Revised Common Lectionary (Semicontinuous)
21 જ્યારે હું આ બધી વસ્તુઓ વિષે વિચારતો હતો
ત્યારે મારું હૃદય ઉદાસ બની ગયું.
22 કેટલો મૂર્ખ અને અજ્ઞાની છું, હું તે જાણી શક્યો;
હે દેવ, તમારી સમક્ષ હું તો હતો માત્ર એક પશુ જેવો.
23 પરંતુ, તેમ છતાંય, હું હંમેશા તમારી સાથે છું.
અને તમે મારા જમણા હાથને પકડી રાખ્યો છે.
24 તમારા બોધથી અને સલાહથી જીવનપર્યત તમે દોરવણી આપશો;
અને પછી તમે તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.
25 આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે;
અને પૃથ્વી પર મને બીજું કોઇ પ્રિય નથી.
26 મારી તંદુરસ્તી ભલે મને છોડી જાય,
મારું હૃદય ભલે તૂટી જાય, પણ મારી પાસે ખડક છે
જેને હું ચાહું છું મારી પાસે દેવ સદાકાળ માટે છે.
27 પરંતુ તેઓ જે દેવથી દૂર છે તેમનો વિનાશ થશે.
અને જેઓ તમને વફાદાર રહેતા નથી, તેમનો સંપૂર્ણ નાશ તમારા દ્વારા થશે.
28 પરંતુ હું દેવની નજીક રહ્યો છું અને તે મારા માટે સારું છે!
મેં મારા પ્રભુ યહોવાને મારો આશ્રય બનાવ્યો છે!
હું તમારા બધાં અદભૂત કૃત્યો વિષે કહેવા આવ્યો હતો.
સુલેમાનના નીતિવચનો ગુચ્છ બીજો
25 આ પણ સુલેમાનનાં નીતિવચનો છે. જે યહૂદિયાના રાજા હિઝિક્યાના માણસોએ ઉતારી લીધાં હતાં.
2 કોઇ બાબત ગુપ્ત રહે તેમાં દેવનો મહિમા છે, પણ કોઇ બાબત શોધી કાઢવી એમાં રાજાનો ગૌરવ છે.
3 જેમ આકાશની ઊંચાઇ તથા પૃથ્વીની ઊંડાઇની જેમ રાજાનું મન પણ અગાધ છે.
4 ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો એટલે રૂપાનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે. 5 તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો એટલે તેનું સિંહાસન ન્યાયવડે સ્થિર થશે.
6 રાજાની હાજરીમાં પોતાની બડાઇ ન કરવી. મોટા માણસોની જગાએ ઊભા ન રહેવું. 7 ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં “આમ આવો” કરીને ઉપર બેસાડે એ વધું સારું છે.
8 તેં જે જોયું હોય તેને વિશે ન્યાયાલયે દોડી જવામાં ઉતાવળ ન કરીશ, કારણ, જ્યારે તને તારો પડોશી, ખોટો સાબિત કરશે તો તું શું કરીશ?
9 તારા પડોશી સાથેના વિવાદનું જરૂર તું નિરાકરણ કર, પણ બીજા કોઇની ગુપ્ત વાત ખુલ્લી ન કરતો. 10 રખેને એ સાંભળી જનાર તારી નિંદા કરે અને તારી કાયમની બદનામી થાય.
11 પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે. 12 જ્ઞાની વ્યકિતનો ઠપકો કાને ધરનારને માટે સોનાની કડી અને સોનાના ઘરેણાં જેવા છે.
13 વફાદાર સંદેશાવાહક તેના મોકલનાર માટે ઉનાળામાં બરફ જેવો શીતલ હોય તેના જેવો લાગે છે, તે પોતાના ધણીના આત્માને ફરીથી તાજો કરે છે.
14 જે એમ કહે છે કે તે ભેટ આપશે, પણ કોડીય આપતો નથી, તે વરસાદ વગરના વાદળ અને વાયુ જેવો છે.
15 લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીને પણ કદાચ મનાવી શકાય, અને કોમળ જીભ હાંડકાને ભાગે છે.
16 જો તને મધ મળ્યું હોય, તો જોઇએ તેટલું જ ખા; કારણકે જો તું વધારે પડતું ખાઇશ તો તું વમન કરીશ. 17 તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા; નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.
18 પોતાના પડોશી વિરૂદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડી, તરવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે. 19 સંકટસમયે ધોખાબાજ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.
