Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો;
યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.
2 ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે
અને તમને સિયોનમાંથી શકિત આપે.
3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી,
અને તારું દહનાર્પણ સ્વીકારે.
4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે
અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
5 તમારી મુકિત અમને સુખી બનાવશે,
આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું;
યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
6 યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે, તેને વિજય અપાવે છે,
તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારક શકિતથી તેને જવાબ આપશે.
7 કોઇ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે,
બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે.
પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ.
અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
8 તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે અડગ ઊભા રહીશુ.
9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો.
અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો.
વાદળ અને અગ્નિ
15 જે દિવસે કરારનો પવિત્રમંડપ એટલે કરારમંડપ ઊભો કરવામાં આવ્યો તે જ દિવસે તેના પર વાદળે આચ્છાદન કર્યુ. અને સાંજે વાદળનું સ્થાન અગ્નિએ લીધું અને આખી રાત તે ઝળહળતો રહ્યો. 16 આ પ્રમાંણે હંમેશા થતું રહ્યું. દિવસે વાદળ આચ્છાદન કરતો અને રાત્રે અગ્નિની જેમ ઝળહળતું. 17 જ્યારે જ્યારે પવિત્ર મંડપ ઉપરથી વાદળ હઠી જતું, ત્યારે ત્યારે ઇસ્રાએલી પ્રજા મુકામ ઉઠાવતી, અને આગળ મુસાફરી કરતી અને જયાં જયાં વાદળ થોભે ત્યાં ત્યાં મુકામ કરતી. 18 આમ યહોવાની આજ્ઞા પ્રમાંણે તેઓ મુકામ ઉઠાવતા મુસાફરી કરતા અને મુકામ કરતા. જયાં સુધી વાદળનું આચ્છાદન લાંબા સમય સુધી રહે તો ત્યાં સુધી તેઓ મુકામ ચાલુ રાખતા. 19 જો વાદળ લાંબા સમય સુધી પવિત્રમંડપ પર રહેતું તો ઇસ્રાએલી પ્રજા યહોવાની આજ્ઞા માંથે ચઢાવીને આગળ પ્રવાસ કરતી નહિ અને લાંબા સમય સુધી ત્યાં જ રોકાતી. 20 પરંતુ કેટલીક વખત વાદળ થોડા દિવસ જ મુલાકાત મંડપ પર રહેતું ત્યારે પણ તેઓ યહોવાની આજ્ઞા થતાં મુકામ કરતા અને યહોવાની આજ્ઞા થતા મુકામ ઉઠાવતા. 21 કેટલીક વખત વાદળ સાંજથી સવાર સુધી રહેતું, સવારે વાદળ હઠતાં જ તેઓ મુકામ ઉઠાવતા, અને તેને અનુસરતાં. જો તે રાતના હઠતાં તો તેને અનુસરતા. 22 જયાં સુધી વાદળ પવિત્રમંડપ પર ભલે રહે પછી એ બે દિવસ માંટે હોય, એક મહિના માંટે હોય કે એક વર્ષ માંટે હોય ત્યાં સુધી ઇસ્રાએલીઓ મુકામ ઉઠાવતા નહિ; જયારે વાદળ હઠતું ત્યારે જ તેઓ મુકામ ઉઠાવી પ્રવાસ કરતા. 23 આમ તેઓ યહોવાની આજ્ઞા અનુસાર છાવણી કરતાં અથવા પ્રવાસ કરતા, યહોવા મૂસા દ્વારા તેઓને જે આજ્ઞા કરે તે પ્રમાંણે તેઓ કરતા.
યોહાનને આકાશી દર્શન
4 પછી મેં જોયું ત્યાં મારી આગળ આકાશમાં એક દ્ધાર ઉઘડેલું હતું. અને અગાઉ મને કહી હતી તે જ વાણી મેં સાંભળી. તે વાણી રણશિંગડાના અવાજ જેવી હતી. તે વાણી એ કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે જે થવું જ જોઈએે તે હું તને બતાવીશ.” 2 પછી તે આત્માએ મારા પર કાબુ કરી લીધો. ત્યાં મારી આગળ આકાશમા એક રાજ્યાસન હતું. રાજ્યાસન પર કોઈ એક માણસ બેઠેલો હતો. 3 તે રાજ્યાસન પર જે બેઠો હતો તે યાસપિસ લાલ કિમતી પથ્થર જેવો દેખાતો હતો. અને રાજ્યાસનની ચારે બાજુ લીલમ જેવું સ્વચ્છ રંગીન પ્રકાશનું એક મેઘધનુષ્ય હતું.
4 રાજ્યાસનની આસપાસ બીજાં 24 રાજ્યાસનો હતાં. તે 24 રાજ્યાસનો પર 24 વડીલો બેઠાં હતાં. તે વડીલોએ ઊજળાં વસ્ત્રો પહેર્યા હતા. અને તેઓના માથા પર સોનાના મુગટ હતાં. 5 રાજ્યાસનમાંથી વીજળીઓ અને ગર્જનાઓ અને વાણીઓ આવી. રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવાઓ સળગતા હતા. આ દીવાઓ દેવના સાત આત્મા છે. 6 ત્યાં રાજ્યાસનની આગળ કાચના સમુદ્ર જેવું કાંઈક હતું. તે સ્ફટીકના જેવું સ્વચ્છ હતું.
રાજ્યાસનની સામે અને તેની દરેક બાજુએ ત્યાં ચાર જીવતાં પ્રાણીઓ હતાં. આ જીવતાં પ્રાણીઓને તેમની બધી બાજુએ આગળ પાછળ આંખો હતી. 7 પહેલું જીવતું પ્રાણી સિંહ જેવું હતું. બીજું એક વાછરડાના જેવું હતું. ત્રીજાને મનુષ્ય જેવું મુખ હતું. ચોથું ઊડતા ગરુંડના જેવું હતું. 8 આ ચાર જીવતા પ્રાણીઓને છ છ પાંખો હતી. અને આ બધા જીવતા પ્રાણીઓ અંદર અને બહાર બધી બાજુએ આંખોથી ભરપુર હતાં. આ જીવતા ચાર દિવસ અને રાત કદી આ રીતે કહેતા વિસામો લેતા નથી,
“પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ દેવ, સર્વશક્તિમાન
જે હંમેશા હતો, જે છે, અને જે આવનાર છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International