Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 9:9-20

યહોવા, ત્રાસીને હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે,
    તે સર્વ સંકટોમાં સહુ લોકોના ગઢ થશે.

10 જેઓ તમારૂં નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે,
    કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે કયારેય તરછોડયા નથી.

11 યરૂશાલેમમાં વસનાર યહોવાના સ્તુતિગાન ગાઓ;
    ભૂલી ન શકાય તેવાં તેમના કૃત્યો જગતને જણાવો.
12 કારણ જે ન્યાય શોધતા હોય છે
    તેઓને તે યાદ રાખે છે.[a]
તેઓ રૂદન કરતા ગરીબ
    લોકોને મદદ કરવાનું ભુલતાં નથી.

13 “હે યહોવા, તમે મારા પર દયા કરો,
    મને મોતના મુખમાંથી બચાવો,
મને કેવું દુ:ખ છે!
    તે તમે જુઓ.
14 જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ
    અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”

15 જે રાષ્ટ્રોએ બીજાઓ માટે ખાડા ખોધ્યા હતા,
    તેઓ પોતેજ ખાડામાં પડયા છે.
    તેઓ પોતે ગોઠવેલા છટકામાં પોતેજ સપડાયા છે.
16 યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને,
    પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.

17 દેવને ભૂલનારા દુષ્ટોને નરકમાં ધકેલી દેવાશે.
    યહોવાને ભૂલનારા સઘળાં લોકો શેઓલમાં જશે.
18 ભિખારીઓ કદીય ભૂલાઇ જશે નહિ.
    ગરીબોની આશા હંમેશ માટે નિરાશામાં નહિ ફેરવાય.

19 હે યહોવા, ઊઠો; માણસને વધુ બળવાન થવા ન દેશો!
    ભલે રાષ્ટ્રોનો ન્યાય તમારી સંમુખ થાય.
20 હે યહોવા, તેઓને ભયભીત કરો,
    જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે.

1 શમુએલનું 17:55-18:5

દાઉદથી શાઉલના ભયની શરૂઆત

55 જયારે શાઉલે દાઉદને ગોલ્યાથની સામે લડવા જતો જોયો ત્યારે તેણે તેના સેનાપતિ આબ્નેરને સવાલ કર્યો, “આબ્નેર, એ જુવાન કોણ છે?”

આબ્નેરે જવાબ આપ્યો, “નામદાર, આપના સમ, એ કોણ છે, હું જાણતો નથી.”

56 એટલે રાજાએ તેને કહ્યું, “જા, તે કોનો પુત્ર છે, તે હકીકત શોધી લાવ.”

57 આથી દાઉદ જયારે પલિસ્તીને માંરી નાખીને તેનું માંથું હાથમાં લઈને પાછો આવ્યો ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લઈ ગયો.

58 શાઉલે પૂછયું, “તું, કોનો પુત્ર છે?”

દાઉદે જવાબ આપ્યો, “હું આપના સેવક બેથલેહેમના યશાઇનો પુત્ર છું.”

યોનાથાન દાઉદનો નજીકનો મિત્ર બન્યો

18 દાઉદની અને શાઉલની વાતચીત પૂરી થઈ, શાઉલના પુત્ર યોનાથાન દાઉદનો મિત્ર બન્યો, અને તેને પોતાના પ્રાણની જેમ પ્રેમ કરવા લાગ્યો. તે દિવસથી શાઉલે દાઉદને પોતાની સાથે જ રાખી લીધો અને તેને પાછો ઘેર જવા દીધો નહિ. યોનાથાન અને દાઉદ બંને વચ્ચે પ્રાણસમાંન પ્રેમ હોવાથી કાયમ મૈત્રીભાવ રાખવાની સંધિ શપથપૂર્વક કરી. અને યોનાથાને પોતાનો ઝભ્ભો કાઢીને દાઉદને આપી દીધો. ઉપરાંત, પોતાનું બખ્તર, તરવાર, ધનુષ્ય અને કમરપટો પણ મિત્રતાના પ્રતીક તરીકે આપ્યા. હવે રાજા શાઉલ દાઉદને યરૂશાલેમમાં જ રાખતો હતો અને તેને ઘેર જવા દેતો નહિ.

દાઉદની સફળતા નોંધતો શાઉલ

શાઉલે દાઉદને ઘણા યુદ્ધો લડવા મોકલ્યો, દાઉદે ખૂબ સફળતા મેળવી, તેથી શાઉલે તેને સૈન્યમાં ઊંચી પદવી આપી, તેને યોદ્ધાઓની દેખરેખનું કામ આપ્યું. શાઉલના માંણસોને અને બધાં લોકોને પણ આ ગમ્યું.

