Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે દેવ, મેં મારા હૃદય અને આત્માને તૈયાર કર્યા છે,
હું તમારી સ્તુતિ કરીશ.
ગીતો ગાઇશ અને તમારી સમક્ષ ખુશ થઇશ.
2 જાગો, ઓ વીણા અને સારંગી;
ચાલો આપણે પ્રભાતને જગાડીએ.
3 “હે યહોવા, હું પ્રજાઓની તથા બીજા લોકોની વચ્ચે
પણ તમારી સ્તુતિ કરીશ, હું તમારા સ્તોત્ર ગાઇશ.”
4 કારણ, તમારી કૃપા આકાશ કરતાં મોટી છે
અને તમારું વિશ્વાસુપણું વાદળો સુધી પહોંચે છે.
5 હે દેવ, સ્વર્ગથીય ઊંચા ઊઠો!
ભલે સમગ્ર દુનિયા તમારું ગૌરવ જુએ!
6 દેવ, તમારા પ્રિય મિત્રોની રક્ષા માટે આ કરો,
તમે તમારા મહાસાર્મથ્ય સહિત આવો અને તેમને ઉગારો.
7 દેવ તેમના પવિત્ર મંદિરમાંથી બોલ્યા,
“હું યુદ્ધ જીતીશ અને આનંદ પામીશ.
હું આ ભૂમિ વહેંચીશ,
અને તેમને શખેમ
તથા સુકકોથની ખીણ આપીશ.
8 ગિલયાદ અને મનાશ્શા પણ મારા છે;
એફ્રાઇમ માથાનો ટોપ છે અને,
યહૂદિયા મારો રાજદંડ છે.
9 મોઆબ મારા પગ ધોવાનો વાટકો બનશે.
અદોમ મારા ખાસડા ઊંચકી લાવશે,
હું પલિસ્તીઓને હરાવીશ અને જયનાદ કરીશ!”
10 મને કોટબંધ નગરમાં કોણ લઇ જશે?
અને મને અદોમમાં કોણ દોરી જશે?
11 હે યહોવા, શું તમે અમને તરછોડ્યાં છે?
હે દેવ, તમે અમારા સૈન્યને તજ્યું છે?
12 અમને અમારા શત્રુઓ સામે મદદ કરો,
અમને મદદ કરો, લોકો તરફની મદદ નકામી છે!
13 અમે દેવની સહાયથી પરાક્રમો કરીશું; હા,
એ જ અમારા શત્રુઓને કચડી નાંખશે.
ઇસ્રાએલની રાજા માંટેની અરજ
8 જયારે શમુએલ વુદ્વ થયો ત્યારે તેણે પોતાના બે પુત્રોને ઇસ્રાએલીઓના ન્યાયાધીશ બનાવ્યા. 2 મોટા પુત્રનું નામ યોએલ હતું, અને નાનાનું નામ અબિયા હતું; તેઓ બેર-શેબામાં ન્યાયાધીશ હતા. 3 પરંતુ તેઓ તેમના પિતા જેવી રીતે રહેતા હતા તેવી રીતે ન રહ્યાં. તેઓ પૈસાના લોભી હતા. તેઓ લાંચ-રૂશ્વત લેતા અને ન્યાય આપવામાં તેઓ પક્ષપાત કરતા હતા. 4 તેથી ઇસ્રાએલના સર્વ વડીલો ભેગા મળીને “રામાં”માં શમુએલની પાસે આવ્યા; 5 તેઓએ તેમને કહ્યું, “જુઓ, તમે હવે વૃદ્વ થયા છો, અને તમાંરા પુત્રો તમાંરે પગલે ચાલતા નથી, માંટે જેમ બીજી પ્રજાઓમાં છે તેમ અમાંરા ઉપર શાસન કરવા માંટે એક રાજાની નિમણૂક કરો.”
6 પણ, અમાંરા ઉપર શાસન કરવા માંટે એક રાજા આપો. એવી તેમણે વિનંતી કરી, એથી શમુએલ નારાજ થયો, અને તેણે યહોવાને પ્રાર્થના કરી. 7 યહોવાએ શમુએલને કહ્યું, “લોકો જે કાંઈ કહે તે પ્રમાંણે કરો. કારણ કે તેઓએ તને નકાર્યો નથી, પણ હું તેઓ પર રાજ ન કરું માંટે મને નકાર્યો છે. 8 મેં જ્યારથી તેમનો મિસરમાંથી બહાર કાઢયાં છે. તે સમયથી તેઓ તે જ કામ કરી રહ્યાં છે, જે તેઓ કરતાં આવ્યાં છે. તેઓએ માંરો ત્યાગ કર્યો છે અને અન્ય દેવોની પૂજા કરી છે. અને હવે તારી સાથે પણ તેઓ આ જ કરી રહ્યાં છે. 9 તો પછી એ લોકો કહે તેમ કર, પણ એમને સ્પષ્ટ ચેતવણી આપજે અને સમજ પાડજે કે, એમના ઉપર રાજ્ય કરનાર રાજાનો વ્યવહાર કેવો હશે.”
10 યહોવાએ જે કાંઈ કહ્યું તે સર્વ શમુએલે જે લોકો રાજાની માંગણી કરતા હતા તેમને કહી સંભળાવ્યું. 11 શમુએલે કહ્યું, “તમાંરા ઉપર રાજય કરનાર રાજા આવો વ્યવહાર રાખશે; તે તમાંરા પુત્રોને લઈને તેમની પાસે બળજબરીથી પોતાની રથસેનામાં અને અશ્વસેનામાં સેવા લેશે. અને તેમને પોતાના રથની આગળ આગળ રક્ષક તરીકે દોડાવશે.
