Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારા માટે આ ગીત ગાઇશ.
હું તમારી કૃપા અને ન્યાય વિષે ગાઇશ.
2 હે યહોવા, હું મારા ઘરમાં શુદ્ધ હૃદય સાથે
સંભાળપૂર્વક શુદ્ધ જીવન જીવીશ.
તમે મારી પાસે ક્યારે આવશો?
3 હલકી અને દુષ્ટ બાબતોનો નકાર કરવાં મને મદદ કરો;
અને સર્વ પ્રકારની અપ્રામાણિક બાબતો;
જેમાં મારો કોઇ લાગભાગ ન હોય તેને ધિક્કારવા મને મદદ કરો.
4 હું ઠગ અને અપ્રામાણિક લોકોનો અસ્વીકાર કરીશ,
અને હું દરેક દુષ્ટથી પણ દૂર રહીશ.
5 હું જે કોઇ તેમનાં પડોશીઓની વિરુદ્ધમાં
ખાનગીમાં બોલે છે તેમને અટકાવીશ.
જેની આંખો અને હૃદય અભિમાનથી ભરેલાં છે;
તેમને હું સહન કરીશ નહિ.
6 હું આખા દેશમાં ભરોસાપાત્ર લોકોની ખોજ કરીશ
અને તેઓને મારા મહેલમાં રહેવા દઇશ,
ફકત જેઓ સંપૂર્ણ પ્રામાણિક છે તેઓ મારી સેવા કરશે.
7 વિશ્વાસઘાતી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ,
જૂઠું બોલનારા કોઇ મારી નજીક રહેશે નહિ.
8 આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું હંમેશા વિનાશ કરીશ,
હું તે દુષ્ટ લોકોને યહોવાના નગરમાંથી જબરદસ્તીથી બહાર મોકલી આપીશ.
સુલેમાંનનો રાજમહેલ
7 સુલેમાંનને પોતાનો મહેલ પૂરો કરતાં 13 વર્ષ લાગ્યાં હતાં. 2 તેણે એક મકાન બંધાવ્યું જેનું નામ “લબાનોનનું વનગૃહ” રાખ્યું. તેની લંબાઈ 100 હાથ, પહોળાઈ 50 હાથ અને ઊંચાઈ 30 હાથ હતી. તે દેવદારના સ્તંભોની ચાર હારમાંળાઓ પર ટેકવેલું હતું. આ સ્તંભો પર પાટડાઓની હાર હતી. 3 પાટડાઓની હાર ત્રણ હતી, અને પ્રત્યેક હારમાં 15 પ્રમાંણે કુલ બધા મળીને 45 પાટડા હતા. આ દેવદારના થાંભલા છતને ટેકો આપતા હતા. 4 ત્રણ હારમાં બારીના ચોકઠાઓ એકબીજાની સામસામે હતાં. 5 બધા પ્રવેશદ્રાર અને બારણાંનાં ચોકઠાં ચોરસ આકારના હતા. અને તે એકબીજાની સામસામે ત્રણ હારમાં ગોઠવેલાં હતા.
6 બીજા ઓરડાનું નામ “સ્તંભની પરસાળ” હતું. તેની લંબાઈ 50 હાથ હતી અને તે 30 હાથ પહોળો હતો. આ ઓરડાની આગળ થાંભલાઓ હતાં જે પરસાળની છતને ટેકવતાં હતાં.
7 એક રાજ્યાસનખંડ અથવા “ન્યાયખંડ” પણ હતો, જેમાં બેસીને સુલેમાંન ન્યાય કરતો હતો. એ ખંડ આખો ભોંયતળિયાથી છત સુધી દેવદારની તકતીઓથી જડેલો હતો.
8 સુલેમાંને તેનો પોતાનો મહેલ બનાવ્યો, જેમાં તે રહ્યો હતો “ન્યાયખંડ”ની પાછળના ભાગમાં હતો. તે મહેલ, અને ફારુનની પુત્રી જેને એ પરણ્યો હતો તેને માંટે બાંધેલો મહેલ સરખાંજ હતાં.
