Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 73:21-28

21 જ્યારે હું આ બધી વસ્તુઓ વિષે વિચારતો હતો
    ત્યારે મારું હૃદય ઉદાસ બની ગયું.
22 કેટલો મૂર્ખ અને અજ્ઞાની છું, હું તે જાણી શક્યો;
    હે દેવ, તમારી સમક્ષ હું તો હતો માત્ર એક પશુ જેવો.
23 પરંતુ, તેમ છતાંય, હું હંમેશા તમારી સાથે છું.
    અને તમે મારા જમણા હાથને પકડી રાખ્યો છે.
24 તમારા બોધથી અને સલાહથી જીવનપર્યત તમે દોરવણી આપશો;
    અને પછી તમે તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.
25 આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે;
    અને પૃથ્વી પર મને બીજું કોઇ પ્રિય નથી.
26 મારી તંદુરસ્તી ભલે મને છોડી જાય,
    મારું હૃદય ભલે તૂટી જાય, પણ મારી પાસે ખડક છે
    જેને હું ચાહું છું મારી પાસે દેવ સદાકાળ માટે છે.
27 પરંતુ તેઓ જે દેવથી દૂર છે તેમનો વિનાશ થશે.
    અને જેઓ તમને વફાદાર રહેતા નથી, તેમનો સંપૂર્ણ નાશ તમારા દ્વારા થશે.
28 પરંતુ હું દેવની નજીક રહ્યો છું અને તે મારા માટે સારું છે!
    મેં મારા પ્રભુ યહોવાને મારો આશ્રય બનાવ્યો છે!
    હું તમારા બધાં અદભૂત કૃત્યો વિષે કહેવા આવ્યો હતો.

નીતિવચનો 29

29 જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, તેનો કોઇ ઉપાય રહેશે નહિ.

જ્યારે ન્યાયી લોકો સત્તા પર આવે છે ત્યારે લોકો આનંદોત્સવ કરે છે, પણ દુર્જનના હાથમાં સત્તા આવે છે ત્યારે તેઓ નિસાસા નાખે છે.

જે કોઇ જ્ઞાનને પ્રેમ કરે તે પોતાના પિતાને આનંદ આપે છે; પણ જે વારાંગના સાથે સબંધ રાખે છે તે પોતાની સંપત્તિ પણ ગુમાવે છે.

નીતિમાન ન્યાયી રાજા દેશને સ્થિરતા અપેર્ છે, પણ લાંચ મેળવવાનું ચાહે છે તે તેનો નાશ કરે છે.

જે માણસ પોતાના પડોશીના ખોટા વખાણ કરે છે તે તેને ફસાવવા જાળ પાથરે છે.

દુર્જન પોતાના પાપનાં ફાંદામાં ફસાય છે. સજ્જન આનંદ કરે છે.

સજ્જન ગરીબોના હિતની ચિંતા રાખે છે. દુર્જનને તે સમજવાની પણ પડી નથી.

તિરસ્કાર કરનાર માણસો શહેર ઉશ્કેરે છે, પરંતુ હોશિયાર રોષને સમાવે છે.

જો ડાહ્યો માણસ મૂર્ખ સાથે ન્યાયાલયમાં જાય તો તો મૂર્ખ ડાહી વ્યકિત પર ગુસ્સે થશે અને હસશે, અને ત્યાં કાંઇ સૂઝાવ નહિ હોય.

10 લોહી તરસ્યા માણસો પ્રામાણિક માણસો પર વૈર રાખે છે, અને તેઓ ન્યાયી માણસોને મારી નાખવા માટે ઝૂરે છે.

11 મૂર્ખ માણસ પોતનો ક્રોધ બહાર ઠાલવે છે, પણ ડાહી વ્યકિત પોતાની જાતને કાબૂમાં રાખે છે.

12 કોઇ શાસનકર્તા જૂઠાંણું કાને ધરે છે, તો તેના બધા અમલદારો દુષ્ટ થઇ જાય છે.

13 ગરીબને જેઓ તેમને તકલીફ આપે છે તેમનામાં એક સમાનતા છે. યહોવાએ તેમને જીવન આપ્યુ છે.

14 જે રાજા વિશ્વાસુપણાથી ગરીબોનો ન્યાય કરે છે, તેનો હોદૃો સદાને માટે સ્થિર રહેશે.

15 સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માને ફજેત કરે છે.

16 દુર્જનો સત્તા ઉપર આવે છે ત્યારે પાપ વધે છે, પણ સજ્જનો તેઓની પડતી થતી જોશે.

17 તું તારા દીકરાને શિક્ષા કરીશ તો તે તારા માટે આશીર્વાદરૂપ હશે, તે તારા હૈયાને આનંદ આપશે.

18 જ્યાં સંદર્શન નથી, ત્યાં લોકો સ્વેચ્છાચારી બની જાય છે, પણ જે દેવના નિયમને વળગી રહે છે તે સુખી છે.

19 ગુલામોને એકલા શબ્દથી સુધારી ન શકાય, કારણ, તે સમજશે તો પણ ગણકારશે નહિ.

