Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારી શકિતથી રાજા ખૂબ આનંદ પામે છે.
તમારા તારણથી તેને એટલો બધો ગર્વ અને આનંદ થાય છે.
2 કારણ કે તમે તેને તેનાં હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે.
તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી.
3 કારણ કે તમે તેને સફળતાં અને સમૃદ્ધિ આપી રાજ્યાસન પર બેસાડ્યો છે.
અને પ્રેમથી તમે તેના માથે શુદ્ધ સોનાનો મુગટ પહેરાવ્યો છે.
4 હે યહોવા, રાજાએ તમારી પાસે જીવન માગ્યું
અને તમે તેને સર્વકાળ રહે એવું દીર્ધાયુષ્ય આપ્યું.
5 તમે તેને જે વિજય અપાવ્યો તેનાથી તેની કિતિર્માં ઘણો વધારો થયો.
તમે તેને કૃપાના અને ગૌરવના વસ્રોથી શણગાર્યો છે.
6 કારણ કે તમે તેને હંમેશા આશીર્વાદ આપો છો.
અને તમે તેને તમારી સમક્ષ રહેવાનો આનંદ આપો છો.
7 કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે.
અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહિ આવે.
8 તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો
અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને ધિક્કારે છે.
9 જયારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ
તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અગ્નિમાં નાશ પામશે.
યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે
અને તેમનો કોપાજ્ઞિ તેમને બાળીને રાખ કરી દેશે.
10 યહોવા પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશે;
માણસ જાતમાંથી તેમના વંશજો નાશ પામશે.
11 કારણ, હે યહોવા, આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે.
છતાં તેઓને કદાપિ સફળતાં મળવાની નથી.
12 તમારી પણછથી તમે તેઓ પર જે નિશાન તાકયું છે.
તે જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓએ પાછા હઠી જવું પડશે.
13 હે યહોવા, તમારા મહાન સાર્મથ્ય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ;
અને તમારા મહાન કર્મોની ઉજવણી કરવા સ્તુતિગીતો બનાવી ગાઇશું.
દાઉદ પલિસ્તીઓ વિરુદ્ધ યુદ્ધમાં ગયો
17 પલિસ્તીઓએ સાંભળ્યું કે, દાઉદ સમગ્ર ઇસ્રાએલીઓનો રાજ્યકર્તા બન્યો છે; તેઓ સાથે ભેગા થઈને દાઉદને માંરી નાખવા તેની શોધખોળ કરવા નીકળી પડયા, દાઉદે આ સાંભળ્યું અને યરૂશાલેમના કિલ્લામાં ચાલ્યો ગયો. 18 પલિસ્તીઓ આવી પહોંચ્યા અને રફાઈમની ખીણમાં ફેલાઈ ગયા.
19 દાઉદે યહોવાને સવાલ કર્યો, “શું હું પલિસ્તીઓ પર હુમલો કરું? તમે તેમને માંરા હાથમાં સુપ્રત કરશો?”
યહોવાએ જવાબ આપ્યો, “હુમલો કર. હું તેઓને તારા હાથમાં જરૂર સુપ્રત કરીશ.”
20 તેથી દાઉદે બઆલ-પરાસીમમાં તેઓને હરાવ્યા. દાઉદે કહ્યું, “જેમ તૂટેલા બંધમાંથી પાણીના પૂરની જેમ યહોવાએ માંરા શત્રુઓમાં ભંગાણ પાડયું છે.” તેથી એ જગ્યાનું નામ “બઆલ-પરાસીમ” રાખવામાં આવ્યું છે. 21 પલિસ્તીઓ પોતાના દેવની મૂર્તિઓ બઆલ-પરાસીમમાં મૂકીને ભાગી ગયા હતા. દાઉદ અને તેના સૈનિકોએ તેઓની મૂર્તિઓ કબજે કરી હતી.
22 પલિસ્તીઓએ ફરીવાર હુમલો કરીને રફાઈમની ખીણ કબજે કરી ત્યાં છાવણી નાખી.
23 દાઉદે ફરીથી યહોવાને પૂછયું એટલે તેમણે જવાબ આપ્યો, “તેમના ઉપર સામેથી હુમલો કરીશ નહિ, તું ચકરાવો માંર્યા પછી તેમના ઉપર પાછળથી શેતુરની ઝાડી નજીક હુમલો કરજે. 24 જયારે તું ઝાડની ટોચ ઉપરથી યુદ્ધમાં કૂચ કરવા જતો હોય તેવો પલિસ્તીઓનો અવાજ સાંભળે ત્યારે આગળ વધજે, કારણ કે, યહોવા તારી આગળ હશે અને પલિસ્તીઓની સેના તેનાથી હારી જશે.”
25 દાઉદે યહોવાની સૂચના પ્રમાંણે કર્યુ; અને પલિસ્તીઓને ગેબાથી છેક ગેઝર સુધી માંર્યા.
ઈસુ અને તેના ભાઈઓ
7 આ પછી, ઈસુએ ગાલીલના પ્રદેશની આજુબાજુ મુસાફરી કરી. ઈસુ યહૂદિયામાં મુસાફરી કરવા ઈચ્છતો નહોતો, કારણ કે ત્યાંના યહૂદિઓ તેને મારી નાખવા ઈચ્છતા હતાં. 2 તે યહૂદિઓના માંડવાપર્વનો સમય પાસે હતો. 3 તેથી ઈસુના ભાઈઓએ તેને કહ્યું, “તારે અહીંથી નીકળી જવું જોઈએ અને યહૂદિયાના ઉત્સવમાં જવું જોઈએ. પછી ત્યાં તારા શિષ્યો તું જે ચમત્કારો કરે છે તે જોઈ શકશે. 4 જો કોઈ વ્યક્તિ, લોકો તેને ઓળખે તેમ ઈચ્છતી હોય તો પછી તે વ્યક્તિએ તે જે કામ કરે તે છુપાવવા જોઈએ નહિ. તારી જાતને જગત સમક્ષ જાહેર કર. તું જે ચમત્કારો કરે તે તેઓને જોવા દે.” 5 (ઈસુના ભાઈઓએ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ.)
6 ઈસુએ તેના ભાઈઓને કહ્યું, “મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી. પરંતુ તમારા જવા માટે કોઈ પણ સમય યોગ્ય છે. 7 જગત તમને ધિક્કારી શકશે નહિ. પરંતુ જગત મને ધિક્કારે છે. શા માટે? કારણ કે હું જગતમાં લોકોને કહું છું કે તેઓ ભૂંડા કામો કરે છે. 8 તેથી તમે પર્વમાં જાઓ. હવે હું પર્વમાં જઈશ નહિ. મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી.” 9 ઈસુ આમ કહ્યા પછી ગાલીલમાં રહ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International