Revised Common Lectionary (Semicontinuous)
મંદિરે ચઢવાનું ગીત.
1 જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
તે સર્વને ધન્ય છે.
2 તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
3 તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
5 યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
6 તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.
ઇસ્રાએલને શાંતિ થાઓ.
મિત્રો અને પરિવારથી શકિત મળે છે
9 એક કરતાં બે ભલા; કારણ કે બંનેએ સાથે મળીને કરેલી મહેનતનું ઘણું વધારે સારું ફળ તેઓને મળે છે.
10 જો બેમાંથી એક પડે તો બીજો તેને મદદ કરે છે; પરંતુ માણસ એકલો હોય, અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઇજ મળે નહિ અને ત્યારે તેની સ્થિતિ દયાજનક થાય છે.
11 જો બે જણા સાથે સૂઇ જાય તો તેઓને એક બીજાથી હૂંફ વળે છે. પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે?
12 એકલા માણસને હરકોઇ હરાવે, પણ બે જણ મળીને જીતી શકે છે; ત્રેવડી વણેલી દોરી સહેલાઇથી તૂટતી નથી.
રાજનીતિ અને પ્રસિદ્ધિ
13 કોઇપણ વૃદ્ધ અને મૂર્ખ રાજા કે જે કોઇની સલાહ સાંભળતો ન હોય, તેનાં કરતાં ગરીબ પણ જ્ઞાની યુવાન સારો હોય છે. 14 આ યુવાન જેલમાંથી મુકત થઇને રાજા બની શકે છે. અથવા તે દરિદ્રી પરિવારમાં જન્મ્યો હોય તો પણ રાજા થઇ શકે છે. 15 દુનિયા પરનાં સર્વ મનુષ્યોને મેં જોયા તો તેઓ બધા રાજાના વારસ બનેલા આ યુવાનની સાથે હતાં. 16 અસંખ્ય લોકો તેની સન્મુખ ઊભા હતાં, તો પણ તેના પછીની પેઢીનાં લોકો તેનાથી ખુશ નહોતા. તેથી ખરેખર એ પણ વ્યર્થ અને હવામાં બાચકા ભરવા જેવું છે.
સ્વાર્થી શ્રીમંતો શિક્ષાને પાત્ર
5 તમે શ્રીમંતો, સાંભળો! રૂદન કરો અને ખૂબજ વ્યથિત થાવ. કારણ કે ઘણા સંકટો તમારા પર આવવાનાં છે. 2 વળી તમારી સમૃદ્ધિ સડી ગઇ છે, અને તેનું મૂલ્ય કશું જ રહ્યું નથી, તમારા વસ્ત્રો જીવજંતુ ખાઈ જશે. 3 તમારું સોનું અને ચાંદી કટાઈ જશે, અને તેનો કાટ તમારા ખોટાપણાની સાબિતી બનશે તે કાટ અજ્ઞિની જેમ તમારાં શરીરને ભરખી જશે. અંતકાળ સુધી તમે તમારો ખજાનો સંઘરી રાખ્યો છે. 4 લોકોએ તમારાં ખેતરોમા કામ કર્યું, પરંતુ તમે તેમને વળતર ચૂકવ્યું નહિ તેં લોકો તમારી વિરૂદ્ધ રૂદન કરી રહ્યા છે તે લોકોએ તમારા પાકની લણણી કરી. હવે આકાશના લશ્કરોના પ્રભુએ તેઓની બૂમો સાંભળી છે.
5 તમે પૃથ્વી પર મોજશોખ અને વિલાસી જીવન જીવો છો. તમે કાપાકાપીના દિવસ માટે તૈયાર પ્રાણીની જેમ તમારી જાતને સ્થૂળ બનાવી દીધી છે. 6 ન્યાયી પ્રત્યે તમે કોઈ દયા બતાવી નથી. તેઓ તમારી વિરૂદ્ધ નહોતા, છતાં તમે તેઓને મારી નાખ્યાં છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International