Revised Common Lectionary (Semicontinuous)
ઈથિઓપિયાના એક માણસને ફિલિપનો બોધ
26 પ્રભુના દૂતે ફિલિપને કહ્યું. તે દૂતે કહ્યું, “તૈયાર થઈ જા અને દક્ષિણમાં જા. યરૂશાલેમથી ગાઝા જવાના રસ્તેથી જા. આ રસ્તો રેતીના રણમાં થઈને જાય છે.”
27 તેથી ફિલિપ તૈયાર થઈને ગયો. રસ્તામાં તેણે એક ઈથિઓપિયાના માણસને જોયો. તે એક ખોજો હતો. તે ઈથિઓપિયા (હબશીઓ) ની રાણી કંદિકાના હાથ નીચે એક મહત્વનો અમલદાર હતો. તે તેણીના બધા ધનભંડારની કાળજી રાખવા માટે જવાબદાર હતો. આ માણસ યરૂશાલેમ ભજન કરવા ગયો હતો. 28 હવે તે તેના ઘર તરફના રસ્તે પાછો ફરી રહ્યા હતો. ત્યાં તે તેના રથમાં બેસીને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો.
29 આત્માએ ફિલિપને કહ્યું, “પેલા રથ પાસે જા અને તેની નજીકમાં ઊભો રહે.” 30 તેથી ફિલિપ રથ નજીક ગયો. અને તે માણસને વાંચતા સાંભળ્યો. તે યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો. ફિલિપે તેને કહ્યું, “તું જે વાંચે છે તે શું તું સમજે છે?”
31 તે માણસે કહ્યું, “હું કેવી રીતે સમજી શકું? મને કોઇ માર્ગદર્શન આપનારની જરુંર છે.” પછી તેણે રથમાં આવીને તેની સાથે બેસવા નિમંત્રણ આપ્યું. 32 શાસ્ત્રનું જે પ્રકરણ વાંચતો હતો તે આ પ્રમાણે હતું કે:
“ઘેટાંની જેમ તેને મારી નાંખવા માટે લઈ જવામાં આવ્યો.
તે એક હલવાન જેમ જ્યારે કોઇ તેનું ઊન કાતરે ત્યારે મૌન રહે છે. તેમ તેણે પોતાનું મોંઢું ખોલ્યું નહિ.
તે કંઈ જ બોલ્યો નહિ.
33 તે શરમાળ હતો, અને તેના બધા હક્કો છિનવાઈ ગયા હતા.
પૃથ્વી પરના તેના જીવનનો અંત આવ્યો;
તેના પરિવારના સંદર્ભમાં હવે કોઇ વર્ણન મળશે નહિ.” (A)
34 તે અમલદારે ફિલિપને કહ્યું, “કૃપા કરીને મને કહે. તેના સંદર્ભમાં કહેનારો પ્રબોધક કોણ છે? તે તેના પોતા વિષે કહે છે કે બીજા કોઇ માટે કહે છે?” 35 ફિલિપે બોલવાનું શરું કર્યુ. તેણે આ શાસ્ત્રથી જ શરુંઆત કરીને પેલા માણસને ઈસુના સંદર્ભમાં સુવાર્તા કહી.
36 જ્યારે તેઓ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે તેઓ એક જગ્યાએ આવ્યા જ્યાં પાણી હતું. તે અમલદારે કહ્યું, “જુઓ! અહી પાણી છે! અહી બાપ્તિસ્મા લેવામાં મને કોઈ અડચણ પડે તેમ નથી.” 37 ફિલિપે જવાબ આપ્યો, જો તું તારા સંપૂર્ણ હ્રદયથી વિશ્વાસ કરતો હોય તો તું કરી શકે. તે અમલદારે કહ્યું, “મને વિશ્વાસ છે કે ઈસુ ખ્રિસ્ત તે દેવનો દીકરો છે.” 38 પછી અમલદારે રથને ઊભો રાખવા આજ્ઞા કરી. ફિલિપ અને અમલદાર બંને પાણીમાં નીચે ઉતર્યા. અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું. 39 જ્યારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો. અમલદારે પછી તેને ફરીથી કદી જોયો નહિ. અમલદારે તેના ઘર તરફ ચાલવા માંડ્યું. તે ખુશ હતો. 40 ફિલિપ અશ્દોદ નામના શહેરમાં જોવામાં આવ્યો. તે અશ્દોદથી કૈસરિયા સુધીના માર્ગમાં બધા શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો ગયો.
