Revised Common Lectionary (Semicontinuous)
બૅંથ-શેબા સૅંથે દાઉદનું પાપ
11 વસંત ઋતુમાં જયારે રાજાઓ યુદ્ધ લડવા નીકળે, તે સમય દાઉદે યોઆબાને, સૈન્યના અમલદારોને ઇસ્રાએલના બધાજ સૈન્યોને હુમલો કરવા અને આમ્મોનીઓનો નાશ કરવા મોકલ્યા, તેઓએ રાબ્બાહનગરને ઘેરો ઘાલ્યો.
પરંતુ દાઉદ તો યરૂશાલેમમાં જ રહ્યો. 2 એક દિવસે મોડી સાંજે દાઉદ પથારીમાંથી ઊઠીને મહેલની અગાસીમાં જઈને ફરતો હતો, એવામાં તેણે એક સ્ત્રીને નાહતી જોઈ; જે ખૂબ રૂપાળી હતી. 3 તે સ્ત્રી કોણ હતી તે તેને જાણવું હતુ; તેણે તેના માંણસને મોકલ્યા, તો જાણવા મળ્યું કે, “તે એલીઆમની પુત્રી અને ઊરિયા હિત્તીની પત્ની બાથ-શેબા હતી.”
4 પછી દાઉદે તેને લઈ આવવા માંણસો મોકલ્યા, અને તે આવી એટલે દાઉદ તેની સાથે સૂઇ ગયો તે સ્ત્રીએ માંસિક ધર્મ પછીની શુદ્ધિકરણની વિધિ તે જ દિવસે પૂરી કરી હતી, પછી તે પોતાને ઘેર પાછી ફરી. 5 તે સ્ત્રીને ગર્ભ રહ્યો અને તેણે દાઉદને સંદેશો મોકલ્યો કે, “મને ગર્ભ રહ્યો છે.”
દાઉદે પોતાના પાપ ને છુપાવવા ચાહ્યું
6 દાઉદે યોઆબને સંદેશો મોકલ્યો કે, “ઊરિયા હિત્તીને માંરી પાસે તાત્કાલિક મોકલ.”
આથી યોઆબે ઊરિયાને દાઉદ પાસે મોકલી આપ્યો. 7 જયારે દાઉદ પાસે ઊરિયા હિત્તી આવ્યો, ત્યારે દાઉદે યોઆબના સૈન્યના સમાંચાર તથા યુદ્ધમાં થયેલી પ્રગતિ વિષે પૂછયું. 8 અને પછી તેને કહ્યું, “તારે ઘેર જઈને આરામ કર.”
ઊરિયા મહેલમાંથી ચાલ્યો ગયો અને દાઉદે ઊરિયાને ઘેર ભેટ મોકલી. 9 પરંતુ ઊરિયા પોતાને ઘેર ગયો નહિ. અને મહેલના દરવાજા પાસે રાજાના અંગરક્ષકો સાથે તેણે રાત વિતાવી. 10 ઊરિયાએ જે કંઈ કર્યુ હતું તે દાઉદે જાણ્યું,
તેણે તેને બોલાવીને પૂછયું, “તને શું થઈ ગયું છે? તું લાંબા પ્રવાસેથી પાછો ફર્યો છે, તું તારે ઘેર કેમ ન ગયો?”
11 ઊરિયાએ પ્રત્યુ્ત્તર આપ્યો, “પવિત્રકોશ, ઇસ્રાએલના અને યહુદાના સેનાપતિઓ મંડપમાં રહે છે. તથા અધિકારી યોઆબ અને રાજાના અમલદારો ખુલ્લામાં છાવણી નાંખી પડયા છે, તેથી હું ઘેર જઈ ખાઈ-પીને પત્ની સાથે સૂવા જાઉં? તે સારું ન કહેવાય હું સમ ખાઇને કહું છું કે, એવું હું કદી નહિ કરું.”
12 ત્યારે દાઉદે ઊરિયાને કહ્યું, “આજની રાત તું અહીં રહે. અને આવતી કાલે હું તને લડાઈમાં પાછો મોકલીશ.”