9 રાજમહેલના આ ઓરડાઓનાં બાંધકામ માંટે અતિમૂલ્યવાન અને જોઇતા માંપ પ્રમાંણે તૈયાર કરેલા મોટા કદના પથ્થરોનો ઉપયોગ થયો હતો. સમગ્ર માંળખામાં આ પથ્થરો વપરાયા હતા. 10 એમના પાયા મોટા આઠથી દસ હાથ પહોળા કિંમતી પથ્થરોના બનેલાં હતા. 11 અને તેના પર માંપસર ઘડેલા પથ્થરોના અને દેવદારના થર હતા. 12 મોટા ચોકની ફરતી દીવાલમાં ત્રણ થર ઘડેલાં પથ્થરના અને એક થર દેવદારના લાકડાનો હતો અને યહોવાના મંદિરના અંદરના ચોકમાં તેમ જ મંદિરની પરસાળમાં પણ એ જ પ્રમાંણે થરો હતા.
9 “આ પૂર્વજોને યૂસફની (તેઓનો નાનો ભાઈ) ઈર્ષા થઈ. તેઓએ યૂસફને ગુલામ થવા માટે મિસરમાં વેચ્યો. પરંતુ દેવ યૂસફની સાથે હતો. 10 યૂસફને ત્યાં ઘણી મુશ્કેલીઓ હતી. પણ દેવે તેને તે બધી મુશ્કેલીઓમાંથી બચાવ્યો. ફારુંન મિસરનો રાજા હતો. તેને યૂસફ ગમતો અને તેને માન આપતો કારણ કે દેવે યૂસફને ડહાપણ આપ્યું. ફારુંને યૂસફને મિસરનો અધિકાર બનાવી જવાબદારી સોંપી. અને ફારુંનના મહેલના તમામ લોકો પર શાસન કરવાની જવાબદારી સોંપી. 11 પરંતુ આખા મિસર અને કનાનની બધી જમીન સુકાઇ ગઇ. જેથી ત્યાં અનાજ ઊગ્યું નહિ. આથી લોકોને ખૂબ સંકટો સહન કરવા પડ્યા. આપણા પૂર્વજો ખાવા માટે કંઈ મેળવી શક્યા નહિ.
12 “પણ યાકૂબે સાંભળ્યું કે મિસરમાં અનાજનો સંગ્રહ થતો હતો. તેથી તેણે આપણા પિતાઓને (યાકૂબનાં સંતાનો) ત્યાં મોકલ્યો. (આ તેનો મિસરનો પ્રથમ પ્રવાસ હતો.) 13 પછી તેઓ બીજી વાર ગયા. આ વખતે, યૂસફે તેના ભાઈઓને તે કોણ હતો તે કહ્યું અને ફારુંને યૂસફના પરિવાર વિષે જાણ્યું. 14 પછી યૂસફે કેટલાક લોકોને તેના પિતા યાકૂબને મિસર આવવાનું નિમંત્રણ આપવા મોકલ્યો. તેણે તેના બધા સગાં સંબંધીઓને પણ નિમંત્રણ પાઠવ્યાં (75 વ્યક્તિઓ એક સાથે) 15 તેથી યાકૂબ મિસર આવી ગયો. યાકૂબ અને આપણા પૂર્વજો મૃત્યુપર્યંત ત્યાં રહ્યા. 16 પાછળથી તેઓના શરીરોને શખેમ લઈ જવામાં આવ્યા. તેઓને કબરમાં મૂકવામાં આવ્યા. (તે એ જ કબર હતી જે ઈબ્રાહિમે હમોરના દીકરાઓ પાસેથી શખેમમાંથી ખરીદી હતી. તેણે તેઓને રૂપાનું નાણું પણ ચૂકવ્યું હતું.)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International