Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 111

યહોવાની સ્તુતિ કરો!

ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં
    હું ખરા હૃદયથી યહોવાનો આભાર માનીશ.
યહોવાના કાર્યો મહાન છે;
    લોકોને જે સારી વસ્તુઓ જોઇએ છે જે દેવ પાસેથી આવે છે.
તેના કાર્યો તેજસ્વી અને અદ્ભૂત છે.
    અને તેની નિષ્પક્ષતા સદાકાળ ટકે છે.
દેવે તેના ચમત્કારોને અવિસ્મરણીય સ્મૃતિ બનાવી દીધાં છે.
    યહોવા દયાળુ અને કૃપાથી ભરપૂર છે.
તે તેના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે,
    અને તે પોતાના વચનોને કદી ભૂલતા નથી.
તેણે તેના લોકોને બીજા રાષ્ટ્રોની જમીન આપી છે.
    અને આ રીતે તેમને તેના સાર્મથ્યભર્યા કૃત્યો દેખાડ્યા છે.
તેમણે જે કાંઇ કર્યુ છે તેમાં સત્યતા અને ન્યાય છે;
    તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસ યોગ્ય છે.
કારણ, આ નિયમો સત્યમાંથી અને વિશ્વાસુપણામાંથી ઉદૃભવ્યા છે;
    તેઓ સદાને માટે અચળ છે.
દેવે તેના લોકોને ઉદ્ધાર મોકલ્યો છે, અને તેમણે તેઓની સાથે એક સનાતન કરાર બનાવ્યો છે.
    તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.
10 દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે.
    જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે.
    તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.

1 રાજાઓનું 2:1-11

દાઉદનુ મૃત્યુ

રાજા દાઉદના જીવનનો અંત જયારે નજીક આવ્યો ત્યારે; તેણે પોતાના પુત્ર સુલેમાંનને બોલાવ્યો અને તેને આ પ્રમાંણે હુકમ કર્યો: “જગતના સૌ માંનવીઓને જયાં જવાનું છે ત્યાં હું પણ હવે જાઉં છું. તું બળવાન બનજે અને વીરની જેમ વર્તજે. તમાંરા દેવ યહોવાએ તમને જેનું પાલન કરવા કહ્યું છે તેનું પૂર્ણ પાલન કરજે. મૂસાના નિયમશાસ્રમાં લખેલી દેવ યહોવાના પ્રત્યેક કાનૂન અને આજ્ઞાને આધીન થજે, જેથી તું જે કામ કરે ને જયાં જાય ત્યાં તેમાં તને સફળતા પ્રાપ્ત થાય. જો તું એમ કરીશ તો યહોવા મને આપેલું વચન પાળશે, યહોવાએ મને કહ્યું છે, ‘જો તારા પુત્રો ધ્યાનપૂર્વક વફાદારીથી અને સાચા અંત:કરણથી મને અનુસરશે તો ઇસ્રાએલનો રાજા સદા તમાંરા પરિવારમાંથી જ આવશે,’”

“સરૂયાના પુત્ર યોઆબે માંરી સાથે કેવો વર્તાવ રાખ્યો હતો તે તું જાણે છે, તને ખબર નથી કે તેણે ઇસ્રાએલી લશ્કરના બે સેનાપતિ નેરનો પુત્ર આબ્નેર અને યેથેરના પુત્ર અમાંસાને માંરી નાખ્યા હતા? યુદ્ધમાં તે બનેલો બનાવ હતો એવો તેણે દેખાવ કર્યો હતો, પણ હકીકતમાં એ કૃત્ય શાંતિના સમયમાં કરવામાં આવ્યું હતું. અને તેની તરવારબંધ અને પગરખાને નિર્દોષના લોહીથી કલંકિત કર્યા હતાં. તું તારા ડહાપણ અનુસાર કામ કરજે, અને તેને શાંતિપૂર્વક મરવા દેતો નહિ.

“પરંતુ ગિલયાદના બાઝિર્લ્લાયના પરિવાર પ્રતિ સદા મિત્રભાવ રાખજે, તેમને પણ ભોજન સમયે તારી સાથે રાખજે, કારણ કે હું જયારે તારા ભાઈ આબ્શાલોમથી ભાગતો ફરતો હતો, ત્યારે તેઓ માંરા પ્રત્યે વફાદાર રહ્યાં હતા, અને માંરી સારસંભાળ રાખી હતી.

“બાહૂરીમનો બિન્યામીની જાતિના ગેરાનો પુત્ર શિમઈ હજી તારી સાથે છે, હું માંહનાઈમ ગયો ત્યારે તેણે મને ભારે શાપ આપ્યો હતો, પણ યર્દન નદી આગળ મળવા આવ્યો હતો અને મેં તેને યહોવાને નામે સોગંદ ખાઈને વચન આપ્યું હતું કે, હું તેને માંરી તરવારથી માંરીશ નહિ. પરંતુ હવે તારે એને સજા વગર જવા દેવો નહિ, તું સમજુ છે અને એની સાથે કેમ કામ પાર પાડવું એ તને સમજાઈ રહેશે, ખાતરી કરજે કે તે વેદનાપૂર્ણ મૃત્યુથી મરે.”

