Revised Common Lectionary (Semicontinuous)
5 બીજા દિવસે યહૂદિ અધિકારીઓ, વડીલો, અને શાસ્ત્રીઓ યરૂશાલેમમાં ભેગા થયા. 6 અન્નાસ (પ્રમુખ યાજક) કાયાફા, યોહાન, અને આલેકસાંદર ત્યાં હતા. પ્રમુખ યાજક પરિવારના પ્રત્યેક ત્યાં હતા. 7 તેઓએ પિતર અને યોહાનને ભેગા થયેલા બધા લોકોની સામે ઊભા રાખ્યા. યહૂદિ આગેવાનોએ તેઓને ઘણી બધી વાર પૂછયું, “તમે કેવી રીતે આ અપંગ માણસને સાજો કર્યો? તમે કયા સાર્મથ્યનો ઉપયોગ કર્યો? તમે કોના અધિકારથી આ કર્યુ?”
8 પછી પવિત્ર આત્માથી ભરપૂર થઈને પિતરે તેઓને કહ્યું, “લોકોના આગેવાનો અને વડીલ આગેવાનો: 9 આ અપંગ માંદા માણસનું સારું કામ થયું છે તેના વિષે તમે પ્રશ્નો કરો છો? તમે અમને પૂછો છો કે તેને સાજો કોણે કર્યો? 10 અમે તમને બધાને અને બધા જ યહૂદિ લોકોને જણાવવા ઈચ્છીએ છીએ કે નાસરેથના ઈસુ ખ્રિસ્તના સાર્મથ્યથી આ માણસ સાજો થયો છે. તમે ઈસુને વધસ્તંભે જડી દીધો. દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો. આ માણસ લંગડો હતો પણ હવે તે સાજો થયો છે અને તમારી આગળ ઊભો રહેવા સમર્થ છે. તે ઈસુના સાર્મથ્યનું જ પરિણામ છે.
11 ‘જે પથ્થર તમે બાંધનારાઓએ નકામો ગણ્યો હતો.
પણ હવે એ જ પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.’(A)
12 માત્ર ઈસુ એકલો જ લોકોનું તારણ કરી શકે તેમ છે. દુનિયામાં તેના એકલાના નામમાં જ આ સાર્મથ્ય છે. જે લોકોનું તારણ કરવા માટે આપવામાં આવેલ છે. ઈસુના વડે આપણું તારણ થવું જોઈએ!”
દાઉદનું ગીત.
1 યહોવા મારા પાલનકર્તા છે.
તેથી મને કશી ખોટ પડશે નહિ.
2 તે મને લીલાં બીડમાં સુવાડે છે
અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
3 તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે.
તેમનાં નામનો મહિમા વધે તે માટે
તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
4 મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ;
કારણ હે યહોવા, તમે મારી સાથે છો,
તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
5 તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો.
અને મારા માથા પર તેલ રેડો છો.
મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
6 તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે;
અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.
16 એથી આપણે જાણીએ છીએ કે સાચો પ્રેમ શું છે ઈસુએ પોતાનો પ્રાણ આપણા માટે આપ્યો. તેથી આપણે ખ્રિસ્તમાં આપણા ભાઈઓ અને બહેનો માટે આપણું જીવન સમર્પણ કરવું જોઈએ. 17 ધારો કે એક વિશ્વાસી કે જે ખૂબ ધનવાન હોવાથી તેની પાસે જરુંરી બધી જ વસ્તુઓ હોય છે. તે ખ્રિસ્તમાં તેના ભાઈને જુએ છે જે ગરીબ છે અને તેની જરુંરી વસ્તુઓ તેની પાસે નથી. તો પછી જો વિશ્વાસી પાસે વસ્તુઓ હોય અને ગરીબ ને મદદ ન કરે તો શું? પછી જે વિશ્વાસી પાસે જરુંરી વસ્તુઓ છે પરંતુ તેના હૃદયમાં દેવની પ્રીતિ હોતી નથી. 18 મારાં બાળકો, આપણો પ્રેમ ફક્ત શબ્દોમાં અને વાતોમાં હોવો જોઈએ નહી. ના! આપણો પ્રેમ સાચો પ્રેમ હોવો જોઈએ. આપણે આપણો પ્રેમ આપણાં કાર્યો દ્વારા દર્શાવવો જોઈએ.
