Revised Common Lectionary (Semicontinuous)
12 જ્યારે પિતરે આ જોયું, તેણે લોકોને કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ, આમાં તમે શા માટે અચરજે પામો છો? તમે અમારા તરફ એ રીતે જોઈ રહ્યો છો જાણે અમારા સાર્મથ્યથી આ માણસ ચાલતો થઈ શક્યો છે. તમે વિચારો છો અમે સારા છીએ તેથી આમ બન્યું હતું? 13 ના! દેવે જ તે કર્યું છે! તે ઈબ્રાહિમનો, ઈસહાકનો તથા યાકૂબનો દેવ છે. તે આપણા બધા પૂર્વજોનો દેવ છે. તેણે તેના વિશિષ્ટ સેવક ઈસુને મહિમા આપ્યો છે. પણ તમે ઈસુને મારી નાખવા સુપ્રત કર્યો, પિલાતે ઈસુને છોડી મૂકવાનો નિર્ણય કર્યો હતો. પણ તમે પિલાતને કહ્યું કે તમારે ઈસુની જરુંર નથી. 14 ઈસુ પવિત્ર અને પ્રમાણિક હતો પણ તમે પવિત્ર અને પ્રમાણિક માણસની ઈચ્છા રાખી નહી. તમે ઈસુને બદલે એક ખૂનીને છોડી મૂક્વાનું પિલાતને કહ્યું. 15 અને તેથી તમને જે જીવન આપે છે તેને જ મારી નાખ્યો! પરંતુ દેવે તેને મૃત્યુમાંથી ઊઠાડ્યો. અમે તેના સાક્ષી છીએ-અમે અમારી આંખોથી તે જોયું છે.
16 “તે ઈસુનું પરાક્રમ હતું કે જેના વડે આ લંગડો માણસ સાજો થયો. આ બન્યું કારણ કે અમને ઈસુના નામમાં વિશ્વાસ હતો. તમે આ માણસને જોઈ શકો છો. અને તમે તેને જાણો છો. તે ઈસુ પરના વિશ્વાસને કારણે સંપૂર્ણ સાજો થયો હતો. જે કંઈબન્યું તે બધું તમે બધાએ જોયું હતું!
17 “મારા ભાઈઓ, હું જાણું છું કે તમે ઈસુ સાથે આમ કર્યુ કારણ કે તમે શું કરતાં હતા તે તમે જાણતાં નહોતા. તમારા અધિકારીઓ પણ સમજતા ન હતા. 18 દેવે કહ્યું કે આ વસ્તુઓ બનશે. દેવે બધા પ્રબોધકો મારફતે કહ્યું કે તેનો ખ્રિસ્ત દુ:ખ સહેશે અને મૃત્યુ પામશે. દેવે આ કેવી રીતે પૂર્ણ કર્યુ એ મેં તમને કહ્યું. 19 તેથી તમારે પસ્તાવો કરવો જોઈએ. દેવ પાસે પાછા ફરો અને તે તમારા પાપો માફ કરશે.
નિર્દેશક માટે, તારવાળાં વાજીંત્રો સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે,
મને ઉત્તર આપજો,
મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો,
મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.
2 હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો?
ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.
3 તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે.
તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.
4 તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ
ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.
5 યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો,
અને યહોવા પર ભરોસો રાખો.
6 એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે?
હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
7 હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે.
પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.
8 હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ;
હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.
આપણે દેવનાં છોકરાં છીએ
3 પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ કયો છે! એ જ બતાવે છે કે તેણે આપણને કેટલો પ્રેમ કયો છે! આપણે દેવનાં છોકરાં કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેનાં છોકરાં છીએ. પરંતુ જગતનાં લોકો સમજતા નથી કે આપણે દેવનાં છોકરાં છીએ, કારણ કે તેઓએ તેને ઓળખ્યો નથી. 2 વ્હાલા મિત્રો, હવે આપણે દેવના છોકરા છીએ. અને ભવિષ્યમાં આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. પણ આપણે જાણીએ છીએ કે જ્યારે ઈસુ ફરીથી આવશે ત્યારે આપણે ખ્રિસ્ત જેવા થઈશું. તે જેવો છે તેવો આપણે તેને જોઈશું. 3 ખ્રિસ્ત પવિત્ર છે. અને પ્રત્યેક વ્યક્તિ જેને ખ્રિસ્તમાં આશા છે તે પોતાની જાતને ખ્રિસ્ત જેવી પવિત્ર રાખે છે.
