Revised Common Lectionary (Semicontinuous)
24 હે યહોવા, કેટલા છે તારા સર્જનો!
તમે બહુ બુદ્ધિપૂર્વક તેમને બનાવ્યા છે.
તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
25 જુઓ આ વિશાળ મહાસાગરમાં નાના
અને મોટા કેટલા અસંખ્ય જીવજંતુઓ
તથા જાનવરો તેની અંદર છે!
26 અને જુઓ, વહાણો તેમાં આવજા કરે છે;
વળી સમુદ્રમાં રમવાને મગરમચ્છ પેદા કર્યા છે.
27 તમે તેઓને યોગ્ય ટાણે ખાવાનું આપો છો;
તેથી આ સઘળાં જીવો તમારી વાટ જુએ છે.
28 તમે જે કાંઇ આપો છો તે તેઓ વીણે છે;
તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ બધાં ઉપકારથી તૃપ્ત થાય છે
29 તમે જ્યારે તેમની પાસેથી પાછા ફરો છો ત્યારે તેઓ ડરી જશે,
તેઓનો પ્રાણ તેઓને છોડે છે
અને તેઓ નબળા થઇને મૃત્યુ પામે છે
તેમનાં શરીર પાછાં માટી બની જાય છે.
30 પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે;
અને પૃથ્વીની સપાટી તેઓથી ભરપૂર થાય છે.
31 યહોવાનો મહિમા સદાકાળ ટકી રહો;
અને પોતાના સર્જનથી યહોવા આનંદ પામો.
32 જ્યારે યહોવા પૃથ્વી પર દ્રૃષ્ટિ કરે છે, ત્યારે તે ડરથી કંપે છે;
અને જ્યારે તે પર્વતોને સ્પશેર્ છે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.
33 હું જીવનપર્યંત યહોવાની પ્રશંસાનાં ગીતો ગાઇશ;
હું મારા છેલ્લા શ્વાસ સુધી યહોવાની સ્તુતિ કરીશ.
34 તેમના માટેનાં મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ
કારણ કે યહોવા મારા સર્વ આનંદનું ઉદૃભવ સ્થાન છે.
35 પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો
અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે.
હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
તમે યહોવાની સ્તુતિ કરો!
સૂકાં હાડકાંઓનું સંદર્શન
37 યહોવાનો હાથ મારા પર આવ્યો અને યહોવાનો આત્મા મને લઇ ગયો અને મને એક મેદાનમાં મૂક્યો, જે મેદાન સૂકાં હાડકાથી ભરેલું હતું, 2 તેમણે મને તે હાડકા વચ્ચે આમતેમ ફેરવ્યો, જોઉં છું તો આખું મેદાન હાડકાંથી છવાયેલું હતું. હાડકાંનો કોઇ પાર નહોતો અને તે બધા તદૃન સુકાઇ ગયેલા હતા.
3 યહોવા મારા માલિકે મને પ્રશ્ર્ન કર્યો; “હે મનુષ્યના પુત્ર, શું આ હાડકાં ફરીથી જીવતા માણસો બની શકે?”
મેં જવાબ આપ્યો, “યહોવા, તમે એકલા જ આ પ્રશ્ર્નનો ઉત્તર જાણો છો.”
4 તેણે મને કહ્યું, “તું મારા તરફથી એ હાડકાંઓને પ્રબોધ કર. ‘હે સૂકાં હાડકાંઓ, યહોવાનો સંદેશો સાંભળો, 5 યહોવા મારા માલિક તમને આ પ્રમાણે કહે છે, હું તમારામાં શ્વાસ ફૂંકીશ અને તમે ફરી જીવતાં થશો. 6 હું તમારા પર સ્નાયુઓ બાંધીશ, માંસ પૂરીશ, અને તમને ચામડીથી આવરી લઇ તમારામાં શ્વાસ પૂરીશ એટલે તમે જીવતાં થશો અને તમને ખાતરી થશે કે હું યહોવા છું.’”
