Revised Common Lectionary (Semicontinuous)
4 તેથી ઇસ્રાએલના સર્વ વડીલો ભેગા મળીને “રામાં”માં શમુએલની પાસે આવ્યા; 5 તેઓએ તેમને કહ્યું, “જુઓ, તમે હવે વૃદ્વ થયા છો, અને તમાંરા પુત્રો તમાંરે પગલે ચાલતા નથી, માંટે જેમ બીજી પ્રજાઓમાં છે તેમ અમાંરા ઉપર શાસન કરવા માંટે એક રાજાની નિમણૂક કરો.”
6 પણ, અમાંરા ઉપર શાસન કરવા માંટે એક રાજા આપો. એવી તેમણે વિનંતી કરી, એથી શમુએલ નારાજ થયો, અને તેણે યહોવાને પ્રાર્થના કરી. 7 યહોવાએ શમુએલને કહ્યું, “લોકો જે કાંઈ કહે તે પ્રમાંણે કરો. કારણ કે તેઓએ તને નકાર્યો નથી, પણ હું તેઓ પર રાજ ન કરું માંટે મને નકાર્યો છે. 8 મેં જ્યારથી તેમનો મિસરમાંથી બહાર કાઢયાં છે. તે સમયથી તેઓ તે જ કામ કરી રહ્યાં છે, જે તેઓ કરતાં આવ્યાં છે. તેઓએ માંરો ત્યાગ કર્યો છે અને અન્ય દેવોની પૂજા કરી છે. અને હવે તારી સાથે પણ તેઓ આ જ કરી રહ્યાં છે. 9 તો પછી એ લોકો કહે તેમ કર, પણ એમને સ્પષ્ટ ચેતવણી આપજે અને સમજ પાડજે કે, એમના ઉપર રાજ્ય કરનાર રાજાનો વ્યવહાર કેવો હશે.”
10 યહોવાએ જે કાંઈ કહ્યું તે સર્વ શમુએલે જે લોકો રાજાની માંગણી કરતા હતા તેમને કહી સંભળાવ્યું. 11 શમુએલે કહ્યું, “તમાંરા ઉપર રાજય કરનાર રાજા આવો વ્યવહાર રાખશે; તે તમાંરા પુત્રોને લઈને તેમની પાસે બળજબરીથી પોતાની રથસેનામાં અને અશ્વસેનામાં સેવા લેશે. અને તેમને પોતાના રથની આગળ આગળ રક્ષક તરીકે દોડાવશે.
12 “તેમાંનાં કેટલાક એક હજારની ટૂકડીના સરદાર બનશે અને બીજા પચાસ માંણસોની સેનાની ટૂકડીના સરદાર બનશે. તે તેઓની પાસે તેના ખેતરમાં કામ કરાવશે અને પાક લણાવશે.
“તે બળજબરીથી તેમની પાસે તેના સૈન્ય માંટે યુદ્ધના શસ્રો અને રથનાં સાધનો તૈયાર કરાવશે.
13 “અને તે તમાંરી પુત્રીઓને પકડીને તેમને કંદોયણો, રસોયણો બનાવશે.
14 “વળી તે તમાંરાં ખેતરો, તમાંરી દ્રાક્ષવાડીઓ અને જૈતૂનના બગીચા લઈ લેશે અને પોતાના અધિકારીઓને જે જે ઉત્તમ હશે તે લઈને આપશે. 15 તે તમાંરા અનાજનો અને દ્રાક્ષનો દસમો ભાગ લેશે અને પોતાના દરબારીઓને અને અમલદારોને આપી દેશે.
16 “તે તમાંરાં સારામાં સારાં નોકરો અને નોકરડીઓને ઢોરોને અને ગધેડાઓને કબજે લેશે અને પોતાને કામે લગાડશે. 17 તે તમાંરાં ઘેટાં-બકરાંનો દશમો ભાગ લેશે.
“અને તમને તેના ગુલામ બનાવી દેશે. 18 તે દિવસે તમે તમાંરા પસંદ કરેલા રાજાને કારણે તેમની વિરુદ્ધ પોકાર કરશો, પણ તે વખતે યહોવા તમાંરું સાંભળશે નહિ.”