4 જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે, ત્યારે તે દેવના નિયમને તોડે છે. હા, પાપ કરવુ તે દેવના નિયમ વિરુંધ્ધ જીવવા જેવું છે. 5 તમે જાણો છો કે ખ્રિસ્ત લોકોનાં પાપોને દૂર કરવા આવ્યો હતો. ખ્રિસ્તમાં કોઈ પાપ નથી. 6 તેથી જે વ્યક્તિ ખ્રિસ્તમાં જીવે છે તે પાપ કરતો નથી. જે કોઈ વ્યક્તિ પાપ કરે છે, તે ખરેખર ખ્રિસ્તને સમજ્યો નથી અને કદી તેણે ખ્રિસ્તને ઓળખ્યો નથી.
7 વહાલાં બાળકો, કોઈ તમને ખોટા રસ્તે દોરે નહિ. ખ્રિસ્ત ન્યાયી છે. ખ્રિસ્તની જેમ સારા થવા માટે, વ્યક્તિએ જે ન્યાયી છે તે કરવું જોઈએ.
શિષ્યોને ઈસુના દર્શન
(માથ. 28:16-20; માર્ક 16:14-18; યોહ. 20:19-23; પ્રે.કૃ. 1:6-8)
36 જ્યારે તે બે માણસો આ વાત કહેતા હતા, ઈસુ પોતે શિષ્યોના સમૂહમાં ઊભો રહ્યો. ઈસુએ કહ્યું કે, “તમને શાંતિ થાઓ.”
37 શિષ્યો આશ્ચર્ય પામ્યા. તેઓ ગભરાઇ ગયા. તેઓએ વિચાર્યું કે તેઓ ભૂત જોઈ રહ્યા હતા. 38 પણ ઈસુએ કહ્યું કે, “તમે કેમ ગભરાઓ છો? તમે જે જુઓ છો તેમાં શંકા શા માટે કરો છો? 39 મારા હાથો અને પગો તરફ જુઓ. તે ખરેખર હું જ છું! મને સ્પર્શ કરો. તમે જોઈ શકશો કે મારી પાસે જીવંત શરીર છે; ભૂતને આના જેવું શરીર હોતું નથી.”
40 ઈસુએ તેઓને આમ કહ્યા પછી તેણે તેઓને તેના હાથોના અને પગોના ઘા બતાવ્યાં. 41 શિષ્યો આનંદથી આશ્ચર્યમાં પડી ગયા હતા. ઈસુ જીવતો હતો તે જોઈને તેઓ ખૂબ ખૂબ પ્રસન્ન થયા. હજુ તેઓએ જે જોયું તે માનવા તેઓ તૈયાર નહોતા. ઈસુએ તેઓને કહ્યું કે, “અહી તમારી પાસે કંઈ ખાવાનું છે?” 42 તેઓએ તેને એક રાંધેલી માછલીનો ટુકડો આપ્યો. 43 જ્યારે શિષ્યો જોતા હતા ત્યારે ઈસુએ માછલી લીધી અને તે ખાધી.
44 ઈસુએ તેઓને કહ્યું કે, “યાદ કરો જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું થવું જોઈએ.”
45 ઈસુએ ધર્મલેખો શિષ્યોને સમજાવ્યા. ઈસુએ તેના વિષે લખેલી વાતો સમજાવવામાં તેમને મદદ કરી. 46 પછી ઈસુએ તેઓને કહ્યું કે, “તે લખેલું છે કે ખ્રિસ્તને મારી નાખવામાં આવશે અને ત્રીજા દિવસે તે મૃત્યુમાંથી ઊઠશે. 47-48 તમે આ બધું થતા જોયું-તમે સાક્ષી છો. તમારે લોકોને જઇને કહેવું જોઈએ કે તેઓના પાપો માફ થઈ શકશે. તેઓને કહો કે તેઓએ પસ્તાવો કરવો જોઈએ અને તેઓનાં પાપો માટે દિલગીર થવું જોઈએ. જો તેઓ આમ કરશે, તો દેવ તેઓને માફ કરશે. તમારે યરૂશાલેમથી શરુંઆત કરવી જોઈએ અને મારા નામે આ બાબતનો ઉપદેશ આપવો જોઈએ. આ સુવાર્તા દુનિયાના બધા લોકોને કહેવી જોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International