Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે, તારવાળાં વાજીંત્રો સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે,
મને ઉત્તર આપજો,
મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો,
મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.
2 હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો?
ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.
3 તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે.
તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.
4 તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ
ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.
5 યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો,
અને યહોવા પર ભરોસો રાખો.
6 એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે?
હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
7 હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે.
પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.
8 હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ;
હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.
પિતર લંગડા માણસને સાજો કરે છે
3 એક દિવસે પિતર અને યોહાન મંદિરમાં ગયા. તે વખતે બપોરનાં ત્રણ વાગ્યા હતા. આ સમય મંદિરની દૈનિક પ્રાર્થના કરવાનો હતો. 2 જ્યારે તેઓ મંદિરના પ્રાંગણમાં જતાં હતાં ત્યારે એક માણસ ત્યાં હતો. આ માણસ તેના જન્મથી અપંગ હતો. તે ચાલી શકતો ન હતો, તેથી કેટલાક મિત્રો તેને ઊચકીને લઈ જતા. તેના મિત્રો તેને રોજ મંદિરે લાવતા. તેઓ મંદિરના બહારના દરવાજાની એક તરફ તે લંગડા માણસને બેસાડતા. તે દરવાજો સુંદર નામે ઓળખાતો. ત્યાં મંદિર જતા લોકો પાસે તે માણસ પૈસા માટે ભીખ માગતો. 3 તે દિવસે તે માણસે પિતર અને યોહાનને મંદિરના પ્રાંગણમાં જતા જોયા. તેણે તેઓની પાસે પૈસા માંગ્યા.
4 પિતર અને યોહાને તે અપંગ માણસ તરફ જોયું અને કહ્યું, “અમારા તરફ જો!” 5 તે માણસે તેઓના તરફ જોયું, તેણે વિચાર્યુ તેઓ તેને થોડા પૈસા આપશે. 6 પણ પિતરે કહ્યું, “મારી પાસે સોનું કે ચાંદી કંઈ નથી. પણ મારી પાસે તને આપી શકાય તેવું બીજું કંઈક છે: ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ઊભો થા અને ચાલ!”
7 પછી પિતરે તે માણસનો જમણો હાથ પકડ્યો અને તેને ઉઠાડ્યો. તરત જ તે માણસના પગોમાં અને ઘૂંટીઓમાં જોર આવ્યું. 8 તે માણસ કૂદયો, તેના પગ ઉપર ઊભો રહ્યો અને ચાલવા લાગ્યો. તે તેઓની સાથે મંદિરમાં ગયો. તે માણસ ચાલતો, કૂદતો અને દેવની સ્તુતિ કરવા લાગ્યો. 9-10 બધા લોકોએ તેને ઓળખ્યો. લોકોએ જાણ્યું કે તે એ જ અપંગ માણસ હતો જે હંમેશા સુંદર નામના દરવાજા પાસે પૈસાની ભીખ માગવા બેસતો હતો. હવે તેઓએ તે જ માણસને ચાલતો અને સ્તુતિ કરતો જોયો. લોકો આશ્ચર્યચકિત થયા. આમ કેવી રીતે બન્યું તે તેઓ સમજી શક્યા નહિ.
સેવક જેવા બનો
24 પાછળથી પ્રેરિતો વિષે અંદરો અંદર દલીલો કરવા લાગ્યા કે તેઓના બધામાં મુખ્ય કોણ. 25 પછી ઈસુએ તેઓને કહ્યું કે, “દુનિયાના રાજાઓ તેમની પ્રજા પર શાસન કરે છે. જે માણસોનો બીજા લોકો પર અધિકાર હોય છે તેઓ તે લોકોના મહાન પરાપકારી હોવાનું ‘લોકો પાસે કહેવડાવે છે.’ 26 પણ તમારે તેમના જેવું થવું ના જોઈએ. સૌથી મુખ્ય વ્યક્તિએ સૌથી નાની વ્યક્તિ જેવા થવું જોઈએ, આગેવાનોએ સેવકો જેવા થવું જોઈએ. 27 કોણ વધારે અગત્યનું છે, જે વ્યક્તિ મેજ પાસે બેસે છે તે કે જે વ્યક્તિ તેની સેવા કરે છે તે? ખરેખર જે વ્યક્તિ મેજ પાસે બેસે છે તે વધારે અગત્યની છે, પણ હું તો તમારી વચ્ચે એક સેવક જેવો છું!
28 “તમે લોકો મારા પરીક્ષણ સમયમાં મારી સોથે રહ્યા છો. 29 મારા બાપે મને એક રાજ્ય આપ્યું છે. હું પણ તમને મારી સાથે શાસનનો અધિકાર આપું છું. 30 મારા રાજ્યમાં તમે મારી સાથે ખાશો અને પીશો. તમે ઈસ્ત્રાએલના બાર કુળોનો ન્યાય કરવા રાજ્યાસનો પર બિરાજશો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International