Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 22:25-31

25 હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું;
    સર્વ ભય રાખનારાઓની સામે, હા, હું મારી માનતા પૂરી કરીશ.
26 દરિદ્રીજનો ખાઇને તૃપ્ત થશે, જેઓ યહોવાને શોધે છે,
    તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરશે, અને તેઓ હર્ષનાદ
    અને અવિનાશી આનંદથી તેમની સ્તુતિ કરશે.
27 ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે.
    ભલે રાષ્ટ્રોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે.
28 કારણ, યહોવા રાજા છે,
    અને તે સર્વ પ્રજા ઉપર રાજ કરે છે.
29 બધા લોકો, જેઓ મજબૂત અને તંદુરસ્ત છે તેઓએ ખાધું છે
    અને યહોવા સમક્ષ નીચે નમ્યા છે.
હા, એ બધાં જેઓ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અને તે
    પણ લોકો જેઓ અત્યાર સુધીમાં મરણ પામ્યા છે તે બધાં યહોવાની સામે નીચા નમશે.
30 યહોવાનાં અદ્ભુત કર્મો વિષે આવતી પેઢી પણ સાંભળશે,
    અને આપણાં સર્વ સંતાનો પણ તેમની સેવા કરશે.
31 આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે.
    અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે.

આમોસ 8:11-13

દેવની દુનિયાને ભયંકર ભૂખમરો

11 આ યહોવાના વચન છે:

“જુઓ, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે
    હું દેશમાં દુકાળ મોકલીશ.
લોકોને ભૂખ લાગશે પણ રોટલાની ભૂખ નહિ;
    તરસ લાગશે પણ પાણીની નહિ,
    યહોવાનું વચન સાંભળવાની ભૂખ અને તરસ લાગશે.
12 ત્યારે લોકો સમુદ્રથી સમુદ્ર સુધી
    અને ઉત્તરથી પૂર્વ સુધી યહોવાના
    વચનોની શોધમાં ભટકશે.
તેની શોધમાં તેઓ અહીં તહીં દોડશે
    પણ તે તેઓને મળશે નહિ.
13 તે દિવસે રૂપવતી અક્ષતા કન્યાઓ
    અને યુવાન માણસો તરસને કારણે બેભાન થઇ જશે.

પ્રેરિતોનાં કૃત્યો 8:9-25

પણ તે શહેરમાં એક સિમોન નામનો માણસ હતો. ફિલિપના આવતા પહેલા સિમોન ત્યાં જાદુના ખેલ કરતો હતો. તે સમારીઆના બધા લોકોને તેની યુકિતોથી અચરજ પમાડતો હતો. તે તેની જાતને મહાન માણસ કહેવડાવવાનો દંભ કરતો. 10 બધા જ લોકો ઓછા મહત્વના કે વધારે મહત્વના-સિમોન જે કહેતો તે માનતા. લોકો કહેતા, “આ માણસ પાસે દેવની સત્તા છે. ‘જે મહાન સત્તા’ કહેવાય છે!” 11 સિમોન તેના જાદુઇ ખેલોથી લોકોને આશ્ચર્યચકિત કરતો રહ્યો. 12 પણ ફિલિપે લોકોને દેવના રાજ્ય અને ઈસુ ખ્રિસ્તના નામ વિષે સુવાર્તા કહી, પુરુંષો અને સ્ત્રીઓએ ફિલિપમાં વિશ્વાસ મૂક્યો. તેઓએ બાપ્તિસ્મા લીધું. 13 સિમોને પોતે પણ વિશ્વાસ મૂક્યો અને બાપ્તિસ્મા પામ્યો. સિમોન ફિલિપની સાથે રહ્યો. ફિલિપે જે અદભૂત ચમત્કારો અને સાર્મથ્યવાન કાર્યો કર્યા તે જોઈ તે ઘણો નવાઈ પામ્યો.

14 પ્રેરિતો હજુ યરૂશાલેમમાં હતા. તેઓએ સાંભળ્યું કે સમારીઆના લોકોએ દેવની વાત સ્વીકારી છે તેથી પ્રેરિતોએ પિતર અને યોહાનને સમારીઆના લોકો પાસે મોકલ્યા. 15 જ્યારે પિતર અને યોહાન આવી પહોંચ્યા ત્યારે, તેઓએ સમારીઆના વિશ્વાસીઓ પવિત્ર આત્મા પામે તે માટે પ્રાર્થના કરી. 16 આ બધા લોકોને ઈસુના નામે બાપ્તિસ્મા આપ્યું. પરંતુ હજુ સુધી તેઓમાંના કોઈમાં પવિત્ર આત્મા ઉતર્યો ન હતો. તેથી પિતર અને યોહાને પ્રાર્થના કરી. 17 તે બે પ્રેરિતોએ તે લોકો પર હાથ મૂક્યા. પછી તે લોકો પવિત્ર આત્મા પામ્યા.

18 સિમોને જોયું કે જ્યારે પ્રેરિતોએ તેઓના પર તેઓના હાથ મૂક્યા ત્યારે જ તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થયેલ છે. તેથી સિમોને પ્રેરિતોને પૈસા આપવાની દરખાસ્ત કરી. 19 સિમોને કહ્યું, “તમારા જેવો અધિકાર મને પણ આપો જેથી જ્યારે હું કોઇ માણસના માથે હાથ મૂકું તો તેને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.”

20 પિતરે સિમોનને કહ્યું, “તું અને તારા પૈસા બંને બરબાદ થઈ જશે! કારણ કે તેં વિચાર્યુ કે દેવનું દાન પૈસાથી મળે છે. 21 તું આ કામમાં અમારી સાથે ભાગ લઈ શકીશ નહિ. તારું હ્રદય દેવ સમક્ષ ન્યાયી નથી. 22 તું પસ્તાવો કર! તેં આ જે કંઈ ખરાબ કર્યુ છે ત્યાંથી તું પાછો વળ. પ્રભુને પ્રાર્થના કર. કદાચ તારા અંત:કરણના આ વિચારને તે માફ કરશે. 23 હું જોઈ શકું છું કે તું અદેખાઈની કડવાશમાં અને પાપના બંધનમાં છે.”

24 સિમોને જવાબ આપ્યો, “તમે બંને પ્રભુને મારા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે તમે જે કહ્યું છે તે હવે મારી સાથે બનશે નહિ!”

25 પછી તે બે પ્રેરિતોએ ઈસુની જે વાતો જોઈ હતી તે કહી. પ્રેરિતોએ લોકોને પ્રભુનો તે સંદેશ કહ્યો. પછી તેઓ યરૂશાલેમ પાછા ફર્યા. રસ્તામાં જતાં જતાં સમરૂનીઓમાંનાં ઘણાં ગામોમાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International