Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 શમુએલનું 6:1-5

દેવનો પવિત્ર કોશ યરૂશાલેમમાં ખસેડાયો

દાઉદે ફરીથી ઇસ્રાએલમાં આશરે 30,000 માંણસોનું લશ્કર બનાવવા માંટે સર્વમાં સારામાં સારા સૈનિકોને એકઠાં કર્યા. પછી દાઉદ અને તેના માંણસો દેવનો કરારકોશ ત્યાંથી લઈ આવી યરૂશાલેમ ફેરવવાં માંટે યહૂદામાં આવેલા “બાલા” મુકામે ગયો, દેવનો પવિત્ર કોશ દેવના સિંહાસન જેવો છે. તેની ઉપર કરૂબ દેવદૂતોની પ્રતિમાં છે અને યહોવા આ દેવદૂતો પર રાજાની જેમ બેસે છે. દાઉદના માંણસોએ ટેકરી પર આવેલા અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ લઈને નવા ગાડામાં મૂક્યો. અબીનાદાબના પુત્રો ઉઝઝાહ અને આહયો ગાડાઁને હાંકતા હતા.

આમ તેઓએ ટેકરી પરના અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ બહાર કાઢી લીધો, ઉઝઝાહ ગાડામાં પવિત્રકોશ સાથે હતો અને આહયો ગાડાઁની આગળ ચાલતો હતો. દાઉદ અને સર્વ ઇસ્રાએલીઓ યહોવા સમક્ષ વીણા, સારંગી, સિતાર, ડફ, કરતાલ, ઝાંઝ તથા સર્વ પ્રકારના સંગીતનાં સાધનો વગાડતા વગાડતા નાચતા ગાતા હતા.

2 શમુએલનું 6:12-19

12 જયારે દાઉદને આ સમાંચાર મળ્યા કે “દેવે ઓબેદ-અદોમને તેના કુટુંબને અને તેની માંલિકીની દરેક વસ્તુને આશીર્વાદ આપ્યાં ત્યારે તે આનંદ પામ્યો અને ખુશીથી કોશને ઓબેદ-અદોમના ઘરમાંથી દાઉદનગર લઈ આવ્યો.” 13 જ્યારે યહોવાના પવિત્રકોશને ઉપાડનારા માંણસો છ ડગલાં આગળ ચાલ્યા એટલે દાઉદે એક બળદ અને એક પુષ્ટ વાછરડાને ભોગ તરીકે અર્પણ કર્યો. 14 દાઉદ શણના કપડાઁનું એફોદ પહેરીને ખૂબ આનંદથી યહોવા સમક્ષ નાચતો હતો.

15 દાઉદ અને બધા ઇસ્રાએલીઓ સાથે હર્ષથી નાચતા હતા અને રણશિંગા વગાડતા, ગાતા અને નાચતા પવિત્રકોશને નગરમાં લઈ આવ્યાં. 16 પરંતુ જ્યારે યહોવાનો પવિત્રકોશ દાઉદનગરમાં દાખલ થતો હતો ત્યારે શાઉલની દીકરી મીખાલે એક બારીમાંથી જોયું તો રાજા દાઉદ પવિત્રકોશ સમક્ષ નાચતો હતો; તે તેને ગમ્યું નહિ અને તેના હૃદયમાં દાઉદ પ્રત્યે ઘૃણા પેદા થઈ.

17 પવિત્રકોશને દાઉદે તૈયાર કરેલા ખાસ મંડપમાં મૂકવામાં આવ્યો, અને દાઉદે યહોવાને દહનાર્પણો અને શાંત્યર્પણો અર્પણ કર્યા.

18 પછી તેણે સર્વસમર્થ યહોવાના નામમાં સર્વ લોકોને આશીર્વાદ આપ્યો. 19 અને ત્યારબાદ તેણે બધા લોકોને પ્રસાદ આપ્યો; તેણે પ્રત્યેક ઇસ્રાએલી સ્ત્રી-પુરુષને એક-એક રોટલી, થોડું ખજૂર અને થોડું શેકેલું માંસ તથા સૂકી દ્રાક્ષાની બાટી વહેંચી આપ્યાં. આ બધું પૂરું થયા પછી બધા પોતપોતાને ઘેર ગયા.

ગીતશાસ્ત્ર 24

દાઉદનું ગીત.

આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે,
    આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.
તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે,
    અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.

યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?
    તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
ફકત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે,
    તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી,
તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી,
    અને જૂઠ્ઠુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.

તેઓ યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે,
    અને પોતાના તારણ કરનાર દેવથી તેઓ ન્યાયીપણું પામશે.
તેઓ પેઢીના લોકો છે
    તેઓ યાકૂબના દેવને શોધતાં આવ્યાં છે.

હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચા કરો!
    હે પ્રાચીન પ્રવેશદ્વારો,
    ઊઘડી જાઓ ગૌરવવાન રાજા અંદર આવશે!
તે ગૌરવવાન રાજા કોણ છે?
    એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે,
    તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે.

હે પ્રવેશ દ્વારો, તમારા માથાં ઊંચા કરો.
    અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો.
હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઉઘડી જાઓ;
    અને ગૌરવવાન રાજા અંદર આવશે!
10 આ ગૌરવવાન રાજા કોણ છે?
    યહોવા આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે.

એફેસીઓ 1:3-14

ખ્રિસ્તમાં આત્મિક આશીર્વાદ

આપણા પ્રભુ ઈસૂ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો. તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. વિશ્વનું સર્જન થયું તે પહેલા ખ્રિસ્તમાં દેવે અમને પસંદ કર્યા છે. દેવે અમને તેની પાસે પવિત્ર અને નિર્દોષ થઈએ તે માટે પસંદ કર્યા. અને ઈસુ ખ્રિસ્તમાં પ્રસ્થાપિત દેવે, વિશ્વનું સર્જન થયું તે પહેલા પણ આપણને તેના સંતાન બનાવવા નકકી કર્યુ. દેવ આમ કરવા ઈચ્છતો હતો. અને તેમ કરવાથી તે પ્રસન્ન હતો. તેની અદભુત કૃપાને કારણે દેવનો મહિમા થયો. દેવે તેની આ કૃપા આપણને મુક્ત રીતે અને ઊદારતાથી આપી. આપણને આ કૃપા તેણે ખ્રિસ્તમાં આપી, એ ખ્રિસ્ત કે જેને તે ચાહે છે.

ખ્રિસ્તમય આપણો તેના રકતથી ઉદ્ધાર થયો. દેવની સમૃદ્ધ કૃપાથી આપણને પાપોની માફી મળી છે. દેવે તે કૃપા આપણને ઊદારતાથી અને મુક્તપને આપી. તેની રહસ્યપૂર્ણ યોજનાની માહિતી દેવે આપણને પૂરી સમજ અને જ્ઞાનથી આપી. આપણે તેના ગૂઢ રહસ્યોને જાણીએ. આ બધી જ દેવની ઈચ્છા હતી. અને ખ્રિસ્ત થકી આમ કરવાનું તેનું આયોજન હતું. 10 દેવની યોજના યોગ્ય સમયે તેના આયોજનને પરિપૂર્ણ કરવાની હતી. દેવનું આયોજન હતું કે ઈસુ ખ્રિસ્તમાં સ્વર્ગમાંની અને પૃથ્વીની દરેક વસ્તુનું એકીકરણ થાય.

11 ખ્રિસ્તમાં આપણે દેવના લોકો તરીકે પસંદ કરાયા. દેવે આપણને તેના વારસો બનાવવાનું આયોજન ક્યારનું ય કર્યુ હતું. કારણ કે દેવ એ જ ઈચ્છતો હતો. અને દેવ એક છે જે ઈચ્છે છે અને માંગે છે તેને અનુરૂપ બધી વસ્તુઓને કરી શકે છે. 12 જેઓને ખ્રિસ્તમાં આશા હતી તેવા આપણે સૌથી પહેલા લોકો હતા. અને આપણે દેવના મહિમાની સ્તુતિ કરીએ તે માટે આપણે પસંદ કરાયા હતા. 13 તમારી સાથે પણ આવું જ છે. તમે સત્યનું વચન તમારા તારણની સુવાર્તા સાભળી. જ્યારે તમે આ સુવાર્તા સાંભળી ત્યારે તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો. અને ખ્રિસ્ત થકી દેવે પવિત્ર આત્મા રૂપે પોતાનું ચિહન તમારામાં પ્રસ્થાપિત કર્યુ. આમ કરવાનું દેવે વચન આપ્યું હતું. 14 દેવે તેના લોકોને જે વચન આપ્યું છે તે પરિપૂર્ણ થશે, તેની ખાતરી તે આ પવિત્ર આત્મા છે. જે લોકો દેવના છે તેઓને આના થકી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત થશે. આ સર્વનો ધ્યેય દેવના મહિમાને માટે સ્તુતિ કરવાનો છે.

માર્ક 6:14-29

હેરોદ માને છે ઈસુ એ જ બાપ્તિસ્મા કરનાર યોહાન છે

(માથ. 14:1-12; લૂ. 9:7-9)

14 હેરોદ રાજાએ ઈસુ વિષે સાંભળ્યું, કારણ કે હવે ઈસુ પ્રખ્યાત થઈ ગયો હતો. કેટલાક લોકોએ કહ્યું, “તે (ઈસુ) બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે. તેથી તે આવાં પરાક્રમો કરી શકે છે.”

