Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે,
આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.
2 તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે,
અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.
3 યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?
તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
4 ફકત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે,
તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી,
તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી,
અને જૂઠ્ઠુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.
5 તેઓ યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે,
અને પોતાના તારણ કરનાર દેવથી તેઓ ન્યાયીપણું પામશે.
6 તેઓ પેઢીના લોકો છે
તેઓ યાકૂબના દેવને શોધતાં આવ્યાં છે.
7 હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચા કરો!
હે પ્રાચીન પ્રવેશદ્વારો,
ઊઘડી જાઓ ગૌરવવાન રાજા અંદર આવશે!
8 તે ગૌરવવાન રાજા કોણ છે?
એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે,
તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે.
9 હે પ્રવેશ દ્વારો, તમારા માથાં ઊંચા કરો.
અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો.
હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઉઘડી જાઓ;
અને ગૌરવવાન રાજા અંદર આવશે!
10 આ ગૌરવવાન રાજા કોણ છે?
યહોવા આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે.
કૂચનો ક્રમ
11 ઇસ્રાએલીઓ મિસરમાંથી પ્રસ્થાન કરી આવ્યા તેના બીજા વર્ષના બીજા મહિનાના વીસમાં દિવસે કરારના પવિત્રમંડપ ઉપરથી વાદળ હઠી ગયું અને 12 ઇસ્રાએલી પ્રજાએ સિનાઈના અરણ્યમાંથી કૂચ શરૂ કરી ત્યાં તો પારાનના અરણ્યમાં વાદળ પાછુ સ્થિર થયું. 13 યહોવા તરફથી મૂસાને યાત્રા સંબંધી સૂચનાઓ મળ્યા પછીની તેઓની આ પ્રથમ યાત્રા હતી.
14 કૂચ વખતે યહૂદાના વંશના ધ્વજ નીચેનું સૈન્ય પ્રથમ ચાલતું: આમ્મીનાદાબનો પુત્ર નાહશોન તેમનો આગેવાન હતો. 15 તેઓની પાછળ ઈસ્સાખારના કુળસમૂહનું સૈન્ય હતું, જેનો આગેવાન સૂઆરનો પુત્ર નથાનિયેલ હતો. 16 અને હેલોનના પુત્ર અલીઆબની સરદારી હેઠળ ઝબુલોનના કુળસમૂહનું સૈન્ય હતું.
17 ત્યાર પછી પવિત્ર મંડપ ઉઠાવી લેવામાં આવતો અને તેને ઉપાડનાર ગેર્શોન તથા મરારીના વંશજો કૂચ કરતા. પવિત્રમંડપને ઉતારીને તેઓ પોતાના ખભા ઉપર ઊચકીને ચાલતા હતા.
18 એ પછી રૂબેનના કુળસમૂહના ધ્વજ હેઠળની સેના કુટુંબવાર કૂચ કરતી: શદેઊરનાં પુત્ર અલીસૂરની સરદારી હેઠળ રૂબેનના કુળસમૂહોનું સૈન્ય હતું. 19 તેમની પાછળ સૂરીશાદાઈના પુત્ર શલુમીએલની સરદારી હેઠળ શિમયોનના કુળસમૂહોની સેના હતી. 20 અને તે પછી દેઊએલના પુત્ર એલ્યાસાફની સરદારી હેઠળ ગાદના કુળસમૂહોનું સૈન્ય હતું. 21 તેઓની પાછળ કહાથના વંશજો પવિત્રસ્થાનમાંની વિવિધ સાધનસામગ્રી ઊચકીને ચાલતા હતા. તેઓ બીજે મુકામે પહોંચે તે પહેલાં ત્યાં પવિત્રમંડપ ઊભો કરી દેવામાં આવતો.
22 તેમની પાછળ એફ્રાઈમના વંશના ધ્વજ હેઠળનું સૈન્ય કૂચ કરતું. આમ્મીહૂદના પુત્ર અલીશામાંની સરદારી હેઠળ એફ્રાઈમના વંશજોનું સૈન્ય હતું. 23 તે લોકોની પાછળ પદાહસૂર ના પુત્ર ગમાંલ્યેલની ગણતરી હેઠળ મનાશ્શાના કુળસમૂહોનું સૈન્ય હતું. 24 ગિદિયોનીના પુત્ર અબીદાનની સરદારી હેઠળ બિન્યામીનના કુળસમૂહોનું સૈન્ય હતું.
25 છેક છેવટે રક્ષક તરીકે દાનના વંશના ધ્વજ હેઠળ બધી સેનાઓના રક્ષક તરીકે ટુકડીવાર કૂચ કરતી. આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર તે ટુકડીનો આગેવાન હતો. તેની સરદારી હેઠળ દાનના કુળસમૂહોની ટુકડી હતી. 26 ઓફ્રાનના પુત્ર પાગીએલની સરદારી હેઠળ આશેરના કુળસમૂહોની ટુકડી હતી. 27 અને એનાનના પુત્ર અહીરાની સરદારી હેઠળ નફતાલીના કુળસમૂહોની ટુકડી હતી. 28 હંમેશા આ ક્રમમાં જ ઇસ્રાએલના કુળ ટુકડીવાર કૂચ કરતા.
29 એક દિવસ મૂસાના સસરા મિધાની રેઉએલના પુત્ર હોબાબને મૂસાએ કહ્યું, “છેવટે દેવે અમને જે દેશ આપવાનું વચન આપ્યું હતું ત્યાં જવા માંટે અમે પ્રસ્થાન કરીએ છીએ. તમે પણ અમાંરી સાથે ચાલો. અમે તમાંરા શુભચિંતક બનીશું; કારણ કે યહોવાએ ઇસ્રાએલને અદભુત સુરક્ષા અને જનસમૂહ માંટે વચનો આપ્યાં છે.”
