાંકવા લાગ્યો. 12 પછી તેણે કહ્યું: “એસ્તેર રાણીએ જે આપેલી ઉજાણીમાં તેણીએ મારા અને રાજા સિવાય બીજા કોઇને પણ આમંત્રણ આપ્યું નહોતું અને આવતી કાલે પણ તેણીએ મને રાજા સાથે ઉજાણી માટે આમંત્રણ આપ્યું છે. 13 પરંતુ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દખાયને હું રાજાના દરવાજા આગળ બેઠેલો જોઉં ત્યાં સુધી આ સર્વ મને કંઇ સંતોષ આપતું નથી.”
14 ત્યારે તેની પત્ની તથા મિત્રોએ તેને સલાહ આપી, “પંચોતેર ફૂટ ઊંચો ફાંસીનો માચડો તૈયાર કરાવ અને સવારે રાજા પાસેથી મોર્દખાયને તે પર લટકાવી મારી નાખવાની પરવાનગી લઇ આવ. અને આમ થશે ત્યારે તું આનંદથી રાજા સાથે ઉજાણી માણી શકશે.”
આ સલાહ હામાનને પસંદ પડી અને તેણે ફાંસીનો માચડો તૈયાર કરવાનો હુકમ કર્યો.
ખ્રિસ્તવિરોધીઓને અનુસરો નહિ
18 મારાં વહાલાં બાળકો, અંત નજીક છે! તમે સાંભળ્યું છે કે ખ્રિસ્તવિરોધી આવે છે. અને હવે ખ્રિસ્તવિરોધીઓ ઘણાં અહીં છે. તેથી અમે જાણીએ છીએ કે હવે અંત નજીક છે. 19 ખ્રિસ્તના તે વિરોધીઓ આપણા સમુહમાં હતા. પણ તેઓ આપણામાંથી નીકળી ગયા. તેઓ ખરેખર આપણી સાથે ન હતા. જો તે ખરેખર આપણા સમુહના હોત, તો તેઓ આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ નીકળી ગયા. આ તે બતાવે છે કે તેમાંનો કોઈ પણ ખરેખર આપણમાંનો હતો નહિ.
20 તમે જે પવિત્ર છે (દેવ કે ખ્રિસ્ત) તેના દ્વારા અભિષિક્ત થયા છો. તેથી તમે બધા સત્યને જાણો છો. 21 મારે તમને શા માટે લખવું? તમે સત્યને જાણતા નથી તેથી મારે લખવું? ના! હું આ પત્ર લખું છું કારણ કે તમે સત્યને જાણો છો. અને તમે જાણો છો કે કોઈ પણ જુઠાણું સત્યમાંથી આવતું નથી.
22 તેથી જુઠો કોણ છે? તે એ વ્યક્તિ છે જે કહે છે કે ઈસુ, ખ્રિસ્ત નથી. તે ખ્રિસ્તવિરોધી છે. તે વ્યક્તિ પિતામાં વિશ્વાસ કરતો નથી. અથવા તેના પુત્રમાં વિશ્વાસ કરતો નથી, તો તેને બાપ હોતો નથી, પરંતુ જે વ્યક્તિ પુત્રને સ્વીકારે છે તો તેને બાપ પણ છે.
23-24 તમે આરંભથી જે સાંભળ્યું છે તે તમારામાં રહો, આરંભથી જે તમે સાંભળ્યું છે તે જો તમારામાં રહે તો તમે પણ પુત્રમાં તથા પિતામા રહેશો. તેની ખાતરી રાખજો. 25 પુત્રએ આપણને અનંતકાળનું જીવન આપવાનું વચન આપ્યું છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International