19-20 તેથી આ એ જ રસ્તો છે જે આપણે જાણીએ છીએ કે આપણે સત્ય માર્ગના છીએ. અને જ્યારે આપણે આપણું હૃદય દોષિત ઠરાવે છે, છતાં દેવ આગળ આપણને શાંતિ મળી શકે છે. શા માટે? કારણ કે દેવ આપણા હ્રદય કરતાં મહાન છે. તે દેવ બધુંજ જાણે છે.
21 મારા વહાલા મિત્રો, જો આપણું અંત:કરણ આપણને દોષિત ન ઠરાવે તો જ્યારે આપણે દેવ પાસે આવીએ છીએ ત્યારે આપણે નિર્ભય થઈ શકીએ છીએ. 22 અને દેવ આપણને આપણે જે માગીએ તે આપે છે. આપણે આ વાનાં પ્રાપ્ત કરીએ છીએ કેમ કે આપણે દેવની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અને આપણે દેવ પ્રસન્ન થાય તેવાં કામો કરીએ છીએ. 23 દેવે આપણને જે આજ્ઞા કરી છે તે આ છે કે, “આપણે તેના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ અને આપણે એકબીજાને પ્રેમ કરીએ.” તેણે જે આજ્ઞા કરી છે તે આ છે. 24 તે વ્યક્તિ જે દેવની આજ્ઞાઓનુ પાલન કરે છે તે દેવમાં રહે છે. અને દેવ તે વ્યક્તિમાં રહે છે. આપણે કેવી રીતે જાણીએ કે દેવ આપણામાં રહે છે? દેવે આપણને જે આત્મા આપ્યો છે તેના કારણે આપણે જાણીએ છીએ.
11 “હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંઓ માટે તેનું જીવન આપે છે. 12 જે ચાકરને ઘેટાં રાખવા પૈસા ચુકવાય છે તે ઘેટાંપાળકથી જુદો છે. પગારદાર ચાકર એ ઘેટાંનો ધણી નથી. તેથી ચાકર જ્યારે વરુંને આવતું જુએ છે ત્યારે તે ઘેટાંને એકલા મૂકીને નાસી જાય છે. પછી તે વરું ઘેટાં પર હુમલો કરીને તેઓને વિખેરી નાખે છે. 13 તે માણસ નાસી જાય છે કારણ કે તે એક માત્ર પગારદાર ચાકર છે. ખરેખર તે ઘેટાંની ચિંતા કરતો નથી.
14-15 “હું એક ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારા ઘેટાંને જાણું છું અને મારા ઘેટાં મને ઓળખે છે, જેમ પિતા મને ઓળખે છે તેમ હું મારા ઘેટાંને ઓળખું છું. હું મારું જીવન આ ઘેટાં માટે આપું છું. 16 મારી પાસે બીજા ઘેટાં પણ છે, તેઓ અહીં આ ટોળામાં નથી. મારે તેઓને પણ દોરવાની જરૂર છે. તેઓ મારા અવાજને ધ્યાનથી સાંભળશે. ભવિષ્યમાં ત્યાં એક જ ટોળું અને એક જ ઘેટાંપાળક હશે. 17 પિતા મને પ્રેમ કરે છે કારણ કે હું મારું જીવન આપું છું. હું મારું જીવન આપું છું તેથી હું તે પાછું મેળવું છું. 18 કોઈ વ્યક્તિ મારી પાસેથી મારું જીવન લઈ શક્તું નથી. પણ હું મારું પોતાનું જીવન મુક્ત રીતે આપું છું. મને મારું જીવન આપવાનો અધિકાર છે. અને મને તે પાછું મેળવવાનો પણ અધિકાર છે. મને મારા પિતાએ આ કહ્યું છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International