Revised Common Lectionary (Semicontinuous)
ચતુર સ્ત્રી
20 જ્ઞાન શેરીઓમાં મોટે અવાજે બોલાવે છે. તે જાહેર સ્થળોએ બૂમો પાડે છે. 21 તે ઘોંઘાટવાળા રસ્તા પર બૂમો પાડે છે અને શહેરને દરવાજે ઊભુ રહીને બૂમો પાડે છે:
22 “હે ભોળિયાઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ટિખળી લોકો, તમે ક્યાં સુધી ટિખળ કરવામાં આનંદ મેળવશો? ઓ મૂર્ખાઓ, ક્યાં સુધી તમે જ્ઞાનનો તિરસ્કાર કરશો? 23 જો તમે મારી ચેતવણી સાંભળશો તો હું મારો આત્મા તમારા પર રેડીશ અને મારા વચનો તમને જણાવીશ.
24 “પરંતુ મેં તમને બોલાવ્યા અને તમે ના પાડી. મેં મારો હાથ લંબાવી ઇશારો કર્યો પણ કોઇએ તેની કાળજી કરી નહિ; 25 તમે મારા સવેર્ ઉપદેશ ફગાવી દીધા છે અને મારી ચેતવણીને પણ ગણકારી નથી. 26 તેથી જ્યારે તમારી ઉપર મુશ્કેલીઓ આવશે ત્યારે હું હાસ્ય કરીશ; જ્યારે તમારા પર ભય આવશે ત્યારે હું તમારી મશ્કરી કરીશ. 27 એટલે જ્યારે વંટોળિયાની જેમ તમારી ઉપર ભય ફરી વળશે, વિપત્તિઓ ફૂટી નીકળશે, સંકટ અને વેદના તમારા પર આવશે.
28 “ત્યારે તેઓ મને બોલાવશે તો પણ હું ઉત્તર આપીશ નહિ, તમે મને ખંતથી શોધશો પણ હું તમને મળીશ નહિ. 29 કારણ, તેઓએ વિદ્યાનો તિરસ્કાર કર્યો છે અને તેમણે યહોવાનો ડર રાખ્યો નથી. 30 મારી સલાહ માની નહોતી અને તેઓએ મારો સઘળો ઠપકો તુચ્છ ગણ્યો. 31 તેથી તેઓને તેમના કર્મના ફળ મળશે અને તેમને તેમની પોતાની સલાહો ભારે પડશે.
32 “આમ, મૂર્ખોના અવળા રસ્તા તેમને મૃત્યુના મુખમાં લઇ જાય છે. અને મૂર્ખોની બેદરકારી તેમનો વિનાશ નોઁતરે છે. 33 પરંતુ જે કોઇ મારું કહ્યુ સાંભળશે તે સુરક્ષિત રહેશે. અને કોઇપણ જાતના નુકશાન થવાના ભય વિના શાંતિ અનુભવશે.”
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
2 પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
3 ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
કોઇ અવાજ સંભળાતો નથી,
4 પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.
તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
5 તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
6 તે આકાશને એક છેડેથી નીકળી
અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.
7 યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
8 યહોવાના વિધિઓ યથાર્થ છે.
તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
જે આંખોને પ્રકાશ આપે છે.
9 યહોવા માટેનો ભય શુદ્ધ
અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.
વાણી પર સંયમ
3 વહાલા ભાઈઓ અને બહેનો, તમારામાંના ઘણા ઉપદેશકો બનાવાનું પસંદ ન કરે. કેમ કે ઉપદેશકો થઇને તો બીજાઓ કરતાં કડક શિક્ષાને પાત્ર ઠરીએ છીએ.
2 આપણે બધા ઘણીજ ભૂલો કરીએ છીએ. જો કોઈ એવો માણસ હોય કે બોલવામાં કોઈ પણ ભૂલ ન કરે, ખરાબ ન બોલે, તો એ એક સંપૂર્ણ વ્યક્તિ છે અને તે તેની જીભ ઉપર અંકુશ રાખવા શક્તિમાન છે, તે સાબિત થાય છે. 3 ઘોડા જેવા પ્રાણીના મોંમા એક નાની લગામ રાખીને આપણે આપણી ઈચ્છા પ્રમાણે તેના આખા શરીરને ફેરવીએ છીએ. 4 એજ પ્રમાણે એક સુકાની ગમે તેટલા મોટા વહાણને એક નાના સુકાન વડે પોતે ધારે તે નિશ્ચિત માર્ગે, ધારે તે દિશામાં ચલાવી શકે છે. પછી ભલેને ભારે પવન ફુંકાતો હોય. 5 એજ પ્રમાણે જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી વાતો કરવા બડાશ મારે છે.
અજ્ઞિની નાની ચીનગારી મોટા જંગલને સળગાવી શકે છે. 6 જીભ એક અજ્ઞિની જવાળા જેવી છે. તે આપણા શરીરના અવયવોમાં દુષ્ટતાના જગત જેવી છે. અને આપણા અસ્તિત્વને અસર કરે છે તથા આપણા આખા શરીરને પ્રદુષિત કરે છે, તે નરકમાંથી અજ્ઞિ પ્રાપ્ત કરીને આગની શરુંઆત કરે છે, જે આપણા સમગ્ર જીવનચક્રને અસર કરે છે.
