Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
2 પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
3 ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
કોઇ અવાજ સંભળાતો નથી,
4 પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.
તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
5 તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
6 તે આકાશને એક છેડેથી નીકળી
અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.
7 યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
8 યહોવાના વિધિઓ યથાર્થ છે.
તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
જે આંખોને પ્રકાશ આપે છે.
9 યહોવા માટેનો ભય શુદ્ધ
અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.
21 રાજાનું મન યહોવાના હાથમાં છે; તે તેને પાણીના પ્રવાહની જેમ પોતાની ઇચ્છા પ્રમાણે વાળે છે.
2 વ્યકિતને લાગે છે કે પોતાના પ્રત્યેક પગલાં સાચા છે, પણ યહોવા તેના હૃદયને ઓળખે છે.
3 યહોવાને યજ્ઞ કરતાં નેકીનાં કૃત્યો અને ન્યાય વધારે પસંદ છે.
4 ઘમંડી આખો, ઘમંડી હૃદય મશાલરૂપ જે દુષ્ટોને દોરે છે, તે બધાં પાપ યુકત છે.
5 વિચારીને ઉદ્યમ કરનાર બરકત પામે છે. ઉતાવળિ વ્યકિત નિર્ધન બને છે.
6 જે છેતરપીંડીથી સંપત્તિ મેળવે છે તે ઊડી જતી વરાળ જેવું અને મૃત્યુને આમંત્રવા જેવું છે.
7 દુષ્ટ લોકોનો અત્યાચાર તેને ઘસડી જાય છે, કારણકે, તેઓ ન્યાયને માર્ગે ચાલવાનો ઇન્કાર કરે છે.
8 અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે પરંતુ પવિત્રના કાર્યો ન્યાયી હોય છે.
9 કજિયાખોર સ્ત્રીની સાથે ઘરમાં રહેવા કરતાં ધાબાના ખૂણામાં રહેવું વધારે સારું છે.
10 દુષ્ટ વ્યકિત અનિષ્ટ ઇચ્છે છે. તે પોતાના પડોશીઓ સાથે દયાળુતાથી વર્તતો નથી.
11 જ્યારે ઘમંડી વ્યકિતને શિક્ષા થાય છે, ત્યારે જ સરળ વ્યકિત શાણો બને છે ઉપદેશ મળતા શાણી વ્યકિતના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.
12 ન્યાયી લોકો દુષ્ટના ઘર ઉપર નજર રાખે છે અને તેમના દુષ્ટમાર્ગોના પરિણામો પાસે તેમને મોકલી આપે છે.
13 જે કોઇ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે તેનો પોકાર પણ કોઇ સાંભળશે નહિ.
14 છૂપી રીતે આપેલ ઇનામથી ક્રોધ શમી જાય છે, છુપાવેલ લાંચથી ભારે રોષ શમી જાય છે.
15 ભલી વ્યકિત ન્યાય કરવામાં પ્રસન્ન થાય છે, પણ દુર્જનતો તે વિનાશરૂપ છે.
16 સમજણનો માર્ગ છોડીને ચાલનાર મૃતકોના સંગાથે રહી જાય છે.
17 જે મોજશોખનો રસિયો છે; તે તેની જરૂરિયાતની વસ્તુઓથી વંચિત રહે છે. અને દ્રાક્ષારસ અને તેલનો રસિયો કયારે પણ ધનવાન નહિ બને.
ઈસુના અધિકાર પર યહૂદિનેતાઓની શંકા
(માર્ક 11:27-33; લૂ. 20:1-8)
23 ઈસુ મંદિરમાં દાખલ થયો અને જ્યારે બોધ આપતો હતો ત્યારે પ્રમુખ યાજકો અને લોકોના વડીલોએ તેની પાસે જઈને પૂછયું, “કયા અધિકારથી તું આ બાબતો કરે છે? તને આવો અધિકાર કોણે આપ્યો?”
24 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને પણ એક પ્રશ્ન પૂછું છું, એનો ઉત્તર તમે મને આપશો, તો હું તમને કહીશ કે કયા અધિકારથી હું એ કામો કરું છું. 25 મને કહો: જ્યારે યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તે કોના તરફથી મળ્યું હતું, દેવથી કે માણસથી?”
તેઓ અંદર એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે, “જો આપણે કહીશું, ‘યોહાનનું બાપ્તિસ્મા દેવ તરફથી હતું,’ તો ઈસુ આપણને પૂછશે, ‘તો તમે યોહાનમાં વિશ્વાસ કેમ નથી કરતા?’ 26 જો એમ કહીશું કે તે મનુષ્યથી હતું, તો એ લોકો આપણા પર ગુસ્સે થશે, આપણે લોકોથી ડરીએ છીએ એટલે આપણને કહેશે તમે યોહાનમાં શા માટે વિશ્વાસ કરતા નથી.”
27 તેઓએ ઈસુને ઉત્તર આપ્યો, “અમે નથી જાણતા કે યોહાનને અધિકાર ક્યાંથી મળ્યો.”
પછી ઈસુએ કહ્યું, “તો હું તમને કાંઈ જ નહિ કહું કે હું કયા અધિકારથી આ કરું છું!”
ઈસુ બે દીકરાઓની વાર્તા કહે છે
28 “સારું, બતાવો, હું કહું છું તે બાબતમાં તમે શું માનો છો? એક વ્યક્તિને બે દીકરા હતા, પહેલા દીકરાની પાસે જઈને તેણે કહ્યું, ‘આજે તું મારી દ્રાક્ષની વાડીમાં કામ કરવા જા.’
29 “પણ દીકરાએ ઉત્તર આપ્યો, ‘હું નહિ જાઉં.’ પછી એનું મન બદલાયું અને નક્કી કર્યુ કે તેણે જવું જોઈએ, અને તે ગયો.
30 “પછી તે પિતા બીજા છોકરા પાસે ગયો અને તેને કહ્યું, ‘દીકરા, મારી દ્રાક્ષની વાડીમાં જા અને ત્યાં ખેતરમાં કામ કર.’ દીકરાએ કહ્યું, ‘હા સાહેબ, હું જઈશ અને કામ કરીશ.’ પણ તે ગયો નહિ.”
31 ઈસુએ પૂછયું, “કયા દીકરાએ પિતાની આજ્ઞાનું પાલન કર્યુ?”
યહૂદિ નેતાએ કહ્યું, “પહેલા દીકરાએ.”
ઈસુએ તેમને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે તમે એમ માનો છો કે કર ઉઘરાવનાર અને વેશ્યાઓ ખરાબ લોકો છે, પરંતુ તેઓ તમારા કરતા આકાશના રાજ્યમાં તમે યત્ન કરશો તેના કરતાં પહેલા પ્રવેશ કરશે. 32 યોહાન તમને સાચો માર્ગ બતાવવા આવ્યો પણ તમે યોહાનમાં વિશ્વાસ કર્યો નહિ. પણ કર ઉઘરાવનાર અને વેશ્યાઓ તેનામાં વિશ્વાસ કરે છે એમ તમે જુઓ છો છતાં પણ તમે હજી પણ પસ્તાવો કરતાં નથી કે નથી તેનામાં વિશ્વાસ કરતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International