Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારા માટે આ ગીત ગાઇશ.
હું તમારી કૃપા અને ન્યાય વિષે ગાઇશ.
2 હે યહોવા, હું મારા ઘરમાં શુદ્ધ હૃદય સાથે
સંભાળપૂર્વક શુદ્ધ જીવન જીવીશ.
તમે મારી પાસે ક્યારે આવશો?
3 હલકી અને દુષ્ટ બાબતોનો નકાર કરવાં મને મદદ કરો;
અને સર્વ પ્રકારની અપ્રામાણિક બાબતો;
જેમાં મારો કોઇ લાગભાગ ન હોય તેને ધિક્કારવા મને મદદ કરો.
4 હું ઠગ અને અપ્રામાણિક લોકોનો અસ્વીકાર કરીશ,
અને હું દરેક દુષ્ટથી પણ દૂર રહીશ.
5 હું જે કોઇ તેમનાં પડોશીઓની વિરુદ્ધમાં
ખાનગીમાં બોલે છે તેમને અટકાવીશ.
જેની આંખો અને હૃદય અભિમાનથી ભરેલાં છે;
તેમને હું સહન કરીશ નહિ.
6 હું આખા દેશમાં ભરોસાપાત્ર લોકોની ખોજ કરીશ
અને તેઓને મારા મહેલમાં રહેવા દઇશ,
ફકત જેઓ સંપૂર્ણ પ્રામાણિક છે તેઓ મારી સેવા કરશે.
7 વિશ્વાસઘાતી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ,
જૂઠું બોલનારા કોઇ મારી નજીક રહેશે નહિ.
8 આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું હંમેશા વિનાશ કરીશ,
હું તે દુષ્ટ લોકોને યહોવાના નગરમાંથી જબરદસ્તીથી બહાર મોકલી આપીશ.
કરારકોશનું મંદિરમાં આગમન
8 સુલેમાંને ઇસ્રાએલના બધાજ વડીલો અને ઇસ્રાએલના દરેક કુળમાંથી બધાજ અગ્રણીઓને યરૂશાલેમ બોલાવ્યા. જેથી તેઓ યહોવાનું ઇસ્રાએલ સાથેનું વિશેષ કરારનામું દર્શાવતો પવિત્રકોશ દાઉદના નગરમાંથી જે સિયોન પણ કહેવાય છે ત્યાંથી લાવી શકે. 2 અને તેઓ બધા એથાનીમ એટલે કે દશમાં મહિનામાં માંડવાપર્વને પ્રસંગે રાજા સુલેમાંન સમક્ષ ભેગા થયા.
3 આ ઉજવણી વખતે ઇસ્રાએલના બધાજ વડીલો આવ્યા અને યાજકોએ “પવિત્રકોશ” ઊપર ઊચક્યો. 4 તે યાજકો અને લેવીઓ યહોવાના પવિત્રકોશને મુલાકાત મંડપમાં લાવ્યા અને બીજી બધી વસ્તુઓને જે યહોવાને પધ્રૂજવા માંટે વપરાતી હતી. 5 ત્યારબાદ રાજા સુલેમાંન અને તમાંમ ઇસ્રાએલી પ્રજાજનો પવિત્રકોશની સમક્ષ એકત્ર થયા અને અસંખ્ય ઘેટાં અને બળદોના અર્પણો આપ્યા. 6 ત્યારબાદ યાજકો યહોવાના ઇસ્રાએલ સાથેના કરારનામાંનો પવિત્રકોશ મંદિરના પરમ પવિત્રસ્થાનમાં લઈ ગયા, અને કરૂબીઓ દેવદૂતોની નીચે તેને મૂકયો. 7 પવિત્રકોશ જયાં મૂકવામાં આવ્યો, તેનાં પર પાંખો પ્રસરેલી રહે એ રીતે કરૂબ દેવદૂતોની રચના કરવામાં આવી હતી. આમ કરૂબ દેવદૂતોની પાંખોએ કોશ અને તેના છેડાઓ પર આચ્છાદન કર્યુ હતું. 8 પેલા છેડાઓ એટલા લાંબા હતા કે તેમના છેડા તેજ ઓરડામાંથી જોઈ શકાતા નહોતા, પરંતુ બીજા રૂમની બહારથી તે જોઈ શકાતા હતા, પણ બહારથી તે જોઇ શકાતા નહોતાં, અને આજ સુધી તે ત્યાં છે. 9 ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ તેમને આપેલા વચનો જે પથ્થરની બે તકતીઓમાં આલેખાયેલા હતાં; જે મૂસા હોરેબ પર્વત પરથી લાવ્યો હતો અને તેણે પવિત્રકોશમાં મૂકી હતી, પવિત્રકોશમાં ફકત આ બે તકતીઓ જ હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું.
