Revised Common Lectionary (Semicontinuous)
સદગુણી પત્ની
10 [a] સદગુણી પત્ની કોને મળે?
હીરામાણેક કરતાં પણ એનું મૂલ્ય વધારે છે.
11 તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે,
અને તેને સંપતિની કોઇ ખોટ નથી.
12 તે જીવનભર પોતાના પતિનું ભલું જ કરે છે,
કદી ખોટું કરતી નથી.
13 તે ઊન અને શણ ભેગું કરે છે
અને તેને ખંતથી પોતાના હાથે કાંતવામાં આનંદ માણે છે.
14 તે વેપારીના વહાણ જેવી છે,
તે દૂરથી પોતાનું અન્ન લઇ આવે છે.
15 ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે,
અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે.
16 તે બહાર જાય છે, ખેતર તપાસે છે અને ખરીદે છે.
પોતાના નફામાંથી તે પોતાના હાથો વડે તે દ્રાક્ષની વાડી રોપે છે.
17 તે ખડતલ અને ભારે ઉદ્યમી છે.
તે કમર કસીને કામ કરે છે.
18 તે પોતાના વેપારના નફાનો ખ્યાલ રાખે છે.
તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી.
19 તે એક હાથે પૂણી પકડે છે
ને બીજે હાથે રેંટિયો ચલાવે છે.
20 તે ગરીબોને ઉદાર મને આપે છે
અને દીનદુ:ખીને છૂટે હાથે મદદ કરે છે.
21 તેનાં ઘરના સભ્યો માટે તેને શિયાળાની બીક નથી.
તેનાં આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે.
22 તે પોતાને માટે રજાઇઓ બનાવે છે;
તેનાં વસ્ત્રો ઝીણા મલમલનાં તથા જાંબુડા રંગના છે.
23 તેનો પતિ નગર દરવાજે આદર પામે છે
અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તેની ઊઠબેસ છે.
24 તે વસ્ત્રો અને કમરબંધ વણીને વેપારીઓને વેચેછે.
25 શકિત અને પ્રતિષ્ઠા તેના વસ્ત્રો છે.
તે ભવિષ્ય વિષે ચિંતિત નથી.
તેને વૃદ્ધાવસ્થાનો ડર નથી.
26 તેના મોઢામાંથી જ્ઞાનની વાતો નીકળે છે.
નમ્ર સૂચનો તેની જીભમાંથી નીકળે છે.
27 તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે.
અને તે કદી આળસ કરતી નથી.
28 તેનાં સંતાનો જીવનમાં ઊંચે ઊડે છે,
અને તેને ધન્યવાદ આપે છે.
અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે,
29 જગતમાં ઘણી સદાચારી સ્ત્રીઓ છે,
પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે.
30 લાવણ્યામક છે, અને સૌદર્ય ક્ષણિક છે.
પરંતુ યહોવાનો ડર રાખનાર સ્ત્રીની પ્રંશસા થશે.
31 તેના કામની પ્રસંશા કરો અને ભલે
તે તેને નગર દરવાજે પ્રતિષ્ઠા અપાવે.
ભાગ પહેલો
(ગીત 1–41)
1 દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી,
પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી,
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી,
તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
2 યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે,
રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે;
અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
3 તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે,
એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે;
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી.
તેઓ જે કાઇ કામ કરે છે,
તેમાં સફળ થાય છે.
4 પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે.
તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ;
ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
6 યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે;
પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.
સાચું જ્ઞાન
13 તમારામાંથી કોઈ ખરેખર જ્ઞાની અને સમજુક માણસ છે? જો એમ હોય તો, તેણે ન્યાયી જીવન જીવીને તેનું સાચું જ્ઞાન બતાવવું જોઈએે. જ્ઞાની માણસ અભિમાન કરતો નથી. 14 તમે સ્વાર્થ અને હ્રદયમાં કડવી અદેખાઇ કરવાનું રાખશો તો તમારે અભિમાનનું કોઈજ કારણ નથી. તમારું અભિમાન જૂઠાણું છે જે સત્યને ઢાકી દે છે. 15 આ એવી જાતનું “જ્ઞાન” નથી કે જે દેવ પાસેથી પ્રાપ્ત થતું હોય, તેને બદલે તે જ્ઞાન જગતમાંથી પ્રાપ્ત થાય છે. તે ઐહિક, વિષયી, શેતાન પ્રેરિત છે. 16 જ્યાં અદેખાઇ તથા સ્વાર્થી મહત્વાકાંક્ષા છે, ત્યાં અવ્યવસ્થા તથા સર્વ પ્રકારની ભૂડાઇ પ્રવર્તતી રહેશે. 17 પણ દેવ તરફથી આવતું જ્ઞાન નિર્મળ, શાંતિપ્રિય, નમ્ર અને ખુલ્લા મનનું, દયા અને ભલાઈથી ભરપૂર છે. સારાં ફળોથી ભરપૂર નિષ્પક્ષપાત તથા દંભરહિત છે. 18 જે લોકો શાંતિ માટે કાર્ય કરે છે તેઓ ન્યાયી જીવનમાંથી આવતાં સારાં વાનાં પ્રાપ્ત કરે છે.