25 હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું;
સર્વ ભય રાખનારાઓની સામે, હા, હું મારી માનતા પૂરી કરીશ.
26 દરિદ્રીજનો ખાઇને તૃપ્ત થશે, જેઓ યહોવાને શોધે છે,
તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરશે, અને તેઓ હર્ષનાદ
અને અવિનાશી આનંદથી તેમની સ્તુતિ કરશે.
27 ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે.
ભલે રાષ્ટ્રોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે.
28 કારણ, યહોવા રાજા છે,
અને તે સર્વ પ્રજા ઉપર રાજ કરે છે.
29 બધા લોકો, જેઓ મજબૂત અને તંદુરસ્ત છે તેઓએ ખાધું છે
અને યહોવા સમક્ષ નીચે નમ્યા છે.
હા, એ બધાં જેઓ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અને તે
પણ લોકો જેઓ અત્યાર સુધીમાં મરણ પામ્યા છે તે બધાં યહોવાની સામે નીચા નમશે.
30 યહોવાનાં અદ્ભુત કર્મો વિષે આવતી પેઢી પણ સાંભળશે,
અને આપણાં સર્વ સંતાનો પણ તેમની સેવા કરશે.
31 આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે.
અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે.
પ્રેમ દેવ પાસેથી આવે છે
7 વહાલા મિત્રો, આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ, કારણ કે પ્રેમ દેવ પાસેથી આવે છે. જે વ્યક્તિ પ્રેમ કરે છે તે દેવનુ બાળક બને છે અને દેવને ઓળખે છે. 8 જે વ્યક્તિ પ્રેમ કરતો નથી તે દેવને આળખતો નથી કેમ કે દેવ પ્રેમ છે. 9 આ રીતે દેવે તેનો પ્રેમ આપણને બતાવ્યો છે: દેવે તેના એક માત્ર પુત્રને તેના મારફત આપણને જીવન આપવા માટે આ દુનિયામાં મોકલ્યો છે. 10 સાચો પ્રેમ એ દેવનો આપણા પ્રત્યેનો પ્રેમ છે, આપણે દેવ પર પ્રેમ રાખ્યો એમ નહિ. પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યો એમાં પ્રેમ છે.
11 જો દેવે આપણને આટલો બધો પ્રેમ આપ્યો તો, વહાલા મિત્રો! તેથી આપણે પણ એકબીજાને પ્રેમ કરવો જોઈએ. 12 કોઈ વ્યક્તિએ હજુ સુધી દેવને જોયો નથી. પણ જો આપણે એકબીજાને પ્રેમ કરીશું, તો દેવ આપણામાં રહે છે. જો આપણે એકબીજાને પ્રેમ કરીએ, તો દેવનો પ્રેમ આપણામાં સંપૂણૅ થયેલો છે.
13 આપણે જાણીએ છીએ કે આપણે દેવમાં રહીએ છીએ અને દેવ આપણામાં રહે છે. આપણે આ જાણીએ છીએ કેમ કે દેવે આપણને તેનો આત્મા આપ્યો છે. 14 અમે જોયું છે કે પિતાએ તેના પુત્રને જગતનો તારનાર થવા મોકલ્યો છે. હવે આપણે લોકોને જે કહીએ છીએ તે આ છે. 15 જો કોઈ વ્યક્તિ કહે કે, “મને વિશ્વાસ છે કે ઈસુ દેવનો પુત્ર છે.” તો દેવ તે વ્યક્તિમાં રહે છે. અને તે વ્યક્તિ દેવમાં રહે છે. 16 અને તેથી આપણે જાણીએ છીએ કે દેવે આપણને કેટલો બધો પ્રેમ આપ્યો છે. અને આપણે તે પ્રેમ પર વિશ્વાસ કર્યો છે.
