Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે;
અને તમે મારા વિષે બધું જાણો છો.
2 મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો;
મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
3 તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું.
હું જે બધું કરું છું તે તમે જાણો છો.
4 હું બોલું તે અગાઉ તમે જાણો છો,
કે હું શું કહેવા ઇચ્છુ છું.
5 તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે;
અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
6 આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે;
તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે,
અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
14 ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ;
માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ;
હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!
15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને[a] મારી રચના થતી હતી
ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા
અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ
જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો.
પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા,
તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા.
અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે!
દેવ તમે ઘણું બધું જાણો છો!
18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય,
અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!
શીલોહમાં એલ્કાનાહ અને તેના કુળની પ્રાર્થના
1 એફાઈમના પર્વતીય પ્રદેશમાં એલ્કાનાહ નામનો માંણસ રહેતો હતો. તે સૂફ કુળમાંથી હતો. તેના પિતાનું નામ યરોહામ હતું. યરોહામના પિતાનું નામ અલીહૂ હતું. અલીહૂના પિતાનું નામ તોહૂ હતું અને તોહૂના પિતાનું નામ સૂફ હતું જે એફાઇમ કુળસમૂહમાંથી હતો.
2 તેને હાન્ના અને પનિન્ના નામની બે પત્નીઓ હતી. પનિન્નાને સંતાનો હતા; જયારે હાન્ના નિ:સંતાન હતી.
3 પ્રતિવર્ષ એલ્કાનાહ અને તેનું કુટુંબ સાથે સર્વસમર્થ દેવની ઉપાસના કરવા અને અર્પણો અર્પણ કરવા માંટે શીલોહ જતા હતા. ત્યાં એલીના બે પુત્રો હોફની અને ફીનહાસ યહોવાના યાજકો તરીકે સેવા આપતા હતા. 4 જયારે જયારે એલ્કાનાહ પોતાના અર્પણો અર્પણ કરતો ત્યારે તે પોતાની પત્ની પનિન્નાને અને તેનાં બધાં બાળકોને ખોરાકનો ભાગ આપતો. 5 એલ્કાનાહ હાન્નાને હમેશા ખોરાકનો એક સરખો ભાગ આપતો, હાન્નાને યહોવાએ નિ:સંતાન રાખી હતી છતા એલ્કાનાહ આમ કરતો. એલ્કાનાહ એટલા માંટે આમ કરતો કેમકે હાન્નાજ એ પત્ની હતી જેની પર તે વધારે પ્રેમ કરતો હતો.
પનિન્નાના મહેણાંથી હેરાન હાન્ના
6 પનિન્ના હમેશા હાન્નાને ચિંતિત કરતી અને તેને ખરાબ લાગે તેમ કરતી હતી. પનિન્નાએ આમ કર્યું કારણકે હાન્ના સંતાન મેળવી શકતી ન હતી. 7 પ્રતિવર્ષ આમ બનતું; જયારે તેઓ યહોવાના મંદિરે શીલોહ જતા ત્યારે પનિન્ના તેને મહેણાં માંરતી અને તેની મશ્કરી કરતી, તેથી હાન્ના રડી પડતી અને ખાતી પણ નહિ. 8 તેનો પતિ હઁમેશા તેણીને પૂછતો, “હાન્ના, તું શા માંટે રડે છે? અને તું ખાતી કેમ નથી? તું શા માંટે આટલી ઉદાસ છે? હું દસ પુત્રો કરતાં સારો છું તેમ તારે વિચારવું.”
હાન્નાની પ્રાર્થના
9 એક વખત મંદિરમાં તેમણે પ્રસાદ ગ્રહણ કર્યા પછી હાન્ના પવિત્રમંડપમાં ગઈ યહોવાની સામે ઊભી રહી. તે વખતે યાજક એલી યહોવાના મંદિરના પ્રવેશદ્વાર પાસે પોતાના આસન ઉપર બેઠો હતો. 10 હાન્ના બહુ દુ:ખી હતી. તેણીએ યહોવાને પ્રાર્થના કરી ત્યારે તેણી બહુ રડી. 11 તેણે એવી માંનતા રાખી કે, “ઓ સર્વસમર્થ યહોવા, તું જો તારી આ દાસી પર કૃપાદૃષ્ટિ કરે, માંરી પ્રાર્થના સાંભળે, ભૂલી ન જાય અને મને એક પુત્ર આપે, તો હું તે પુત્ર દેવને સમર્પણ કરીશ, જે જીવનપર્યંત દેવનો થઈને રહેશે અને તેના વાળ કદી કપાવીશ નહિ.”
12 આમ લાંબા સમય સુધી હાન્નાએ યહોવા સમક્ષ પ્રાર્થના કરી એલીએ જોયું કે માંત્ર તેના હોઠ હાલતા હતા. 13 તે મનમાં પ્રાર્થના કરતી હતી; તેના હોઠ હાલતા હતા પરંતુ તેનો અવાજ સંભળાતો નહોતો, 14 આથી એલીએ માંન્યું કે, “તે પીધેલી છે. તમે બહું જ પી લીધુ છે! તેણે તેણીને કહ્યું દ્રાક્ષારસ છોડ અને ધીરજ ધર.”