19 એમ છતાં લોકોએ શમુએલને સાંભળવાની ના પાડી, તેમણે કહ્યું, “ના, અમાંરે તો રાજા જોઈએ જ, 20 આથી અમે પણ અન્ય પ્રજાઓ જેવા થઈએ; અને અમાંરા રાજા અમાંરા ઉપર રાજય કરે અને આગળ રહી અમાંરાં યુદ્ધો લડે.”
14 પછી શમુએલે લોકોને કહ્યું, “ચાલો, આપણે ગિલ્ગાલ જઈને ત્યાં શાઉલને ફરી વાર રાજા જાહેર કરીએ.”
15 આથી તેઓ બધા ગિલ્ગાલ ગયા, અને ત્યાં યહોવા સમક્ષ શાઉલને પોતાના રાજા જાહેર કર્યો. તેઓએ યહોવાને શાંત્યર્પણો અર્પણ કર્યા; શાઉલે તથા ઇસ્રાએલના સર્વ પ્રજાજનોએ મોટો ઉત્સવ કર્યો.
દાઉદને સમર્પિત એક ગીત.
1 હે યહોવા, હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ ગાઇશ;
હું તમારા સ્તુતિગાન દેવોની સમક્ષ ગાઇશ.
2 તમારી વફાદારી અને સાચા પ્રેમ માટે,
હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ,
હું તમારો આભાર માનીશ
અને સ્તુતિ ગાઇશ કારણ કે તમારા શબ્દોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચપદે મૂક્યું છે.
3 મેં પ્રાર્થના કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;
અને આત્મબળ આપી મને બળવાન કર્યો.
4 હે યહોવા, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે;
તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
5 તેઓ યહોવાના માર્ગોર્ વિષે ગીત ગાશે,
કારણકે યહોવાનો મહિમા મહાન છે!
6 જો કે યહોવા સવોર્ચ્ચ સ્થાને બિરાજે છે.
તે નિર્ધન અને રાંક લોકોની કાળજી લે છે.
પણ ગવિર્ષ્ઠ માણસોને તો
તે દૂરથી જ ઓળખે છે.
7 ભલે સંકટો મારા પર આવી પડે, તો પણ તમે મને સુરક્ષિત પાર ઉતારજો;
મારા શત્રુઓના ક્રોધની સામે તું તારો હાથ લાંબો કરજે, તમારા પરાક્રમથી તમે મને બચાવજો.
8 યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે.
હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે;
મને તરછોડશો નહિ; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો.
13 શાસ્ત્રલેખમાં લખ્યું છે કે, “હું બોલું છું, કારણ કે મને વિશ્વાસ છે.”(A) અમારી પાસે પણ વિશ્વાસનો આત્મા છે તેથી અમે બોલીએ છીએ. 14 દેવે પ્રભુ ઈસુને મરણમાંથી ઊઠાડયો અને અમે જાણીએ છીએ કે દેવ અમને પણ ઈસુની સાથે ઊઠાડશે. દેવ અમને તમારી સાથે ભેગા કરશે, અને આપણે તેની સમક્ષ ઉપસ્થિત થઈશું. 15 આ બધી વસ્તુ તમારા માટે છે અને તેથી દેવની કૃપા વધુ ને વધુ લોકોને આપવામાં આવી છે. આ વાત દેવના મહિમાને અર્થે વધુ ને વધુ આભારસ્તુતિ કરાવશે.
વિશ્વાસથી જીવવું
16 તેથી અમે ક્યારેય પણ નિર્બળ થતા નથી. અમારો ભૌતિક દેહ વધારે વૃદ્ધ અને દુર્બળ થાય છે. પરંતુ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે. 17 થોડા સમય માટે અત્યારે અમને સામાન્ય વિપત્તિઓ છે, પરંતુ આ વિપત્તિઓ અનંત મહિમા સદાય માટે પ્રાપ્ત કરવામાં અમને મદદરૂપ થાય છે. આ અનંત મહિમા મુશ્કેલીઓ કરતાં વધારે ઉન્નત છે. 18 અમે તે વસ્તુનો વિચાર કરીએ છીએ જે જોઈ શકાતી નથી જે વસ્તુ અમે જોઈએ છીએ તે ક્ષાણિક છે. અને જે વસ્તુ અમે જોઈ શકતા નથી તેનું સાતત્ય અનંત છે.
