Revised Common Lectionary (Semicontinuous)
હામાનને ફાંસીની સજા
7 રાજા તથા હામાન રાણી એસ્તેરની દ્રાક્ષારસની ઉજાણીમાં જમવા ગયા. 2 બીજે દિવસે પણ દ્રાક્ષારસ પીતાંપીતાં રાજાએ એસ્તેરને પૂછયું; “એસ્તેર રાણી, તારી અરજ શી છે? તે તને આપવામાં આવશે; તારી વિનંતી શી છે? તારે શું જોઇએ છે? તું જે માગશે તે હું તને આપીશ, અડધું રાજ પણ હું તને આપવા તૈયાર છું.”
3 રાણી એસ્તેરે કહ્યું, “જો આપ મારા પર પ્રસન્ન થયા હોય, અને જો આપને આ યોગ્ય લાગતું હોય, તો મારી એટલી વિનંતી છે કે, મને અને મારા લોકોને જીવવા દો. 4 મને અને મારા લોકોને, મારી નાખવા માટે અમારું અસ્તિત્વ મિટાવી દેવા માટે, વેચી દેવામાં આવ્યાં છે, જો અમને ફકત ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યાં હોત તો મેં કંઇ પણ માંગ્યું ન હોત, કારણ, તેથી અમારી દશા એટલી ખરાબ ન થઇ હોત કે જેને માટે મારે આપ નામદારને તસ્દી આપવી પડે.”
5 “તું શી વાત કરે છે?” અહાશ્વેરોશે ભારપૂર્વક પૂછયું; “કોણ છે એ માણસ જેણે આવું કરવાની ધૃષ્ટતા કરી છે? તે ક્યાં છે?”
6 એસ્તેરે જવાબ આપ્યો, “આ દુષ્ટ હામાન અમારો શત્રુ છે,”
આ સાંભળીને હામાન રાજા અને રાણીની સામે ડરવા લાગ્યો.
9 જે ખોજાઓ રાજાની સન્મુખ તે વખતે હાજર હતા તેઓમાંના એક, જેનું નામ હાબોર્નાહ હતું તેણે કહ્યું કે, મોર્દૃખાય, જેણે કાવત્રાની માહિતી આપીને રાજાની મદદ કરી હતી, તેને લટકાવવા માટે હામાને પોતાના ઘરની પાસે પંચોતેર ફુટનો ફાંસીનો માંચડો કરાવ્યો છે.
રાજાએ કહ્યું, “હામાનને તેના પર ફાંસી આપો.”
10 એટલે હામાને મોર્દખાયને માટે તૈયાર કરેલી ફાંસી પર તેને પોતાને ચઢાવી દેવામાં આવ્યો. તે પછી રાજાનો ગુસ્સો શમી ગયો.
20 મોર્દખાયે આ સર્વ બનાવોને લખી અને અહાશ્વેરોશ રાજાના નજીકના તેમજ દૂરના પ્રાંતોના સર્વ યહૂદીઓ પર પત્રો મોકલ્યા. 21 તેણે જણાવ્યું કે, દર વર્ષે અદાર મહિનાનો ચૌદમો અને પંદરમો દિવસ ઊજવવો. 22 કારણ તે દિવસે યહૂદીઓએ પોતાના દુશ્મનોનો નાશ કર્યો હતો, અને તે મહિનામાં તેમનો શોક આનંદમા પલટાઇ ગયો હતો, અને તેમના દુ:ખના દિવસો આનંદના દિવસોમાં બદલાઇ ગયા હતાં, જેમાં એકબીજાને ભેટ આપવી અને ગરીબોને દાન આપવું.
મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.
1 ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
2 હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
3 તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
4 ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
5 તે અભિમાની માણસોએ અમને
પાણીમાં ડૂબાડી દીધા હોત.
6 યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.
7 જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
તેમ અમારા જીવ બચી ગયા છે;
જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
8 આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
યહોવા જ અમારા મદદગાર છે.
પ્રાર્થનાનું સાર્મથ્ય
13 જો તમારામાં કોઈ દુ:ખી હોય, તો તેણે પ્રાર્થના કરવી જોઈએ. અને જો કોઈ આનંદિત બને તો, તેણે સ્તોત્ર ગાવું જોઈએ. 14 જો તમારામાંનું કોઈ માંદુ પડે તો, તેણે મંડળીના વડીલોને બોલાવવા જોઈએ. વડીલોએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી જોઈએ. 15 અને વિશ્વાસથી કરેલી પ્રાર્થના માંદા માણસને સાજો કરે છે. પ્રભુ તેને સાજો કરશે. અને આ માણસે જો પાપ કર્યા હશે તો દેવ તેને માફ કરશે.