20 ઊદાસ વ્યકિતની આગળ ગીતો ગાવાં તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેવા જેવું છે, અથવા ઘા ઉપર સરકો રેડવા જેવું છે.
21 જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ખાવા માટે રોટલો આપ. અને તરસ્યો હોય તો પીવા માટે પાણી આપ. 22 એમ કરવાથી તું તેના માથા ઉપર સળગતો કોલસો મૂકતો હોઇશ. અને યહોવા તને તેનો બદલો આપશે.
23 ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમ જ ચાડીખોર જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.
24 કજિયાખોર સ્ત્રીની સાથે ઘરમાં અંદર રહેવાં કરતાં ધાબાના ખૂણામાં વાસ કરવો સારો છે.
25 દૂર દેશથી આવતા શુભ સમાચાર તરસ્યા ગળા માટે શીતલ પાણી જેવા લાગે છે.
26 જે સજ્જન માણસ દુષ્ટ માણસની સામે પડે છે તે ડહોળાયેલા ઝરણા કે ઝેર ભરેલા કૂવા જેવો છે.
27 વધુ પડતું મધ ખાવું સારું નહિ, પોતાની મોટાઇ પોતે ગાવામાં મોટાઇ નથી.
28 જે વ્યકિત પોતાની જાત પર કાબૂ ધરાવતો નથી તે માણસ કોટ વગરના નગર જેવો છે.
ખ્રિસ્તમાં તમારું નવું જીવન
3 ખ્રિસ્ત સાથે તમને મૂએલામાંથી ઉઠાડવામાં આવેલા. તેથી તે વસ્તુઓ, જે આકાશમાં છે તે પ્રાપ્ત કરવા માટે ઈચ્છા કરો. મારો મતલબ છે કે એ વસ્તુઓ કે જ્યાં ખ્રિસ્ત દેવના જમણા હાથે બેઠેલો છે. 2 ફક્ત આકાશની વસ્તુઓ વિષે જ વિચાર કરો, પૃથ્વી પરની વસ્તુઓ વિષે નહિ. 3 તમારી જૂની પાપી જાત મૃત્યુ પામી છે, અને ખ્રિસ્ત સાથે દેવમાં તમારું નવું જીવન ગુપ્ત રાખેલ છે. 4 ખ્રિસ્ત જ તમારું જીવન છે. જ્યારે તેનું પુનરાગમન થશે, ત્યારે તમે તેના મહિમાના સહભાગી બનશો.
5 એ માટે પૃથ્વી પરના તમામ અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો. 6 એ કામો દેવને ક્રોધિત કરે છે.[a] 7 ભૂતકાળના તમારા દુષ્ટ જીવનમાં પણ તમે આ જ બાબતો કરી છે.
8 પરંતુ હવે તમારા જીવનમાં આ વસ્તુઓને જાકારો આપો: જેવી કે રીસ, બીજા લોકોની લાગણી દુભાવે તેવી વસ્તુઓ બોલવી કે કરવી, અને વાતચીત દરમ્યાન અપશબ્દોનો ઉપયોગ કરવો, અને વાતચીત દરમ્યાન અપશબ્દોનો ઉપયોગ કરવો. 9 એકબીજા સાથે જૂઠ્ઠું ન બોલો. શા માટે? કારણ કે તમે તમારું પાપી જીવન તથા તેવાં કાર્યો જે તમે અગાઉ કરેલાં તે તો ક્યારના ય છોડી દીધાં છે. 10 તમે નવું જીવન શરૂ કર્યુ છે. તમારા નવા જીવનમાં તમે નવા બનાવાયા છો. જેણે તમારું સર્જન કર્યુ છે તેના જેવા તમે બની રહ્યાં છો. આ નવું જીવન તમને દેવનું સત્ય જ્ઞાન આપે છે. 11 નવા જીવનમાં ગ્રીક અને યહૂદિ લોકો વચ્ચે કોઈ ભિન્નતા નથી. જે લોકોની સુન્નત કરવામાં આવી છે, અને જેની સુન્નત કરવામાં નથી આવતી તેવા લોકો વચ્ચે કોઈ ભિન્નતા નથી. અથવા તો તે લોકો કે જે વિદેશીઓ અથવા સિથિયનો છે તેમની વચ્ચે કોઈ ભિન્નતા નથી. સ્વતંત્ર લોકો અને દાસો વચ્ચે પણ કોઈ જ ભિન્નતા નથી. પરંતુ ખ્રિસ્ત તો બધા જ વિશ્વાસીઓમાં વસે છે. અને ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International