15 બીજા લોકોએ કહ્યું, “ઈસુ એક પ્રબોધક જેવો છે. લાંબા સમય પહેલા થઈ ગયેલા પ્રબોધકો જેવો તે છે.”

16 હેરોદે ઈસુના વિષે આ વાતો સાંભળી. તેણે કહ્યું, “મેં યોહાનને તેનું માથું કાપી નાંખી મારી નાંખ્યો. હવે તે યોહાન મૃત્યુમાંથી સજીવન થયો છે!”

યોહાન બાપ્તિસ્તનું મૃત્યુ કેવી રીતે થયું

17 હેરોદે પોતે તેના સૈનિકોને યોહાનને પકડવાનો હુકમ કર્યો હતો. તેથી યોહાન બંદીખાનામાં કેદ થયો હતો. હેરોદે તેની પત્નીને ખુશ કરવા આમ કર્યુ હતું. હેરોદિયા હેરોદના ભાઈ ફિલિપની પત્ની હતી. પરંતુ પાછળથી હેરોદ હેરોદિયાને પરણયો. 18 યોહાને હેરોદને કહ્યું કે તેના માટે તેના ભાઈની પત્ની સાથે પરણવું તે ઉચિત નથી. 19 તેથી હેરોદિયાએ યોહાનને ધિક્કાર્યો. તે તેને મારી નાખવા ઈચ્છતી હતી. પરંતુ હેરોદને યોહાનને મારી નાખવાનું સમજાવવા માટે હેરોદિયા અશક્તિમાન હતી. 20 હેરોદ યોહાનની હત્યા કરતાં ડરતો હતો. હેરોદે જાણ્યું કે બધા લોકો ધારતા હતા કે યોહાન એક સારો અને પવિત્ર માણસ છે. તેથી હેરોદે યોહાનનું રક્ષણ કર્યુ. હેરોદને યોહાનનો ઉપદેશ સાંભળવાનો આનંદ થયો. પણ યોહાનનો ઉપયોગ હેરોદને હંમેશા ચિંતા કરાવતો.

21 પછી યોહાનના મૃત્યુના કારણ માટે હેરોદિયાને યોગ્ય સમય મળ્યો. તે હેરોદની વરસગાંઠને દિવસે બન્યું. હેરોદ સૌથી મહત્વના સરકારી અધિકારીઓ, તેના લશ્કરી સેનાપતિઓ અને ગાલીલના ઘણા અગત્યના લોકોને મિજબાની આપી. 22 હેરોદિયાની પુત્રી મિજબાનીમાં આવી અને નાચી. જ્યારે તે નાચી ત્યારે હેરોદ અને તેની સાથે જમતા લોકો ઘણા પ્રસન્ન થયા.

તેથી હેરોદે તે છોકરીને કહ્યું, “તારે જે જોઈએ તે તું માંગી શકે છે અને હું તને તે આપીશ.” 23 હેરોદે તેણીને વચન આપ્યું, “તું ગમે તે માગીશ હું તને આપીશ. હું મારું અડધું રાજ્ય પણ તને આપીશ.”

24 તે છોકરી તેની મા પાસે ગઈ અને કહ્યું, “મારે રાજા હેરોદની પાસે શું માંગવું જોઈએ?”

તેની માએ કહ્યું, “યોહાન બાપ્તિસ્તનું માથું માંગ.”

25 તે છોકરી ઝડપથી રાજા પાસે ગઈ. તે છોકરીએ રાજાને કહ્યું, “કૃપા કરીને મને યોહાન બાપ્તિસ્તનું માથું આપ. હમણાં થાળીમાં તે મારી પાસે લાવ.”

26 રાજા હેરોદ ઘણો દિલગીર થયો. પણ તેણે છોકરીને જે ઈચ્છે તે આપવાનું વચન આપ્યું હતું. અને ત્યાં હેરોદની સાથે જમતાં લોકોએ તેનું વચન સાંભળ્યું હતું. તેથી હેરોદ તેણી જે માગે તેનો અસ્વીકાર કરવા ઈચ્છતો ન હતો. 27 તેથી રાજાએ યોહાનનું માંથુ કાપીને લાવવા માટે સૈનિકને મોકલ્યો. તેથી સૈનિકે કારાવાસમાં જઈને યોહાનનું માથું કાપી નાખ્યું. 28 પછી તે સૈનિક યોહાનનું માથું થાળીમા પાછું લાવ્યો. તેણે તે માથું છોકરીને આપ્યું. પછી તે છોકરીએ તે માથું તેની માને આપ્યું. 29 યોહાનના શિષ્યોએ જે બન્યું તેના વિષે સાંભળ્યું. તેથી તેઓ આવ્યા અને યોહાનનું ધડ મેળવ્યું. તેઓએ તેને કબરમાં મૂક્યું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International