Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.
1 હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
અમને પ્રકાશ આપો!
2 એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
અમને તારવાને આવ.
3 હે દેવ, અમને તમે ફેરવો;
તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
4 હે સૈન્યોના યહોવા દેવ,
ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
5 તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6 તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.
7 હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો,
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો,
જેથી અમારો ઉદ્ધાર થાય.
8 તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢયા
અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.
9 તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી,
તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા,
અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.
11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.
12 તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે
કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે,
અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.
14 હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો,
અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે,
જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
16 તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે.
તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.
17 તમારા જમણા હાથે જે માણસ છે,
અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
એક નવો સમય આવી રહ્યો છે
17 યહોવા કહે છે, “જુઓ, હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જુ છું.
પહેલાની સૃષ્ટિને કોઇ સંભારશે નહિ,
તેનું કોઇને સ્મરણ પણ નહિ થાય.
18 પરંતુ હું જે સર્જું છું, તેથી તમે ખુશ થઇને સદા આનંદોત્સવ કરો, કારણ,
હું એક યરૂશાલેમનું સર્જન કરીશ,
જે મારા માટે આનંદ લાવશે
અને જેના લોકો મારાથી ખુશખુશાલ હશે.
19 “હું યરૂશાલેમમાં આનંદ પામીશ
અને ત્યાં રહેતા લોકોથી ખુશ રહીશ.
ત્યાં ફરીથી રૂદન
તથા આક્રંદનો અવાજ સંભળાશે નહિ.
20 ત્યાં નવાં જન્મેલા બાળકો થોડા
દિવસ જીવીને મૃત્યુ પામશે નહિ;
પૂરું આયુષ્ય ભોગવ્યા વિના કોઇ વૃદ્ધ મૃત્યુ પામશે નહિ;
અને સો વરસ પૂરાં ન જીવવું એ શાપરૂપ મનાશે.
21 “લોકો જે ઘર બાંધશે તેમાં રહેવા પામશે,
જે દ્રાક્ષની વાડીઓ રોપશે તેના ફળ ખાવા પામશે.
22 કોઇ ઘર બાંધે ને કોઇ વસે,
કોઇ વાડી રોપે ને કોઇ
ખાય એવું નહિ બને.
વૃક્ષની જેમ મારા લોકો લાંબું જીવશે.
મારા અપનાવેલા લોકો
પોતાના પરિશ્રમના ફળ ભોગવવા પામશે.
23 તેઓની મહેનત વ્યર્થ નહિ જાય,
અને તેમણે ઉછેરેલા બાળકો
આફતનો ભોગ નહિ બને,
કારણ, હું યહોવા, તેમને અને તેમના સંતાનોને આશીર્વાદ આપીશ.
24 તેઓ મને પોકારે તે પહેલાં જ હું જવાબ આપીશ,
તેઓ બોલે ના બોલે ત્યાં તો મેં સાંભળી લીધું હશે.
25 વરૂ તથા ઘેટાનું બચ્ચું સાથે ચરશે,
સિંહ બળદની જેમ કડબ ખાશે,
અને ઝેરી સર્પો કદી ડંખ મારશે નહિ!
મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કરશે નહિ ને વિનાશ કરશે નહિ.”
એમ યહોવા કહે છે.
18 “હું માતા પિતા વિનાના બાળકોની જેમ તમને બધાને એકલા છોડીશ નહિ. હું તમારી પાસે પાછો આવીશ. 19 ખૂબ જ ટૂંકા સમયમાં જગતના લોકો મને વધારે વખત જોઈ શકશે નહિ. પણ તમે મને જોઈ શકશો. તમે જીવશો કારણ કે હું જીવું છું. 20 તે દિવસે તમે જાણશો કે હું પિતામાં છું. તમે જાણશો કે તમે મારામાં છો અને હું તમારામાં છું. 21 જો કોઈ વ્યક્તિ મારી આજ્ઞાને જાણે છે અને તે આજ્ઞાઓનું પાલન કરે છે. પછી તે માણસ ખરેખર મને પ્રેમ કરે છે અને મારા પિતા તે વ્યક્તિને પ્રેમ કરે છે જે મને પ્રેમ કરે છે અને હું તે માણસને પ્રેમ કરીશ. હું મારી જાતે તેને બતાવીશ.”
22 પછી યહૂદાએ (યહૂદા ઈશ્કરિયોત નહિ) કહ્યું, “પણ પ્રભુ, તું શા માટે અમારી આગળ પ્રગટ થવાની યોજના કરે છે, પણ જગત આગળ નહિ?”
23 ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ વ્યક્તિ મને પ્રેમ કરે છે, તો તે મારા વચનનું પાલન કરશે. મારા પિતા તે વ્યક્તિને પ્રેમ કરશે. મારા પિતા અને હું તે વ્યક્તિ પાસે આવીશું અને તેની સાથે રહીશું. 24 પણ જે વ્યક્તિ મને પ્રેમ કરતો નથી. તે મારા વચનનું પાલન કરતો નથી, આ વચન જે તમે સાંભળો છો તે ખરેખર મારું નથી. તે જેણે મને મોકલ્યો છે તે મારા પિતાનું છે.
25 “મેં તમને આ બધા વચનો કહ્યા જ્યારે હું તમારી સાથે છું. 26 પરંતુ સંબોધક તમને બધું જ શીખવશે. મેં જે બધી બાબતો તમને કહીં છે તેનું સ્મરણ સંબોધક કરાવશે. આ સંબોધક પવિત્ર આત્મા છે જેને પિતા મારા નામે મોકલશે.
27 “હું તમને શાંતિ આપીને જાઉં છું. હું તમને આપું છું તે મારી પોતાની શાંતિ છે. જગત આપે છે તેના કરતાં જુદી રીતે હું તમને શાંતિ આપીશ. તેથી તમારા હૃદયોને વ્યાકુળ થવા દેશો નહિ. ડરશો નહિ. 28 તમે મને સાંભળ્યો, જો તમને કહ્યું છે કે, ‘હું વિદાય થાઉં છું, પણ હું તમારી પાસે પાછો આવીશ.’ જો તમે મને પ્રેમ કરશો તો તમે સુખી થશો. હું પાછો પિતા પાસે જાઉં છું. શા માટે? કારણ કે હું છું તેના કરતાં પિતા વધારે મહાન છે. 29 મેં હમણાં તમને આમ કહ્યું તે બનતા પહેલા કહ્યું છે. પછી જ્યારે તે બનશે, ત્યારે તમે વિશ્વાસ કરશો.
30 “હું તમારી સાથે વધારે લાંબો સમય વાત કરીશ નહિ. જગતનો શાસક (શેતાન) આવે છે. તેને મારા પર અધિકાર નથી. 31 પરંતુ જગતે જાણવું જોઈએ કે હું પિતાને પ્રેમ કરું છું. તેથી પિતાએ મને જે કરવા કહ્યું છે તે બરાબર કરું છું.
“આવો. આપણે આ જગ્યા છોડીશું.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International