Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 115

હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન;
    તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.
પ્રજાઓ શા માટે એમ પૂછે છે:
    “તમારા દેવ ક્યાં છે?”
કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે
    અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.
તેઓના દેવો સોના ચાંદીના જ છે;
    તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે.
તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી;
    તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.
તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે,
    પણ, તેઓ સૂંઘી શકતા નથી.
તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી;
    તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી.
    તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.
જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે
    તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.

હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો.
    તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.
10 હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો,
    તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.
11 હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો,
    તે તમારા મદદગાર અને ઢાલ છે.

12 યહોવાએ આપણને સંભાર્યા છે,
    તે આપણને આશીર્વાદ આપશે;
ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને
    પણ તે આશીર્વાદ આપશે.
13 હે યહોવાના ભકતો,
    નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.
14 યહોવા ખચીત તમારા છોકરાંની
    તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.
15 હા, આકાશ અને પૃથ્વીના સર્જક;
    યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.
16 આકાશો તે યહોવાનાઁ પોતાના છે,
    પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.
17 મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર
    યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.
18 પણ અમે આજથી
    સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું.

યહોવાની સ્તુતિ થાઓ!

એઝરા 9:5-15

સાંજના અર્પણનો સમય થતાં હું શોકમગ્ન થઇને બેઠો હતો ત્યાંથી ઊઠયો અને મારાં ફાટેલા ઝભ્ભા અને ઉપરણાં સાથે જ ઘૂંટણિયે પડી, મારા દેવ યહોવા તરફ હાથ લંબાવી હું બોલ્યો,

“હે મારા દેવ મારી નામોશીનો પાર નથી. તારી સામે જોતાં પણ મને શરમ આવે છે. અમારાં પાપોનો ઢગલો અમારાં માથાથી પણ ઊંચો થઇ ગયો છે અને અમારા અપરાધ ઠેઠ ઊંચા આકાશને અડે છે. અમારા પિતૃઓના સમયથી અમે ઘણા અપરાધ કર્યા છે; અમે અમારા રાજા તથા અમારા યાજકોએ અમારા પાપોને કારણે અમારી જાતને અન્ય દેશોના રાજાઓને હવાલે કરી દીધી છે અને અમે તરવારને, બંદીવાસને, લૂંટફાટને અને બેઆબરૂને વશ થયા છીએ અને અમને અપમાનિત કરવામાં આવ્યા છે. આજે અમે એ જ બેહાલ દશામાં છીએે.

“પરંતુ ટૂંકા સમય માટે તમે, અમારા દેવે અમારા પર કૃપા કરીને અમારામાંથી કેટલાંકને ઉગારી લીધા છે અને આ પવિત્ર ભૂમિમાં અમને આશ્રયસ્થાન આપ્યું છે. તમે અમારી આંખોમાં તેજ આપ્યું છે અને અમારી ગુલામ દશામાં તમે અમારામાં નવા પ્રાણ પૂર્યા છે: કારણ, અમે તો ગુલામ છીએ; તેમ છતાં અમારી ગુલામ દશામાં પણ તમે અમને ભૂલી નથી ગયા, અને તમે ઇરાનના રાજાના હૃદયમાં અમારા માટે દયા જગાડી છે અને તેમણે અમને જીવતદાન તો આપ્યું જ છે, ઉપરાંત અમારા દેવના મંદિરનો જીણોર્દ્ધાર કરી ફરી બાંધવાની પરવાનગી આપી છે, અને યહૂદામાં અને યરૂશાલેમમાં અમને દીવાલ આપી છે.

10 “હવે, હે અમારા દેવ, અમે તમને શું કહીએ? કારણકે અમે ફરીથી તમારી આજ્ઞાઓ પાળી નથી અને તમારાથી દૂર ભટકી ગયા છીએ. 11 દેવે, તેમના સેવકો પ્રબોધકો મારફત અમને ચેતવ્યા હતા કે, જે ભૂમિ અમને વારસામા મળવાની છે તે ત્યાંના રહેવાસીઓના ભયંકર રીતરિવાજને લીધે તદૃન અશુદ્ધ થયેલી છે અને એક છેડાથી બીજા છેડા સુધી તેમાં વ્યાપેલી અશુદ્ધિઓને લીધે ષ્ટ થયેલી છે. 12 માટે તમારી પુત્રીઓને તેમના પુત્રો સાથે પરણાવશો નહિ. તેઓએ અમને કહ્યું હતું, અને તમારા પુત્રોને તેમની પુત્રીઓ સાથે પરણાવશો નહિ; અને એ લોકોની સુખ સમૃદ્ધિ માટે કશું કરશો નહિ. તો જ તમે બળવાન બનશો, એ ભૂમિની ઉત્તમ ઉપજને માણી શકશો, અને તમારા વંશજોને એ સદાકાળ માટે વારસામાં આપતા જશો.