5 અમે જાણીએ છીએ કે અમારું શરીર-માંડવો કે જેની અંદર અમે આ પૃથ્વી ઉપર રહીએ છીએ-તે નાશ પામશે. પરંતુ જ્યારે આમ થશે ત્યારે અમારે રહેવાનું ઘર દેવ પાસે હશે. તે માનવસર્જીત ઘર નહિ હોય. તે અવિનાશી નિવાસસ્થાન સ્વર્ગમાં હશે.
કેટલાકનો ઈસુમાં શેતાન હોવાનો આક્ષેપ
(માથ. 12:22-32; લૂ. 11:14-23; 12:10)
20 પછી ઈસુ ઘેર ગયો. પણ ફરીથી ત્યાં ઘણા લોકો ભેગા થયા. ત્યાં એટલા બધા લોકો હતા કે ઈસુ અને તેના શિષ્યો ખાઈ શક્યા નહિ. 21 ઈસુના કુટુંબે આ બધી બાબતો વિષે સાંભળ્યું. તેઓ તેને પકડવા ગયા. કારણ કે લોકોએ કહ્યું કે, ઈસુ ઘેલો હતો.
22 યરૂશાલેમના શાસ્ત્રીઓએ કહ્યું, “તેનામાં (ઈસુ) બઆલઝબૂલ (શેતાન) વસે છે ને ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાઢે છે.”
23 તેથી ઈસુએ લોકોને બોલાવ્યા. અને લોકોને શીખવવા વાર્તાઓનો ઉપયોગ કર્યો. ઈસુએ કહ્યું, “શેતાન તેના પોતાના અશુદ્ધ આત્માઓને લોકોમાંથી બહાર કાઢવા દબાણ કરશે નહિ. 24 જે રાજ્ય તેની પોતાની વિરૂદ્ધ લડે છે તે ચાલુ રહી શકતું નથી. 25 અને જે પરિવારમાં ભાગલા પડે છે તે સફળ થઈ શકતું નથી. 26 અને જો શેતાન તેની જાતની વિરૂદ્ધ હોય અને તેના પોતાના લોકો વિરૂદ્ધ લડે તો તે નભી શકતો નથી. તે શેતાનનો અંત હશે.
27 “જો કોઈ વ્યક્તિની ઈચ્છા બળવાન માણસના ઘરમાં પ્રવેશવાની અને તેના ઘરમાંથી તેની વસ્તુઓની ચોરી કરવાની હોય તો તે વ્યક્તિએ પહેલાં બળવાન માણસને બાંધવો જોઈએ, પછીથી તે વ્યક્તિ ઘરમાંથી વસ્તુઓ ચોરી શકશે.
28 “હું તમને સત્ય કહું છું કે લોકોના પાપો માફ થઈ શકે છે. અને લોકો દેવની વિરૂદ્ધ જે બધી ખરાબ વાતો કહે તે પણ માફ થઈ શકે છે. 29 પણ જે કોઈ વ્યક્તિ પવિત્ર આત્માની વિરૂદ્ધ ખરાબ વાતો કહ છે તે કદાપિ માફ થઈ શકશે નહિ. તે હંમેશા તે પાપ માટે દોષિત રહેશે.”
30 ઈસુએ આ કહ્યું કારણ કે શાસ્ત્રીઓ કહેતા હતા કે ઈસુને આત્મા વળગેલા છે.
ઈસુના શિષ્યો એજ તેનો સાચો પરિવાર
(માથ. 12:46-50; લૂ. 8:19-21)
31 પછી ઈસુની મા અને તેના ભાઈઓ આવ્યાં. તેઓએ બહાર ઉભાં રહીને ઈસુને બહાર આવવાનું કહેવા માટે એક માણસને મોકલ્યો. 32 ઈસુની આજુબાજુ ઘણા બધા લોકો બેઠા હતા. તેઓએ તેને કહ્યું, “તારી મા અને તારા ભાઈઓ બહાર તારા માટે રાહ જુએ છે.”
33 ઈસુએ પૂછયું “મારી મા કોણ છે? મારા ભાઈઓ કોણ છે?” 34 પછી ઈસુએ તેની આજુબાજુ બેઠેલા લોકો તરફ જોયું. તેણે કહ્યું, “આ લોકો મારી મા અને ભાઈઓ છે! 35 મારા સાચા ભાઈ અને બહેન અને મા એ લોકો છે જે દેવની ઈચ્છા પ્રમાણે કરે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International