પ્રેરિતોનાં કૃત્યો 21:1-16

પાઉલનું યરૂશાલેમમાં ગમન

21 અમે બધાએ વડીલોની વિદાય લીધી અને પછી વહાણ હંકારી ગયા. અમે કોસ ટાપુ ગયા. બીજે દિવસે અમે રોદસ ટાપુ પર ગયા. રોદસથી અમે પાતરા ગયા. પાતરામાં અમને એક વહાણ મળ્યું તે ફિનીકિયા પ્રદેશમાં જતું હતું. અમે વહાણમાં બેઠા અને હંકારી ગયા.

અમે સૈપ્રસ ટાપુ નજીક હંકાર્યુ. અમે તેને ઉત્તર (ટાપુ) તરફ જોયો, પણ અમે અટક્યા નહિ. અમે સિરિયાના દેશ તરફ હંકારી ગયા. અમે તૂર શહેર પાસે અટક્યા. કારણ કે ત્યાં માલવાહક વહાણ ખાલી કરવાનું હતું. અમે તૂરના ઈસુના કેટલાએક શિષ્યોને જોયા, અને અમે તેઓની સાથે સાત દિવસ રહ્યા. તેઓએ પાઉલને યરૂશાલેમ નહિ જવા ચેતવણી આપી કારણ કે પવિત્ર આત્માએ તેઓને તેમ કહ્યું હતું. પણ જ્યારે અમે અમારી મુલાકાત પૂરી કરી. અમે વિદાય લીધી અને અમે અમારો પ્રવાસ ચાલુ રાખ્યો. ઈસુના બધા જ શિષ્યો, સ્ત્રીઓ અને બાળકો સાથે અમને વિદાય આપવા અમારી સાથે શહેરની બહાર આવ્યા. અમે બધા સમુદ્રકિનારે ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરી. પછી અમે શુભેચ્છા પાઠવી અને વહાણમાં બેઠા ત્યારબાદ શિષ્યો ઘરે ગયા.

અમે તૂરથી પ્રવાસ ચાલુ રાખ્યો અને તોલિમાઈના શહેરમાં ગયા. અમે ત્યાં ભાઈઓને શુભેચ્છા પાઠવી અને તેઓની સાથે એક દિવસ રહ્યા. બીજે દિવસે અમે તોલિમાઇ છોડ્યું અને કૈસરિયા શહેરમાં ગયા. અમે ફિલિપના ઘરે ગયા અને તેની સાથે રહ્યા. ફિલિપની પાસે સુવાર્તા પ્રચાર કરવાનું કામ હતું. તે સાત સહાયકોમાંનો એક હતો. તેને ચાર પુત્રીઓ હતી જે પરિણિત ન હતી. આ પુત્રીઓને પ્રબોધ કરવાનું સાર્મથ્ય હતું.

10 અમારા ઘણા દિવસો ત્યાં રહ્યા બાદ આગાબાસ નામનો પ્રબોધક યહૂદિયાથી આવ્યો. 11 તે અમારી પાસે આવ્યો અને પાઉલનો કમરબંધ ઉછીનો લીધો. પછી આગાબાસે તેના પોતાના હાથ અને પગ બાંધવા માટે તે કમરબંધનો ઉપયોગ કર્યો. આગાબાસે કહ્યું, “પવિત્ર આત્મા મને કહે છે, ‘જે માણસનો આ કમરબંધ છે તેને યરૂશાલેમમાં યહૂદિઓ આવી રીતે બાંધીને બિનયહૂદિઓના હાથમાં સોંપશે.’”

12 અમે બધાએ આ શબ્દો સાંભળ્યા છે. તેથી અમે અને ઈસુના સ્થાનિક શિષ્યોએ પાઉલને યરૂશાલેમ નહિ જવા વિનંતી કરી. 13 પણ પાઉલે કહ્યું, “તમે શા માટે રડો છો? તમે મને શા માટે આટલો દુ:ખી કરો છો? હું યરૂશાલેમમાં બંદીવાન થવા તૈયાર છું. હું પ્રભુ ઈસુના નામે મૃત્યુ પામવા માટે પણ તૈયાર છું!”

14 અમે તેને યરૂશાલેમથી દૂર રહેવા માટે સમજાવી શક્યા નહિ. તેથી અમે તેને વિનંતી કરવાનું બંધ કર્યુ અને કહ્યું, “અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુની જે ઈચ્છા હોય તે પૂર્ણ થાઓ.”

15 આ દિવસો પછી, અમે સરસામાન લઈને યરૂશાલેમ જવા નીકળ્યા. 16 કૈસરિયાથી કેટલાએક ઈસુના શિષ્યો અમારી સાથે આવ્યા. આ શિષ્યો અમને મનાસોન જે જૂનો શિષ્યો સૈપ્રસનો હતો, તેને ઘરે લઈ ગયા. મનાસોન એ ઈસુના શિષ્યોમાં પ્રથમ શિષ્ય હતો. તેઓ અમને તેને ઘેર લઈ ગયો તેથી અમે તેની સાથે રહી શક્યા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International