Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. તારવાળાં વાજીંત્ર સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 હે દેવ, મારી પ્રાર્થના સાંભળો
અને મારી અરજી પર ધ્યાન આપો.
2 જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે,
ત્યારે પૃથ્વીને છેડેથી હું આપને પ્રાર્થના કરીશ!
હું પોતે સુરક્ષાનો મજબૂત ખડક ચઢી શકતો નથી,
તેથી તે પર તમે મને લઇ જજો.
3 તમે મારૂં આશ્રય છો અને મજબૂત બૂરજ છો જે
મને મારા શત્રુઓથી બચાવે છે!
4 હું સદાકાળ તમારા મંડપમાં રહીશ,
અને તારી પાંખોના આશ્રયે રહીશ.
5 હે દેવ, મેં તમને કરેલી પ્રતિજ્ઞાઓ તમે સ્વીકારી છે.
જેઓ તમારો ડર રાખે છે અને તમારો આદર કરે છે તેને તમે ઉપહાર આપો છો.
6 રાજાના વર્ષોમાં વૃદ્ધિ કરો જેથી
તે આવનાર પેઢીઓ સુધી જીવે.
7 તે સદાકાળ દેવની સંમુખ રહેશે.
તેની રક્ષા કરવા સત્ય ને કૃપા તૈયાર રાખજો.
8 હું, નિરંતર તમારા નામની સ્તુતિ ગાઇશ
અને દરરોજ મારી પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરીશ.
દાઉદ અનેક યુદ્ધો જીતે છે
8 ત્યારબાદ દાઉદે પલિસ્તીઓને હરાવ્યાં, તેણે તેઓના દેશને અને તેઓની રાજધાની નગરના મોટા વિસ્તારને કબજે કરી લીધો. 2 તેણે મોઆબીઓને પણ હરાવ્યાં અને તેમને જમીન પર સુવાડી દીધા અને દોરડાથી હારબંધ તેઓને છૂટા પાડ્યા. બે હારના માંણસો માંર્યા પરંતુ ત્રીજા હારના માંણસો જીવતા રહ્યાં. આમ મોઆબીઓ તેના તાબેદાર બન્યા તેઓ તેને માંટે કામ કરવા લાગ્યાં.
3 રાહોબના પુત્ર સોબાહના રાજા હદાદએઝેરને દાઉદે હરાવ્યો, જ્યારે દાઉદ યુફ્રેતિસ નદી પાસેના વિસ્તારને અંકુશમાં રાખવા ગયો હતો. 4 દાઉદે તેની પાસેથી 1,700 ઘોડેસ્વાર સૈનિકો અને 20,000 પાયદળના સૈનિકોને કબજે કર્યા. દાઉદે 100 ઘોડાઓ રાખ્યા અને બાકીનાને લંગડા કરી દીધા[a].
5 દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદએઝેરની મદદ કરવા આવ્યા, પરંતુ દાઉદે 22,000 અરામીઓને હરાવ્યા. 6 દાઉદે દમસ્કસમાં સૈન્ય રાખ્યું અને અરામીઓ દાઉદના સેવકો બની ગયા અને ખંડણી ભરવા લાગ્યા. આમ, દાઉદ જયાં જયાં ગયો ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો.
7 હદાદએઝેરના સેવકો જે સોનાની ઢાલ રાખતા હતા તે પડાવી લઈને દાઉદ યરૂશાલેમ લઈ આવ્યો. 8 પછી દાઉદે બેટાહ અને બેરોથાયથી પિત્તળમાંથી બનાવેલી ઘણી વસ્તુઓ લીધી, આ નગરો હદાદએઝેરની માંલિકીની હતી.
