Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 73:21-28

21 જ્યારે હું આ બધી વસ્તુઓ વિષે વિચારતો હતો
    ત્યારે મારું હૃદય ઉદાસ બની ગયું.
22 કેટલો મૂર્ખ અને અજ્ઞાની છું, હું તે જાણી શક્યો;
    હે દેવ, તમારી સમક્ષ હું તો હતો માત્ર એક પશુ જેવો.
23 પરંતુ, તેમ છતાંય, હું હંમેશા તમારી સાથે છું.
    અને તમે મારા જમણા હાથને પકડી રાખ્યો છે.
24 તમારા બોધથી અને સલાહથી જીવનપર્યત તમે દોરવણી આપશો;
    અને પછી તમે તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.
25 આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે;
    અને પૃથ્વી પર મને બીજું કોઇ પ્રિય નથી.
26 મારી તંદુરસ્તી ભલે મને છોડી જાય,
    મારું હૃદય ભલે તૂટી જાય, પણ મારી પાસે ખડક છે
    જેને હું ચાહું છું મારી પાસે દેવ સદાકાળ માટે છે.
27 પરંતુ તેઓ જે દેવથી દૂર છે તેમનો વિનાશ થશે.
    અને જેઓ તમને વફાદાર રહેતા નથી, તેમનો સંપૂર્ણ નાશ તમારા દ્વારા થશે.
28 પરંતુ હું દેવની નજીક રહ્યો છું અને તે મારા માટે સારું છે!
    મેં મારા પ્રભુ યહોવાને મારો આશ્રય બનાવ્યો છે!
    હું તમારા બધાં અદભૂત કૃત્યો વિષે કહેવા આવ્યો હતો.

નીતિવચનો 22:1-21

22 વિપુલ સંપત્તિ કરતાં સારી પ્રતિષ્ઠા અને સોનારૂપાં કરતાં ઉચ્ચ આદર વધારે ઇચ્છવાજોગ છે.

દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કારણ કે યહોવાએ બંનેને સર્જ્યા છે.

ડાહ્યો વ્યકિત આફતને આવતી જોઇને સંતાઇ જાય છે. મૂર્ખ વ્યકિત આગળ વધતી રહે છે અને દંડાય છે.

ધન, આબરૂ તથા જીવનએ નમ્રતાનાં અને યહોવાના ભયનાં ફળ છે.

વક્ર વ્યકિતના માર્ગમાં કાંટા અને છટકા હોય છે; પણ જે વ્યકિતને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે.

બાળકને યથાર્થ માર્ગ વિષે શિક્ષણ આપો તો એ જ્યારે વૃદ્ધ થશે ત્યારે પણ તે માર્ગ તે છોડશે નહિ.

ધનવાન ગરીબ ઉપર દોર ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે.

જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેમાં ક્રોધની સોટી તેનો અંત લાવશે.

ઉદાર વ્યકિત પર આશીર્વાદ ઊતરશે; કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.

10 ધમંડી વ્યકિતને હાંકી કાઢો એટલે ઝઘડો પણ સમી જશે. તકરાર અને લાંછનનો અંત આવશે.

11 જે વ્યકિતનું હૃદય નિર્મળ છે અને જે મીઠી વાણી બોલે છે, રાજા તેનો મિત્ર થશે.

12 યહોવાની દ્રષ્ટિ જ્ઞાનની રક્ષા કરે છે ને ધોખાબાજ માણસોની વાણીને ઊંધી પાડે છે.

13 આળસુ માણસ બહાનુ કાઢે છે-રસ્તામાં તો સિંહ બેઠો છે, બહાર નીકળું તો ફાડી જ ખાય.

14 પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઇ જેવું છે, જે તેમાં પડે છે તેના ઉપર યહોવાનો કોપ ઉતરે છે.

15 બાળકના હૃદયમાં મૂર્ખાઇ વસે છે પરંતુ શિસ્તનો દંડો તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે.

16 જે ધનવાન થવા માટે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને ઇનામ આપે છે તે પોતે તો ગરીબ જ રહે છે.

ત્રીસ બોધવચનો

17 જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ, અને હું તને જે સલાહ આપું છું તેમાં તારું ચિત્ત લગાડ. 18 જો તું તેને ખુશ ગણતો હોય અને તું તેને તારા હૃદયમાં સંઘરી રાખીશ તો તેઓ સદા તારા હોઠ પર રહેશે. 19 હું તને આજે આ બધું એટલા માટે કહું છું કે યહોવા ઉપર તારો વિશ્વાસ બેસે. 20 મેં તારા માટે સુબોધ અને જ્ઞાનની ત્રીસ કહેવતો લખી રાખી છે, 21 આના દ્વારા તું સત્ય જ્ઞાન પામીશ અને તેથી તું ભરોસા પાત્ર અહેવાલ લઇને તને જેણે મોકલ્યો છે તેની પાસે જઇ શકે.

રોમનો 3:9-20

સઘળાએ પાપ કર્યુ છે

તો શું આપણે યહૂદિઓ બીજા લોકો કરતાં વધારે સારા છીએ? ના! અમે તો માત્ર હમણા જ આક્ષેપ કર્યો કે બધા જ લોકો યહૂદિઓ-બિનયહૂદિયો સૌ પાપની સત્તા હેઠળ છે. 10 શાસ્ત્રોમાં કહ્યું છે તેમ:

“પાપ કર્યુ ના હોય એવી કોઈ વ્યક્તિ નથી, એક પણ નથી! શાસ્ત્રમાં લખ્યાં પ્રમાણે કોઈ ન્યાયી નથી.
11     એવું કોઈ નથી જે સમજે. એવું કોઈ નથી જે ખરેખર દેવ સાથે રહેવા ઈચ્છતું હોય.
12 સૌ લોકો દેવથી દૂર ભટકી ગયા છે,
    અને એ બધાએ પોતાની યોગ્યતા ગુમાવી છે.
કોઈ પણ વ્યક્તિ સત્કર્મ આચરતી જણાતી નથી. એક પણ નહિ!” (A)

13 “લોકોનું મોં ખુલ્લી કબરો જેવું છે;
    તેઓની જીભો જૂઠ્ઠું બોલી રહી છે.” (B)

“ઝેર ઓકતા સર્પોની જેમ તેઓ કડવી વાણી બોલતા ફરે છે;” (C)

14 “તેઓનું મોં કડવાશ અને શ્રાપથી ભરેલું છે.” (D)

15 “બીજા લોકોને ઈજા કરવા અને મારી નાખવા લોકો હંમેશા તત્પર હોય છે;
16     તેઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં વિનાશ નોતરે છે અને દુ:ખો ફેલાવે છે.
17 લોકોને શાંતિનો માર્ગ સૂઝતો જ નથી.” (E)

18 “તેઓને દેવ પ્રત્યે આદર કે ડર નથી.” (F)

19 જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કહે છે તે બાબતો એવા માણસોને સંબોધીને કહેવામાં આવી છે કે જેઓ નિયમ હેઠળ છે. આ બાબત તેમને કોઈ પણ બહાના કાઢતા અટકાવે છે. તેથી આખું વિશ્વ દેવના ચુકાદા સામે ઉઘાડું પડી જશે. 20 શા માટે? કારણ કે નિયમશાસ્ત્ર જે ઈચ્છે છે તેના પાલન વડે કોઈ પણ વ્યક્તિ દેવ આગળ ન્યાયી ઠરી શકે નહિ કારણ નિયમશાસ્ત્ર આપણને માત્ર આપણા પાપોથી સભાન કરે છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International