10 પછી દાઉદનું અવસાન થયું અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો. 11 તેણે ઇસ્રાએલ પર ચાળીસ વર્ષ રાજય કર્યુ સાત વર્ષ હેબ્રોનથી અને તેત્રીસ વર્ષ યરૂશાલેમથી.

યોહાન 4:7-26

એક સમરૂની સ્ત્રી પાણી મેળવવા માટે તે કૂવાની નજીક આવી. ઈસુએ તેણીને કહ્યું, “કૃપા કરીને મને પીવા માટે થોડું પાણી આપ.” (ઈસુના શિષ્યો ખાવાનું ખરીદવા માટે ગામમાં ગયા હતા ત્યારે આ બન્યું.)

તે સમરૂની સ્ત્રીએ ઉત્તર આપ્યો, “મને નવાઈ લાગે છે કે તું મારી પાસે પીવાનું પાણી માગે છે! તું એક યહૂદિ છે અને હું એક સમરૂની સ્ત્રી છું!” (યહૂદિઓ સમરૂનીઓ જોડે સંબંધ રાખતા નથી.)

10 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવ જે દાન આપે છે તે વિષે તું જાણતી નથી અને તારી પાસે પાણી માંગનાર હું કોણ છું તે પણ તું જાણતી નથી. જો તું આ દાન જાણતી હોત તો તું માગત અને મેં તને જીવતું પાણી આપ્યું હોત.”

11 તે સ્ત્રીએ કહ્યું, “પ્રભુ, તું તે જીવતું પાણી ક્યાંથી મેળવીશ? તે કૂવો ઘણો ઊંડો છે. અને તારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી. 12 તું અમારા પિતા (પૂર્વજ) યાકૂબ કરતાં મોટો છે? યાકૂબે અમને આ કૂવો આપ્યો. તેણે પોતે તેમાંથી પાણી પીધું. તેના દીકરાઓ અને તેનાં બધાં પશુઓએ આ કૂવામાંથી પાણી પીઘું.”

13 ઈસુએ ઉત્તર આપ્યો, “પ્રત્યેક વ્યક્તિ જે આ પાણી પીએ છે તે ફરીથી તરસ્યો થશે. 14 પણ જે વ્યક્તિ, હું આપું તે પાણી પીએ છે તે ફરીથી કદાપિ તરસ્યો થતો નથી. પણ જે પાણી હું તેને આપીશ, તે પાણી તે વ્યક્તિમાં વહેતા પાણીનો ઝરો થશે. તે પાણી તે વ્યક્તિમાં અનંતજીવન સુધી ઝર્યા કરશે.”

15 તે સ્ત્રીએ ઈસુને કહ્યું, “પ્રભુ, મને એ પાણી આપ. પછી હું કદાપિ ફરીથી તરસી થઈશ નહિ. અને મારે વધારે પાણી મેળવવા પાછા અહીં આવવું પડે નહિ.”

16 ઈસુએ તેને કહ્યું, “જા તારા પતિને બોલાવી લાવ અને પછી પાછી અહીં આવ.”

17 સ્ત્રીએ ઉત્તર આપ્યો, “પણ મારે પતિ નથી.”

ઈસુએ તેને કહ્યું, “તેં બરાબર કહ્યું છે કે તારે પતિ નથી. 18 ખરેખર તારે પાંચ પતિઓ હતા. પણ તું હમણાં જે માણસ સાથે રહે છે તે તારો પતિ નથી. તેં મને સાચું કહ્યું છે.”

19 તે સ્ત્રીએ કહ્યું, “પ્રભુ, હું જોઈ શકું છું કે તું એક પ્રબોધક છે. 20 અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે યહૂદિઓ કહો છો કે યરૂશાલેમ એ તે જ જગ્યા છે જ્યાં લોકોએ ભજન કરવું જોઈએ.”

21 ઈસુએ કહ્યું, “બાઈ, મારું માન! હવે એવો સમય આવે છે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પિતા (દેવ) નું ભજન નહિ કરશો. 22 તમે સમરૂનીઓ, તમે જે જાણતા નથી તેને ભજો છો. અમે યહૂદિઓ જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ, યહૂદિઓમાંથી ઉદ્ધાર આવે છે. 23 હવે તે સમય આવે છે જ્યારે સાચા ભજનારાઓ આત્માથી તથા સત્યતાથી પિતાને ભજશે. હવે તે સમય અહીં છે. અને આ પ્રકારના લોકો તેના ભજનારા થાય તેમ પિતા ઈચ્છે છે. 24 દેવ આત્મા છે. તેથી જે લોકો દેવને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ.”

25 તે સ્ત્રીએ કહ્યું, “હું જાણું છું કે મસીહ આવે છે.” (મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે) “જ્યારે મસીહ આવશે ત્યારે તે આપણને બધું સમજાવશે.”

26 પછી ઈસુએ કહ્યું, “જે વ્યક્તિ હમણાં તારી સાથે વાત કરે છે. હું તે મસીહ છું.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International