Revised Common Lectionary (Semicontinuous)
મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.
1 ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
2 હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
3 તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
4 ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
5 તે અભિમાની માણસોએ અમને
પાણીમાં ડૂબાડી દીધા હોત.
6 યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.
7 જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
તેમ અમારા જીવ બચી ગયા છે;
જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
8 આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
યહોવા જ અમારા મદદગાર છે.
યહૂદીઓના વિનાશ માટે હામાનની યોજના
3 ત્યારબાદ થોડા સમય પછી અહાશ્વેરોશ રાજાએ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને ઊંચી પદવીએ ચઢાવ્યો. તેને બધા અમલદારોથીં ઉંચી પદવી આપવામાં આવી. 2 અને રાજાની આજ્ઞાથી રાજાના બધા સેવકો રાજાના દરવાજે હામાનને નીચા નમીને પ્રણામ કરવા લાગ્યા; પરંતુ મોર્દખાયે તેમ કર્યુ નહિ અને માન આપવાની ના પાડી. 3 તેથી દરવાજે રહેલા રાજાના સેવકોએ મોર્દખાયને પૂછયું; “તું શા માટે રાજાની આજ્ઞાનો ભંગ કરે છે?”
4 આ રીતે તેઓ રોજ તેને પૂછતા હતા અને તે તેમની વાત સાંભળતો નહોતો, તેણે તેઓને એટલું જ કહ્યું કે, “હું એક યહૂદી છું.” તે લોકોએ આ બાબતની જાણ હામાનને કરી, એ જાણવા માટે કે, તે મોર્દખાયની વર્તણૂંક સહન કરે છે કે કેમ. 5 જ્યારે હામાને જોયું કે, મોર્દખાય તેની આગળ નીચો નમતો નથી કે તેને માન આપતો નથી, ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો, 6 અને મોર્દખાય યહૂદી છે એવી જાણ થતાં ફકત મોર્દખાયનો જીવ લઇને સંતોષ માનવાને બદલે તેણે આખા સામ્રાજ્યમાંથી એકેએક યહૂદીનો નાશ કરવાનો નિશ્ચય કર્યો.
7 રાજા અહાશ્વેરોશના અમલના બારમા વર્ષ પહેલા એટલે કે નીસાન મહિનામાં હામાને ફાંસીનો દિવસ નક્કી કરવા ચિઠ્ઠીઓ નાંખી. બારમો મહિનો એટલે કે અદાર મહિનો અને તેરમો દિવસ પસંદ થયો. 8 ત્યારે હામાને રાજાને કહ્યું, “આપના રાજ્યના બધા પ્રાંતોમાંની બીજી પ્રજાઓ વચ્ચે એક પ્રજાના લોકો પ્રસરેલા છે; બીજા બધા લોકો કરતાં તેમના રીત રિવાજો જુદા છે અને તેઓ આપ નામદારના કાનૂનો સુદ્ધાં માનતા નથી. તેમને નભાવી લેવા તે તમારા હિતમાં નથી.
9 “માટે જો આપને યોગ્ય લાગે તો એમનો નાશ કરવાની આજ્ઞા ફરમાવો, તો જેઓ આજ્ઞાનું પાલન કરશે, તેઓને હું દશ હજાર ચાંદીના સિક્કાઓ રાજભંડારમાં લઇ જવા માટે આપીશ.”
10 એ સાંભળીને રાજાએ પોતાની આંગળી ઉપરથી રાજમુદ્રા કાઢીને યહૂદીઓના દુશ્મન અગાગી હામાન કે જે હામ્મદાથાનો પુત્ર હતો તેને આપી. 11 અને રાજાએ હામાનને કહ્યું કે, “એ નાણાં અને એ લોકો પણ છો તારા હાથમાં રહેતાં, તારે જેમ કરવું હોય તેમ કર.”
12 ત્યારબાદ પહેલા મહિનાને તેરમે દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા; અને હામોનની આજ્ઞાઓ પ્રમાણે અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના આગેવાનો પર, અર્થાત્ પ્રત્યેક પ્રાંતની લિપિમાં અને પ્રત્યેક પ્રાંતની ભાષામાં અને અહાશ્વેરોશ રાજાને નામે તે આદેશો લખાયા અને રાજાની મુદ્રિકાથી તેના પર મહોર મારવામાં આવી.
