Revised Common Lectionary (Semicontinuous)
મંદિરે ચઢવાનું ગીત.
1 જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
તે સર્વને ધન્ય છે.
2 તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
3 તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
5 યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
6 તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.
ઇસ્રાએલને શાંતિ થાઓ.
27 આવતી કાલની બડાશ મારીશ નહિ, કારણ, આવતીકાલે શું થઇ જાય તે તું જાણતો નથી.
2 તારાં વખાણ બીજાને કરવા દે, તારે મોઢે ન કર; પારકો ભલે કરે, તું ન કર.
3 પથ્થર વજનદાર હોય છે, અને રેતી ભારે હોય છે; પરંતુ મૂર્ખની ઉશ્કેરણી બંન્ને કરતાઁ ભારે હોય છે.
4 ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે, પણ ઇર્ષ્યા આગળ કોણ ટકી શકે?
5 છુપાવેલા પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.
6 મિત્રના ઘા પ્રામાણિક હોય છે, દુશ્મનનાં ચુંબન શંકાશીલ હોય છે.
7 ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, જ્યારે ભૂખ્યાને કડવું પણ મીઠું લાગે છે.
8 પોતાનું ઘર છોડીને ભટકતી વ્યકિત પોતાનો માળો છોડી દીધેલા પક્ષી જેવી છે.
9 જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.
10 તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને ન તજીશ. વિપત્તિને સમયે તારા ભાઇને ઘેર ન જઇશ. દૂરના ભાઇ કરતાં નજીકનો પડોશી સારો.
11 મારા દીકરા જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.
12 ચતુર વ્યકિત આફતને આવતી જોઇને તેને ટાળે છે, અવિચારી માણસ આગળ વધતો રહે છે અને તેને લીધે સહન કરે છે.
13 અજાણ્યાનો જામીન થનારનાં કપડાં લઇ લેવાં, અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય તો તેને તાબામાં પકડી લેવો.
14 જે કોઇ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ દે છે, તે તેને શાપ સમાન લાગશે.
15 ચોમાસામાં ચૂતું છાપરું તથા કજિયાળી સ્ત્રી બંને બરાબર છે.
16 જે તેણીને રોકી શકે તે પવનને રોકી શકે, અને પોતાના જમણા હાથમાં લગાવેલા તેલની સુગંધ પણ પકડી શકે.
17 લોઢું લોઢાને તેજ બનાવે છે, તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે.
18 જે કોઇ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે, જે પોતાના ધણીની કાળજી કરે છે તે માન પામે છે.
19 જેમ માણસોનો ચહેરો પાણીમાં પ્રતિબિંબિત થાય છે, તેવી જ રીતે એક માણસનું હૃદય બીજા માણસના હૃદયમાં પ્રતિબિંબિત થાય છે.
20 જેમ શેઓલ અને અબદોન કદી તૃપ્ત થતાં નથી; તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.
21 રૂપું ગાળવા સારુ કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે તેમ વ્યકિતની પરીક્ષા બીજા તેની પ્રશંસા કરે તેના પરથી થાય છે.
22 ઘંટીમાં અનાજની જેમ દળાય તોયે મૂર્ખની મૂર્ખાઇ ન જાય.
23 તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતીથી બરાબર માહિતગાર રહે. તારા ઢોરઢાંકરની પૂરતી સંભાળ લે. 24 કારણ ધન સદા ટકતું નથી અને રાજમુગટ કાયમ રહેતો નથી. 25 સૂકું ઘાસ વઢાઇ જાય ત્યાં નવું ઘાસ ફૂટે છે, પર્વત પરની વનસ્પતિઓ ભેગી કરી લેવામાં આવે છે. 26 ઘેટાં તને વસ્ત્રો આપે છે, અને બકરાં તારાં ખેતરનું મૂલ્ય છે; 27 વળી બકરીનું દૂધ તને, તારા કુટુંબને અને તારી દાસીઓના ગુજરાન માટે ચાલશે.
8 દેવની નજીક આવો અને દેવ તમારી પાસે આવશે. તમે પાપી છો. તેથી તમારા જીવનમાંથી પાપ દૂર કરો. તમે દુનિયા અને દેવ બંનેને એક સાથે અનુસરવા માગો છો. તમારી વિચારધારાને નિર્મળ બનાવો. 9 તમે ઉદાસ થાઓ, શોક કરો, અને રડો! તમારા હાસ્યને શોકમાં ફેરવો. તમારા આનંદને વિષાદમય બનાવો. 10 પ્રભુ આગળ દીન બનો, અને તે તમને મહાન બનાવશે.
તમે ન્યાયાધીશ નથી
11 ભાઈઓ અને બહેનો, એકબીજાની વિરૂદ્ધ કશું જ બોલશો નહિ. જો તમે ખ્રિસ્તમાં તમારા ભાઈની ટીકા કરો કે તેનો ન્યાય કરો તો તમે જે નિયમશાસ્ત્રને અનુસરી રહ્યા છો તેની ટીકા કરો છો. જ્યારે ખ્રિસ્તમાં ભાઈઓનો તમે ન્યાય કરો છો ત્યારે હકીકતમાં તે જે નિયમશાસ્ત્રને અનુસરે છે, તેનો તમે ન્યાય કરો છો અને જ્યારે તમે નીતિશાસ્ત્રની મૂલવણી કરવા જાઓ ત્યારે તમે તેના શિષ્યો નથી. તમે પોતે જ તેના ન્યાયાધીશ બની જાઓ છો. 12 દેવે તે એક જ છે કે જે નિયમશાસ્ત્રની રચના કરે છે. અને તે માત્ર એક જ ન્યાયાધીશ છે. એક દેવ માત્ર તારી શકે છે અને નાશ કરી શકે છે. તેથી અન્ય વ્યક્તિનો ન્યાય કરનાર તું કોણ છે?
દેવને તમારા જીવનનું આયોજન કરવા દો
13 તમારામાંના કેટલાએક કહે છે કે, “આજે અથવા કાલે આપણે કોઈ એક શહેર તરફ જઈશું. આપણે ત્યાં એક વર્ષ રહીશું, વેપાર કરીશું અને પૈસા બનાવીશું,” સાંભળો! આ વિશે વિચારો: 14 કાલે શું થવાનું છે તેની તમને ખબર નથી! તમારું જીવન શાના જેવું છે? તે તો ફક્ત એક ધૂમર જેવું છે. અલ્પ સમય માટે જુઓ છો, અને પછી તે અદ્રશ્ય થઈ જાય છે. 15 તેથી તમારે કહેવું જોઈએે કે, “પ્રભુની ઈચ્છા હશે, તો અમે જીવીશું અને આમ કે તેમ કરીશું.” 16 પરંતુ અત્યારે તમે અભિમાની અને અહંકારી છો. આ બધોજ અબંકાર ખોટો છે. 17 અને જે વ્યક્તિ ભલું કરી જાણે છે અને છતાં તે ન કરે તો તે પાપ કરે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International