Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. યહોવાના સેવકનું ગીત, જે દિવસે યહોવાએ તેને તેના બધાં શત્રુઓના હાથમાંથી તથા શાઉલનાં હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તેણે યહોવાને આ ગીતનું વચન કહ્યું.
1 “હે યહોવા, મારા સાર્મથ્ય,
હું તમને ચાહું છું.”
2 યહોવા મારો ખડક, મારો મજબૂત કિલ્લો છે.
દેવ મારો ખડક છે.
તે મારું આશ્રયસ્થાન છે.
તે મારી ઢાલ છે.
તેની શકિત મારું રક્ષણ કરે છે.[a]
પર્વતોમાં ખૂબ ઉંચાઇ પર તે મારું સુરક્ષાનું સ્થાન છે.
3 યહોવા સ્તુતિપાત્ર છે,
હું તેમને વિનંતી કરીશ
અને મારું સર્વ શત્રુઓથી રક્ષણ થશે.
4 મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે,
અને દુષ્ટતાનાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.
5 શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ધેરી લીધો છે.
મૃત્યુનો ગાળિયો; મારી સામેજ આવી પડ્યો છે.
6 મને મારા સંકટમાં સહાય કરવાં
મેં યહોવાને કરુણાભરી વિનંતી કરી,
તેમણે પોતાના પવિત્રસ્થાનમાં મારો અવાજ સાંભળ્યો,
અને તેનાં કાનમાં મારી અરજ પહોંચી ગઇ.
43 તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો.
મને બીજા રાષ્ટ્રોનો રાજા બનાવો.
જે લોકોને હું જાણતો પણ નથી તેઓ મારી સેવા કરશે.
44 મારે શરણે પરદેશીઓ આવ્યાં છે.
અને મારો હુકમ સાંભળતાં જ તેઓ મારી આજ્ઞાને આધીન થાય છે.
45 પરદેશીઓ હિંમત ગુમાવી બેઠાં છે,
અને ધૂજતા ધૂજતા તેઓ કિલ્લાની બહાર આવે છે.
46 યહોવા જીવતા જાગતા દેવ છે.
મારા રક્ષકને ધન્ય હો;
મારો ઉદ્ધાર કરનાર દેવની મહાનતાનો પ્રચાર કરો.
47 યહોવા મારા દુશ્મનોને શિક્ષા કરે છે
અને રાષ્ટ્રોને મારા તાબામાં મૂકે છે.
48 તે મારા શત્રુઓથી મને છોડાવે છે.
અને મારી સામે થનાર પર મને વિજય અપાવે છે.
મારી લાજ લૂંટનાર માણસથી મને બચાવે છે.
49 માટે હે યહોવા, વિદેશીઓમાં હું તારી સ્તુતિ કરીશ,
અને હું તારા નામનાં સ્રોત્ર ગાઇશ.
50 યહોવા તેમના દ્વારા પસંદ કરેલા રાજાઓને ઘણા વિજયો મેળવવામાં મદદ કરે છે,
યહોવા પોતે અભિષિકત કરેલા રાજાઓ પ્રતિ દયા બતાવે છે.
યહોવા દાઉદ તથા તેનાં વંશજો પ્રતિ હંમેશા વિશ્વાસુ રહેશે.
દાઉદને શોધતો શાઉલ
14 દાઉદ રણની અંદર કિલ્લામાં રહેતો. પદ્ધી તે તેના માણસો સાથે પર્વતોમાં ઝીફ રણમાં સંતાઇ ગયો. શાઉલ હમેશા તેઓને શોધતો હતો. પરંતુ દેવે શાઉલને દાઉદને પઢડવા ન દીધો.
15 તેમ છતાં દાઉદ ઝીફના રાનમાં આવેલા હોરેશમાં માંર્યો માંર્યો ફરતો હતો, કારણ, શાઉલ તેનો જીવ લેવા તેની પાછળ પડ્યો હતો. 16 પદ્ધી શાઉલનો દીકરો યોનૅંથાન હોરેશમાં દાઉદ જ્યા સંતાયો હતો ત્યાં મળવા ગયો અને દેવમાં વિશ્વાસ રાખવા પ્રોત્સાહન આપ્યું. 17 તેણે કહ્યું, “ગભરાઈશ નહિ. માંરા પિતા તને ઇજા કરી શકે તેમ નથી. તું ઇસ્રાએલનો રાજા થનાર છે, માંરું સ્થાન તારા પદ્ધી હશે. માંરા પિતા એ જાણે છે.”
18 અને બંનેએ યહોવાની સાક્ષીએ મૈત્રીના કરાર કર્યા. તેથી દાઉદ હોરેશમાં રહ્યો, અને યોનૅંથાન ઘેર ગયો.
તિતસ અને તેના સાથીદારો
16 દેવની સ્તુતિ થાઓ કે તેણે તિતસને એટલો પ્રેમ આપ્યો જેટલો મને તમારા માટે છે. 17 અમે તિતસને જે વસ્તુ કરવાની કહી તેનો સ્વીકાર કર્યો. તે તમારી પાસે આવવા ઘણું જ ઈચ્છતો હતો. આ તેનો પોતાનો વિચાર હતો. 18 અમે તિતસની સાથે તે ભાઈને મોકલીએ છીએ જે બધી જ મંડળીઓ સાથે પ્રસંશાને પાત્ર બન્યો છે. આ ભાઈની તેની સુવાર્તાની સેવા માટે તેનું અભિવાદન થયું છે. 19 જ્યારે અમે આ ભેટ લઈ જતા હતા, ત્યારે પણ અમારી સાથે આવવા, મંડળીઓ દ્વારા આ ભાઈની પસંદગી થઈ હતી. અમે આ સેવા કરીએ છીએ. પ્રભુનો મહિમા વધારવા, અને એ દર્શાવવા કે અમે ખરેખર મદદરૂપ થવા માગીએ છીએ.
20 અમે ઘણા જ સજાગ છીએ કે જેથી કોઈ પણ વ્યક્તિ અમે જે રીતે આટલી મોટી ભેટની સાથે કામ કરીએ છીએ તેની ટીકા ન કરે. 21 અમે આ વસ્તુઓ એ રીતે કરવા ધારીએ છીએ. જે પ્રભુની આંખો સમક્ષ ન્યાયી છે. લોકો જેને ન્યાયી ગણે છે તેવું કરવાનો અમારો ઈરાદો છે.
22 અમે તેઓની સાથે અમારા ભાઈને પણ મોકલીએ છીએ, જે હમેશા મદદરૂપ થવાને તૈયાર હોય છે. ઘણી રીતે તેણે આ બાબતમાં અમને સાબિતી આપી છે. અને હવે જ્યારે તેને તમારામાં ઘણો વિશ્વાસ છે ત્યારે તો તે વધુ મદદરૂપ થવા ઈચ્છે છે.
23 હવે તિતસ વિષે-તે મારો સાથીદાર છે. તમને મદદરૂપ થવા તે મારી સાથે કામ કરે છે. અને બીજા ભાઈઓ માટે તેઓ મંડળીઓ દ્વારા મોકલવામાં આવ્યા છે. અને તેઓ દેવને મહિમા આપે છે. 24 તેથી આ માણસોને દર્શાવો કે તમારી પાસે પ્રેમ છે. તેઓને બતાવો કે અમે કેમ તમારા માટે ગર્વ અનુભવીએ છીએ. પછી બધી જ મંડળીઓ આ જોશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International