20 તમે ઝડપથી બોલતા માણસને જુઓ છો? તેના કરતાં મૂર્ખ માટે વધારે આશા છે.

21 નાનપણથી લાડમાં ઉછરેલો ગુલામ પછીથી તે તેનો દીકરો થઇ જાય છે.

22 ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે, અને ગુસ્સાવાળો વ્યકિત ઘણા ગુના કરે છે.

23 અભિમાન વ્યકિતને અપમાનિત કરે છે, પણ નમ્રતાથી વ્યકિત સન્માન મેળવે છે.

24 ચોરનો ભાગીદાર પોતાનો જ દુશ્મન છે; તેને જુબાની આપવા માટે બોલાવાય છે, પણ સાક્ષી નથી પૂરતો.

25 વ્યકિતનો ભય એ છટકું છે, પણ જે કોઇ યહોવા પર વિશ્વાસ રાખે છે તે સુરક્ષિત છે.

26 સૌ કોઇ શાશકની કૃપા શોધે છે, પણ ન્યાય તો યહોવા પાસેથી જ મળી શકે છે.

27 પણ સજ્જનો દુર્જનોને તિરસ્કારે છે અને દુર્જનો સાચા માર્ગે ચાલનારને ધૂત્કારે છે.

યોહાન 7:25-36

લોકો નવાઈ પામે છે કે ઈસુ જ ખ્રિસ્ત છે

25 પછી કેટલાક લોકો જે યરૂશાલેમમાં રહે છે તેઓએ કહ્યું, “આ તે માણસ છે જેને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે. 26 પરંતુ તે જ્યાં બધા જોઈ શકે અને તેને સાંભળી શકે ત્યાં બોધ આપે છે. અને કોઈ પણ વ્યક્તિ તેને બોધ આપતા અટકાવવાનો પ્રયત્ન કરતા નથી. અધિકારીઓએ શું ખરેખર નિર્ણય કર્યો હશે કે તે ખરેખર ખ્રિસ્ત જ છે? 27 પણ અમે જાણીએ છીએ કે આ માણસનું ઘર ક્યાં છે. પણ ખરેખર ખ્રિસ્ત જ્યારે આવશે ત્યારે કોઈ વ્યક્તિ જાણશે નહિ કે તે ક્યાંથી આવે છે?”

28 ઈસુ હજી મંદિરમાં શીખવતો હતો. ઈસુએ કહ્યું, “હા, તમે મને જાણો છો અને હું ક્યાંનો છું એ પણ તમે જાણો છો. પણ હું મારી પોતાની સત્તાથી આવ્યો નથી. જેણે મોકલ્યો છે તે (દેવ) સત્ય છે. તમે તેને ઓળખતા નથી. 29 પણ હું તેને ઓળખું છું અને હું તેની પાસેથી આવ્યો છું. તેણે મને મોકલ્યો છે.”

30 જ્યારે ઈસુએ આ કહ્યું, લોકોએ તેની ધરપકડ કરવા પ્રયત્ન કર્યો. પણ કોઈ વ્યક્તિએ ઈસુ પર હાથ નાખ્યો નહિ. હજુ ઈસુને મારી નાખવા માટેનો યોગ્ય સમય ન હતો. 31 પરંતુ લોકોમાંના ઘણા ઈસુમાં વિશ્વાસ રાખતા હતા. લોકોએ કહ્યું, “અમે ખ્રિસ્તની આવવાની રાહ જોઈએ છીએ. જ્યારે ખ્રિસ્ત આવશે, ત્યારે તે શું આ માણસ (ઈસુ) કરતા વધારે ચમત્કારો કરશે? ના! આથી આ માણસ જ ખ્રિસ્ત હોવો જોઈએ.”

યહૂદિઓ ઈસુને પકડવાનો પ્રયત્ન કરે છે

32 ઈસુ વિષે લોકો જે ગણગણાટ કરતા હતા તે ફરોશીઓએ સાંભળ્યું. તેથી મુખ્ય યાજકો અને ફરોશીઓએ કેટલાક મંદિરના ભાલદારોને ઈસુની ધરપકડ કરવા મોકલ્યા. 33 પછી ઈસુએ કહ્યું, “હજુ થોડો સમય હું તમારી સાથે રહીશ. પછી હું જેણે (દેવ) મને મોકલ્યો છે તેની પાસે પાછો જઈશ. 34 તમે મારી શોધ કરશો, પણ તમે મને શોધી શકશો નહિ. અને જ્યાં હું છું ત્યાં તમે આવી શકશો નહિ.”

35 યહૂદિઓએ એકબીજાને કહ્યું, “આ માણસ ક્યાં જશે કે આપણે શોધી શકીશું નહિ. જ્યાં આપણા લોકો રહે છે તે ગ્રીક શહેરમાં તે જશે? શું તે ગ્રીક લોકોને ત્યાં બોધ આપશે? 36 માણસ (ઈસુ) કહે છે, ‘તમે મને શોધશો પણ તમે મને શોધી શકશો નહિ.’ અને તે એમ પણ કહે છે, ‘હું જ્યાં છું ત્યાં તમે આવી શકશો નહિ’ તેનો અર્થ શો?”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International