Revised Common Lectionary (Semicontinuous)
22 વિપુલ સંપત્તિ કરતાં સારી પ્રતિષ્ઠા અને સોનારૂપાં કરતાં ઉચ્ચ આદર વધારે ઇચ્છવાજોગ છે.
2 દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કારણ કે યહોવાએ બંનેને સર્જ્યા છે.
8 જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેમાં ક્રોધની સોટી તેનો અંત લાવશે.
9 ઉદાર વ્યકિત પર આશીર્વાદ ઊતરશે; કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.
– 1 –
22 ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમજ ગરીબને ન્યાયાલયમાં હેરાન કરીશ નહિ. 23 કારણ કે યહોવા તેમનો પક્ષ લેશે અને તેમનું હરી લેનારના પ્રાણ હરી લેશે.
મંદિર ચઢવાનું ગીત.
1 જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે,
તેઓને કદી હલાવામાં આવશે નહિ
તેઓ સદાકાળ ટકી રહેશે.
2 જેમ યરૂશાલેમની આસપાસ આવેલા પર્વતો તેઓનું સદાકાળ રક્ષણ કરે છે;
તેમ યહોવા પોતાના લોકોની આસપાસ છે અને સદાકાળ સૌનું રક્ષણ કરે છે.
3 કારણકે દુષ્ટ લોકો સદાકાળ ભલા માણસોના પ્રદેશ ને તાબામાં રાખી ન શકે,
નહિ તો સારા લોકો દુષ્કર્મ કરવાનું શરુ કરે.
4 હે યહોવા, જેઓ સારાઁ છે;
અને જેઓના હૃદય યથાર્થ અને પવિત્ર છે તેમની ભલાઇ કરો.
5 દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કર્મો કરવા વાળા
લોકોની સાથે કુટીલ કર્મો કરે છે તેમને દૂર લઇ જાય છે.
ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે!
બધા લોકોને પ્રેમ કરો
2 મારા વહાલા ભાઈઓ અને બહેનો, તમે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવો છો. તો એવું ના માનશો કે કેટલાએક લોકો બીજા લોકો કરતાં અગત્યના છે. 2 ધારોકે કોઈ વ્યક્તિ તમારી સભામાં સુંદર કપડાં અને સોનાની વિંટી પહેરીને આવે, જ્યારે બીજો ગરીબ માણસ ફાટેલા જૂનાં વસ્ત્રો પહેરીને આવે. 3 તો તમે સારાં કપડાં પહેરેલા માણસ તરફ ખાસ ધ્યાન આપો છો. અને તમે તેને કહો છો કે, “આ સારા આસને બેસ;” જ્યારે ગરીબ માણસને તમે કહેશો કે, “તું ત્યાં ઊભો રહે,” અથવા, “મારા પગના આસન પાસે બેસ!” 4 આ તમે શું કરો છો? આ રીતે ખરાબ વિચારોથી તમારામાં બીજાઓ કરતાં કયા માણસો અગત્યના છે તે તમે નક્કી કરો છો.
5 મારા વહાલા ભાઈઓ અને બહેનો! ધ્યાનથી સાંભળો, આ દુનિયાના ગરીબ લોકો વિશ્વાસમાં ધનવાન બને અને દેવે પોતાના પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરે માટે દેવે તેઓને પસંદ કર્યા છે. 6 પણ તમે ગરીબ લોકોને બિલકુલ માન આપતા નથી. અને તમે જાણો છો કે શ્રીમંત લોકો જ તમારું શોષણ કરે છે. અને તમને ન્યાયાસન આગળ ઘસડી જાય છે. 7 એ તે લોકો છે, જેઓ ઉત્તમ નામથી ઓળખાય છે, તેઓની નિંદા કરે છે.
8 જો તમે પવિત્રલેખમાં આપેલા જે રાજમાન્ય નિયમ છે તેને અનુસરશો, એટલે કે, “તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.”(A) એનું જો તને પુરેપુરું પાલન કરો છો તો તમે ઘણું સારું કરો છો. 9 પણ જો તમે એક વ્યક્તિને બીજા કરતાં વધુ મહત્વ આપશો, તો તમે પાપ કરો છો, એ રીતે તમે દેવના નિયમનો ભંગ કરો છો તેમ સાબિત થાય છે.
10 કોઈ વ્યક્તિ આખા નિયમશાસ્ત્રનું પાલન કરે, પણ જો એક આજ્ઞાનો ભંગ કરે, તો તે નિયમની બધી જ આજ્ઞાઓનો ભંગ કરનાર જેટલો જ ગુનેગાર ઠરે છે.
11 દેવે કહ્યું છે કે, “તું વ્યભિચાર નું પાપ ન કર.”(A) તે જ દેવે એમ પણ કહ્યું છે કે, “હત્યા ન કર.”(B) માટે જો તમે વ્યભિચારનું પાપ ન કરો અને કોઈકની હત્યા કરો તો તમે દેવના બધાજ નિયમોનો ભંગ કરો છો.
12 તમે જે કઈ કરો કે કહો ત્યારે યાદ રાખો કે સ્વતંત્રતા આપનાર તેના આધારે જ નિયમ દ્ધારા તમારો ન્યાય કરશે. 13 હા, તમારે બીજા લોકો પર દયા બતાવવી જ જોઈએ. જો કોઈ વ્યક્તિ બીજા લોકો તરફ દયા નહિ રાખે તો, દેવ તેને દયા રાખ્યા વગર ન્યાય આપશે કારણ ન્યાય પર દયાનો વિજય હોય છે.