9 જયારે હમાંથના રાજા ટોઈને ખબર મળી કે દાઉદે હદાદએઝેરના આખા લશ્કરને હરાવ્યું છે. 10 એટલે તેણે પોતાના પુત્ર યોરામને રાજા દાઉદને હદાદએઝેર પર વિજય મેળવવા માંટે અને તેના લશ્કરને પરાજય આપવા બદલ અભિનંદન આપવા મોકલ્યો; હદાદેઝરને ટોઈની સાથે હંમેશા યુદ્ધ ચાલ્યા કરતાં હતાં. યોરામ પોતાની સાથે સોના અને ચાંદીથી બનેલી વસ્તુઓ અને પિત્તળનાં વાસણો લઈ ગયો હતો. 11 દાઉદે આ બધી વસ્તુઓ લીધી અને યહોવાને અર્પણ કરી અને બધું યહોવાના મંદિરમાં સેવા માંટે અર્પણ કર્યું. આ બધી વસ્તુઓ દાઉદે તેણે હરાવેલા દેશોમાંથી લીધી હતી. 12 દાઉદે અરામીઓ, મોઆબીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ, અને અમાંલેકીઓ તથા સોબાહના રાજા હદાદએઝેર રાહોબના પુત્રને હરાવ્યાં હતાં. 13 વળી, દાઉદે મીઠાની ખીણમાં જ 18,000 અરામીઓને હરાવીને ભારે નામના મેળવી, 14 અને દાઉદે સમગ્ર અદોમ પ્રદેશમાં સૈનિકોના સમૂહની નિમણૂક કરી. બધા અદોમીઓ દાઉદના ગુલામ થઈ ગયા. યહોવાએ દાઉદને સર્વત્ર વિજય અપાવ્યો.
દાઉદનું શાસન
15 દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજય સ્થાપ્યું અને પોતાની બધી પ્રજા ઉપર ધર્મ અને ન્યાયપૂર્વક શાસન કર્યું. 16 સરૂયાનો પુત્ર યોઆબ તેના લશ્કરનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ તેનો ઇતિહાસકાર હતો. 17 અહીલૂબનો પુત્ર સાદોક તથા અબ્યાથારનો પુત્ર અહીમેલેખ પ્રમુખ યાજકો હતાં. સરૂયા અંગતમંત્રી હતો. 18 યહોયાદાનો પુત્ર બનાયા કરેથીઓનો અને પલેથીઓનો[b] અંગરક્ષક હતો. અને દાઉદના પુત્રો મુખ્ય કારભારી હતા.
એફેસસના વડીલો સમક્ષ પાઉલનું ભાષણ
17 પાઉલે મિલેતસથી પાછો એક સંદેશો એફેસસમાં મોકલ્યો. પાઉલે એફેસસના વડીલોને પોતાની પાસે આવવા નિમંત્રણ પાઠવ્યું.
18 જ્યારે વડીલો આવ્યા, ત્યારે પાઉલે તેઓને કહ્યું, “આશિયામાં હું આવ્યો તેના પ્રથમ દિવસથી તમે મારા જીવન વિષે જાણો છો. હું તમારી સાથે હતો ત્યારે આટલો બધો સમય તમારી સાથે કેવી રીતે રહ્યો હતો તે તમે જાણો છો. 19 યહૂદિઓ મારી વિરૂદ્ધ કાવતરું ધડી રહ્યા હતા. તેથી મને બહુ મુશ્કેલી પડી અને તેથી હું ઘણી વાર રડ્યો. પણ તમે જાણો છો કે મેં હંમેશા પ્રભુની સેવા કરી છે. મેં કદી મારા વિષે પહેલા વિચાર્યુ નથી. 20 મેં હંમેશા તમારા માટે જે ઉત્તમ હતું તે જ કર્યુ છે. મેં લોકોની સમક્ષ જાહેરમાં ઈસુ વિષેની સુવાર્તા તમને કહી. અને તમારા ઘરોમાં પણ બોધ કર્યો. 21 મેં બધા લોકોને કહ્યું, યહૂદિ લોકો અને ગ્રીક લોકો તેઓ પસ્તાવો કરે અને દેવ પાસે આવે. મેં તેઓ બધાને આપણા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવા કહ્યું.
22 “પણ હવે મારે પવિત્ર આત્માને માન આપીને યરૂશાલેમ જવું જોઈએ. ત્યાં મારું શું થશે તે હું જાણતો નથી. 23 હું ફક્ત એટલું જાણું છું કે પવિત્ર આત્મા મને કહે છે કે પ્રત્યેક શહેરમાં મારે માટે મુશ્કેલીઓ અને યરૂશાલેમમાં બંદીખાનાં રાહ જોઈ રહ્યા છે. 24 હું મારા પોતાના જીવનની જરા પણ ચિંતા કરતો નથી. પણ ખૂબ મહત્વની વસ્તુ એ છે કે હું મારું કામ પૂર્ણ કરું. પ્રભુ ઈસુએ મને દેવની કૃપાની સુવાર્તા લોકોને કહેવાનું કાર્ય સોંપ્યુ છે તે પણ મારે પૂર્ણ કરવું છે.
