Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, દુષ્ટ માણસોથી મને મુકત કરો;
જુલમગારોથી તમે મારું સદા રક્ષણ કરો.
2 તેઓ પોતાના અંતરમાં દુષ્ટ યોજનાઓ ઘડે છે;
ને રોજ રોજ નવા ઝગડા ઊભા કર્યા કરે છે.
3 તેઓએ પોતાની જીભ સાપની જેવી તીક્ષ્ણ બનાવી છે;
અને તેઓની જીભની નીચે નાગનું વિષ છે.
4 હે યહોવા, દુષ્ટોના હાથોમાંથી મને બચાવો;
જેઓએ મને હાની પહોંચાડવાની યોજના કરી છે;
એવા હિંસક માણસોથી તમે મને બચાવો.
5 હે ગવિર્ષ્ઠ માણસોએ મને પકડવા છટકું ગોઠવ્યું છે;
આચકો મારીને મને ઊંચે ખેંચીને હવામાં લટકતા છોડવા માટે જાળ પાથરી છે;
તેઓ મારા ઉપર જાળ નાખવા જાડીમાં છુપાયા છે.
6 મેં યહોવાને કહ્યું, તમે મારા દેવ છો;
હે યહોવા, દયા માટેની મારી અરજ સાંભળો.
7 હે પ્રભુ યહોવા, મારા સમર્થ તારક;
યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
8 હે યહોવા, આ દુષ્ટો જે ઇચ્છે છે તે તેમની પાસે ન હોય.
તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ;
નહિ તો તેઓ ઊંચા ઊઠશે.
9 તેઓના કાવતરાંની જાળમાં તેઓ જ ફસાય તેવું થાઓ;
મારું ભૂંડુ થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે
તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ.
10 ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો;
અથવા તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે;
અથવા તો ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.
11 જૂઠું બોલનારાઓને આ દેશમાં રહેવા દેશો નહિ,
તે દુષ્ટ હિંસક માણસોનો શિકાર અને વિનાશ થવા દો!
12 મને જાણ છે કે, યહોવા નિર્ધન લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે,
અને ગરીબોનો હક જાળવશે.
13 યહોવાનો ભય રાખનારા ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે;
કારણકે, યથાર્થ મનુષ્યો તમારી સક્ષમતામાં જીવશે.
મદદ માટે એસ્તેરને મોદેર્ખાયની વિનંતી
4 જ્યારે મોર્દખાયે આ બધું જાણ્યું ત્યારે તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, શરીરે રાખ ચોળી ટાટ પહેર્યુ, અને મોટા સાદે રડતો રડતો નગરમાં નીકળી પડ્યો. 2 તે છેક મહેલના દરવાજે જઇને બહાર ઊભો રહ્યો, કારણ કે ટાટ પહેરીને અંદર પ્રવેશવાની કોઇનેય પરવાનગી ન હતી. 3 જ્યાં જ્યાં રાજાની આજ્ઞા પહોંચી ગઇ તે બધા પ્રાંતોમાં યહૂદીઓમાં શોક ફેલાઇ ગયો અને લોકો ઉપવાસ કરી રડવા લાગ્યા અને છાતી કૂટવા લાગ્યા. ઘણા તો ટાટ પહેરીને રાખ પાથરીને તેમાં સૂતાં.
4 જ્યારે એસ્તેરની દાસીઓએ તથા ખોજાઓએ આવીને તેને મોર્દખાય વિષે કહ્યું, ત્યારે તે ખૂબ દુ:ખી થઇ ગઇ. મોર્દખાય ટાટ વસ્રો કાઢી બદલી નાખે તે માટે તેણીએ વસ્ત્રો મોકલી આપ્યાં. પરંતુ મોર્દખાયે તેનો અસ્વીકાર કર્યો. 5 પછી એસ્તેરે રાજાએ તેણીની સેવામાં નીમેલા ખોજા હથાખને બોલાવી, તેને મોર્દખાય પાસે જઇ તેને શેની તકલીફ છે અને શાથી, તે પૂછી લાવવાની આજ્ઞા કરી. 6 હથાક મોર્દખાય પાસે મહેલના દરવાજે ગયો. 7 અને તેણે મોર્દખાય પાસેથી તેની સાથે શું બન્યું હતું તે બધી વાત સાંભળી. હામાને યહૂદીઓનો નાશ કરવા માટે રાજ્યની તિજોરીમાં જે નાણાં આપવાનું વચન આપ્યું હતું તેનો ચોક્કસ આંકડો પણ મોર્દખાયે તેને કહ્યો. 8 વળી તેઓનો નાશ કરવાનો હૂકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ તેણે તેને આપી કે, તે એસ્તેરને તે દેખાડે, અને તેને વિનંતી કરે કે રાજાની હજૂરમાં જઇને તે પોતાના લોકોને માટે કાલાવાલા કરીને તેમને બચાવવા અરજ કરે.
9 પછી હથાકે પાછા ફર્યા બાદ મોર્દખાયનું કહેલું બધું એસ્તેરને કહ્યું.