દેવને તમારી જાત સોંપો
4 તમે જાણો છો તમારામાં ઝઘડા અને વાદવિવાદ ક્યાાંથી આવે છે? તમારામાં રહેલી સ્વાર્થીવૃત્તિને લીધે થાય છે. 2 તમારી પાસે જે નથી તે પ્રાપ્ત કરવા તમે સ્વાર્થી ઈચ્છા રાખો છો અને તે મેળવવા અદેખાઇ કરો છો અને તેથી તમે હત્યા કરો છો પરંતુ કશું મેળવી શકતા નથી. વળી તે માટે તમે વિવાદ અને ઝઘડા કરો છો. તમારે જે જોઈએે છે તે તમને મળતું નથી કારણ તમે દેવ પાસે માંગતા નથી. 3 જ્યારે તમે માગો છો, છતાં તમને મળતું નથી કેમ કે તમારો ઇરાદો સાચો નથી. તમે જે માગો છો તો મોજ શોખ માટે માગો છો તેથી તે તમને મળતું નથી.
7 તેથી તમારી જાત દેવને સોંપી દો. શેતાનની સામા થાઓ, અને શેતાન તમારી પાસેથી નાસી જશે. 8 દેવની નજીક આવો અને દેવ તમારી પાસે આવશે. તમે પાપી છો. તેથી તમારા જીવનમાંથી પાપ દૂર કરો. તમે દુનિયા અને દેવ બંનેને એક સાથે અનુસરવા માગો છો. તમારી વિચારધારાને નિર્મળ બનાવો.
ઈસુનું તેના મૃત્યુ વિષે કહેવું
(માથ. 17:22-23; લૂ. 9:43-45)
30 પછી ઈસુ અને તેના શિષ્યોએ તે જગ્યા છોડી. તેઓ ગાલીલમાં થઈને ગયા. ઈસુ ક્યાં હતો તે લોકો જાણે એમ ઈચ્છતો ન હતો. 31 ઈસુ તેના શિષ્યોને એકલાને ઉપદેશ આપવા ઈચ્છતો હતો. ઈસુએ તેઓને કહ્યું, “માણસનો દિકરો લોકોને સોંપવામાં આવશે. તેઓ તેને મારી નાખશે. મારી નાખ્યા પછી, ત્રણ દિવસ પછી તે મૃત્યુમાંથી સજીવન થશે.” 32 પરંતુ ઈસુ જે કહેવા માગતો હતો તે શિષ્યો સમજ્યા નહિ, અને તેઓ તેણે શું અર્થ કર્યો છે એ પૂછતાં ડરતા હતા.
ઈસુ કહે છે કે સૌથી મહાન કોણ છે
(માથ. 18:1-5; લૂ. 9:46-48)
33 ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમ ગયા. તેઓ એક ઘરમાં ગયા. પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું. “મેં આજે રસ્તા પર તમને દલીલો કરતાં સાંભળ્યા. તમે શાના વિષે દલીલો કરતા હતા?” 34 પરંતુ શિષ્યો શાંત રહ્યાં. કારણ કે રસ્તામાં તેઓ અંદર અંદર સૌથી મોટો કોણ હતો તે અંગેનો વિવાદ કરતા હતા.
35 ઈસુ નીચે બેઠો અને બાર પ્રેરિતોને તેની પાસે બોલાવ્યા. ઈસુએ કહ્યું, “જો કોઈ વ્યક્તિની ઈચ્છા સૌથી વધારે મહત્વના વ્યક્તિ બનવાની હોય તો પછી તેણે બીજા દરેક લોકોને તેના કરતા વધારે મહત્વના ગણવા જોઈએ. તે વ્યક્તિએ બીજા બધા લોકોની સેવા કરવી જોઈએ.”
36 પછી ઈસુએ એક નાનું બાળક લીધું. ઈસુએ બાળકને શિષ્યો આગળ ઊભું રાખ્યું. ઈસુએ તે બાળકને તેના ખોળામાં લીધું અને કહ્યું, 37 “જો કોઈ વ્યક્તિ મારા નામે આ નાના બાળકોને સ્વીકાર કરશે તો તે વ્યક્તિ મને પણ સ્વીકારે છે. અને જો વ્યક્તિ મને સ્વીકારે છે તો પછી તે વ્યક્તિ મને મોકલનારને (દેવને) પણ સ્વીકારે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International