25 “અને હવે મને ધ્યાનથી સાંભળો. હું જાણું છે કે તમારામાંનું કોઈ પણ મને ફરીથી જોઈ શકશે નહિ. હું બધો જ સમય તમારી સાથે હતો. મેં તમને દેવના રાજ્ય વિષેની સુવાર્તા કહી છે. 26 તેથી આજે હું તમને એક વાત કહીશ કે મને ખાતરી છે કે જો તમારામાંના કેટલાકનો બચાવ ન થાય તો દેવ મને દોષ દેશે નહિ! 27 હું આ કહી શકું છું કારણ કે હું જાણું છું કે દેવ તમને જે જણાવવા ઈચ્છતો હતો તે બધું મેં તમને કહ્યું છે. 28 તમારી જાત માટે તથા દેવ જે બધા લોકો તમને આપ્યા છે તેઓને માટે સાવધાન રહો. પવિત્ર આત્માએ આ ઘેટાં જેવા ટોળાની (દેવનાં લોકો) કાળજી રાખવાનું કામ તમને સોંપ્યું છે. તમારે દેવની મંડળી માટે ભરવાડો જેવા બનવું જોઈએ. આ તે મંડળી છે જે દેવે તેના પોતાના લોહીથી ખરીદી છે. 29 હું જાણું છું કે મારા વિદાય થયા પછી કેટલાક માણસો તમારા સમૂહમાં આવશે. તેઓ જંગલી વરુંઓ જેવા હશે. તેઓ ઘેટાં જેવા ટોળાનો વિનાશ કરવા પ્રયત્ન કરશે. 30 અને તમારા સમૂહના માણસો પણ ખરાબ આગેવાનો બનશે. તેઓ જે ખોટી વાતો છે તે શીખવવાની શરુંઆત કરશે. તેઓ ઈસુના કેટલાક શિષ્યોને સત્યથી દૂર દોરી જશે. 31 તેથી સાવધાન રહો! હંમેશા આ યાદ રાખો. હું તમારી સાથે ત્રણ વર્ષ માટે હતો. આ સમય દરમ્યાન મેં તમને કદાપિ ચેતવણી આપવાનું બંધ કર્યુ નથી. મેં તમને રાત અને દિવસ શીખવ્યું છે. મેં વારંવાર તમારા માટે આંસુઓ પાડ્યા છે.
32 “હવે હું તમને દેવને સોપું છું. હું તમને ઉન્નતિ કરવાને દેવની કૃપાના વચન પર આધાર રાખું છું. તે વચનો તમને વારસો આપવા સમર્થ છે જે દેવ તેના બધા લોકોને આપે છે. 33 જ્યારે હું તમારી સાથે હતો, ત્યારે મેં કદાપિ કોઇના પૈસા કે સુંદર વસ્ત્રોની ઈચ્છા કરી નથી. 34 તમે જાણો છો કે મેં તારી તથા મારી સાથે જે લોકો, તેમની જરૂરિયાત પૂરી પાડવા માટે મારી જાતે જે મહેનત કરી છે. 35 મેં હંમેશા તમને બતાવ્યું છે કે મેં જે કર્યુ તેવું કામ તમારે કરવું જોઈએ. અને જે લોકો નબળા છે તેમને મદદ કરવી જોઈએ. મેં તમને પ્રભુ ઈસુનું વચન યાદ રાખવા શીખવ્યું છે. ઈસુએ કહ્યું છે, ‘જ્યારે તમે પ્રાપ્ત કરો છો તેના કરતાં તમે આપો છો ત્યારે વધારે સુખી થશો.’”
36 જ્યારે પાઉલે આ વાતો કરવાની પૂરી કરી, તે ઘૂંટણે પડ્યો અને તેઓ બધાએ સાથે પ્રાર્થના કરી. 37-38 તેઓ બધા બહુ રડવા લાગ્યા. તે માણસો ઘણા દુ:ખી હતા, કારણ કે પાઉલે કહ્યું હતું કે તેઓ કદાપિ ફરી તેને જોઈ શકશે નહિ. તેઓ પાઉલની કોટે વળગ્યા અને તેને ચુંબન કર્યુ. પછી તેઓ તેની સાથે વહાણ સુધી વિદાય આપવા ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International