દેવ પ્રેમ છે. જે વ્યક્તિ પ્રેમમાં રહે છે તે દેવમાં રહે છે, અને દેવ તે વ્યક્તિમાં રહે છે. 17 જો દેવનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થાય તો, પછી જ્યારે દેવ આપણો ન્યાય કરશે તે દિવસે આપણે ભયરહિત રહી શકીશું આપણે નિર્ભય રહીશું, કારણ કે આ જગતમાં આપણે તેના (ખ્રિસ્ત કે દેવ) જેવા છીએ. 18 જ્યાં દેવનો પ્રેમ છે, ત્યાં ભય નથી. શા માટે? કારણ કે દેવનો સંપૂર્ણ પ્રેમ ભય દૂર કરે છે. દેવની શિક્ષા વ્યક્તિને ભયભીત બનાવે છે. તેથી જે વ્યક્તિમાં ભય છે તેનામાં દેવનો પ્રેમ સંપૂર્ણ થતો નથી.
19 આપણે પ્રેમ કરીએ છીએ કારણ કે પહેલા દેવે આપણા પર પ્રેમ કર્યો. 20 જો કોઈ વ્યક્તિ કહે કે: “હું દેવને પ્રેમ કરું છું.” પરંતુ તે વ્યક્તિ ખ્રિસ્તમાં તેના ભાઈ કે બહેનનો દ્ધેષ કરે છે. તો તે વ્યક્તિ જુઠો છે. તે વ્યક્તિ તેના ભાઈને જોઈ શકે છે, છતાં તે તેનો દ્ધેષ કરે છે. તેથી તે વ્યક્તિ દેવને પ્રેમ કરી શકતો નથી, કારણ કે તેણે દેવને કદી જોયો નથી. 21 અને દેવ આપણને આ આજ્ઞા કરી છે: જે વ્યક્તિ દેવને પ્રેમ કરે છે તેણે ખ્રિસ્તમાં તેના ભાઈઓ અને બહેનોને પણ પ્રેમ કરવો જોઈએ.
ઈસુ એક દ્રાક્ષાવેલો છે
15 ઈસુએ કહ્યું, “હું ખરો દ્રાક્ષાવેલો છું; મારો પિતા માળી છે. 2 તે ફળ નહિ ઉગાડતી મારી પ્રત્યેક ડાળીઓ કાપી નાખે છે. અને જે ફળ ઉગાડે છે તેવી ડાળીઓને વધારે ફળ આવે તે માટે શુદ્ધ કરે છે. 3 મેં તમને જે વચનો કહ્યાં છે તેનાથી તમે હવે શુદ્ધ થઈ ગયા છો. 4 તમે મારામાં છો અને હું તમારામાં રહીશ. કોઈ ડાળી એકલી ફળ આપી શકે નહિ. તે દ્રાક્ષાવેલામાં હોવી જોઈએ. તમારું મારી સાથે તેવું જ છે. તમે એકલા ફળ આપી શકો નહિ. તમારે મારામાં રહેવું જોઈએ.
5 “હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો. જો કોઈ વ્યક્તિ મારામાં સતત રહે છે. તો હું તે વ્યક્તિમાં રહું છું પછી તે વ્યક્તિ વધારે ફળ આપે છે. પણ મારા વિના તે વ્યક્તિ કઈ જ કરી શક્તી નથી. 6 જો કોઈ વ્યક્તિ મારામાં રહેતી નથી તો પછી તે ડાળી ફેંકી દેવા જેવી છે. તે ડાળી નાશ પામે છે. લોકો સુકાઈ ગયેલી ડાળીઓ ઉપાડી લે છે અને તેને અગ્નિમાં નાખીને બાળી નાખે છે. 7 મારામાં રહો, અને મારાં વચનમાં રહો. જો તમે તેને અનુસરવાનું ચાલુ રાખશો તો તમે તમારી જરૂરી કોઈ પણ વસ્તુ માગી શકશો. અને તે તમને આપવામાં આવશે. 8 તમારે વધારે ફળ આપવાં જોઈએ અને બતાવવું જોઈએ કે તમે મારા શિષ્યો છો. આનાથી મારા પિતાને મહિમા પ્રાપ્ત થાય છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International