Revised Common Lectionary (Semicontinuous)
1 હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન;
તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.
2 પ્રજાઓ શા માટે એમ પૂછે છે:
“તમારા દેવ ક્યાં છે?”
3 કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે
અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.
4 તેઓના દેવો સોના ચાંદીના જ છે;
તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે.
5 તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી;
તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.
6 તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે,
પણ, તેઓ સૂંઘી શકતા નથી.
7 તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી;
તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી.
તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.
8 જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે
તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.
9 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો.
તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.
10 હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો,
તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.
11 હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો,
તે તમારા મદદગાર અને ઢાલ છે.
12 યહોવાએ આપણને સંભાર્યા છે,
તે આપણને આશીર્વાદ આપશે;
ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને
પણ તે આશીર્વાદ આપશે.
13 હે યહોવાના ભકતો,
નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.
14 યહોવા ખચીત તમારા છોકરાંની
તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.
15 હા, આકાશ અને પૃથ્વીના સર્જક;
યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.
16 આકાશો તે યહોવાનાઁ પોતાના છે,
પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.
17 મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર
યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.
18 પણ અમે આજથી
સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું.
યહોવાની સ્તુતિ થાઓ!
29 “જ્યારે હારુન પવિત્ર સ્થાનમાં પ્રવેશે, ત્યારે તેની પાસે ન્યાયકરણના ઉરપત્ર પર ઇસ્રાએલના બાર પુત્રોનાં નામ ધારણ હોવા જોઈએ. 30 અને હંમેશા તેઓ દેવની યાદીમાં રહેશે. ઉરીમ અને તુમ્મીમને ન્યાયકરણના ઉરપત્રમાં મૂકવા. તે હારુન જ્યારે યહોવા સમક્ષ જાય, ત્યારે તેઓ તેની છાતી પર રહે. આ રીતે હારુન હંમેશા ઇસ્રાએલીઓના ન્યાય કરવાનું સાધન પોતાની સાથે રાખશે જ્યારે તે યહોવા સમક્ષ રહેશે ત્યારે.
યાજકોના અન્ય પોશાકો
31 “એફોદનો જામો આખો ભૂરા રંગના કાપડનો બનાવવો, ને તેની વચમાં માંથા માંટે એક કાણું રાખવું. 32 એ કાણાની કોર ચામડાના ડગલાનાં ગળાની જેમ ફરતેથી ગૂંથીને ઓટી લેવી, જેથી તે ફાટી જાય નહિ. 33 અને ડગલાની નીચેની કિનારીએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના દાડમનું ભરતકામ કરાવવું. અને બે દાડમોની વચમાં સોનાની ઘૂઘરીઓ મૂકવી. 34 જેથી નીચલી કોર ઉપર ફરતે પહેલાં સોનાની ઘૂઘરી, પછી દાડમ, ફરી ઘૂઘરી, પછી દાડમ એ રીતે હાર થઈ જાય. હારુન જ્યારે યાજક તરીકે સેવા કરે ત્યારે એ પહેરે. 35 જ્યારે તે પવિત્રસ્થાનમાં યહોવાના સાન્નિધ્યમાં જાય અથવા ત્યાંથી બહાર આવે, ત્યારે એ ઘૂઘરીઓનો અવાજ સંભળાશે, જેથી તે મૃત્યુ પામશે નહિ.
36 “પછી શુદ્ધ સોનાનું એક પત્ર બનાવવું અને તેના પર ‘યહોવાને સમર્પિત’ એમ કોતરાવવું. 37 એ પત્ર પાધડીના આગળના ભાગમાં ભૂરી દોરી વડે બાંધવું. 38 હારુને એ પોતાના કપાળ પર ધારણ કરવું જેથી ઇસ્રાએલીઓ જે દાન આપે તેમાં કોઈ દોષ હોય તો તે દોષ હારુન પોતાને માંથે લઈ લે. અને હારુને તે કાયમ પોતાના કપાળ પર પહેરી રાખવું જેથી યહોવા એ પવિત્ર દાનથી પ્રસન્ન રહે.
પાઉલની પ્રાર્થના
3 હું જ્યારે પણ તમને યાદ કરું છું. ત્યારે મારા દેવનો આભાર માનું છું. 4 અને તમારા બધા માટે હું હમેશા આનંદથી પ્રાર્થના કરું છું. 5 મે જ્યારે લોકોને સુવાર્તા આપી ત્યારે તમે મારી જે મદદ કરી તે માટે હું પ્રભુનો આભારી છું. તમે જે દિવસથી વિશ્વાસી બન્યા તે દિવસથી તમે મને મદદ કરી. 6 દેવે તમારામાં શુભ કામની શરૂઆત કરી અને તે તમારા પ્રતિ હજુ પણ ચાલુ છે. મને ખાતરી છે કે ઈસુ ખ્રિસ્તનું પુરાગમન થશે, ત્યારે દેવ તે કામ પુરું કરશે.
7 મને ખબર છે કે તમારા વિષે આમ વિચારવામાં હું સાચો છું. તમે મારા અંતરમાં છો, તેથી હું નિશ્ચિંત છું, હું મારી જાતને તમારી ઘણી નજીક અનુભવું છું. હું તમારી સાથે આત્મીયતા અનુભવું છું કારણ કે મારી સાથે દેવની કૃપામાં તમે ભાગીદાર છો. જ્યારે હું જેલમાં હોઉ છું, અને જ્યારે હું સુવાર્તાના સત્યમાં બચાવ કરું છું અને મકકમતા દાખવું છું ત્યારે મારી સાથે તમે દેવ કૃપાના સહભાગી છો. 8 દેવ જાણે છે કે તમને મળવાને હું ઘણો આતુર છું. હું તમને બધાને ખ્રિસ્ત ઈસુના પ્રેમ સાથે ચાહું છું.
9 તમારા માટે મારી આ પ્રાર્થના છે કે:
તમારો પ્રેમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે; કે તમને જ્ઞાન શાણપણ પ્રેમ સાથે પ્રાપ્ત થાય; 10 તમે સારા અને નરસાનો તફાવત સમજી શકો અને સારાની પસંદગી કરો જેથી ખ્રિસ્તના પુનઃઆગમન માટે તમે નિમર્ળ અને નિષ્કલંક થાઓ. 11 તમે ઈસુ ખ્રિસ્તની મદદથી ઘણા સારાં કાર્યો કરશો જે દેવનો મહિમા વધારશે અને દેવની સ્તુતિ કરશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International