Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.
1 હે પ્રેમાળ દયાળુ દેવ!
મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
મારા પાપો ભૂંસી નાખો.
2 હે યહોવા, મારા અપરાધ
અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
3 હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
4 મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
તેથી તમે તમારા નિર્ણયો
અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
5 હું પાપમાં જન્મ્યો હતો,
મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
6 તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
7 મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
8 મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
9 મારા પાપો તરફ જોશો નહિ,
ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
મારા આત્માને મજબૂત,
તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
મિદ્યાનીઓનું ઈસ્રાએલીઓ સાથે યુદ્ધ
6 ત્યારબાદ ફરીવાર યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ ઈસ્રાએલી પ્રજાએ કર્યુ. અને તેણે તેઓને સાત વર્ષ સુધી મિદ્યાનીઓના હાથમાં સોંપી હેરાન-પરેશાન કર્યા.
2 ઈસ્રાએલી પ્રજા કરતાં મિદ્યાનીઓ વધારે શક્તિશાળી હતાં એટલે મિદ્યાનીઓની ક્રૂરતાથી પોતાને બચાવવા માંટે ઈસ્રાએલી પ્રજાને પર્વત પર ટેકરીની ગુફાઓમાં અને અન્ય ગુપ્ત જગ્યાએ ભરાઈ જવું પડયું. 3 જયારે જયારે ઈસ્રાએલી પ્રજા પોતાના ખેતરોમાં વાવણી કરતી ત્યારે ત્યારે મિદ્યાનીઓ, અમાંલેકીઓ અને બીજી પૂર્વની પ્રજાઓ આવીને તેમના ઉપર હુમલો કરતી. 4 તેઓ છેક ગાઝા સુધીના પ્રદેશમાં પડાવ નાખીને ત્યાં નિવાસ કરતા, તેઓ ત્યાં રહેતા અને લોકોના પાક અને કાપણીનો નાશ કરતા. તેઓ ઈસ્રાએલીઓ માંટે કશું જ ખાવાનું રહેવા દેતા નહિ, નહિ ઘેટું, નહિ બકરી, નહિ બળદ કે નહિ ગધેડું. 5 તેઓ તેમના ઢોર અને તેમના તંબુઓ સાથે ટોળાબંધ ચઢી આવતા, અને લોકો ઉપર મધમાંખીની જેમ ત્રાટકતા એમનાં ઊંટ ગણ્યા ગણાય એમ નહોંતા, અને તેઓ બધાં ભૂમિનો નાશ કરવા આવતા. 6 આમ ઈસ્રાએલીઓ મિદ્યાનીઓ આગળ લાચાર હતાં.
7 આથી ઈસ્રાએલીઓએ મિદ્યાનીઓ સામે મદદ મેળવવા યહોવાને પોકાર કર્યો. 8 ત્યારે યહોવાએ એક પ્રબોધક દ્વારા સંદેશો મોકલ્યો, તેણે તેઓને કહ્યું, “ઈસ્રાએલના દેવ યહોવા જે કહે છે ‘તે આ છે; તમને મિસરમાંથી મેં બહાર કાઢયા હતાં અને તમને ગુલામીમાંથી મુક્ત કર્યા હતાં. 9 મિસરીઓના અને તમાંરા ઉપર જુલમ ગુજારનારાઓના હાથમાંથી તમને છોડાવનાર હું હતો. આ લોકોને મેં તમાંરી સામેથી હાંકી કાઢયા હતાં, અને તેમની જમીન તમને આપી હતી.’ 10 મેં તમને કહ્યું હતું, ‘હું તમાંરો દેવ યહોવા છું; તમે જે અમોરીઓના દેશમાં અત્યારે વસો છો તેમના દેવોની પૂજા કરશો નહિ.’ પણ તમે માંરી વાત સાંભળી નથી.”
ઈસુ યહૂદિ આગેવાનોથી સાવધ રહેવા જણાવે છે
(માર્ક 8:14-21)
5 ઈસુ અને તેના શિષ્યો સરોવર પાર કરી ગયા. પણ રોટલી લાવવાનું શિષ્યો ભૂલી ગયા. 6 ઈસુએ તેઓને કહ્યું, “ફરોશીઓ અને સદૂકીઓના ખમીરથી સાવધ રહો.”
7 શિષ્યોને લાગ્યું કે, “તેઓ રોટલી લાવવાનું ભૂલી ગયા છે તેથી ઈસુ આવું કહે છે?”
8 ઈસુએ શિષ્યોને વિચાર જાણીને તેઓને કહ્યું, “ઓ અલ્પવિશ્વાસી લોકો, તમે શા માટે કોઈ રોટલી નહિ હોવાની ચર્ચા કરો છો? 9 શું તમે હજી પણ સમજતા નથી? તમને યાદ છે કે ફક્ત પાંચ રોટલીથી મેં 5,000 માણસોને જમાડ્યા હતા અને તેમના જમ્યા પછી કેટલી બધી રોટલી વધી હતી? 10 અને યાદ કરો કે, સાત જ રોટલીઓથી 4,000 માણસોને જમાડ્યા હતા. અને તેમના જમ્યા પછી પણ તમે કેટલી બધી ટોપલીઓમાં રોટલી ભરી હતી? 11 હું ખોરાક સંબંધી કહું છું એવો વિચાર જ તમને કેમ આવ્યો? તમે કેમ સમજતા નથી? પણ ફરોશીઓ અને સદૂકીઓના ખમીરથી તમે સાવધાન રહો.”
12 આખરે શિષ્યો સમજ્યા કે ઈસુ તેમને રોટલીના ખમીરથી સાવધ રહેવાનું કહેતો ન હતો, પરંતુ ઈસુ તેમને ફરોશીઓ અને સદૂકીઓના ઉપદેશથી સાવધ રહેવાનું કહેતો હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International