13 “અમારાઁ દુષ્ટ કર્મોને લીધે તથા અમારા મોટા અપરાધને લીધે અમારા પર જે કઇ વીત્યું છે, તે સર્વ ને માટે, હે યહોવા અમારા દેવ, જેટલી થવી જોઇએ તે કરતાં તમે અમને થોડી શિક્ષા કરી છે; વળી અમારામાંથી તમે આટલાને બચાવી પણ લીધા છે. 14 છતાં અમે તમારા હુકમોનો અનાદર કરીને ફરી આ ધિક્કારપાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે આંતરવિવાહ કરીશું? તો પછી શું તું અમારા પર કોપાયમાન થઇને અમારો એવો વિનાશ નહિ કરશે કે કઇ પણ અથવા કોઇ પણ ન બચે?

15 “હે ઇસ્રાએલના દેવ યહોવા, તું ન્યાયી છે તેથી જ અમે આજે છીએ એટલા ઊગરવા પામ્યા છીએ. અમે અપરાધીઓ તમારી સમક્ષ ઊભા છીએ, જુઓ. અમારા અપરાધને કારણે અમને તમારી સમક્ષ આવવાનો કોઇ અધિકાર નથી.”

યોહાન 16:16-24

ઉદાસીનતા પ્રસન્નતામાં પરિવર્તન પામશે

16 “ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ. પરંતુ ફરીથી ટૂંક સમય બાદ તમે મને જોઈ શકશો.”

17 કેટલાક શિષ્યોએ એકબીજાને કહ્યું, “જ્યારે તે કહે છે ત્યારે ઈસુ શું સમજે છે, ‘ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ, અને પછી ટૂંક સમય પછી તમે મને ફરીથી જોશો?’ અને તે શું સમજે છે જ્યારે તે કહે છે, ‘કારણ કે હું પિતા પાસે જાઉ છું?’” 18 શિષ્યોએ પૂછયું, “થોડા સમયનો તે શું અર્થ સમજે છે? તે શું કહે છે તે અમે સમજી શકતા નથી.”

19 ઈસુએ જાણ્યું કે શિષ્યો તેને આ વિષે પૂછવા ઈચ્છતા હતા. તેથી ઈસુએ શિષ્યોને કહ્યું, “જ્યારે હું કહું છું તમે એકબીજાને પૂછો છો હું શું સમજું છું? થોડા સમય પછી તમે મને જોશો નહિ અને પછી બીજા થોડા સમય પછી તમે મને ફરીથી જોશો?” 20 હું તમને સત્ય કહું છું. તમે રડશો અને ઉદાસ થશો, પણ જગતને આનંદ થશે. તમે ઉદાસ થશો પરંતુ તમારી ઉદાસીનતા આનંદમાં ફેરવાઈ જશે.

21 “જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે, તેને પીડા થાય છે કારણ કે તેનો સમય આવ્યો છે. પણ જ્યારે તેના બાળકનો જન્મ થાય છે, તે પીડા ભૂલી જાય છે. તે ભૂલી જાય છે કારણ કે બાળકનો જન્મ આ જગતમાં થયો હોવાથી તે ઘણી પ્રસન્ન હોય છે. 22 તમારી સાથે પણ એવું જ છે. તમે હમણા ઉદાસ છો. પણ હું તમને ફરીથી જોઈશ અને તમે પ્રસન્ન થશો અને કોઈ તમારો આનંદ છીનવી શકશે નહિ. 23 તે દિવસે તમે મને કઈ પૂછશો નહિ. હું તમને સત્ય કહું છું. મારા નામે તમે જે કઈ મારા પિતા પાસેથી માગશો તે તમને આપશે. 24 તમે કદી પણ મારા નામે કશું માગ્યું નથી. માગો અને તમને પ્રાપ્ત થશે. અને તમારો આનંદ સંપૂર્ણ થશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International