16 તમે જે ખરાબ કામ કર્યા હોય તે એકબીજાને કહો. અને પછી એકબીજા માટે પ્રાર્થના કરો. આમ કરો કે જેથી દેવ તમને સાજા કરી શકે. જો સારો માણસ આગ્રહથી પ્રાર્થના કરે તો મહાન કાર્યો થાય છે. 17 એલિયા સ્વભાવે આપણા જેવી જ વ્યક્તિ હતી. તેણે પ્રાર્થના કરી કે વરસાદ ન પડે. અને સાડા ત્રણ વરસ સુધી પૃથ્વી પર વરસાદ ન પડ્યો! 18 પછી એલિયાએ પ્રાર્થના કરી કે વરસાદ પડે. અને આકાશમાંથી વરસાદ પડ્યો, અને ધરતીમાંથી પાક ઊગી નીકળ્યો.
આત્માનો ઉધ્ધાર
19 મારા ભાઈઓ અને બહેનો, જો તમારામાંનો કોઈ સત્યમાંથી ભૂલો પડે તો બીજી વ્યક્તિ તેને સત્ય તરફ પાછા વળવા મદદરુંપ બને. 20 યાદ રાખો: જે વ્યક્તિ પાપીને ખોટા માર્ગેથી પાછી વાળે છે, તે વ્યક્તિ તે વ્યક્તિના પ્રાણને મોતમાંથી બચાવે છે. આમ તે પાપોની ક્ષમા માટે નિમિત્ત બને છે.
જે વ્યક્તિ આપણી વિરૂદ્ધ નથી તે આપણા પક્ષનો છે
(લૂ. 9:49-50)
38 પછી ઈસુએ કહ્યું, “ઉપદેશક, અમે તારા નામનો ઉપયોગ કરીને એક વ્યક્તિને ભૂતને બહાર કાઢતાં દીઠો. તે આપણા જૂથનો ન હતો. તેથી અમે તેને તે બંધ કરવા કહ્યું.”
39 ઈસુએ કહ્યું, “તેને રોકશો નહિ, જે કોઈ વ્યક્તિ પરાક્રમ કરવા મારા નામનો ઉપયોગ કરે છે તે મારા વિષે ખરાબ કહેશે નહિ. 40 જે વ્યક્તિ આપણી વિરૂદ્ધ નથી તે આપણા પક્ષનો છે. 41 હું તને સત્ય કહું છું, જે કોઈ વ્યક્તિ તને પીવાનું પાણી આપીને મદદ કરે છે કારણ કે તું ખ્રિસ્તનો શિષ્ય છે, તો તે વ્યક્તિ ખરેખર તેનો બદલો પ્રાપ્ત કરશે.”
પ્રલોભનો વિષે ચેતવણી
(માથ. 18:6-9; લૂ. 17:1-2)
42 “જો આ નાના બાળકોમાંનો એક મારામાં વિશ્વાસ કરે અને બીજી એક વ્યક્તિ તે બાળકને પાપ કરવા કારણરૂપ બને, તો તે વ્યક્તિ માટે તે ઘણું ખરાબ હશે. તે વ્યક્તિ તેના ગળે ઘંટીનું પડ બાંધીને દરિયામાં જાતે ડૂબી જાય તે વધારે સારું છે. 43 જો તારો હાથ તને પાપ કરાવે તો તે કાપી નાખ. તારા માટે તારા શરીરનો ભાગ ગુમાવવો એ વધારે સારું છે, પરંતુ જીવન તો સદા માટે રહેશે. બે હાથો સાથે નરકમાં જવું તેના કરતાં તે વધારે સારું છે. તે જગ્યામાં કદાપિ અગ્નિ હોલવાતો નથી. [44 નરકમાં લોકોને જે જંતુઓ ખાય તે કદાપિ મરતા નથી. નરકમાં અગ્નિ કદાપિ હોલવાતો નથી.][a] 45 જો તારો પગ તને પાપ કરાવે, તો તેને કાપી નાખ. તારા માટે તારા શરીરનો ભાગ ગુમાવવો તે વધારે સારું છે. પણ જીવન તો સદાય રહે. બે પગો સાથે નરકમાં ફેંકવામાં આવે તેના કરતાં તે વધારે સારું છે. [46 નરકમાં લોકોને જે જંતુઓ ખાય તે કદાપિ મરતા નથી. નરકમાં અગ્નિ કદાપિ હોલવાતો નથી.][b] 47 જો તારી આંખ તને પાપ કરાવે તો તેને બહાર કાઢી નાખ, તારી પાસે ફક્ત એક આંખ હોવી વધારે સારું છે. પણ જીવન તો સદાય રહે. બે આંખો સાથે નરકમાં ફેકવામાં આવે તેના કરતાં તે એક આંખ સાથે દેવના રાજ્યમાં પ્રવેશ કરવો તે વધારે સારું છે. 48 નરકમાં લોકોને જે જંતુઓ ખાય તે કદાપિ મરતા નથી. નરકમાં અગ્નિ કદાપિ હોલવાતો નથી.
49 “પ્રત્યેક વ્યક્તિ અગ્નિ વડે શિક્ષા પામશે.”
50 “મીઠું એ સારું છે. પરંતુ મીઠું તેનો ખારો સ્વાદ ગુમાવે પછી તમે તેને ફરીથી ખારું બનાવી શકતા નથી. તેથી ભલાઇથી પૂર્ણ બનો અને એકબીજા સાથે શાંતિ રાખો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International