Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.
1 હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
અમને પ્રકાશ આપો!
2 એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
અમને તારવાને આવ.
3 હે દેવ, અમને તમે ફેરવો;
તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
4 હે સૈન્યોના યહોવા દેવ,
ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
5 તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6 તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.
7 હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો,
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો,
જેથી અમારો ઉદ્ધાર થાય.
8 તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢયા
અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.
9 તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી,
તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા,
અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.
11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.
12 તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે
કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે,
અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.
14 હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો,
અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે,
જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
16 તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે.
તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.
17 તમારા જમણા હાથે જે માણસ છે,
અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
દેવની દ્રાક્ષવાટિકા
5 હવે હું મારા પ્રિયતમ અને જેને હું સ્નેહ કરું છું તેની સમક્ષ તેની દ્રાક્ષવાટિકા વિષે ગીત ગાઉં છું.
ફળદ્રુપ ટેકરી પર મારા પ્રિયતમની
એક દ્રાક્ષની વાડી હતી.
2 તેણે તેને ખેડી અને પથ્થર વીણી કાઢયા.
અને અતિ ઉત્તમ દ્રાક્ષીના વેલા રોપ્યા,
તેણે તેની વચ્ચે ચોકી કરવાની છાપરી બાંધી
અને દ્રાક્ષને પીલવા કુંડ ખોદી કાઢયો. એમાં
મીઠી દ્રાક્ષ થશે એવી તેને આશા હતી.
પણ થઇ ત્યારે તેવી મીઠી દ્રાક્ષ બિલકુલ નહોતી.
3 દેવે કહ્યું કે, “હે યરૂશાલેમ તથા યહૂદાના લોકો તમે આ કિસ્સો સાંભળ્યો છે?
તમે ન્યાય કરો!
4 આથી વિશેષ હું શું કરી શક્યો હોત?
મારી દ્રાક્ષવાટિકાએ
મને મીઠી દ્રાક્ષને બદલે ખાટી દ્રાક્ષ
શા માટે આપી?
5 “માટે હવે સાંભળો,
મારી દ્રાક્ષનીવાડીનું હું શું કરીશ તે તમને કહું છું:
હું એના વાડાઓ કાઢી
અને તેનો નાશ થવા દઇશ,
હું એના વાડાઓ તોડી નાખીશ,
તેને પગ નીચે કચડાવી દઇશ.
6 અને હું તેને ઉજ્જડ રહેવા દઇશ,
કોઇ એને કાપશે નહિ અને કોઇ એને ખેડશે નહિ,
એમાં કાંટા ઝાંખરા ઊગી નીકળશે.
હું વાદળોને આજ્ઞા કરીશ
કે એમાં કોઇ વરસાદ ન વરસાવો.”
7 ઇસ્રાએલી લોકો તે સૈન્યોના દેવ યહોવાની દ્રાક્ષવાટિકા છે. યહૂદાના માણસો અને છોડવાઓ જેને પ્રેમથી ઉછેર્યા છે.
તેણે ન્યાયની આશા રાખી હતી.
પણ બદલો મળ્યો અન્યાય નો!
તેમણે આશા રાખી હતી સદાચારની પણ,
જે બધું તેણે સાંભળ્યું તે મદદ માટેની બૂમો હતી!
આત્મા અને માનવી સ્વભાવ
16 તો હું તમને કહું છું: આત્માને અનુસરીને જીવો. તો તમારો પાપી દેહ ઈચ્છે છે તેવા પાપી કામો તમે નહિ કરો. 17 આપણો દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે. અને આત્મા જે આપણા પાપી દેહની વિરુંદ્ધ છે તે ઈચ્છે છે. આ બે ભિન્ન વસ્તુઓ એકબીજાની વિરુંદ્ધ છે. તેથી તમે જે ખરેખર ઈચ્છો છો, તે વસ્તુ તમે કરતા નથી. 18 પરંતુ જો તમે આત્માથી દોરાશો, તો તમે નિયમને આધિન નથી.
19 આપણા દેહનાં કામ તો ખુલ્લા છે એટલે: વ્યભિચાર, અપવિત્રતા, વિશ્વાસઘાત, 20 જુઠા દેવની પૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, મુશ્કેલીઓ ઊભી કરવી, ઈર્ષા, અતિક્રોધ, સ્વાર્થપણું, લોકોને એકબીજાની વિરુંદ્ધ ઉશ્કેરવા, પક્ષાપક્ષી, 21 અદેખાઈ, છાકટાઈ, વિલાસ અને આ પ્રકારના એવા કામ, જેમ મે તમને પહેલા જે રીતે ચેતવ્યા હતા, તેમ અત્યારે ચેતવું છું. જે લોકો આવા કામો કરે છે, તેઓનું દેવના રાજ્યમાં સ્થાન નથી. 22 પરંતુ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23 નમ્રતા, તથા સંયમ છે એવાંની વિરુંદ્ધ કોઈ નિયમ નથી જે કહી શકે કે આ વસ્તુઓ ખોટી છે. 24 જે લોકો ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધાં બધસ્તંભે જડ્યો છે. તેઓએ તેઓની જૂની સ્વાર્થી લાગણીઓનો ત્યાગ કર્યો છે અને દુષ્ટ કામો જે તેઓ કરવા ઈચ્છતા હતા તેનો પણ ત્યાગ કર્યો છે. 25 આપણને આપણું નવજીવન આત્માથી પ્રાપ્ત થાય છે. તેથી આપણે આત્માને અનુસરવો જોઈએ. 26 આપણે ઘમંડી થઈને એકબીજાને ખીજવવા જોઈએ નહિ. આપણે એકબીજા માટે મુશ્કેલી ઊભી ન કરવી જોઈએ. અને આપણે એકબીજાની ઈર્ષા ન કરવી જોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International