10 જુઓ, જયારે યાજકો યહોવાના મંદિરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાનું મંદિર વાદળ વડે ભરાઈ ગયું! 11 અને તેથી તેઓ સેવા ચાલુ રાખી શકે તેમ નહોતાં. આખા મંદિરમાં યહોવાનું ગૌરવ વ્યાપી ગયું હતું. 12 ત્યારે સુલેમાંને કહ્યું,
“ઓ યહોવા, તમે ગાઢ વાદળોમાં
રહેવાનું પસંદ કર્યુ છે;
13 મેં તમાંરે માંટે એક ભવ્ય મંદિર બાંધ્યુ છે,
જેમાં તમે સદાકાળ નિવાસ કરો.”
14 પછી રાજા લોકોની સભા તરફ ફર્યો, લોકો તેમની સમક્ષ ઊભા રહ્યા હતા, તેણે લોકોને આશીર્વાદ આપ્યા. 15 રાજાએ કહ્યું,
“ઇસ્રાએલના દેવ યહોવાની સ્તુતિ હોજો! તેમણે માંરા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તેમણે પોતાના બાહુબળથી કરી બતાવ્યું છે. 16 તેણે કહ્યું હતું કે, ‘હું માંરા લોકોને ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો, તે દિવસથી મેં ઇસ્રાએલના કોઈ કુળસમૂહના પ્રદેશમાંથી માંરા માંટે મંદિરનું સ્થાન નક્કી કર્યુ નહોતું. પરંતુ લોકોના આગેવાન થવા માંટે મેં એક પુરુષ દાઉદની પસંદગી કરી હતી.’
17 “હવે માંરા પિતા દાઉદે ઇસ્રાએલના યહોવા દેવના નામનું એક મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો હતો. 18 પરંતુ યહોવાએ તેને કહ્યું, ‘માંરા નામનું મંદિર બાંધવાનો તેં નિર્ણય કર્યો છે, અને એ વિચાર સારો છે, 19 હજી પણ તે મંદિર તું બનાવીશ નહિ, પણ તારો સગો પુત્ર માંરા નામ માંટે મંદિર બાંધશે.’
20 “હવે યહોવાએ પોતાનું વચન પાળ્યું છે. યહોવાએ વચન આપ્યા પ્રમાંણે, હું માંરા પિતા દાઉદ પછી ઇસ્રાએલની ગાદી પર આવ્યો છું, અને મેં ઇસ્રાએલીઓના યહોવા દેવના નામનું મંદિર બંધાવ્યું છે. 21 અને તેમાં યહોવાએ આપણા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેમની સાથે કરેલા કરાર આ પવિત્ર કોશમાં રાખવામાં આવેલા છે.”
ઈસુની યહૂદિ આગેવાનો વિરૂદ્ધ ચેતવણી
(માથ. 16:5-12)
14 તે શિષ્યો પાસે હોડીમાં તેઓની પાસે ફક્ત રોટલીનો એક ટુકડો હતો. તેઓ વધારે રોટલી લાવવાનું ભૂલી ગયા. 15 ઈસુએ તેમને ચેતવણી આપી, “સાવધાન રહો! ફરોશીઓના ખમીર અને હેરોદના ખમીરથી સાવધ રહો.”
16 શિષ્યોએ આના અર્થની ચર્ચા કરી. તેઓએ કહ્યું, “તેણે આ કહ્યું કારણ કે આપણી પાસે રોટલી નથી.”
17 ઈસુએ જાણ્યું કે તે શિષ્યો આના વિષે વાતો કરતા હતા. તેથી ઈસુએ તેઓને પૂછયું, “શા માટે તમે રોટલી નહિ હોવા વિષે વાત કરો છો? તમે હજુ પણ જોઈ શકતા નથી કે સમજી શકતા નથી? શું તમે સમજવા શક્તિમાન નથી? 18 શું તમારી પાસે જે આંખો છે તે આ જોઈ શકતી નથી? શું તમારી પાસે જે કાન છે તે સાંભળી શક્તા નથી? યાદ કરો મેં અગાઉ શું કર્યું હતુ. જ્યારે આપણી પાસે પૂરતી રોટલી ન હતી. 19 મેં પાંચ રોટલીમાંથી 5,000 લોકોને જમાડ્યા હતા. યાદ કરો કે તમે નહિ ખવાયેલા ખોરાકના ટુકડાઓ વડે કેટલી ટોપલીઓ ભરી હતી?”
તે શિષ્યોએ ઉત્તર આપ્યો, “અમે બાર ટોપલીઓ ભરી હતી.”
20 “અને યાદ કરો કે મેં સાત રોટલીમાંથી 4,000 લોકોને જમાડ્યા હતા. યાદ કરો તમે નહિ ખવાયેલા ખોરાકના ટુકડાઓથી તમે કેટલી ટોપલીઓ ભરી હતી?”
તે શિષ્યોએ ઉત્તર આપ્યો, “અમે સાત ટોપલીઓ ભરી હતી.”
21 પછી ઈસુએ તેઓને કહ્યું, “મેં જે કર્યુ તે બધું તમે યાદ કરો છો, પણ હજુ તમે સમજી શકતા નથી?”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International