Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 11

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

યહોવા પર હું ભરોસો રાખું છું, તો પછી “શા માટે તમે મને સુરક્ષા
    માટે પક્ષીની જેમ ઊડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો?”

કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણછ ખેંચે છે જુઓ,
    તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યાં છે.
તેઓ અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઇ ગયા છે,
    અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર વીંધવાનું ધ્યેય રાખે છે.
જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઇ ગયો છે,
    તો પછી સારા લોકો શું કરી શકે?

યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે.
    યહોવાનું રાજ્યાસન આકાશમાં છે.
તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે
    તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.
યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે
    પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે.
દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અગ્નિ અને ગંધકનુ નિર્માણ કરશે
    અને તેઓ ગરમ લૂ સિવાય કંઇ નહિ મેળવે.
કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે,
    જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે.

1 રાજાઓનું 6:15-38

15 તેણે મંદિરની અંદરની દીવાલોને ભોંયતળિયાથી છત સુધી દેવદારના પાટિયાથી જડી દીધી હતી અને તેણે ચીડના લાકડાંથી મંદિરના ભોંયતળિયાને જડી દીધો હતો. 16 મંદિરની પાછળની બાજુ તેણે 20 હાથ લાંબો એક ઓરડો બાંધ્યો. તેણે તેની દીવાલો દેવદારથી જડી દીધી હતી અને તે તળિયેથી છેક છત સુધી પહોંચતી હતી, આ અંદરની જગ્યા હતી, પરમપવિત્ર સ્થળ હતું. 17 પરમ પવિત્રસ્થળની સામેની બાકીની જગ્યા 40 હાથ લાંબી હતી. 18 મંદિરની અંદરની બાજુના હિસ્સામાં દેવદારના લાકડા પર ફૂલો અને વેલાઓ કોતરેલાં હતાં. અંદરનો બધો જ ભાગ દેવદારના લાકડાથી મઢી લેવામાં આવ્યો હતો. જેથી મંદિરની અંદરના હિસ્સામાં કયાંય પથ્થર દેખાતો નહોતો.

19 મંદિરના પાછલા ભાગમાં “પવિત્રકોશ” રાખવાની પરમ પવિત્ર જગ્યા હતી, આ કોશમાં દેવનો ઇસ્રાએલ સાથેનો ખાસ કરાર હતો. 20 તે 20 હાથ લાંબું, 20 હાથ પહોળું અને 0 હાથ ઊંચું હતું અને તેને શુદ્વ સોનાના પતરાથી મઢી લીધું હતું. અને વેદીને દેવદારના લાકડાંથી મઢી હતી. 21 પછી સુલેમાંને મંદિરની અંદરની દીવાલો સોનાના આવરણથી મઢી લીધી, અને અંદરની ઓરડીઓને પણ શુદ્વ સોનાના પતરાથી મઢી લીધી. અને તે પવિત્રસ્થાનના પ્રવેશદ્વારના એક છેડેથી બીજા છેડા સુધી સોનાની સાંકળો લટકતી હતી. 22 આમ, સુલેમાંને મંદિરની અંદરનો આખો ભાગ સોનાથી મઢી લીધો હતો. તેણે અંદરની પવિત્ર જગ્યામાંની વેદીને પણ સોનાથી મઢી હતી.

23 સુલેમાંને પરમપવિત્રસ્થાનમાં જૈતૂનના લાકડામાંથી બનાવેલા બે કરૂબ દેવદૂતો મૂકયા. તે દરેક દસ હાથ ઉંચા હતા. 24 દરેક કરૂબને બે પાંખ હતી અને તે દરેક પાંખ 5 હાથ લાંબી હતી; આથી દરેકની એક પાંખથી બીજી પાંખના છેડાઓ વચ્ચેનું અંતર 10 હાથ હતું. 25 બીજા કરૂબની બે પાંખો વચ્ચેનું અંતર પણ 10 હાથ હતું, બંને કરૂબો કદ અને આકારમાં સરખા જ હતા. 26 દરેક દેવદૂતની ઊંચાઈ 10 હાથ હતી. 27 તેઓએ એ બંન્ને કરૂબોને મંદિરના પરમ પવિત્ર સ્થાનમાં ગોઠવ્યા હતાં. કરૂબની પાંખો ફેલાયેલી હતી, તેથી એક દેવદૂતની પાંખ એક ભીંતને અને બીજા દેવદૂતની પાંખ બીજી ભીંતને અડતી હતી, અને તેમની બીજી પાંખો ખંડની વચ્ચોવચ્ચ એકબીજાને મળતી હતી. 28 એ કરૂબ સોનાથી મઢેલા હતાં.