12 “તેમાંનાં કેટલાક એક હજારની ટૂકડીના સરદાર બનશે અને બીજા પચાસ માંણસોની સેનાની ટૂકડીના સરદાર બનશે. તે તેઓની પાસે તેના ખેતરમાં કામ કરાવશે અને પાક લણાવશે.
“તે બળજબરીથી તેમની પાસે તેના સૈન્ય માંટે યુદ્ધના શસ્રો અને રથનાં સાધનો તૈયાર કરાવશે.
13 “અને તે તમાંરી પુત્રીઓને પકડીને તેમને કંદોયણો, રસોયણો બનાવશે.
14 “વળી તે તમાંરાં ખેતરો, તમાંરી દ્રાક્ષવાડીઓ અને જૈતૂનના બગીચા લઈ લેશે અને પોતાના અધિકારીઓને જે જે ઉત્તમ હશે તે લઈને આપશે. 15 તે તમાંરા અનાજનો અને દ્રાક્ષનો દસમો ભાગ લેશે અને પોતાના દરબારીઓને અને અમલદારોને આપી દેશે.
16 “તે તમાંરાં સારામાં સારાં નોકરો અને નોકરડીઓને ઢોરોને અને ગધેડાઓને કબજે લેશે અને પોતાને કામે લગાડશે. 17 તે તમાંરાં ઘેટાં-બકરાંનો દશમો ભાગ લેશે.
“અને તમને તેના ગુલામ બનાવી દેશે. 18 તે દિવસે તમે તમાંરા પસંદ કરેલા રાજાને કારણે તેમની વિરુદ્ધ પોકાર કરશો, પણ તે વખતે યહોવા તમાંરું સાંભળશે નહિ.”
19 એમ છતાં લોકોએ શમુએલને સાંભળવાની ના પાડી, તેમણે કહ્યું, “ના, અમાંરે તો રાજા જોઈએ જ, 20 આથી અમે પણ અન્ય પ્રજાઓ જેવા થઈએ; અને અમાંરા રાજા અમાંરા ઉપર રાજય કરે અને આગળ રહી અમાંરાં યુદ્ધો લડે.”
21 આથી શમુએલે લોકોનું કહેવું સાંભળી લીધું. પછી તેણે યહોવાને લોકોના શબ્દો કહી સંભળાવ્યા. ત્યારે યહોવાએ શમુએલને કહ્યું, 22 “યહોવાએ કહ્યું કે લોકો કહે તે પ્રમાંણે કરો એમને એક રાજા આપો.”
પછી શમુએલે ઇસ્રાએલીઓને કહ્યું, તમને એક નવો રાજા મળશે તમે બધા લોકો નગરમાં જાઓ.
શેતાનની હાર
7 જ્યારે 1,000 વર્ષ પૂરા થશે ત્યારે શેતાનને તેના અસીમ ઊંડાણમાંથી, બંદીખાનામાંથી મુક્ત કરવામાં આવશે. 8 પૃથ્વી પરના બધા રાષ્ટ્રોને ગોગ અને માગોગને ભ્રમિત કરવા તે બહાર જશે. શેતાન લોકોને લડાઈ માટે ભેગા કરશે. ત્યાં એટલા બધા લોકો હશે, જેથી તેઓ સમુદ્ર કિનારા પરની રેતી જેવા હશે.
9 શેતાનના લશ્કરે પૃથ્વીની આખી સપાટી પર કૂચ કરીને દેવના લોકોની છાવણીની આજુબાજુ અને તે શહેર જેને દેવ ચાહે છે તેની આજુબાજુ ઘેરો ઘાલ્યો. પણ આકાશમાંથી અગ્નિ નીચે ઊતર્યો અને શેતાનના લશ્કરનો વિનાશ કર્યો. 10 અને શેતાન ગંધકના સળગતા સરોવરમાં પ્રાણી અને જૂઠા પ્રબોધક સાથે ફેંકાયો હતો. ત્યાં તેઓને દિવસ અને રાત સદાસર્વકાળ વેદના ભોગવવી પડશે.
પૃથ્વીના લોકોનો ન્યાય
11 પછી મેં એક મોટું શ્વેત રાજ્યાસન જોયું. એક જે રાજ્યાસન પર બેઠો હતો તેને મેં જોયો. પૃથ્વી અને આકાશ તેનાથી દૂર જતાં રહ્યા; અને અદશ્ય થઈ ગયા. 12 અને મેં તે લોકોને જેઓ મૃત્યુ પામ્યા હતા એવા નાના મોટા સર્વને રાજ્યાસન આગળ ઊભેલા જોયા. કેટલાક પુસ્તકો ઉઘાડ્યાં હતાં તેની સાથે જીવનનું પુસ્તક પણ ઉઘાડ્યું હતું. આ મૃત્યુ પામેલા લોકોનો તેઓએ કરેલાં કૃત્યોનો ન્યાય કરવામાં આવ્યો. આ વસ્તુઓ તે પુસ્તકોમાં લખેલી છે.
13 સમુદ્ર તેનામાં જે મૃત્યુ પામેલા લોકો હતા. તેઓને પણ પાછા આપી દીધા અને મૃત્યુ તથા હાદેસે પણ પોતાનામાં રહેલા મૃત લોકોને પણ પાછા આપ્યાં. પ્રત્યેક વ્યકિતનો તેઓએ કરેલા કૃત્યો પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. 14 અને મૃત્યુ અને હાદેસને અગ્નિના સરોવરમાં નાખવામાં આવ્યાં. આ અગ્નિનું સરોવર એ બીજું મરણ છે. 15 અને જે કોઈ વ્યક્તિ જીવનના પુસ્તકમાં નોંધાયેલો ન મળ્યો તે વ્યક્તિને આગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International