Revised Common Lectionary (Semicontinuous)
યશાયાને સેવાની સોંપણી
6 રાજા ઉઝિઝયા જ્યારે મૃત્યુ પામ્યા તે વર્ષે મેં મારા માલિકને ઊંચા અને ઉન્નત આસન પર બેઠેલા જોયા. તેમના ઝભ્ભાની કિનારોથી મંદિર ભરાઇ ગયું હતું. 2 સરાફ દેવદૂતો તેમની પાસે ધુમરાતાં હતા તેમને દરેકને છ પાંખો હતી. બે પાંખો વડે તેઓ તેમના ચહેરા ઢાંકતા હતાં, બીજી બે પાંખો વડે તેમણે તેમના પગ ઢાંક્યાં હતાં અને બાકીની બે પાંખોનો તેઓ ઉડવા માટે ઉપયોગ કરતાં હતાં. 3 તેઓ સામસામે એકબીજાને પોકારીને કહેતા, “સૈન્યોનો દેવ યહોવા પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે! આખી પૃથ્વીમાં તેમનું ગૌરવ વ્યાપી ગયું છે!” 4 તેમના પોકારોથી બારસાખ પાયા સુધી હચમચી ઊઠી અને મંદિર ધુમાડાથી ભરાઇ ગયું.
5 ત્યારે હું પોકારી ઉઠયો, “અરેરે! મને શાપ દેવામાં આવશે! કારણ કે હું મેલા હોઠનો માણસ છું. અને મેલા હોઠના લોકો વચ્ચે વસું છું. છતાં મેં મારી આ આંખો દ્વારા રાજાધિરાજ સૈન્યોના દેવ યહોવાને નિહાળ્યાં છે.”
6 પછી એક સરાફ દેવદૂત, વેદીમાંથી બળતો અંગારો લઇને સાણસીમાં પકડીને, મારી પાસે ઊડતો ઊડતો આવ્યો. 7 અને મારા મોંને અંગારો અડાડીને બોલ્યો; “જો, આ તારા હોઠને અડ્યો છે; તારો દોષ દૂર કરાયો છે, અને તારા પાપો દૂર કરવામાં આવ્યા છે.”
8 પછી મેં યહોવાને એવું બોલતા સાંભળ્યાં કે, “હું કોને મોકલું? કોણ મારા સંદેશા લઇ જશે?”
એટલે મેં કહ્યું, “આ હું હાજર છું, મને મોકલો.”
દાઉદનું ગીત.
1 હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો;
તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
2 યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો.
યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો
પહેરીને આવો અને તેમની ઉપાસના કરો,
આવો અને તેમનું ભજન કરો.
3 યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે;
ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.
4 યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે,
યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.
5 યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે.
લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.
6 યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે.
તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.
7 યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.
8 યહોવાના સાદના પડઘા રણને,
અને કાદેશના રણને ધ્રુજાવે છે.
9 યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે
અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે.
“યહોવાનો મહિમા થાય.”
10 યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા;
અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.
11 યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે,
અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.
12 તેથી, મારા ભાઈઓ અને બહેનો, આપણે આપણાં પાપાત્માઓની સત્તા આપણા પર ન જ ચાલવા દેવી જોઈએ. આપણાં પાપી શરીરોની ઈચ્છાઓ કે વાસનાઓથી દોરવાઈને આપણે જીવવું જોઈએ જ નહિ. 13 જો તમારા પાપી સ્વભાવની વાસનાઓ સંતોષવા તમે ખરાબ કામો પાછળ તમારા જીવનનો ઉપયોગ કરશો, તો તમારું મૃત્યુ થશે જ. પરંતુ શરીરનાં કામોને મારી નાખવા જો તમે આત્માનો ઉપયોગ કરશો તો તમને સાચું જીવન પ્રાપ્ત થશે.
14 દેવનાં સાચાં સંતાનો એ છે કે જેઓ દેવના આત્માનું માર્ગદર્શન સ્વીકારે છે. 15 જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે તે કોઈ સામાન્ય આત્મા નથી કે જે આપણને ફરીથી દાસ બનાવીને ભયભીત કરશે. જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે, તે આપણને દેવનાં સંતાનો બનાવે છે. અને એ ભાવનાથી જ તો આપણે દેવને “પિતા, પ્રિય પિતા,” કહીને બોલાવીએ છીએ. 16 આપણા આત્માની સાથે એ જ આત્મા સાક્ષી આપે છે કે આપણે દેવનાં સંતાનો છીએ. 17 જો આપણે દેવનાં સંતાનો હોઈશું, તો દેવ પોતાનાં માણસોને જે આશીર્વાદ આપે છે, તે આપણને પણ મળશે. આ આશીર્વાદો દેવ તરફથી આપણને મળશે. ખ્રિસ્તની સાથે સાથે આપણને પણ એ આશીર્વાદ પ્રાપ્ત થશે. પરંતુ ખ્રિસ્તે જે દુ:ખો સહન કર્યા હતાં, તેમ આપણે પણ સહન કરવાં જ પડશે. તો જ, ખ્રિસ્તની જેમ આપણને પણ મહિમા પ્રાપ્ત થશે.
