Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો!
તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો!
તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!
2 તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.
3 રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો;
સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
4 ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.
5 તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ,
ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો!
6 શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો!
તમે સૌ યહોવાની સ્તુતિ કરો!
શિક્ષા પછી પુન:સ્થાપનનું વચન
30 યહોવા પાસેથી યર્મિયાને બીજો સંદેશો મળ્યો. 2 ઇસ્રાએલના દેવ યહોવાના આ વચન છે. “મેં તને જે જે કહ્યું છે તે બધું એક પોથીમાં નોંધી લે. 3 કારણ કે ધ્યાનથી સાંભળ, તે દિવસ આવી રહ્યો છે કે, જ્યારે હું મારા લોકોના ઇસ્રાએલના અને યહૂદિયાના લોકોની સમૃદ્ધિને ફરીથી સ્થાપીશ, તેઓના પિતૃઓને જે ભૂમિ આપી હતી, એમાં હું તેઓને પાછા લાવીશ. તેઓ તેનો કબ્જો મેળવશે અને ફરીથી ત્યાં વસવાનું શરૂ કરશે.”
4 ઇસ્રાએલ અને યહૂદિયાના લોકોને યહોવા કહે છે: 5 આ યહોવાના વચન છે:
“મેં ભયની એક ચીસ સાંભળી છે,
નહિ કે શાંતિની.
6 “તમારી જાતને પૂછો,
વિચાર કરો કે કોઇ પુરુષ બાળકને જન્મ આપી શકે?
તો પછી હું કેમ દરેક માણસને
પ્રસૂતિએ આવેલી સ્ત્રીની જેમ કમરે હાથ દેતો જોઉં છું?
બધાના ચહેરા કેમ બદલાઇ ગયા છે,
ધોળા પૂણી જેવા થઇ ગયા છે?
7 “અરેરે! એ ભયંકર દિવસ આવી રહ્યો છે!
એના જેવો દિવસ કદી ઊગ્યો નથી,
યાકૂબના વંશજો માટે દુ:ખના દહાડા આવે છે.
પણ તેઓ સાજાસમા પાર ઊતરશે.”
8 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તે દિવસે હું તેમની ડોક ઉપરની ઝૂંસરી ભાંગી નાખીશ, અને તેમના બંધન તોડી નાખીશ. વિદેશીઓ ફરી કદી એમને ગુલામ નહિ બનાવે, 9 તેઓ પોતાના દેવ યહોવાની અને દાઉદની જેના એક વંશજને હું તેમનો રાજા બનાવનાર છું. તેની સેવા કરશે. એમ યહોવા કહે છે.
10 “અને તમે, યાકૂબના વંશજો,
મારા સેવકો ગભરાશો નહિ.
રે ઇસ્રાએલીઓ, તમારે ભય રાખવાની જરૂર નથી.
હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો
તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ,
અને તમે પાછા સુખશાંતિપૂર્વક રહેવા પામશો,
કોઇ તમને ડરાવશે નહિ,
11 કારણ કે હું તમારી સાથે છું અને હું તમારો બચાવ કરીશ,”
એમ યહોવા જણાવે છે.
“તમને જે પ્રજાઓમાં મેં વિખેરી નાખ્યા હતા
તે લોકોનો પણ જો
હું સંપૂર્ણ રીતે વિનાશ કરું
તોપણ હું તમારો વિનાશ કરીશ નહિ,
હું તમને તેવી જ રીતે અનુશાશિત કરીશ
અને તમે સાચે જ સજાથી ભાગી નહિ શકો.”
10 તેથી આપણે જોઈ શકીએ છીએ કે દેવનાં છોકરાં કોણ છે. વળી, આપણે જાણી શકીએ છીએ કે શેતાનનાં છોકરાં કોણ છે જે લોકો સાચુ જે છે તે કરતા નથી તે દેવનાં છોકરાં નથી. અને જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરતો નથી. તે પણ દેવનું બાળક નથી.
આપણે એક બીજા પર પ્રેમ કરવો જોઈએ
11 આરંભથી જે ઉપદેશ તમે સાંભળ્યો છે તે આ જ છે: આપણે એક બીજા પર પ્રેમ કરવો જોઈએ. 12 કાઈન[a] જેવા ન થાઓ. કાઈન દુષ્ટનો હતો. કાઈને તેના ભાઈ હાબેલને મારી નાખ્યો? કારણ કે કાઈનનાં કામો ભુંડાં હતાં અને તેના ભાઈ હાબેલનાં કામો સારાં હતાં.
13 ભાઈઓ અને બહેનો, આ જગતના લોકો જ્યારે તમને ધિક્કારે ત્યાંરે નવાઈ પામશો નહિ. 14 આપણે જાણીએ છીએ કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યાં છીએ. આપણે આ જાણીએ છીએ કારણ કે આપણે આપણા ભાઈઓ અને બહેનોને પ્રેમ કરીએ છીએ. જે વ્યક્તિ પ્રેમ કરતો નથી તે હજુ મરણમા છે. 15 પ્રત્યેક વ્યક્તિ જે તેના ભાઈનો દ્રેષ કરે છે તે ખુની છે. અને તમે જાણો છો કે કોઈ ખુનીમાં અનંતજીવન રહેતું નથી.
16 એથી આપણે જાણીએ છીએ કે સાચો પ્રેમ શું છે ઈસુએ પોતાનો પ્રાણ આપણા માટે આપ્યો. તેથી આપણે ખ્રિસ્તમાં આપણા ભાઈઓ અને બહેનો માટે આપણું જીવન સમર્પણ કરવું જોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International