7 તેથી યહોવા મારા માલિકે મને કહ્યું હતું તેમ મેં વચનો ઉચ્ચાર્યાં; હું બોલતો હતો ત્યારે જ ગડગડાટ સંભળાયો અને હાડકાં એકબીજા સાથે જોડાવા લાગ્યાં. 8 હું જોતો હતો તેવામાં હાડકાની આસપાસ સ્નાયુઓ અને માંસ આવી ગયાં. અને તેઓને ચામડી વડે ઢાંકી દેવામાં આવ્યાં. પણ તેઓ હજુ શ્વાસ લેતા નહોતા.
9 પછી મારા માલિક યહોવાએ મને કહ્યુ, “હે મનુષ્યના પુત્ર, તું પવનને પ્રબોધ કર, તું તેને કહે કે યહોવા મારા માલિક કહે છે, ‘હે પવન, ચારે દિશામાંથી આવ અને આ શરીરોમાં ફૂંક માર જેથી તેઓ સજીવન થાય.’”
10 તેથી તેના કહેવા પ્રમાણે મેં પ્રબોધવાનું શરૂ કર્યું તેમનામાં શ્વાસનો સંચાર થયો અને તેઓ સજીવન થઇને ઉભા થઇ ગયા. જાણે બહુ મોટું સૈન્ય!
11 ત્યાર બાદ યહોવા મારા માલિકે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ હાડકાં એ બધા ઇસ્રાએલી લોકો છે, તેઓ કહે છે, ‘અમારા હાડકાં સૂકાઇ ગયાં છે, આશા ઊડી ગઇ છે, અમે કપાઇ ગયેલા છીએ.’ 12 તેથી પ્રબોધ કરીને તેઓને કહે કે, યહોવા મારા માલિક કહે છે: ‘હું તમારા બંદીવાસની કબરો ખોલી નાખીશ અને તમને ફરીથી ઊભા કરીશ અને ઇસ્રાએલ દેશમાં પાછા લાવીશ. 13 તમારી કબરો ખોલીને હું તમને બહાર કાઢીશ ત્યારે તમને ખાતરી થશે કે હું યહોવા છું. 14 પછી હું મારો આત્મા તમારામાં મૂકીશ અને તમે જીવશો અને તમે તમારા પોતાના દેશમાં ઘરે પાછા ફરશો. ત્યારે તમે જાણશો કે મેં યહોવાએ જે તમને વચન આપ્યું હતું તે હું કરી બતાવું છું.’” આ યહોવા મારા માલિકના વચન છે.
તેના શિષ્યોને ઈસુના દર્શન
(માથ. 28:16-20; માર્ક 16:14-18; લૂ. 24:36-49)
19 અઠવાડિયાના પહેલા દિવસે તે સાંજે બધા શિષ્યો ભેગા થયા હતા. બારણાંઓને તાળા હતાં, કારણ કે, તેઓ યહૂદિઓથી ડરતાં હતા. પછી ઈસુ તેઓની વચ્ચે આવ્યો અને ઊભો રહ્યો ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 20 આમ કહ્યાં પછી ઈસુએ શિષ્યોને તેના હાથ અને તેની કૂખ બતાવી. જ્યારે તેઓએ પ્રભુને જોયો ત્યારે ખૂબ ખુશ થયા.
21 પછી ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ!” પિતાએ મને મોકલ્યો છે. તે જ રીતે હવે, હું તમને મોકલું છું. 22 આમ કહ્યાં પછી તેણે શિષ્યો પર શ્વાસ નાખ્યો. ઈસુએ કહ્યું, “પવિત્ર આત્મા પામો. 23 જો તમે લોકોના પાપોને માફ કરશો, તો પછી તેઓનાં પાપોની માફી મળશે. જો તમે લોકોનાં પાપોને માફ નહિ કરો તો, પછી તેઓનાં પાપ માફ થશે નહિ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International