વિશ્વાસ અને સારા કાર્યો
14 મારા વહાલા ભાઈઓ અને બહેનો, કોઈ કહે કે તેને વિશ્વાસ છે, પણ તે પ્રમાણે વર્તનમાં ન મૂકે, તો શો ફાયદો? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે? ના! 15 ખ્રિસ્તમાં કેટલાએક ભાઈઓ અને બહેનોને દિવસ દરમ્યાન કપડા પહેરવા ન મળે અને રોજનો પૂરતો ખોરાક ન હોય. 16 અને તમારામાંનો કોઈ તેઓને કહે કે, “દેવ તમારી સાથે રહો, શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;” છતાં શરીરને જે જોઈએ તે ખોરાક કે કપડાં ન આપો તો તમારા શબ્દો નકામાં છે. 17 એવું જ વિશ્વાસ માટે છે, વિશ્વાસમાં જો કરણી ન હોય, તો તે તેની જાતે મૃતપ્રાય છે, વિશ્વાસ એકલો પૂરતો નથી, કારણ કે કરણીઓ વિનાનો વિશ્વાસ એ વિશ્વાસ નથી.
ઈસુની બિનયહૂદિ સ્ત્રીને સહાય
(માથ. 15:21-28)
24 ઈસુ તે જગ્યા છોડીને તૂરની આજુબાજુના પ્રદેશમાં ગયો. ઈસુ ત્યાં એક ઘરમાં ગયો. તે ત્યાં હતો એમ તે પ્રદેશના લોકો જાણે એમ ઈસુ ઈચ્છતો નહોતો. પણ ઈસુ ગુપ્ત રહી શક્યો નહિ. 25 એક સ્ત્રીએ સાંભળ્યું કે ઈસુ ત્યાં હતો. તેની નાની દીકરીની અંદર શેતાનનો અશુદ્ધ આત્મા હતો. તેથી તે સ્ત્રી ઈસુ પાસે આવીને તેના ચરણોમાં નમી પડી. 26 તે સ્ત્રી યહૂદિ ન હતી. તે ગ્રીક હતી અને સિરિયા પ્રદેશના ફિનીકિયામાં જન્મી હતી. તે સ્ત્રીએ ઈસુને તેની દીકરીમાંથી ભૂત કાઢવાને વિનંતી કરી.
27 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “છોકરાંની રોટલી લઈને કૂતરાંઓને આપવી તે યોગ્ય નથી. પ્રથમ છોકરાંને તેઓ ઈચ્છે તેટલું બધું ખાવા દો.”
28 તે સ્ત્રીએ જવાબ આપ્યો, “તે સાચું છે, પ્રભુ. પરંતુ છોકરા જે ખોરાકના નાના કકડાં મેજ નીચે પડે છે તે ખાતા નથી. તે કૂતરાંઓ ખાઇ જાય છે.”
29 પછી ઈસુએ સ્ત્રીને કહ્યું, “તે એક ઘણો સારો જવાબ છે, તું જઈ શકે છે. તે ભૂત તારી દીકરીમાંથી નીકળી ગયું છે.”
30 તે સ્ત્રી ઘેર ગઈ અને તેની દીકરીને પથારીમાં પડેલી જોઈ. ભૂત નીકળી ગયુ હતું.
ઈસુ બહેરા માણસને સાજો કરે છે
31 પછી ઈસુએ તૂરની આજુબાજુનો પ્રદેશ છોડ્યો અને સિદોન થઈને ગાલીલ સરોવર તરફ ગયો. ઈસુ દસ ગામોના પ્રદેશમાં થઈને ગયો. 32 જ્યારે તે ત્યાં હતો ત્યારે કેટલાક લોકો એક માણસને તેના પાસે લાવ્યા. આ માણસ બહેરો હતો અને બોબડો હતો. લોકોએ ઈસુને તેના હાથ તે માણસ પર મૂકીને તેને સાજો કરવા વિનંતી કરી.
33 ઈસુ તે માણસને લોકો પાસેથી દૂર તેની સાથે એકાંતમાં દોરી ગયા. પછી ઈસુએ તે માણસના કાનની અંદર તેની આંગળી મૂકી અને થૂંકીને તે માણસની જીભને સ્પર્શ કર્યો. 34 ઈસુએ આકાશમાં ઊંચે જોયું અને નિસાસો નાખ્યો. ઈસુએ તે માણસને કહ્યું, “એફફથા!” (આનો અર્થ, “ઊઘડી જા.”) 35 જ્યારે ઈસુએ આ કર્યુ, ત્યારે તે માણસ સાંભળવા શક્તિમાન બન્યો. તે માણસ તેની જીભનો ઉપયોગ કરવા સમર્થ બન્યો અને સ્પષ્ટ બોલવા લાગ્યો.
36 ઈસુએ લોકોને આજ્ઞા કરી કે જે કઈ બન્યું છે તે વિષે કોઈ વ્યક્તિને કહેવું નહિ. ઈસુએ હંમેશા લોકોને આજ્ઞા કરતા કહ્યું કે તેના વિષે બીજા લોકોને કહેવું નહિ. પણ જેમ જેમ તેણે તેના વિષે ન કહેવાની વધુ ને વધુ આજ્ઞા કરી તેમ લોકો તેના વિષે વધારે ને વધારે કહેવા લાગ્યા. 37 લોકો ખરેખર નવાઇ પામ્યા. લોકોએ કહ્યું, “ઈસુ દરેક વસ્તુ સારી રીતે કરે છે. ઈસુ બહેરાં માણસોને સાંભળતાં કરે છે. અને જે લોકો વાત કરી શકતા નથી, તેઓને વાત કરવા શક્તિમાન કરે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International