10 એટલે એસ્તેરે હથાકને કહ્યું કે, જા, અને મોર્દખાયને આ મુજબ કહે, 11 “આ કાનૂન રાજાના બધાંજ આગેવાનો અને પ્રાંતોના બધાં જ લોકો જાણે છે કે, કોઇ પણ સ્ત્રી કે પુરુષ વગર પરવાનગીથી છેક અંદરના સભામંડળમાં જઇ શકતું નથી કારણ કે જે કોઇ બોલાવ્યાં વગર તેમ કરે તો તેને મૃત્યુની સજા કરવામાં આવે છે, સિવાય કે રાજા તે વ્યકિત સામે પોતાનો સોનાનો રાજદંડ ધરે. પણ છેલ્લા એક મહિનાથી રાજાએ મને બોલાવી નથી.”
12 એસ્તેરનો સંદેશો તેણે જઇને મોર્દખાયને કહી સંભળાવ્યો. 13 જવાબમાં મોર્દખાયે એસ્તેરને કહેવડાવ્યું, “તું એવું ના વિચારતી કે તું રાજમહેલમાં રહેતી હોવાથી જ્યારે બધાં યહૂદીઓની હત્યા થાય ત્યારે તું બચી જશે?” 14 “જો તે સમયે તું મૌન રહીશ અને યહૂદીઓને બચાવવા માટે કાઇં નહિ કરે તો બીજી કોઇ રીતે ચોક્કસ યહૂદીઓ માટે મદદ અને રાહત મોકલાશે, પરંતુ તારુ તથા તારાં પિતાના કુટુંબનો નાશ થશે. અને કોને ખબર છે કે તને રાણીપદ કદાચ આવા સમય માટે તો પ્રાપ્ત થયું હશેં?”
15 ત્યારે એસ્તેરે તેઓને કહ્યું કે, “તમારે મોર્દખાયને એવો જવાબ આપવો કે, 16 જા, સૂસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને ભેગા કર. અને તમે સર્વ આજે મારે માટે ઉપવાસ કરો, ત્રણ દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કોઇએ ખાવું-પીવું નહિ; હું અને મારી દાસીઓ પણ એ જ રીતે ઉપવાસ કરીશું. જો કે એ પણ નિયમ વિરૂદ્ધ છે તોપણ હું રાજાની હજૂરમાં જઇશ; જો મારો નાશ થાય, તો ભલે થાય.”
17 ત્યારે મોર્દખાય પોતાને રસ્તે ગયો, અને એસ્તેરે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યુ.
જીવંત આશા
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો. દેવ ઘણો કૃપાળુ છે, અને તેની દયાથી આપણને નવજીવન પ્રાપ્ત થયું છે. અને ઈસુ ખ્રિસ્તના મૂએલામાથી પુનરુંત્થાન દ્ધારા આ નવજીવન આપણામાં જીવંત આશા અંકુરિત કરે છે. 4 હવે દેવના બાળકો પ્રત્યેક તેના આશીર્વાદોની આપણને આશા છે. તમારા માટે આ આશીર્વાદો આકાશમાં સ્થાપિત કરાયા છે. આ આશીર્વાદો અવિનાશી છે. તેને નષ્ટ ન કરી શકાય. તે તેમની સુંદરતા ગુમાવતા નથી.
5 તમારા વિશ્વાસ થકી દેવનું સાર્મથ્ય તમારું રક્ષણ કરે છે, અને તમારું તારણ થાય ત્યાં સુધી તે તમને સલામત રાખે છે. 6 આ તમને આનંદિત બનાવે છે. પરંતુ હમણા થોડા સમય પૂરતા વિવિધ પ્રકારના પરીક્ષણ તમને કદાચ દુ:ખી બનાવશે. 7 આ મુશ્કેલીઓ શાથી ઉદભવશે? એ સાબિત કરવા કે તમારો વિશ્વાસ શુદ્ધ છે. વિશ્વાસની આ શુદ્ધતા સોના કરતાં પણ વધુ મૂલ્યવાન છે. દેવ અગ્નિથી સોનું પારખી શકે છે, પરંતુ આમ કરવાથી સોનાનો નાશ થશે. તમારા વિશ્વાસની શુદ્ધતા જ્યારે ઈસુ ખ્રિસ્ત ફરીથી આવશે ત્યારે તમારે માટે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.
8 તમે ખ્રિસ્તને જોયો નથી, છતાં તમે તેના પર પ્રીતિ રાખો છો. તમે તેને અત્યારે જોઈ શકતા નથી, છતાં તમે તેના પર વિશ્વાસ રાખો છો. ન સમજાવી શકાય તેવા અવર્ણનીય આનંદમાં તમે તળબોળ છો. અને આ આનંદ મહિમાથી ભરપૂર છે. 9 તમારા વિશ્વાસનું ફળ તે તમારા આત્માનું તારણ છે. અને તમે તે ફળ દ્ધારા તમારું તારણ મેળવી રહ્યા છો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International