30 હોબાબે પ્રત્યુત્તર આપ્યો, “ના, હું તમાંરી સાથે નહિ આવું. હું તો માંરા પોતાના દેશમાં માંરાં સંગાઓ પાસે પાછો જઈશ.”
31 મૂસાએ વિનંતી કરી કહ્યું, “અમને છોડીને ન જશો, કારણ કે અરણ્યમાં કેવા રસ્તાઓ છે તે તું જાણે છે, ક્યાં મુકામ કરવો તે પણ તમે જાણો છો એટલે તમે તો અમાંરી આંખ બની રહેશો. 32 અને જો તમે અમાંરી સાથે આવશો, તો યહોવા અમને જે સુખસંપત્તિ આપશે તેમાં અમે તમને ભાગીદાર બનાવીશું.”
33 અને હોબાબ સંમત થયો, ત્યારબાદ તેમણે યહોવાના સિનાઈ પર્વતથી નીકળી ત્રણ દિવસ યાત્રા કરી. તે ત્રણે દિવસ દરમ્યાન યહોવાના પવિત્ર કોશ તેમને માંટે મુકામ કરવાની જગ્યા શોધવા સૌથી આગળ રહેતો. 34 જયારે તેઓ મુકામ ઉઠાવતા ત્યારે તે દિવસે યહોવાનું વાદળ તેમના ઉપર રહેતું.
35 જયારે જયારે કરારકોશ ચાલી નીકળતો, ત્યારે મૂસા પોકાર કરતો:
“હે યહોવા, તમે ઊઠો
અને તમાંરા દુશ્મનોને વેરવિખેર કરી નાખો,
અને તમાંરો તિરસ્કાર કરનારને હાંકી કાઢો.”
36 અને જયારે કરારકોશને નીચે મૂકવામાં આવતો ત્યારે તે કહેતો:
“લાખો ઇસ્રાએલીઓ વચ્ચે,
હે યહોવા, પાછા પધારજો.”
યોહાનનો જન્મ
57 યોગ્ય સમયે એલિસાબેતે પુત્રને જન્મ આપ્યો. 58 તેણીના પડોશીઓ તથા સગાસબંધીઓએ જ્યારે સાંભળ્યું કે પ્રભુએ તેણી પર ખૂબ દયા દર્શાવી છે ત્યારે તેઓ તેની સાથે ખૂબ પ્રસન્ન થયા.
59 જ્યારે તે બાળક આઠ દિવસનો થયો ત્યારે તેઓ તેની સુન્નત કરવા આવ્યા. તેના પિતાનું નામ ઝખાર્યા હોવાથી તેઓની ઈચ્છા તેનું નામ ઝખાર્યા રાખવાની હતી. 60 પણ તેની માતાએ કહ્યું, “ના! તેનું નામ યોહાન રાખવામાં આવશે.”
61 લોકોએ એલિસાબેતને કહ્યું, “પણ તમારા કુટુંબમાં કોઈનું નામ યોહાન નથી.” 62 પછીથી તેઓએ પિતાને ઇશારો કરીને પૂછયું, “તને કયું નામ ગમશે?”
63 ઝખાર્યાએ લખવા માટે કંઈક માંગ્યુ. પછી તેણે લખ્યું, “તેનું નામ યોહાન છે.” દરેક જણને આશ્ચયૅ થયું. 64 પછી ઝખાર્યા બોલવા લાગ્યો. તે દેવની સ્તુતિ કરવા લાગ્યો. 65 અને તેના બધા પડોશીઓ ગભરાઇ ગયા. યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં લોકો આ બાબતો વિષે વાતો કરતા હતા. 66 આ બધા લોકો જ્યારે તેઓએ આ બાબતો વિષે સાંભળ્યું. ત્યારે અચરત પામ્યા હતા. તેઓએ વિચાર્યુ, “આ બાળક કેવો થશે?” તેઓએ આ પ્રમાણે કહ્યું કારણ કે બાળક સાથે પ્રભુનું સામથ્યૅ હતું.
ઝખાર્યાનું દેવને સ્તુતિગાન
67 પછી યોહાનનો પિતા, ઝખાર્યા પવિત્ર આત્માથી ભરપૂર હતો. તેણે લોકોને પ્રબોધ કર્યો.
68 “ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો.
તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.
69 દેવના સેવક દાઉદના કુળમાંથી સમર્થ
ઉદ્ધારક આપણા માટે આપ્યો છે.
70 તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા
લાંબા સમય પહેલા આપેલું વચન દેવે પાળ્યું છે.
71 દેવ આપણને આપણા દુશ્મનો
તથા આપણને ધિક્કારનાર સર્વની સત્તામાંથી બચાવશે.
72 દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે.
અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.
73 દેવે આપણા પિતા ઈબ્રાહિમને વચન આપ્યું છે કે તે આપણને આપણા
74 દુશ્મનોની સત્તામાંથી બચાવશે.
તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.
75 જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી દેવ સમક્ષ ન્યાયી અને પવિત્ર થઈશું.
76 “અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે.
તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે.
77 તું લોકોને કહીશ કે તેઓને પાપોની માફી મળશે. અને તેઓને બચાવી લેવામાં આવશે.
78 “આપણા દેવની દયા વડે આકાશમાંથી
નૂતન દિવસનું પ્રભાત આપણા પર પ્રગટશે.
79 જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે.
તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.”
80 આમ તે નાનો છોકરો મોટો થતો ગયો અને આત્મામાં વધારે સામથ્યૅવાન થતો ગયો. ઇઝરાએલના યહૂદિઓ સમક્ષ જાહેર થવાનો સમય આવતા સુધી તે બીજા લોકોથી દૂર રહ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International