13 સંદેશાવાહકો મારફત એ પત્રો રાજાના બધા પ્રાંતોમાં મોકલવામાં આવ્યા જેમાં આજ્ઞા હતી કે, બારમા એટલે કે અદાર મહિનાના તેરમા દિવસે એક જ દિવસમાં બધાં જ યહૂદી જુવાન અને વૃદ્ધો સ્ત્રી-પુરુષો સહિતની હત્યા કરવામાં આવે અને તેમને સાફ કરી નાખવામાં આવે, તેમની માલમિલકત લૂંટાઇ જવી જોઇએ.
14 આ આદેશની નકલને બધાં પ્રાંતોમાં નિયમ તરીકે વહેચવી તેને જાહેરમાં પ્રગટ કરવી જેથી નિર્ધારિત સમયે રાજ્યનાં બધાં લોકો તે દિવસ માટે તૈયાર જ રહે. 15 સંદેશાવાહકોએ આ હુકમનામાની જાહેરાત સૌપ્રથમ સૂસાનાં પાટનગરમાં કરી. પછી સંદેશવાહકો આ આદેશપત્રોને દરેક પ્રાંતમાં આપવા ગયા. સૂસાનું સમગ્ર નગર ભયભીત થઇ ગયું અને મુંઝવણમાં મૂકાઇ ગયું. પણ રાજા અને હામાન દ્રાક્ષારસ માણી રહ્યાં હતાં.
તમે મીઠા સમાન છો અને પ્રકાશ સમાન છો
(માર્ક 9:50; 4:21; લૂ. 14:34-35; 8:16)
13 “તમે જગતનું મીઠું છો. પરંતુ મીઠું જો એનો સ્વાદ ત્યજી દેશે તો પછી તે ફરીથી ખારાશવાળું નહિ જ થઈ શકે. જો મીઠું તેનો સ્વાદ ગુમાવી દેશે તો તે નકામું છે એમ સમજીને તેને ફેંકી દેવાશે અને લોકો તેને પગ તળે છુંદી નાખશે.
14 “તમે સ્વયં પ્રકાશ છો, જે આખા જગતને પ્રકાશિત કરે છે. પર્વત ઉપર બાંધેલ નગરને છુપાવી શકાતું નથી, તેને દરેક જણ જોઈ શકે છે. 15 અને લોકો દીવો સળગાવીને પછી તેને વાટકા નીચે મૂકતા નથી, પણ તેઓ તેને દીવી પર મૂકે છે પછી તે દીવો ઘરમાં જે બધા લોકો રહે છે તેમને પ્રકાશ આપે છે. 16 તે રીતે તમારે પણ બીજા લોકોને પ્રકાશ આપવો જોઈએ. જેથી તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને લોકો તમારા આકાશમાં બાપની સ્તુતિ કરે.
ઈસુ અને જૂનું નિયમશાસ્ત્ર
17 “એવું ના માનશો કે હું મૂસાના નિમયશાસ્ત્રનો કે પ્રબોધકોના ઉપદેશોનો નાશ કરવા આવ્યો છું. હું તેના ઉપદેશોનો નાશ કરવા માટે નહિ પરંતુ તેનો પૂરો અર્થ સમજાવવા આવ્યો છું. 18 હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી કશું જ અદ્રશ્ય થઈ શકશે નહિ, આવું બનશે નહિ (વિનાશ સજાર્શે નહિ) ત્યાં સુધી નિમયશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતો રહેશે નહિ.
19 “મનુષ્યે નિયમની દરેક આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ પછી ભલે તે આજ્ઞાની કોઈ અગત્યતા ન જણાય. મનુષ્ય જો આજ્ઞાઓનું પાલન કરવાની ના પાડશે અને બીજાઓને તેમ કરવા શીખવશે તો આકાશના રાજ્યમાં તે મનુષ્ય બીન મહત્વનો ગણાશે. જેઓ નિયમ અને નિયમશાસ્ત્રનું પાલન કરશે તેમજ બીજા લોકોને તેનું પાલન કરવા જણાવશે, તેઓ આકાશના રાજ્યમાં મહાન હશે. 20 હું તમને જણાવું છું કે તમારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં દેવને જેની જરૂર છે તે માટે કઈક વધુ સારું કરનારા થવું જોઈએ નહિ તો તમે આકાશના રાજ્યમાં દાખલ પણ થઈ શકશો નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International