તેથી ઊરિયા તે દિવસે યરૂશાલેમમાં બીજી સવાર સુધી રહ્યો. 13 બીજે દિવસે દાઉદે તેને પોતાની સાથે ખાણી-પાણી માંટે લઇ ગયો; તેણે તેને દારૂ પીવા બોલાવ્યો અને ખૂબ દારૂ પાયો પણ સાંજે ઊરિયા ઘેર જવાને બદલે બહાર જઈ રાજાના અંગરરક્ષકો ભેગો તેઓની પથારી ઉપર મહેલના દરવાજાની બહાર સૂઈ રહ્યો.
દાઉદે ઊરિયાના મૃત્યુની યોજના બનાવી
14 આખરે બીજી સવારે દાઉદે યોઆબને પત્ર લખ્યો, અને ઊરિયા માંરફતે મોકલી આપ્યો. 15 પત્રમાં તેણે લખ્યું, “જયાં ભીષણ યુદ્ધ ચાલતું હોય ત્યાં આગળ ઊરિયાને મૂકવો અને પછી તમાંરે પાછા હઠી જવું અને એને મરવા દેવો.”
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.”
તે માણસ ષ્ટ અને અનૈતિક છે.
તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે.
તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.
2 યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે,
કે કોઇ ડાહ્યાં લોકો છે
કે જેમને દેવની મદદની જરૂર છે.
3 પણ ના! ત્યાં કોઇ નથી.
બધાએ સાચો રસ્તો છોડી દીધો છે
અને યહોવાથી
દૂર થઇ ગયા છે.
4 તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે,
અને તે દુષ્કર્મો કરનારાઓ દેવને નથી જાણતા.
તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
5 જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે,
કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
6 દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે.
પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.
7 ભલે ઇસ્રાએલનું તારણ
સિયોન પર્વત પર આવે.
જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે
ત્યારે યાકૂબ પ્રસન્ન થશે
અને ઇસ્રાએલ સુખી થશે.
ખ્રિસ્તનો પ્રેમ
14 તેથી પ્રાર્થનામાં હું બાપની આગળ ઘુંટણે પડું છું. 15 આકાશમાં તેમ જ પૃથ્વી પરના દરેક કુટુંબ પોતે પોતાનાં નામ તેની પાસેથી પ્રાપ્ત કરે છે. 16 તેની મહિમાની સંપતિ પ્રમાણે પિતાને હું પ્રાર્થના કરું છું કે તે તમને તેના આત્મા દ્વારા આંતરિક મનુષ્યત્વમાં બળવાન બનવાની શક્તિ આપે. તેના આત્મા દ્વારા તે તમને સાર્મથ્ય આપશે. 17 હું પ્રાર્થના કરું છું કે વિશ્વાસથી તમારાં હૃદયમાં ખ્રિસ્તનો વાસ હો, અને તમારું જીવન પ્રીતિનાં મજબૂત મૂળિયાં પર પાયો નીખીને પ્રીતિમય બનાવો. 18 અને હું પ્રાર્થના કરું છું કે તમે બધા સંતો ખ્રિસ્તની પ્રીતિની મહાનતાને સમજી શકવાનું સાર્મથ્ય પ્રાપ્ત કરો. હું પ્રાર્થના કરું છું કે તે પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકો. 19 ખ્રિસ્તની પ્રીતિની મહાનતાને સમજવી કોઈ પણ વ્યક્તિની જ્ઞાન મર્યાદાની બહાર છે પરંતુ હું પ્રાર્થુ છું કે તમે તે પ્રેમને સમજી શકો. પછી તમે દેવની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.
20 દેવનું સાર્મથ્ય જ્યારે આપણામાં સકિય બને, ત્યારે તેના થકી આપણે માંગીએ કે ધારીએ તેના કરતાં અનેક ઘણું વધારે દેવ સિદ્ધ કરી શકશે. 21 મંડળીમાં અને ખ્રિસ્ત ઈસુમાં તેનો મહિમા સર્વકાળ સુધી સ્થાપિત રહો. આમીન.
ઈસુ 5,000થી વધારે લોકોને જમાડે છે
(માથ. 14:13-21; માર્ક 6:30-44; લૂ. 9:10-17)
6 એ પછી ઈસુ ગાલીલના સમુદ્રને પાર ગયો (તિબેરિયાસ સરોવર). 2 ઘણા લોકો ઈસુને અનુસર્યા. તેઓ તેની પાછળ ગયા કારણ કે ઈસુએ જે રીતે ચમત્કારો કરીને માંદાઓને સાજા કર્યા તે તેઓએ જોયું. 3 ઈસુ ટેકરીની તરફ ગયો. ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. 4 હવે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય નજીક હતો.
