Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.
1 હે પ્રેમાળ દયાળુ દેવ!
મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
મારા પાપો ભૂંસી નાખો.
2 હે યહોવા, મારા અપરાધ
અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
3 હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
4 મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
તેથી તમે તમારા નિર્ણયો
અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
5 હું પાપમાં જન્મ્યો હતો,
મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
6 તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
7 મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
8 મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
9 મારા પાપો તરફ જોશો નહિ,
ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
મારા આત્માને મજબૂત,
તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
19 જ્યારે તેઓ છાવણી પાસે આવ્યા ત્યારે મૂસાએ વાછરડું અને નાચગાન જોયાં, મૂસાનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેણે પર્વતની તળેટીમાં હાથમાંની તકતીઓ નીચે પછાડીને ચૂરેચૂરા કરી નાખ્યા. 20 પછી તે લોકોએ જે વાછરડું બનાવ્યું હતું તે લઈને તેણે અગ્નિમાં ઓગળાવી નાખ્યું. પછી તેનો વાટીને ભૂકો કરી નાખ્યો અને તે પાણીમાં ભભરાવી ઇસ્રાએલીઓને પાઈ દીધો.
21 પછી હારુન તરફ ફરીને તેણે કહ્યું, “આ લોકોએ તમાંરું શું બગાડ્યું છે કે તમે એ લોકોને આવા મોટા પાપમાં નાખ્યાં?”
22 હારુને કહ્યું, “ગુસ્સે ના થાઓ, ભાઈ એ લોકો કેવા દુષ્ટ સ્વભાવના છે, તે તમે સારી રીતે જાણો છે. 23 એ લોકોએ મને કહ્યું, ‘અમને દોરવણી આપવા માંટે દેવો બનાવી આપો, કારણ કે અમને મિસર દેશમાંથી બહાર લાવનાર મૂસાનું શું થયું એની અમને ખબર પડતી નથી.’ 24 એટલે મેં તેમને કહ્યું, ‘તમાંરામાંથી જેમની પાસે સોનાનાં ઘરેણાં હોય તે ઉતારી નાખો.’ તેમણે મને આપ્યાં અને મેં તે અગ્નિમાં નાખ્યાં અને આ વાછરડું બહાર નીકળી આવ્યું.”
25 મૂસાએ જોયું કે હારુને લોકો પરનો પોતાનો કાબૂ જવા દીધો અને પરિણામે તેઓ જંગલીપણું કરતા હતા, અને તેઓના બધા દુશ્મનો તેઓને મૂર્ખની જેમ જોતા હતા. 26 છાવણીના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને તેણે મોટા અવાજે પોકાર કર્યો. “યહોવાના પક્ષમાં હોય તે માંરી પાસે આવે.” એટલે બધા લેવીઓ તેની પાસે ભેગા થઈ ગયા.
પ્રભુ ભોજન
17 જે બાબતો વિષે હવે હું જે કહી રહ્યો છું તેમાં હું તમારી પ્રશંસા કરતો નથી. તમારી સભાઓ તમને મદદકર્તા બનવાને બદલે તમને નુકસાનકર્તા બને છે. 18 પ્રથમ તો હું સાંભળું છું કે જ્યારે તમે મંડળીમાં એકઠા થાઓ ત્યારે તમારામાં ભાગલા પડેલા હોય છે. આમાંથી કેટલીક બાબતોને હું માનું છું. 19 તમારામાં મતભેદ હોય તે જરુંરી પણ છે. જેથી કરીને ખરેખર તમે જે કરી રહ્યા છો તે સ્પષ્ટ થઈ શકે.
20 જ્યારે તમે બધા જ ભેગા થાવ, ત્યારે તમે વાસ્તવમાં આવું સાચું પ્રભુનું ભોજન[a] ખાતાં નથી. 21 શાથી? કારણ કે તમે જ્યારે ભોજન ખાવા બેસો છો તો તમે બીજાની પ્રતિક્ષા કરતા જ નથી. કેટલાએક લોકો પૂરતું ખાવા કે પીવા માટે મેળવી શકતા નથી, તે કેટલાએક લોકો વધારે મેળવે છે તો તે છાટકા બને છે. 22 તમે તમારા પોતાના ઘરોમાં પણ ખાઈ-પી શકો છો! એમ લાગે છે કે તમે એમ માનો છો કે દેવની મંડળી મહત્વપૂર્ણ છે જ નહિ. જે લોકો દરિદ્રી છે તેમને તમે શરમમાં નાખો છો. મારે તમને શું કહેવું? શું મારે આમ કરવા માટે તમારી પ્રશંસા કરવી? હું તમારી પ્રશંસા કરતો નથી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International