29 મંદિરની બંને ઓરડીઓની બધી જ દીવાલો પર કરૂબ દેવદૂતો ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરેલું હતું. 30 મંદિરના બધાજ ભાગના તળિયાં સોનાથી મઢેલાં હતાં.

31 પરમપવિત્ર સ્થળના પ્રવેશ માંટે સુલેમાંને જૈતૂનના લાકડાના દરવાજા બનાવ્યા હતા. થાંભલા અને દરવાજાના ચોકઠાને પાંચ બાજુ હતી. 32 બંને દરવાજા પર કરૂબો, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલા ફૂલોનું કોતરકામ કરેલું હતું અને તેને સોનેથી મઢી દીધું હતું.

33 એ જ રીતે મંદિરના બારણા માંટે પણ જૈતૂનના લાકડાની બારસાખ કરાવી હતી અને ઉંબર ચારખૂણિયો હતો. 34 અને દરવાજાના બેબારણાં સાયપ્રસના લાકડાંનાં પાટિયાંમાંથી બનાવ્યાં હતાં. દરવાજાના દરેક બારણાના બે ભાગ હતા અને એક પર એક વાળી શકાતા હતા. 35 એ બારણાંઓ પર કરૂબ દેવદૂતો, ખજૂરીનાં વૃક્ષો, અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરેલું હતું અને બારણાં સોનાના પતરાંથી મઢેલાં હતાં.

36 તેણે કાપીને ઘસીને ચકચકિત કરેલાં પથ્થરોની ત્રણ હાર અને દેવદારના ખંભાની એક હાર વડે અંદરનું પ્રાંગણ બનાવ્યું.

37 સુલેમાંનના રાજયશાસન દરમ્યાન ચોથા વર્ષના ઝીવ માંસમાં મંદિરના બાંધકામનો પાયો નાખવામાં આવ્યો હતો. 38 અને અગિયારમાં વર્ષનો આઠમો મહિનો, એટલે કે બુલનાં મહિનામાં મંદિરનું સર્વ બાંધકામ પૂરું થયું. આમ મંદિરનું બાંધકામ પૂરુું થવામાં સાત વર્ષ લાગ્યાં હતાં.

યોહાન 15:16-25

16 “તમે મને પસંદ કર્યો નથી; મેં તમને પસંદ કર્યા છે. અને મેં તમને ત્યાં જઈને ફળ આપવાનું કામ સોંપ્યું છે. હું ઈચ્છું છું કે આ ફળ તમારા જીવનમાં ચાલુ રહે. પછી તમે મારા નામે જે કંઈ માગશો તે પિતા તમને આપશે. 17 આ મારી આજ્ઞા છે: તમે એકબીજાને પ્રેમ કરો.

ઈસુ તેના શિષ્યોને ચેતવણી આપે છે

18 “જો જગત તમને ધિક્કારે છે તો, યાદ કરજો કે જગતે મને પ્રથમ ધિક્કાર્યો છે. 19 જો તમે જગતના હોત તો જગત તમારા પર પોતાના લોકોની જેમ પ્રેમ રાખત, પણ મે તમને જગતની બહારથી પસંદ કર્યા છે. તેથી તમે જગતના નથી. તેથી જગત તમને ધિક્કારે છે.

20 “મેં તમને કહેલો પાઠ યાદ કરો: સેવક તેના માલિકથી મોટો નથી. જો લોકોએ મારું ખોટું કર્યુ હશે તો પછી તેઓ તમારું પણ ખોટું કરશે. અને જો લોકો મારા વચનનું પાલન કરશે તો પછી તેઓ તમારી આજ્ઞાનું પણ પાલન કરશે. 21 લોકો મારા કારણે આ બધું તમારી સાથે કરશે. તેઓ જેણે મને મોકલ્યો છે તેને ઓળખતા નથી. 22 જો મેં જગતના લોકોને આવીને કહ્યું ના હોત, તો પછી તેઓ પાપના દોષિત થાત નહિ. પણ હવે મેં તેમને કહ્યું છે. તેથી તેઓનાં પાપ માટે હવે તેઓની પાસે બહાનું નથી.

23 “જે વ્યક્તિ મને ધિક્કારે છે તે મારા પિતાને પણ ધિક્કારે છે. 24 તે લોકો વચ્ચે જે કામો મેં કર્યા છે તે કામો આજપર્યંત કોઈએ કર્યા નથી. જો મેં તે કામો ના કર્યા હોત તો તેઓ પાપના ગુનેગાર ના થયા હોત. પરંતુ તેઓએ આ કામો જોયા છે જે મે કર્યા છે અને છતાં તેઓ મને અને મારા પિતાને ધિક્કારે છે. 25 પણ આ બન્યું તેથી તેઓના નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તે સાચું પુરવાર થશે; ‘તેઓએ મારો વિનાકારણે દ્વેષ રાખ્યો છે.’

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International