7 માણસ પ્રત્યેક પ્રકારના પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં અને જળચર પ્રાણીઓને વશ કરી શકે છે અને વશ કર્યા છે પણ ખરાં. 8 પણ કોઈ પણ માણસ એવો નથી કે જેણે જીભને કાબુમાં રાખી હોય. તે અંકુશ વિનાની ફેલાતી મરકી છે. જીભ પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે જે મારી શકે છે. 9 એનાથી આપણે પ્રભુની અને આપણા પિતાની (દેવ) સ્તુતિ કરીએ છીએ, અને એજ જીભ વડે દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલાં માણસોને શાપ પણ આપીએ છીએ. 10 એક જ મુખમાથી સ્તુતિ તથા શાપ બંન્ને નીકળે છે. ભાઈઓ અને બહેનો, આવું ન જ થવું જોઈએે. 11 શું ઝરણ એક જ મુખમાંથી મીઠું તથા ખાંરું પાણી આપી શકે? ના! 12 મારા ભાઈઓ અને બહેનો, શું અંજીરી પરથી જૈતફળો અને દ્ધાક્ષાવેલા પરથી અંજીરી મેળવી શકાય છે! ના! અને એ રીતે તમે ખારા પાણીના કૂવામાંથી મીઠું પાણી કદી મેળવી શકો નહિ.
પિતર કહે છે ઈસુ એ જ ખ્રિસ્ત છે
(માથ. 16:13-20; લૂ. 9:18-21)
27 ઈસુ અને તેના શિષ્યો કૈસરિયા ફિલિપ્પીનાં ગામડાઓમાં ગયા. જ્યારે તેઓ મુસાફરી કરતા હતા, ઈસુએ શિષ્યોને પૂછયું, “હું કોણ છું, એ વિષે લોકો શું કહે છે?”
28 શિષ્યોએ ઉત્તર આપ્યો, “કેટલાક લોકો તને યોહાન બાપ્તિસ્ત કહે છે. બીજા કેટલાક લોકો તને એલિયા કહે છે. અને બીજા કેટલાક લોકો કહે છે કે તું પ્રબોધકોમાંનો એક છે.”
29 પછી ઈસુએ પૂછયું, “હું કોણ છું એ વિષે તમે શું કહો છો?”
પિતરે ઉત્તર આપ્યો, “તુ તો ખ્રિસ્ત છે.”
30 ઈસુએ તેના શિષ્યોને કડકાઇથી કહ્યું: “હું કોણ છું તે કોઈને કહેવું નહિ.”
ઈસુના મરણની આગાહી
(માથ. 16:21-28; લૂ. 9:22-27)
31 પછી ઈસુએ તેમને ઉપદેશ આપવાનું શરું કર્યુ. કે માણસના પુત્રે ઘણું બધું સહન કરવું જોઈએ. ઈસુએ બોધ આપ્યો કે માણસનો પુત્ર, વડીલ યહૂદિ આગેવાનો મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્ધારા નાપસંદ થશે. ઈસુએ બોધ આપ્યો કે માણસના પુત્રને મારી નંખાશે અને પછી મૃત્યુમાંથી ત્રણ દિવસો પછી તે ઊભો થશે. 32 ઈસુએ તેઓને દરેક જે બનવાનું હતું તે કહ્યું. તેણે કશુંય ગુપ્ત રાખ્યું નહિ. પિતર ઈસુને બાજુમાં લઈ ગયો અને વાતો કહેવા માટે તેને ઠપકો આપવા લાગ્યો. 33 પણ ઈસુ પાછો ફર્યો અને તેના શિષ્યો તરફ જોયું. પછી તેણે પિતરને ઠપકો આપ્યો. ઈસુએ પિતરને કહ્યું, “શેતાન! મારી પાસેથી દૂર જા, તું દેવની વાતોની પરવા કરતો નથી. તું ફક્ત લોકો જેને મહત્વ આપે છે તેની જ કાળજી રાખે છે.”
34 પછી ઈસુએ લોકોને તેની પાસે બોલાવ્યા. તેના શિષ્યો પણ ત્યાં હતા. પછી ઈસુએ કહ્યું, “જો કોઈ વ્યક્તિ મને અનુસરવા ઈચ્છે તો તેણે જે વસ્તુઓ તે ઈચ્છે છે તેની ‘ના’ કહેવી જોઈએ. તે વ્યક્તિએ વધસ્તંભ (પીડા) સ્વીકારવો જોઈએ જે તેને આપવામાં આવેલ છે, અને તેણે મને અનુસરવું જોઈએ. 35 જે વ્યક્તિ તેનું જીવન બચાવવા ઈચ્છે છે તે ગુમાવશે. અને પ્રત્યેક વ્યક્તિ જે મારા માટે અને સુવાર્તા માટે તેનું જીવન આપે છે, તે હંમેશને માટે તેનું જીવન બચાવશે. 36 જો કોઈ વ્યક્તિ આખું જગત જીતે છે પણ તેનું જીવન ગુમાવે છે તો તેને કઈ રીતે લાભદાયી છે? 37 વ્યક્તિ ફરીથી તેનો જીવ ખરીદવા કદાપિ કશું પૂરતું આપી શકતો નથી. 38 જે લોકો હમણા જીવે છે; તેઓ પાપી અને દુષ્ટ સમયમાં જીવે છે. જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે તેને લીધે હું જ્યારે મારા પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથે આવીશ, ત્યારે તે વ્યક્તિથી શરમાઈશ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International