15 હાન્નાએ કહ્યું, “ના માંરા ધણી, મેં દ્રાક્ષારસ કે કોઈ કેફી પીણું પીધું નથી. પણ હું ઊંડી ઉપાધિમાં છું, હું સર્વસમર્થ દેવને પ્રાર્થના કરી રહી છું અને તેમને માંરા દુ:ખો અને ઇચ્છાઓ વિષે કહી રહી છું. 16 મને એવી પતિત ના માંનશો. પણ આ બધો વખત હું માંરી વ્યથા અને દુ:ખોની બહાર થઇ દેવને પ્રાર્થના કરતી હતી.”
17 એટલે એલીએ તેને કહ્યું, “શાંતિથી જા, અને ઇસ્રાએલનો દેવ તારી ઇચ્છા પૂરી કરશે અને તારી પ્રાર્થનાનો બદલો આપે!”[a]
18 હાન્નાએ કહ્યું, “તમાંરો આભાર, માંરા ઉપર દયા રાખતા રહેજો.” અને પછી તે ચાલી ગઈ. તેણે થોડું ખાધું, હવે તે ઉદાસ રહેતી નહોતી.
પાઉલની કૈસરને મળવાની ઈચ્છા
25 ફેસ્તુસ હાકેમ બન્યો, અને ત્રણ દિવસ પછી તે કૈસરિયાથી યરૂશાલેમ ગયો. 2 મુખ્ય યાજક અને મહત્વના યહૂદિ આગેવાનોએ ફેસ્તુસની આગળ પાઉલની વિરૂદ્ધ આક્ષેપો મૂક્યા. 3 તેઓએ ફેસ્તુસને તેઓના માટે કંઈક કરવા કહ્યું. તે યહૂદિઓ ઇચ્છતા હતા કે ફેસ્તુસ પાઉલને પાછો યરૂશાલેમ મોકલે. તેઓ પાસે પાઉલને રસ્તામાં જ મારી નાખવાની યોજના હતી. 4 પરંતુ ફેસ્તુસે જવાબ આપ્યો, “ના! પાઉલને કૈસરિયામાં રાખવામાં આવશે. હું જલદીથી મારી જાતે કૈસરિયા જઈશ. 5 તમારા કેટલાએક આગેવાનોએ મારી સાથે જવું જોઈએ. જો તેણે ખરેખર કંઈક ખોટું કર્યું હોય તો તેઓ ત્યાં કૈસરિયામાં તે માણસ વિરૂદ્ધ તહોમત મૂકી શકે છે.”
6 ફેસ્તુસ યરૂશાલેમમાં આઠ કે દસ દિવસો રહ્યો. પછી તે કૈસરિયા પાછો ગયો. બીજે દિવસે ફેસ્તુસે સૈનિકોને તેની આગળ પાઉલને લાવવા માટે કહ્યું. ફેસ્તુસ ન્યાયાસન પર બેઠો હતો. 7 પાઉલ ઓરડામાં આવ્યો હતો. જે યહૂદિઓ યરૂશાલેમથી આવ્યાં હતા તેઓ તેની આજુબાજુ ઊભા, ઘણા ગંભીર આક્ષેપો તેની વિરૂદ્ધ મૂક્યા. પણ તેઓ આમાંનું કશું પણ સાબિત કરી શક્યા નહિ. 8 પાઉલે પોતાના બચાવ માટે જે કહ્યું તે આ છે. “મેં યહૂદિઓના નિયમ વિરૂદ્ધ, મંદિર વિરૂદ્ધ કે કૈસર વિરૂદ્ધ કશું ખોટું કર્યુ નથી.”
9 પરંતુ ફેસ્તસની ઈચ્છા યહૂદિઓને ખુશ કરવાની હતી. તેથી તેણે પાઉલને પૂછયું, “તારી ઈચ્છા યરૂશાલેમ જવાની છે? તું ઇચ્છે છેકે હું ત્યાં આ તહોમતો વિષે તારો ન્યાય કરું?”
10 પાઉલે કહ્યું, “હમણાં હું કૈસરના ન્યાયાસન આગળ ઊભો છું. જ્યાં મારો ન્યાય થવો જોઈએ તે જ જગ્યા આ છે. મેં યહૂદિઓનું કશું ખોટું કર્યુ નથી. તમે જાણો છો આ સાચું છે. 11 જો કાયદો કહેતો હોય કે મારે મરી જવું જોઈએ, તો હું મરવા માટે સંમત છું. હું મૃત્યુમાંથી બચવા માટે કહેતો નથી. પણ જો આ તહોમતો સાચા ના હોય તો પછી મને કોઈ વ્યક્તિ આ યહૂદિઓને હવાલે કરી શકે નહિ, ના! હું મારો કેસ કૈસર સાંભળે એમ ઈચ્છું છું!”
12 ફેસ્તુસે આ બાબત વિષે તેના સલાહકારો સાથે વાત કરી. પછી તેણે કહ્યું, “તેથી તુ કૈસર પાસે જા અને તેને મળ!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International