5 ઈસુએ ઊંચે જોયું તો ઘણા લોકો તેના તરફ આવતા હતા. ઈસુએ ફિલિપને કહ્યું, “આ બધા લોકોને ખાવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી ખરીદીએ?” 6 (ઈસુએ ફિલિપને પારખવા સારું આ પ્રશ્ન કર્યો, કારણ કે તે શું કરવાનો હતો તે જાણતો હતો).
7 ફિલિપે ઉત્તર આપ્યો, “અહીના દરેક વ્યક્તિને એક રોટલીનો નાનો ટુકડો મળે તે માટે પૂરતી રોટલીઓ ખરીદવા માટે આપણે બધાએ એક માસ કામ કરવાની જરૂર છે.”
8 બીજો એક શિષ્ય આન્દ્રિયા ત્યાં હતો. આન્દ્રિયા સિમોન પિતરનો ભાઈ હતો. આન્દ્રિયાએ કહ્યું, 9 “અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલીઓ અને બે માછલી છે. પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી.”
10 ઈસુએ કહ્યું, “લોકોને બેસી જવા માટે કહો.” આ ઘણી ઘાસવાળી જગ્યા હતી. ત્યાં લગભગ 5,000 માણસો બેઠા હતા. 11 પછી ઈસુએ રોટલીના ટુકડાઓ લીધા. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને ત્યાં નીચે બેઠેલા લોકોને તે આપ્યા. તેણે માછલીનું પણ તેમ જ કર્યુ. ઈસુએ તેઓને જેટલું જોઈતું હતું તેટલું લોકોને આપ્યું.
12 બધા લોકો પાસે પૂરતું ખાવાનું હતું. જ્યારે તેઓએ ખાવાનું પૂરું કર્યુ, ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે છાંડેલાં માછલી અને રોટલીના ટુકડાઓ છે તે ભેગા કરો. કઈ પણ બગડવા દેશો નહિ.” 13 તેથી શિષ્યોએ છાંડેલા ટુકડા ભેગા કર્યા. તે લોકોએ ફક્ત પાંચ જવની રોટલીમાંના ટુકડાથી જમવાનું શરું કર્યુ હતુ. પરંતુ ખોરાકના છાંડેલા ટુકડાઓમાંથી શિષ્યોએ બાર મોટી ટોપલીએ ભરી.
14 લોકોએ ઈસુએ કરેલો આ ચમત્કાર જોયો. લોકોએ કહ્યું, “ખરેખર તે પ્રબોધક હોવો જોઈએ. જે જગતમાં આવનાર છે.”
15 ઈસુએ જાણ્યું કે લોકો તેને રાજા બનાવવા ઈચ્છતા હતા. લોકોએ ઈસુને પકડવા માટે આવવાની અને તેને તેઓને રાજા બનાવવાની યોજના કરી. તેથી ઈસુ તેઓને છોડીને પહાડ પર ફરીથી એકલો ગયો.
ઈસુ પાણી પર ચાલે છે
(માથ. 14:22-27; માર્ક 6:45-52)
16 તે સાંજે ઈસુના શિષ્યો સરોવર (ગાલીલ સરોવર) તરફ નીચે ગયા. 17 હવે અંધારું થયું હતું અને હજુ ઈસુ તેઓની પાસે પાછો આવ્યો ન હતો. શિષ્યો હોડીમાં બેઠા અને કફરનહૂમ તરફ બીજી બાજુ જવાનું શરું કર્યુ. 18 પવન ઘણો સખત ફૂંકાતો હતો. સાગર પરનાં મોજાં મોટાં થતાં જતાં હતાં. 19 તેઓએ ત્રણથી ચાર માઈલ હોડી હંકારી પછી તેઓએ ઈસુને જોયો. તે પાણી પર ચાલતો ચાલતો હોડી તરફ આવતો હતો. શિષ્યો બીતા હતા. 20 પણ ઈસુએ તેઓને કહ્યું, “ગભરાશો નહિ. તે હું જ છું.” 21 ઈસુએ આમ કહ્યા પછી, શિષ્યો ઈસુને હોડીમાં લઈને ખુશ થયા. પછી તે હોડી તેઓ જે જગ્યાએ જવા ઈચ્છતા હતા ત્યાં આવી પહોંચી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International