Revised Common Lectionary (Semicontinuous)
1 આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ;
આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.
2 તેની હજૂરમાં આભારસ્તુતિ સાથે આવીએ;
અને આપણે તેની સમક્ષ સ્તુતિગાન કરીએ.
3 કારણ, યહોવા મહાન દેવ છે;
તે સર્વ દેવો પર મહાન રાજા છે.
4 તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે.
5 જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ
પણ બનાવી તેમના તે માલિક છે.
6 આવો આપણે તેને ભજીએ અને નમીએ;
ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
7 કારણ તે આપણા દેવ છે,
આપણે તેના ચારાના લોક
અને તેના હાથના ઘેટાં છીએ.
આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!
8 દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં,
પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.
9 તમારા પિતૃઓએ મારી કસોટી કરી,
પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!”
10 યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું,
તે લોકો અવિનયી છે.
તેઓએ મારા માર્ગો કદી શીખ્યાં નથી.
11 મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી
કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં,
તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”
ઇસ્રાએલના રાજા તરીકે દાઉદ
11 ત્યારબાદ સર્વ ઇસ્રાએલીઓએ હેબ્રોનમાં ભેગા થઇને દાઉદને કહ્યું, “અમે તમારા જ કુટુંબીજનો છીએ. 2 ભૂતકાળમાં જ્યારે શાઉલ અમારો રાજા હતો ત્યારે પણ તમે જ ઇસ્રાએલી સેનાની આગેવાની લેતા હતા, અને તમારા દેવ યહોવાએ તમને કહ્યું હતું કે, ‘મારા લોકોની, ઇસ્રાએલની સારસંભાળ લેનાર માણસ તું છે, તું જ તેમનો શાસનકર્તા થવાનો છે.’”
3 આથી ઇસ્રાએલના બધા આગેવાનો રાજા દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યા અને દાઉદે યહોવાની સાક્ષીએ તેમની સાથે હેબ્રોનમાં કરાર કર્યો અને તેમણે દાઉદનો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર્યો, અને એ રીતે યહોવાએ શમુએલને આપેલું વચન પરિપૂર્ણ થયું.
યરૂશાલેમ કબ્જે કરતો દાઉદ
4 પછી દાઉદ અને આખુ ઇસ્રાએલ યરૂશાલેમ જે યબૂસ તરીકે ઓળખાતું ત્યાં ગયા; ત્યાં યબૂસી અને તેના મૂળ વતનીઓ રહેતા હતા. 5 યબૂસના રહેવાસીઓએ તેઓને નગરમાં પ્રવેશવા દીધા નહિ. તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે પાછળથી દાઉદનગર તરીકે ઓળખાયો.
6 દાઉદે કહ્યું, “જે કોઇ યબૂસીઓને મારવામાં પહેલ કરશે તેને સરસેનાપતિ બનાવવામાં આવશે.” યોઆબ બીન સરૂયાએ સૌથી પહેલો હુમલો કર્યો અને તેથી તેને સરસેનાપતિ બનાવવામાં આવ્યો.
7 દાઉદે એ ગઢમાં વસવાટ કર્યો અને તેથી તેનું નામ દાઉદ-નગર પડ્યું. 8 દાઉદે મિલ્લોથી લઇને બધી બાજુ બાકીના શહેરને ફરીથી બંધાવ્યા. બાકીનું શહેર પછી યોઆબે બંધાવ્યા. 9 આમ દાઉદ ઉત્તરોત્તર બળવાન થતો ગયો, કારણકે સર્વસમર્થ યહોવા દેવ તેની સાથે હતા.
13 પછી વડીલોમાંના એકે મને પૂછયું કે, “આ શ્વેત ઝભ્ભાવાળા લોકો કોણ છે? તેઓ ક્યાંથી આવ્યા છે?”
14 મેં કહ્યું કે, “સાહેબ, તેઓ કોણ છે તે તમે જાણો છો.”
અને તે વડીલે કહ્યું કે, “જેઓ મોટી આફતમાથી પસાર થયા તે આ લોકો છે. તેઓએ હલવાનના રક્તથી તેમના ઝભ્ભા ધોયાં છે. હવે તેઓ ઊજળાં અને સ્વચ્છ છે. 15 તે માટે આ લોકો દેવના રાજ્યાસન આગળ છે. તેઓ મંદિરમાં રાતદિવસ દેવની આરાધના કરે છે અને તે એક જે રાજ્યાસન પર બેઠેલો છે તે તેઓનું રક્ષણ કરશે. 16 તેઓને ફરીથી કદી ભૂખ લાગશે નહિ, તેઓને ફરીથી કદી તરસ લાગશે નહિ. સૂર્ય તેમને ઈજા કરશે નહિ કોઈ પણ પ્રકારની ગરમી તેમને બાળશે નહિ. 17 રાજ્યાસનની મધ્યે જે હલવાન છે તે તેઓનો પાળક થશે. તે તેઓને જીવનજળનાં ઝરંણાંઓ પાસે દોરી લઈ જશે. અને દેવ તેઓની આંખોમાંનાં બધાજ આંસુ લૂછી નાખશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International