ઈસુ અને નિકોદેમસ
3 ત્યાં નિકોદેમસ નામનો માણસ હતો નિકોદેમસ ફરોશીઓમાંનો એક હતો. તે એક અગત્યનો યહૂદિ અધિકારી હતો. 2 એક રાત્રે નિકોદેમસ ઈસુ પાસે આવ્યો. નિકોદેમસે કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તું દેવનો મોકલેલો ઉપદેશક છે. તું જે ચમત્કારો કરે છે તે દેવની મદદ વગર બીજું કોઈ કરી શકે નહિ.”
3 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. માણસે નવો જન્મ પામવો જોઈએ. જો તે વ્યક્તિ નવો જન્મ પામ્યો ન હોય તો પછી તે વ્યક્તિ દેવના રાજ્યમાં જઈ શકતો નથી.”
4 નિકોદેમસે કહ્યું, “પણ જો માણસ ખરેખર વૃદ્ધ હોય તો તે કેવી રીતે ફરીથી જન્મી શકે? વ્યક્તિ માના ઉદરમાં ફરીથી કેવી રીતે પ્રેવશી શકે! તેથી માણસ બીજી વખત જન્મ ધારણ કરી શકે નહિ!”
5 પણ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. તે વ્યક્તિ પાણીથી અને આત્માથી જન્મેલો હોવો જોઈએ. જો વ્યક્તિ પાણી અને આત્માથી જન્મ્યો ન હોય તો પછી તે દેવના રાજ્યમાં પ્રવેશી શકતો નથી. 6 વ્યક્તિનો દેહ તેના માતાપિતાના દેહમાંથી જન્મે છે પરંતુ વ્યક્તિનું આત્મિક જીવન આત્મામાંથી જન્મે છે. 7 મેં તને કહ્યું કે, તારે નવો જન્મ ધારણ કરવો જોઈએ તેથી આશ્ચર્ય પામતો ના. 8 પવન જ્યાં જવા ઈચ્છે ત્યાં વાય છે. તું ફૂંકાતા પવનને સાંભળે છે, પણ તું જાણતો નથી કે પવન ક્યાંથી આવે છે અને પવન ક્યાં જાય છે. આત્મામાંથી જન્મેલું છે, તે પ્રત્યેક સાથે પણ તેવું જ છે.”
9 નિકોદેમસે પૂછયું, “આ બધું કેવી રીતે શક્ય બને છે?”
10 ઈસુએ કહ્યું, “તું ઈસ્રાએલનો એક અગત્યનો ઉપદેશક છે. પણ હજુ આ વાતો તું કેમ સમજી શકતો નથી? 11 હું તને સત્ય કહું છું. અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ. અમે જે જોયું છે તે અમે કહીએ છીએ. પણ તમે લોકો અમે તમને જે કહીએ છીએ તે સ્વીકારતા નથી. 12 મેં તને પૃથ્વી પરની અહીંની વાતો વિષે કહ્યું છે. પણ તું મારામાં વિશ્વાસ કરતો નથી. તેથી ખરેખર જો હું તને આકાશની વાતો વિષે કહીશ તો પણ તું મારામાં વિશ્વાસ કરીશ નહિ! 13 ફક્ત એક જે ઊચે આકાશમાં ગયો તથા તે જે આકાશમાંથી નીચે આવ્યો તે જ માણસનો દીકરો છે.”
14 “મુસાએ રેતીના રણમાં સર્પને ઊચો કર્યો. માણસના દીકરા સાથે પણ એમ જ છે. માણસના દીકરાને પણ ઊચો કરવાની જરૂર છે. 15 પછી પ્રત્યેક વ્યક્તિ જે માણસના દીકરામાં વિશ્વાસ રાખે છે તે અનંતજીવન પામવા માટે શક્તિમાન થશે.”
16 હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે. 17 દેવે તેના દીકરાને દુનિયામાં મોકલ્યો. દેવે તેના દીકરાને જગતનો ન્યાય કરવા મોકલ્યો નથી. દેવે તેના દીકરાને એટલા માટે મોકલ્યો કે તેના દીકરા દ્વારા જગતને બચાવી શકાય.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International